આ મારું અને આ તારું એવો ભેદ ભાન ભુલાવે છે |
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
બાર
ભાવનાઓ જળ ભરેલી વાદળીઓ જેવી છે. એ વરસે છે ત્યારે વાતાવરણ સ્વચ્છ અને
હરિયાળું બને છે અને ચોમેર મહેક પ્રસરે છે. જીવનને સ્વચ્છ, નિર્મળ અને મધુર
બનાવવા આ ભાવનાઓનું સતત ચિંતન અને મનન જરૂરી બની રહે છે. સંસાર અને
દુન્યવી સુખો માટેની આપણી જે ભ્રમણાઓ છે તેને દૂર કરે છે અને સત્યના દર્શન
કરાવે છે. આમાં કશું છોડવા કરતાં મનથી મુક્ત થઇ જવાનો બોધ છે.
અનિત્ય ભાવનામાં આપણે એ જાણ્યું કે જગતની પ્રત્યેક વસ્તુ નાશવંત છે, કશું કાયમી નથી. અશરણ ભાવનામાં આપણે જોયું કે મનુષ્ય ગમે તેટલો બળવાન, શક્તિવાન હોય, પરંતુ હકીકતમાં કુદરત પાસે તે અસમર્થ છે. અંત આવે છે ત્યારે કોઇનું શરણ કામ આવતું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. મોહ અને આસક્તિમાં માણસ કેદ છે. એકત્વ ભાવનામાં એ જાણવા મળ્યું કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. કશું સાથે આવવાનું નથી. પાપ અને પુણ્ય જે કાંઇ કરીશુ તેનું ફળ એકલાએ ભોગવવાનું છે. હવે આપણે અન્યત્વ ભાવનાને સમજવાનો પ્રયાસ કરીએ. અન્યત્વ ભાવનાનું ચિંતન મોહ અને આસક્તિ દૂર કરવાનો ઉપાય છે. સંસારમાં આપણે સૌ મોહને વશ છીએ. પછી એ મોહ પત્ની, પુત્રો, પરિવાર કે ધન, પદ અને પ્રતિષ્ઠા માટે હોય, પરંતુ આ મોહ આપણને બંધનમાં રાખે છે. જે વસ્તુમાં મોહ હોય છે ત્યાં જીવ ચોંટી જાય છે. તેના સિવાય આપણને બીજું કશું દેખાતું નથી. મોહ એ માયાજાળ છે, તે આપણને બાંધી રાખે છે અને તારા-મારાનો ભેદ કરાવે છે. આ પુત્ર મારો, આ પરિવાર મારો, આ ઘર મારું, આ ધન મારું તેનું સતત રટણ રહે છે અને જયાં મારું છે ત્યાં દુ:ખ અને સંતાપ છે. જેને મારું માન્યું છે તે હાથમાંથી છટકી જશે તો જીવન જીવવા જેવું રહેશે નહીં. ખાલીપાનો અનુભવ થશે. જેના પ્રત્યે મોહ હોય તેનું મૃત્યુ પણ માણસને અકળાવી નાખે છે. આવું બને છે ત્યારે તેના જીવનનો એક હિસ્સો તૂટી જાય છે. અન્યત્વ ભાવના આમાંથી છૂટવાનો માર્ગ બતાવે છે. બધું હોય અને તેમાં આનંદ માણતા હોઇએ પણ એમ સમજવું કે આ બધું મારું નથી. ગમે ત્યારે ચાલ્યું જઇ શકે છે. હકીકતમાં આ જગતમાં આપણું કશું નથી એવું જ્ઞાન આ ભાવનાના ચિંતનમાંથી પ્રગટે છે. આ જગતમાં જે કાંઇ બીજાનું છે, જે કાંઇ આપણા હાથમાં આવ્યું નથી અને આપણે તેના માલિક બન્યા નથી અને જે કાંઇ દૂર છે અને આપણી પહોંચમાં નથી તેને આપણે આપણું માનતા નથી. તેનું ગમે તે થાય તેની આપણને ચિંતા નથી. બીજાનું મકાન બળી જાય, બીજાને અકસ્માત થાય કે બીજાની કોઇ કિંમતી વસ્તુ ચોરાઇ જાય કે ગુમ થાય આપણને દુ:ખ થશે નહીં, કારણ કે તે વસ્તુ આપણી નથી. પણ આપણી નાની એવી વસ્તુ ગુમ થાય કે ચોરાઇ જાય તો આપણે વલોપાત અનુભવીશું, કારણ કે તે વસ્તુ આપણી હતી. જે કાંઇ આપણી પાસે છે તે આપણું નથી એવો ભાવ રાખવાનો છે. જીવનમાં જે કાંઇ સુખ મળે તેને પકડીને બેસી જવાનું નથી, તેનાથી થોડું છેટું રાખવાનું છે. સુખનાં જે સાધનો છે તે કાયમી નથી. માણસ સુખ આવે ત્યારે વળગીને બેસી જાય છે અને દુ:ખ આવે છે ત્યારે તેનાથી દૂર ભાગવાનો પ્રયાસ કરે છે. સુખનું વળગણ પણ માણસને પરેશાન કરે છે. દુ:ખ એ તપ છે અને હકીકતમાં એમાંથી જ સુખ ઊભું થવાનું છે પણ એ ક્યારે બને કે જ્યારે કોઇ પણ વસ્તુનું મમત્વ ન રહે. કોઇ પણ વસ્તુ હોય કે ન હોય કોઇ જાતનો ફરક પડવો જોઇએ નહીં. મન સ્થિર અને શાંત રહેવું જોઇએ. વસ્તુની પ્રાપ્તિ અને અભાવ બંનેમાં આનંદ માણવો જોઇએ. મોટરકાર છે તો તેમાં બેસી આનંદ માણવો અને તે ન હોય તો ટ્રેનમાં, રિક્ષામાં કે પગે ચાલીને જવામાં પણ આનંદ માણવો. બંગલા કે મોટા ફ્લેટમાં રહેતા હોઇએ તેની મજા માણવી અને નાના ઘરમાં રહેવા જવાનો સમય આવે તો તેનો વસવસો રહેવો જોઇએ નહીં. સુખ અને દુ:ખ બંનેને સમાન માનવાં અને આ બધું છેવટે તો આપણા હાથમાં રહેવાનું નથી, તેને અહીં રાખીને જ જવાનું છે. ઘર મોટું હોય કે નાનું કશો ફરક પડતો નથી પણ મન મોટું હોવું જોઇએ. મન મોટું હશે તો ઝુપડી પણ મહેલ છે અને મન જો સાંકડું હશે તો મહેલ પણ ઝૂંપડી જેવો બની જશે. જ્યાં પ્રેમ, આનંદ, સાથ, સહકાર, કરુણા અને સંવેદના નથી એ ઘરો કબ્રસ્તાન જેવાં છે. સ્વાર્થ, લોભ અને સંકુચિત દૃષ્ટિ હોય ત્યાં સાચું સુખ આવે નહીં. કોઇ પણ વસ્તુ આપણી હતી નહીં, છે નહીં અને થશે નહીં. આજે આપણે તેના માલિક છીએ,કાલે કોઇ બીજો હશે અને ધીરે ધીરે તે સમાપ્ત થઇ જશે. અન્યત્વ ભાવનાનો બોધ છે અન્યનું લેવું નહીં, ચોરી કરવી નહીં. કોઇનું છીનવી લેવું નહીં અને કપટ અને છેતરપિંડી કરવી નહીં. આ બધા માર્ગો દ્વારા જે કાંઇ મળશે તેનાથી પાપ અને કર્મો બંધાશે. બીજાનું જે છે તે તો લેવાનું નથી પણ સાથે સાથે આપણી પાસે જે કાંઇ છે તેને પણ આપણું માનવાનું નથી. આપણે તેના ટ્રસ્ટી છીએ, રખેવાળ છીએ. તેનો સંયમપૂર્વક ઉપયોગ કરવાનો છે. ધન જેટલું સત્કાર્યો માટે વપરાશે તેટલું અર્થપૂર્ણ બનશે. અન્યત્વ ભાવનાનું ચિંતન આપણને શીખવે છે કે કોઇપણ વસ્તુ પ્રત્યે રાગ-દ્વેષ અને મમત્વ રાખવું નહીં. તેની પાછળ દોટ મૂકવી નહીં. કોઇ પણ વસ્તુ મળે તો ઠીક છે ન મળે તો પણ કોઇ પરેશાની નથી એવો ભાવ રાખવો. જીવનમાં સુખ દુ:ખ જે કાંઇ આવે તેનો સ્વીકાર કરવો. જીવનનું ચક્ર ફર્યા કરે છે, પરિવર્તન એ જીવનનો નિયમ છે. આજે જે છે તે કાલે નહીં હોય, કાલે કાંઇક બીજું આવશે. તે સારું છે કે ખરાબ તેનો આધાર આપણે તેને કેવી રીતે સ્વીકારીએ છીએ તેના પર છે. દુનિયા બદલતી રહે છે. આપણે સનાતન સત્યોને જાળવી રાખીને તેની સાથે સમરસ બનવાનું છે. જીવનનું સત્ય તો એનું એ જ રહે છે. સમય બદલાવાની સાથે દૃષ્ટિ બદલાઇ જાય છે. આ ભાવનાનો બોધ એ પણ છે કે બીજા સાથેના સંબંધમાં ક્યાંય પણ ઊણપ હોય તો તે આપણી છે. બીજો તેને માટે દોષિત નથી. દરેક જીવ આપણું પોતાનું સ્વરૂપ છે એટલે કોઇપણ પ્રત્યે કોઇ પણ જાતનો હિંસાનો ભાવ રાખવાનો નથી સામે ઊભેલો માણસ બીજો કોઇ નથી તે આપણું જ પ્રતિબિંબ છે એમ સમજવું. આપણે આપણી નજર બીજા તરફ નહીં પણ આપણા પોતાના પર રાખવાની છે. બીજો શું કરે છે, નથી કરતો તે મહત્ત્વનું નથી પણ આપણે શું કરવાનું છે તે વધુ મહત્ત્વનું છે. આ તારું, આ મારું એવો ભેદ ભાન ભુલાવે છે. માણસ મોહમાયાના બંધનમાં જકડાયેલો છે. મોહ માણસને મૂર્ચ્છિત કરી નાખે છે. જે વસ્તુમાં મોહ હોય એ સિવાય બીજું કશું દેખાતું નથી. મોહનો અર્થ છે આપણે આપણામાં નહીં પણ બીજી વસ્તુમાં જીવી રહ્યા છીએ. આપણે આપણો જીવ આપણામાંથી હટાવીને બીજે ક્યાંય રાખી દીધો છે. મોહાંધ માણસ પોતાની રીતે જીવતો નથી. જે વસ્તુમાં મોહ હોય તેમાં મન કેન્દ્રિત થાય છે. મોહ અને આસક્તિમાંથી છૂટવાનું મુશ્કેલ છે. કોઇનો મોહ તિજોરીમાં છે, કોઇનો મોહ સ્ત્રીમાં છે તો કોઇનો મોહ પદ-પ્રતિષ્ઠામાં છે. જ્યાં જીવ ધબકવો જોઇએ ત્યાં ધબકતો નથી, કોઇ બીજી વસ્તુમાં ધબકે છે. મોહ અને આસક્તિ માણસને ગુલામ બનાવે છે, જ્યાં પણ જીવ રાખી દીધો તેનો માણસ દાસ બની જશે. તેના સિવાય બીજું કશું દેખાશે નહીં. તે વસ્તુ તેના જીવનમાંથી છીનવાઇ જશે તો તે જીવતો મરેલો બની જશે. મોહમાં માણસને બીજાના આધારે જીવવું પડે છે. આપણા જીવનનું કેન્દ્ર આપણે છીએ બીજો કોઇ નથી. તેથી કોઇની ઇર્ષા કે અદેખાઇ કરવાની નથી. સૌ પોતાના ગુણધર્મો અનુસાર કશુંક મેળવે છે અને કશુંક ગુમાવે છે. જીવનમાં બધું એકસાથે કોઇને મળતું નથી. તમે જ્યારે કાંઇક મેળવો છો ત્યારે કાંઇક ગુમાવો પણ છો,પણ આપણને તેનો ખ્યાલ આવતો નથી. માણસ ધન, દૌલત, શાન, શોહરત મેળવે છે. ત્યારે સાથે સાથે મનની શાંતિ ગુમાવતો જતો હોય છે. સુખ અને દુ:ખ બંનેમાં તણાવ છે. સુખ પણ માણસને અંદરખાનેથી તોડી નાખે છે. અન્યત્વ ભાવનાનો સાર એ છે કે માણસે અન્ય તરફ નહીં પણ પોતાના પર દૃષ્ટિ રાખવાની છે. આ તારું અને આ મારું એવો ભેદ મનમાં લાવવાનો નથી અને પોતાના અંત:કરણને તપાસતા રહેવાનું છે અને મોહ તેમ જ આસક્તિને દૂર કરીને અપરિગ્રહી બનવાનું છે. આ બધી ભાવનાઓ જીવનનાં બંધનોને તોડવાનો અને પરમાત્મા તરફ જવાનો માર્ગ ચીંધે છે. (હવે પછી અશુચિ ભાવના) |
Pages
▼
No comments:
Post a Comment