Pages

Friday, March 11, 2016

નેહરૂ -ગાંધી કુટુંબની રાજકારણીઓ પર પક્કડ - ચંદ્રકાંત બક્ષી

એક દેવતા હોય, ત્રિમૂર્તિ હોય, મંદિર હોય, નમોનમ: હોય

હિંદુસ્તાનમાં જો રાજકારણી બનવું હોય તો નહેરુ ગાંધી-પરિવારથી દૂર રહીને બની શકાય નહીં. એક ત્રિમુખ મૂર્તિની સ્થાપના કરીને મંદિર બાંધવું જોઈએ. આ ત્રિમૂર્તિ માત્ર મનુષ્યો નથી. એમની પ્રસ્થાપના થવી જોઈએ. આરાધના થવી જોઈએ અને નહેરુણાં, ઈંદિરાણાં, રાજીવાણાં નમોનમ: જેવા કંઈક ષ્લોકો રચાવા જોઈએ



બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


હિંદુસ્તાનમાં દેવીદેવતાઓ ચતુર્ભુજ અને અષ્ટભુજા હોય છે. બેથી વધારે હાથવાળી દેવીઓ છે, દસ મોઢાંવાળા રાક્ષસો છે. એક હાથમાં શસ્ત્ર હોય છે, બીજા હાથમાં શાસ્ત્ર હોય છે. પણ આ ભારતવર્ષમાં નેતાઓને કોઈ દેવતા નથી. હોવો જોઈએ અને જો હોય તો એની દસ જીભો હશે, કારણ કે નેતા જેટલી ભાષામાં બોલે છે એ બધી ભાષાઓના જુદા જુદા અર્થો નીકળે છે. ડાહ્યા નેતાઓ પણ એવું બોલી નાખતા હોય છે કે આપણને આશ્ચર્ય થવા લાગે છે. ૧૯૮૨ના જાન્યુઆરીમાં અમદાવાદમાં કૉંગ્રેસી કાર્યકરો સમક્ષ બોલતાં કેન્દ્રના અર્થમંત્રીએ કહ્યું હતું: ‘રાજીવે એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેટલી એના નાના જવાહરલાલ આખી જિંદગીમાં સિદ્ધ કરી શક્યા ન હતા!’ આ વાક્ય બોલનાર વ્યક્તિનું નામ: અત્યારના રાષ્ટ્રપતિ રામસ્વામી વ્યંકટરમણ.

૧૯૮૨ના જાન્યુઆરીમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ સી.પી.એન. સિંહે કહ્યું હતું: ‘શ્રીમતી ગાંધી એક દેવી છે. એમની પૂજા થવી જોઈએ.’ મને લાગે છે કે આ દેશના નેતાઓનો કોઈ ઈશ્વર નથી, જેમ સંતોષી માતા નામની કોઈ માતા આપણા ગ્રંથો, શાસ્ત્રો, પ્રણાલિકામાં નથી પણ હવે સંતોષી માતાના મંદિરો પણ થવા લાગ્યાં છે એમ જ નેતાઓનો એક દેવતા હોવો જોઈએ. અને મને લાગે છે કે એ દેવતા ત્રિમુખી-ત્રિમૂર્તિ જેવો હોવો જોઈએ. વચ્ચે શ્રીમતી ઈંદિરા ગાંધીનું મોઢું હોય, ડાબી-જમણી તરફ પંડિત જવાહરલાલ નહેરુ અને રાષ્ટ્રપુત્ર રાજીવરત્ન ગાંધીનાં મોઢાં હોય, બ્રહ્મા, વિષ્ણુ, મહેશના ત્રિમૂર્તિ મૉડેલ કે અશોકચક્રના ત્રિ-સિંહમુખના મૉડેલ પરથી આ રાષ્ટ્રીય દેવતાત્રયી બનાવી શકાય. આપણા ચાળીસ વર્ષના સ્વાતંત્ર્ય-અનુભવ પછી આ દેવતાની જરૂરત વિશે કોઈને શંકા કે કારણ હોઈ શકે નહીં.

‘જો મારી નેતાએ (ઈંદિરાજી) મને કહ્યું હોત કે ઝાડું લઈને સાફ કરો તો મેં કર્યું હોત. એમણે જ મને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કર્યો છે.’ આ વાક્ય કોણ બોલી શકે? ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝૈલસિંહ! ઝૈલસિંહની આ પરિવાર માટેની વફાદારી વિશ્વવિખ્યાત છે. એમણે સંજય માટે કહ્યું હતું: સંજય ગાંધી મારા ‘રહનૂમા’ (પથદર્શક, તારણહાર) છે, એમણે રાજીવ ગાંધી વિશે કહ્યું હતું: રાજીવ ગાંધી બીજા જવાહરલાલ નહેરુ બનશે.

ઈંદિરા ગાંધી - રાજીવ ગાંધીના કાળમાં એક દરબારી સંસ્કૃતિ પનપી છે, શ્રીમતી ગાંધીએ ભારતીય રાજનીતિમાં ચમચાવાદને પ્રતિષ્ઠા આપી. બોલવા પર હવે લગામ રાખવાની જરૂર ન હતી અને રાગ દરબારી દિવસના ગમે તે સમયે ગાઈ શકાતો હતો. ૧૯૮૦માં સંજયની વિચારધારા વિશે જગદીશ ટાઈટલરે કહ્યું હતું: ‘એક વાર ભારતીય અર્થશાસ્ત્રની ચર્ચા દરમિયાન સંજયે કહ્યું હતું કે ગરીબીની વ્યાખ્યા સતત બદલાતી રહે છે... આ વાત એ આરોપનું ખંડન કરે છે કે સંજય પાસે કોઈ ફિલસૂફી ન હતી.’ કર્ણાટકના મુખ્ય પ્રધાન ગુન્ડુરાવ ૧૯૮૦માં મોટા માણસ હતા, દક્ષિણ ભારતની કૉંગ્રેસના મજબૂત સ્તંભ હતા. ગુન્ડુરાવ બોલ્યા: ‘શ્રીમતી ગાંધી અને સંજય ગાંધી મારી બે આંખો છે. મારે બે નેતાઓ છે, અને એમનો ટેકો છે ત્યાં સુધી હું અહીં મુખ્ય પ્રધાન તરીકે રહીશ. અમે બધા જ ઈંદિરાપોષક નાટક મંડળીના સભ્યો છીએ.’ ૧૯૮૦ના જાન્યુઆરીની ૧૯મી તારીખે ગુન્ડુરાવે બ્લિટ્ઝને કહ્યું હતું: ‘હું તો ઈંદિરાજાતિનો માનુષ છું.’

સિંહાસનપ્રિય થવાની સ્પર્ધા જીવલેણ હોય છે. શ્રીમતી ગાંધીએ એના વિકાસમાં જબરદસ્ત ભાગ ભજવ્યો છે. સંજયનું અવસાન થયું ત્યારે કૉંગ્રેસી નેતાએ એને જિઝસ ક્રાઈસ્ટ સાથે સરખાવ્યો હતો. કારણ કે બંનેની ઉંમર મૃત્યુ સમયે ૩૩ વર્ષની હતી. ૧૯૮૧માં અર્જુનસિંહે શ્રીમતી ગાંધીને કબીર સાથે સરખાવ્યાં હતાં. જિઝસ ક્રાઈસ્ટથી કબીર સુધીની પ્રતિભાઓ જ નહેરુ પરિવારમાં નથી. હજી રાજીવજી આવવાના બાકી હતા. રાજીવ ગાંધીએ કૉંગ્રેસની શતવાર્ષિકી સમયે મુંબઈમાં પ્રવચન આપ્યું હતું ત્યારે ગોવાના કૉંગ્રેસી સંસદસભ્ય બોલી ઊઠ્યા: આ પ્રવચન ભગવદ્ ગીતા, બાઈબલ કે કુરાન જેવું છે.

હિંદુસ્તાનની પ્રજા સલીબ પર લટકેલા જિઝસ ક્રાઈસ્ટની કક્ષાએ આવી રહી છે.

એક શ્રીકાંત વર્મા હતા. કૉંગ્રેસના મહામંત્રી હતા. એમણે લખ્યું: ‘રાજીવ અજાતશત્રુ છે. રાજીવ માત્ર સત્ય જ બોલે છે... મહાન ઍલેકઝાંડરને ચમચાઓથી ઘેરાયેલા રહેવું પસંદ હતું, રાજીવ હીરો છે અને છતાં પણ એમને ચમચાઓથી ઘેરાયેલા રહેવું ગમતું નથી.’ શ્રીકાંત વર્મા કેન્સરના ઈલાજ માટે ન્યૂ યોર્ક ગયા હતા, ગુજરી ગયા. રાજીવજીએ કહ્યું: ‘શ્રીકાંત વર્માની કલમ અને જીભે હંમેશાં ભારતના શ્રેયની વાત કરી છે.’

રાષ્ટ્રપતિ ઝૈલસિંહે કહ્યું હતું: ‘શ્રીમતી ગાંધી ઈશ્વરની આ દેશને મહામૂલી ભેટ છે.’ આ વાત માર્ચ ૧૯૮૩ની છે. સદાબહાર કેન્દ્રમંત્રી વસંત સાઠે એપ્રિલ ૧૯૮૬માં બોલ્યા હતા: ‘અમારી એક જ પૉલિસી છે: રાજીવ ગાંધી ઝિન્દાબાદ!’ અને જુલાઈ ૧૯૮૬માં રાજીવ ગાંધીએ કહ્યું હતું: ‘મને સારા મંત્રીઓ મળતા નથી. દંભની ભાષા બધાને ફાવતી નથી. રાજકારણમાં ડાહ્યા અને ગાંડાનો કદાચ હવે બહુ ફર્ક પણ રહ્યો નથી.’ એપ્રિલ ૧૯૮૭માં કેન્દ્રમંત્રી વિઠ્ઠલરાવ ગાડગીલ બોલ્યા હતા: ‘દેશ પાસે હવે કૉંગ્રેસ સિવાય બીજો કોઈ ઉપાય નથી અને કૉંગ્રેસ પાસે શ્રી રાજીવ ગાંધી સિવાય કોઈ ચારો નથી.’ વૃદ્ધ બાબુ કમલાપતિ ત્રિપાઠી એનાથી પણ એક કદમ આગળ ૧૯૮૫માં જ પહોંચી ગયા હતા. એમણે મે ૧૯૮૫માં કહી દીધું હતું: જ્યાં નહેરુ પરિવાર છે ત્યાં જ કૉંગ્રેસ પક્ષ છે. અને રાજીવજી સ્વયં ૧૯૮૫માં શું કહેતા હતા? એમણે ફેબ્રુઆરી ૧૯૮૫માં કહ્યું હતું: ‘હું તો એરલાઈન પાઈલટ તરીકે ખૂબ જ સુખી હતો. પણ સંજોગોએ મને પ્રધાનમંત્રી બનાવી દીધો.’ જોકે સંજયના વફાદાર જગદીશ ટાઈટલર ઑક્ટોબર ૧૯૮૫ સુધી માનતા હતા કે... સંજયના સુકૃત્યોની રાજીવે સળંગતા સાચવી છે, સંજય જે સારા કામો કરી ગયો એ રાજીવ આગળ ધપાવે છે...

વિરોધી રામકૃષ્ણ હેગડેએ ખટાશથી, કટુતાથી ડિસેમ્બર ૧૯૮૬માં કહ્યું: ‘મહમ્મદ બિન તુઘલખના જમાનાથી આજ સુધી દિલ્હીએ એવો બેજવાબદાર નેતા જોયો નથી.’

હિંદુસ્તાનમાં કોણ કોની સાથે છે અને કોણ કોની સાથે નથી એનો તાળો મેળવવો અઘરું કામ છે. નહીં તો આવાં વિધાનોનો શો અર્થ સમજવો? મહારાષ્ટ્રમાં શિવાજીવંશી એક મુખ્ય પ્રધાન હતા. નામ બાબાસાહેબ ભોસલે. એમના જમાનામાં શ્રીમતી ગાંધી અને પુત્રવધૂ મેનકા ગાંધી વચ્ચે કૌટુંબિક કલેશ થયો હતો અને મેનકાએ એના પુત્ર ફીરોઝ વરુણ સાથે ગૃહત્યાગ કરવો પડ્યો હતો. બાબાસાહેબ ભોસલેને કોઈકે પૂછ્યું અને બોલ્યા: ‘આ એક ષડયંત્ર છે, વિદેશી તાકાતોએ આપણાં આંતરિક તત્વો  સાથે મળીને એક સાઝિશ કરી છે અને આશય સ્પષ્ટ છે. એ લોકો આપણા દેશમાં રાજકીય અસલામતી અને અસ્થિરતા ફેલાવવા માગે છે.’

હિંદુસ્તાનનું રાજકારણ સમજવું સરળ નથી.

હિંદુસ્તાનમાં જો રાજકારણી બનવું હોય તો નહેરુ ગાંધી-પરિવારથી દૂર રહીને બની શકાય નહીં. એક ત્રિમુખ મૂર્તિની સ્થાપના કરીને મંદિર બાંધવું જોઈએ. આ ત્રિમૂર્તિ માત્ર મનુષ્યો નથી. એમની પ્રસ્થાપના થવી જોઈએ. આરાધના થવી જોઈએ. અને નહેરુણાં, ઈંદિરાણાં, રાજીવાણાં નમોનમ: જેવા કંઈક શ્લોકો રચાવા જોઈએ. કમથી કમ, કૉંગ્રેસ (આઈ) વાળાઓ માટે.

No comments:

Post a Comment