Pages

Tuesday, March 8, 2016

એકત્વ ભાવના- મહેન્દ્ર પુનાતર

ન કોઈ સાથી, ન કોઈ સંગી, આપણે એકલાઅટૂલા
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર, ભાવનાના ચિંતનથી મનુષ્ય પોતાના જીવનને, વિચારને, કાર્યને શુદ્ધ બનાવી શકે છે આ ભાવનાઓનું ચિંતન-મનન જીવનનું દર્પણ છે. આમાં આપણે કેવા છીએ તેનું પ્રતિબિંબ પડે છે. આપણા વિચારો કેવા છે, આચાર કેવા છે અને આપણું કાર્ય કેવું છે તેના પરથી જીવનનું ઘડતર થાય છે. આ બાર ભાવનાઓ આપણા મનમાં અને તનમાં રહેલા કચરાને દૂર કરી જીવનને શુદ્ધ બનાવે છે. આ ચિંતન આત્મપરીક્ષણ છે. મનુષ્ય તરીકેનું આપણું કર્તવ્ય શું છે અને આ મનુષ્ય દેહ મળ્યો છે તે સાર્થક બને તે માટે શા પ્રયત્નો કરવા જોઈએ તેનું માર્ગદર્શન આ ભાવનામાંથી મળી રહે છે. ધર્મ અને વૈરાગના ભાવને વધુ દૃઢ કરવાની આ પૂર્વભૂમિકા છે.

જાણીતા જૈન વિદ્વાન ડૉ. રમણલાલ ચી. શાહે ‘જૈન આચાર દર્શન’ પુસ્તકમાં જણાવ્યું છે કે ‘મન અને પાંચ ઈન્દ્રિયો જેમ મનુષ્ય જન્મની મોટામાં મોટી સિદ્ધિ અને ઉપલબ્ધિ છે તેમ આ પાંચ ઈન્દ્રિયો કેટલાયે જીવો માટે મોટામાં મોટી ક્ષતિરૂપ નિવડવા સંભવ છે. મનુષ્યને દુર્ગતિથી ખીણમાં ગબડાવી દેવાની શક્તિ પણ તેમાં રહેલી છે. માણસ જો પોતાની આ પાંચે ઈન્દ્રિયોને સંયમમાં રાખી શકે અને તેના પર વિજય મેળવી શકે તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાયો પર વિજય મેળવી શકે છે. કષાયો શાંત થતાં ચિત્ત પણ શાંત થાય છે અને મનશુદ્ધિ થાય છે અને રાગ-દ્વેષ હળવા બને છે. ભાવના યોગથી શુદ્ધ થયેલો આત્મ જલમાં નાવની જેમ તરે છે અને કિનારે પહોંચે છે. તેવી રીતે શુદ્ધ આત્મા લક્ષ સ્થાનેપહોંચે છે.’

બાર ભાવના દ્વારા કષાયો દૂર થઈ શકે છે અને આત્માના ગુણો વિકસે છે, અનિત્ય ભાવનામાં આપણે જોયું કે સંસારની પ્રત્યેક વસ્તુ નાશવંત છે. અહીં કશું કાયમી નથી. અશરણ ભાવનામાં જોયું કે મનુષ્ય ભલે ગમે તેટલી બડાઈ મારે પણ કેટલો અસમર્થ છે. ધન, સત્તા અને સંપત્તિથી તે ગમે તેટલો તાકાતવર હોય પણ અંતિમ સમયે કોઈનું શરણ કામ આવતું નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે આ સંસાર રાગ-દ્વેષનો સંગ્રામ છે. મોહ અને આસક્તિના કારણે આપણે સંસારમાં બંધાયેલા છીએ હવે આપણે એકત્વ ભાવના અંગે જાણવાનો પ્રયાસ કરીશું.

એક બાબત આપણે સારી રીતે સમજી લેવી જોઈએ કે આ સંસારમાં આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. આપણી સાથે કોઈ આવવાનું નથી. આપણે કશું સાથે લઈ જવાના નથી. ધન, દોલત, વાડી, બંગલા જે કાંઈ હશે તે બધું અહીં મૂકીને ખાલી હાથે જવાનું છે. જે વસ્તુઓ આપણે સાથે લઈ જઈ શકવાના નથી અને વધુ વખત તે વસ્તુઓ આપણા હાથમાં રહેવાની નથી તો પછી તેના પ્રત્યે આટલો બધો મોહ અને આસક્તિ શા માટે? જેટલો મોહ હશે અને જેટલી આસક્તિ હશે એટલું વધુ દુ:ખ આ બધુ છોડતી વખતે જશે. આપણે એ સમજવાનું છે કે બધાની વચ્ચે રહેવા છતાં આપણે એકલા છીએ. પાપ અને પુણ્ય જે કાંઈ કરીશું તેનું ફળ આપણે એકલાએ ભોગવવાનું છે તેમાં કોઈ ભાગીદાર બની શકશે નહીં. ખોટું કરીએ, જૂઠુ બોલીએ, પ્રપંચ અને દગો કરીએ બીજાને છેતરીએ તો તેનું ફળ એક ન એક દિન આવવાનું છે અને તે આપણે એકલા ભોગવવું પડે છે. માણસ પત્ની, પુત્ર, પુત્રીઓ કે પરિવાર માટે સાચું-ખોટું કરતો હોય છે. મોહને વશ થઈને આ બધું થતું હોય છે, પરંતુ આ બૂરી સંપદાનો એ એકલો માલિક છે. તેમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. તેથી ખોટું કામ કરતા અટકવાનું છે અને વિચારવાનું છે કે આ બધાનું પરિણામ સારું આવવાનું નથી.

માણસે સારાં કર્મો કરવા જોઈએ અને બીજાને ઉપયોગી બની શકાય તેવા પ્રયાસો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પોતાનાથી બીજાને કશું દુ:ખ ન પહોંચે અને કોઈને અંતરાયરૂપ ન બનાય તેનો ખ્યાલ કરવો જોઈએ. આ પ્રકારનું વિચાર-મંથન માણસને જાગૃત કરે છે.

સુખ અને દુ:ખ કોઈ આપણને આપી શકતું નથી અને આપણી પાસેથી છીનવી શકતું નથી. બધા પોતાના સુખ માટે પ્રયાસ કરે છે અને સુખ મેળવવા માટે પણ બીજાને સુખ આપવું પડે છે. જેવાં આપણાં કર્મો હોય તેવું આપણે ભોગવી શકીએ છીએ. જીવનમાં સુખ આવે છે ત્યારે આપણે માનીએ છીએ કે સુખ આપણા થકી આવ્યું. આપણી આવડત, ચતુરાઈ અને હોશિયારી માટે આપણે ગર્વ અનુભવીએ છીએ. દુ:ખ આવે છે ત્યારે આપણે એમ કહેતા નથી કે મારી ભૂલને કારણે, મારી અણઆવડતના કારણે, મારી બેવકૂફીને કારણે કે મારા સ્વભાવના કારણે દુ:ખ આવ્યું છે. દુ:ખ માટે આપણે બીજાને દોષિત ગણીએ છીએ. આત્મમંથન કરીએ તો જણાશે કે આપણા દુ:ખ માટે આપણે પોતે જવાબદાર છીએ. બીજો કોઈ દોષિત નથી. પાપ અને પુણ્યનો હિસાબ પણ જુદો છે. આપણે થોડું પાપ કરી નાખ્યું સામે બીજું થોડું પુણ્ય કરી નાખીએ એટલે ખાતુ સરભર થઈ જશે એવું નથી. બંનેનો હિસાબ જુદો છે અને બંને અલગ-અલગ ભોગવવાનું છે.

એકતા ભાવનાનો અર્થ છે. કોઈની પર આધાર રાખવાનો નથી. દુ:ખ, પરિતાપ, મુશ્કેલી જે કાંઈ વિઘ્નો આવે તે હસતે મોઢે સહન કરવાનાં છે. તેને માટે બીજાને જવાબદાર ગણવાના નથી અને આ અંગે બીજાની પાસેથી કશી અપેક્ષા રાખવાની નથી. દુ:ખ સમયે કોઈ વહારે આવ્યું નહીં એવો વલોપાત નકામો છે. કોઈ આવશે તો પણ તમારા દુ:ખમાં ભાગ પડાવી શકશે નહીં. માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરશે અને વહેવાર નિભાવશે. તો પછી આવી ઈચ્છા શા માટે? આવો વિચાર કરીને બીજા પ્રત્યે રાગ-દ્વેષ શા માટે ઊભો કરવો? દુ:ખનો તપ તરીકે સ્વીકાર કરવાનો છે અને પરિવાર પ્રત્યેની ફરજ અને કર્તવ્ય નિભાવવાનું છે. આપણે કોઈની સેવા કરીએ તો પણ બદલામાં કશું મેળવવાની ભાવના રાખવાની નથી. આપણે બીજાનું સારું કરીએ અને કોઈ કદર ન કરે, આપણે કોઈનું ભલું કરીએ અને તે આપણું બૂરું કરે, જશને બદલે જૂતિયા મળે, અપમાન અને માનહાનિ ભોગવવી પડે તો પણ મન પર કશું લેવાનું નથી. માત્ર એટલું જ વિચારવાનું છે કે મારે કોઈનું ખરાબ કરવું નથી. એ કરશે તો એના ફળ તે ભોગવશે. જીવનમાં આ પ્રકારની સ્થિરતા અને સંતુલન આવી જાય તો કોઈ વસ્તુ આપણને ચલાયમાન કરી શકશે નહીં, કોઈ પણ વસ્તુ આપણને ડરાવી કે હરાવી શકશે નહીં. દરેક વસ્તુ જેવી છે તેવી જોવી અને સમજવી. મનના રંગ એમાં પૂરવા નહીં, સમ્યક્ દૃષ્ટિ રાખવી અને કોઈ પણ જાતના અતિથી બચવું જીવનમાં કશું પણ વધારે પડતું સારું નથી. પ્રમાણભાન ચૂકવું નહીં.

જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થયું છે એમાં મારું કશું નથી એવો ભાવ રાખવો, કોઈનું ભલું કરીએ તો પણ તેનું અભિમાન હોવું જોઈએ નહીં. પરમાત્માની કૃપા વગર આ બધું થઈ શકત નહીં એવો નમ્ર ભાવ રાખવો. જરૂર પૂરતું ધન, સારું સ્વાસ્થ્ય અને પારિવારિક શાંતિ આટલું મળે તો સમજવું કે આપણા જેવું કોઈ સુખી નથી. વધુ પડતી લાલસા અને ઈચ્છાઓ પરેશાન કરે છે. પ્રેમ અને આનંદ એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. પ્રેમ વિનાની આ દુનિયા નિર્ધન છે. પ્રેમ એ અહિંસા છે. પરમાત્માનું બીજું સ્વરૂપ છે. આ દુનિયામાં ભલે આપણે એકલા રહ્યા પણ હૃદયમાં પ્રેમ હશે મન ઉદાર હશે તો અસ્તિત્વ આપણી સાથે જ છે.

જીવનથી મૃત્યુ સુધીની સફરમાં અનેક લોકોએ આપણા પર ઉપકાર કર્યા છે. પશુ-પંખીઓ, પહાડો-પર્વતો, કલકલ વહેતા ઝરણાઓ, ઝાડ-પાન, ફળ-ફૂલ, ધાન્ય-સૂર્ય-ચંદ્ર, તારા અને અસ્તિત્વના તમામ પદાર્થો કે જેના પર આપણા જીવનનો આધાર છે તે બધા પ્રત્યે અનુગ્રહિત બનવાનું છે અને આ બધાં સાધનોનો વિવેકપૂર્ણ અને સંયમથી ઉપયોગ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે.

આપણે જે કાંઈ કરવાનું છે તે એકલા હાથે કરવાનું છે. બીજા પર આધારિત બનવાનું નથી. બીજા કરશે તો હું કરીશ એવું વિચારવાનું અને બીજાનું અનુકરણ કરવાનું નથી. આપણો રસ્તો આપણે કંડારવાનો છે. આ રસ્તો છે સત્ય, અહિંસા અને પ્રેમનો. આ તારું આ મારું એ બધું છોડીને આત્મકલ્યાણ સાધવાનું છે. કબીરે જેમ કહ્યું છે તેમ...

કબીર સો ધન સંચીએ

જો આગે કો હોય

શીષ ચઢાકે ગાંઠરી

જાત ન દેખા કોય

ધન, દોલત, પદ, પ્રતિષ્ઠા કશું સાથે આવવાનું નથી. હવે એવું ધન એકઠું કરીએ જે સાથે આવે, જેનાથી આત્માનું કલ્યાણ સધાય અને મોક્ષ માર્ગે જઈ શકાય, એકત્વ ભાવનાનો આ મુખ્ય સાર છે.

(હવે પછી અન્યત્વ ભાવના)

No comments:

Post a Comment