આયા હૈ સો જાયેગા રાજા, રંક, ફકીર કોઈ સિંહાસન ચઢ ચલે, કોઈ બાંધ ચલે જંજીર |
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
જૈન
ધર્મમાં બાર ભાવનાઓને વૈરાગ્યના માર્ગ તરીકે લેખાવવામાં આવી છે. આ બાર
ભાવનાઓના સતત ચિંતનથી માણસ સુખ-દુ:ખ, સફળતા-નિષ્ફળતા, આશા-નિરાશામાં સંતુલન
પ્રાપ્ત કરી શકે છે અને જીવનમાં જય-પરાજયનું કોઈ મહત્ત્વ નથી એની સમજ ઊભી
થાય છે. હાર અને જીત જીવનનો એક ભાગ છે. પણ જુસ્સો અને હિંમત જળવાઈ રહેવી
જોઈએ. આ બંનેનો સહર્ષ સ્વીકાર થવો જોઈએ. આ ભાવનાઓ મનમાં સાધી રાખવાથી
જીવનનું, આત્માનું અને ધર્મનું સાચું સત્ય સમજાય છે અને જીવન શુદ્ધ અને
ભયરહિત બને છે.
આપણે ગયા અંકમાં અનિત્ય ભાવનાનો ખ્યાલ કર્યો. સંસારની પ્રત્યેક વસ્તુ વિનાશી છે. તેના પ્રત્યે આસક્તિ રાખવાથી દુ:ખ સિવાય કશું હાથમાં આવતું નથી. માણસ પોતે કાયમના માટે અહીં રહેવાનો હોય એ રીતે સંચય કરતો રહે છે. માન-અભિમાનના પોટલા બાંધતો રહે છે અને પોતાના સુખ માટે બીજાને દુ:ખ અને કષ્ટ આપતા અચકાતો નથી. આનાથી કર્મની જાળ વધુ વિસ્તૃત થાય છે, પરંતુ માણસ જો સાચી વાત સમજે અને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ કરે તો એક મૂળભૂત વાત નજર સમક્ષ આવે છે કે ગમે ત્યારે અહીંથી જવાનું છે. તેથી ખોટા ઉધામા કરવાનો કોઈ અર્થ નથી. મૃત્યુ સામે કોઈનું કશું ચાલતું નથી. કોઈપણ માણસને ખબર પડે કે મૃત્યુ હવે સાવ નજીક છે તો તેના જીવનનું પરિવર્તન થઈ જાય. આપણને ખબર પડે કે એક અઠવાડિયા પછી ચોક્કસ આપણે આ ફાની દુનિયાની વિદાય લેવાની છે તો આપણે શું કરીએ? આ સમય કેવી રીતે પસાર કરીએ? એક સપ્તાહમાં તો માણસ પૂરેપૂરો બદલાય જાય. રાગ- દ્વેષ, માન-અભિમાન કશું રહે નહીં. જીવનમાં જે કાંઈ ખોટું કર્યું છે તેનો અફસોસ થાય. પણ આપણને આ જ્ઞાન થતું નથી. આપણે તો સમજીએ છીએ મૃત્યુ હજુ ઘણું દૂર છે. હમણાં ફિકર કરવાની જરૂર નથી. પણ મૃત્યુ ધીમે પગલે આપણને ક્યારે દબોચી દેશે તેનો ખ્યાલ આવતો નથી. આનો અર્થ એવો નથી કે આપણે ચિંતામાં જીવન જીવવું. પણ આનો અર્થ એ છે કે મોજથી, આનંદથી જીવવું, કોઈની આડે આવવું નહીં અને જિંદગી મળી છે તો થઈ શકે એટલું બીજાનું ભલું કરવું. લોભ, લાલચ રાખવા નહીં. મોહ અને આસક્તિ રાખ્યા વગર જીવવું. આમાં અનોખો આનંદ છે. આમાં સંસાર છોડવાની વાત નથી પણ સંસારમાં રહીને વિરક્ત બનવાનો બોધ છે. પ્રેમ, દયા અને કરુણાનો ભાવ રાખવાનો છે. માણસ દરેક જીવને પોતાના જેવો સમજે તો કોઈ દુ:ખ નથી. દરેકને જીવવું ગમે છે. બધાને જીવ વહાલો છે. મૃત્યુ કોઈને પસંદ નથી. બીજાને મારવાનો આપણને અધિકાર નથી. બીજાની હત્યા એ આપણી ખુદની હત્યા છે. તેનું સાચું જ્ઞાન માણસને થાય તો અહિંસા જીવનમાં આપોઆપ આવી જાય. હકીકતમાં પ્રેમ અને આનંદ થકી જ અહિંસાનો ઉદભવ થાય છે. જ્યાં પ્રેમ છે ત્યાં હિંસા સંભવિત નથી. અનિત્ય ભાવના પછી હવે આપણે અશરણ ભાવનાનો વિચાર કરવાનો છે. માણસ ગમે તેટલો ધનવાન, શક્તિવાન હોય પણ મોત જ્યારે આવીને ઊભું રહે છે ત્યારે માણસ લાચાર બની જાય છે. કોઈ પણ વસ્તુ કે કોઈપણ સંબંધો તેને બચાવી શકતા નથી. બીમારીથી બચવા માટે ભલે નિષ્ણાત ડૉકટરો બોલાવે, મોંઘા ઉપચારો કરે, કીમતી ઔષધો મગાવે, શક્ય એટલા તમામ પ્રયાસો કરે પણ ઉપરવાળાનું તેડું આવે ત્યારે ગયા વગર છૂટકો નથી. ગમે તેટલા પ્રતિકાર કરો પણ મોત સામે ઝૂંકવુ પડે છે. ધન, દોલત, શક્તિ, સામર્થ્ય કશું કામ આવતું નથી. જીવન ક્ષણભંગુર છે અને તેને બચાવવા કોઈનું પણ શરણ કામ આવતું નથી. સુખ અને દુ:ખ આપણે પોતે ભોગવવા પડે છે. તે કોઈ આપી શકતું નથી અને લઈ પણ શકતું નથી. આ સંસારમાં સૌ કોઈ સુરક્ષાકવચ શોધે છે. કોઈને ધનમાં, કોઈને પદમાં તો કોઈને પ્રતિષ્ઠામાં સલામતી દેખાય છે. આ બધા સાધનો અંત સમયે કામ આવતા નથી. આ સંસારમાં બધા આપણા છે, એમ માનીને રહેવું, તેમની સાથે સારા સંબંધો રાખવા, કોઈને ઓછું આવવા દેવું નહીં. આમ છતાં મનમાં સમજવું કે આમાં આપણું કોઈ નથી. એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. સિકંદર જેવા સિકંદરને પણ આખી દુનિયા જીતી લીધા પછી પણ સુરક્ષા કવચ પ્રાપ્ત થયું નહોતું. ભર જુવાનીમાં અંતિમ વિદાય લેવી પડી. કોઈ હકીમ કે ધનદોલત તેેને બચાવી શક્યા નહીં. તે મુઠ્ઠી બંધ કરીને આવ્યો હતો અને મુઠ્ઠી ખોલીને જવું પડ્યું. કબીરે જેમ કહ્યું છે તેમ... ‘આયા હૈ સો જાયેગા રાજા, રંક, ફકીર કોઈ સિંહાસન ચઢ ચલે કોઈ બાંધ ચલે જંજીર.’ મૃત્યુ કોઈ ભેદભાવ રાખતું નથી. અહીં મારા તારાનો સંબંધ નથી. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચીત છે અને એક અર્થમાં અનિશ્ચીત પણ છે. કારણ કે ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. મૃત્યુને આપણે જોઈએ છીએ પણ બોધ થતો નથી. આપણે માનીએ છીએ કે મૃત્યુ બીજાનું છે આપણું નથી. આપણને હજુ ઘણીવાર છે. માણસ ૭૦ વર્ષનો હોય કે ૮૦ વર્ષનો હોય મૃત્યુ નજીક છે. એવો ખ્યાલ તેને આવતો નથી. જીવનનું આ રહસ્ય છે. આ અંગે ભય રાખવાની જરૂર નથી. પણ જે સમય બચ્ચો છે તેને આનંદપૂર્વક જીવવાની અને તેનો સદ્ઉપયોગ કરવાની વાત છે. મૃત્યુના આરે પહોંચેલો માણસ જે તે તેનો આનંદ માણવાના બદલે વધુ એકઠું કરવામાં પડ્યો છે. કશું છૂટતું નથી. રાગ- દ્વેષથી મુક્ત થઈ શકાતું નથી. માણસ એવું વિચારતો નથી કે આ બધું કોના માટે? દરેક માણસ મોહને વશ છે. જ્યાં પણ મોહ છે ત્યાં જીવ ચોંટી જાય છે અને બીજાને માટે જીવવાનું શરૂ થઈ જાય છે. પુત્રમાં મોહ હશે તો પુત્ર માટે જીવશે, પત્નીમાં મોહ હશે તો તેના માટે જીવશે પણ પોતાના માટે જીવી શકશે નહીં. સૌ કોઈ ભાગ્ય લઈને આવે છે. ગમે તેટલું છોડી જશો પણ ભાગ્ય અનુસાર તે ભોગવી શકશે. મૃત્યુ કેટલીક વખત બહુ નજીક આવી જાય છે. જેના પર આધાર હોય અને જેના પર મોહ હોય તેનું મૃત્યુ આપણા જીવનના એક હિસ્સાને તોડી નાખે છે. આપણે તેટલા પ્રમાણમાં મૃત્યુનો અનુભવ કરીએ છીએ. પ્રેમ અને આનંદ વગરનો માણસ તો ક્યારનો મરી ચૂકયો હોય છે. માત્ર તેનું શરીર હરતું-ફરતું હોય છે. આત્મા તો ચાલી ગયો હોય છે. માણસ બીજાના માટે જીવી શકે છે પણ બીજાના માટે મરી શકતો નથી. આ અંગેની એક કથા સમજવા જેવી છે... એક યુવક સાધુ-મહાત્મા પાસે આવ્યો અને કહ્યું: મારે દીક્ષા લેવી છે, પરંતુ મારો પરિવાર મારા વગર જીવી શકે તેમ નથી. તેઓ મને ખૂબ જ ચાહે છે. મારા માટે મરીફીટવા પણ તૈૈયાર છે. મહાત્માએ કહ્યું: આ તારો ભ્રમ છે. આ સંસારમાં સૌ કોઈ પોતાના સ્વાર્થ માટે જીવે છે અને તેના માટે આવું બધું કરે છે. તને ખાતરી ન થતી હોય તો હું કહું એ પ્રમાણે કર. તને આ અંગે પ્રતીતિ થઈ જશે. યુવકે કહ્યું: આપ કહો તે પ્રમાણે હું કરવા તૈયાર છું. મહાત્માએ કહ્યું: હું તને યોગિક ક્રિયા શીખવું છું. જેનાથી તું શ્વાસને રોકીને થોડો સમય અચેતન રહી શકીશ. અંદર તારો શ્વાસ ચાલતો હશે પણ તારું શરીર જડ બની જશે. તું મૃત્યુ પામ્યો હોવાનો ડોળ કરજે અને પછી શું બને છે તે ચૂપચાપ સાંભળ્યા કરજે. એ સમયે હું પણ ત્યાં આવી પહોંચીશ. મહાત્માના ક્હ્યા મુજબ સવારે ઊઠીને યુવાન એકાએક નીચે પડી ગયો અને તેના શ્વાસ અટકી ગયા. પરિવારના લોકો સૌ ભેગા થઈ ગયા. કોઈએ કહ્યું: હાર્ટએટેક આવી ગયો છે. બાજુમાંથી તાબડતોબ ડૉકટરને બોલાવાયા. ડૉકટરે નાડી તપાસીને કહ્યું: ખેલ ખલાસ. ઘરમાં રોકકળ થરૂ થઈ ગઈ. સમાચાર મળતા સાધુ મહાત્મા પણ ત્યાં આવી પહોંચ્યા. માતા-પિતા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અમે ખર્યું પાન હતા અમને ભગવાને કેમ ઉઠાવી લીધા નહીં. પત્નીએ વિલાપ કરતાં કહ્યું: આના કરતાં હું મરી ગઈ હોત તો સારું હતું. ભાઈ-બહેનોએ અમે તારા વિના કેવી રીતે જીવી શકીશું. પરિવારના લોકોએ મહાત્માને કહ્યું: કાંઈક કરો. આનો જીવ બચાવી લો. તેના વગર અમે અસહાય બની જઈશું. અમારા માટે જીવવા જેવું રહેશે નહીં. સંતે કહ્યું: હવે માત્ર એક ઉપાય છે. આના બદલે તમારામાંથી કોઈ મરવા તૈયાર થાય તો આનો જીવ પાછો આવી શકે. બોલો તમારામાંથી કોણ જવા તૈયાર છે. સૌ એક બીજાની સામે જોવા લાગ્યા. પત્નીએ પાણી પહેલા પાળ બાંધી લીધી. તેણે કહ્યું: હું જાઉં તો આ મારા નાના છોકરાવનું શું થાય? તે મા વગર કેમ જીવી શકે? પિતાએ કહ્યું: હું ઘરનો વડીલ છું. આખા ઘરની જવાબદારી મારા પર છે. માતાએ કહ્યું: મારા પતિની તબિયત સારી રહેતી નથી. હું જાઉં તો તેની સંભાળ કોણ રાખે? તેઓ મારા વિના એક ડગલું પણ ભરી શકતા નથી. ભાઈ-બહેનોએ કહ્યું: અમે તો જીવનમાં હજુ કશું ભોગવ્યું નથી. આમ સૌ છટકવાનો પેંતરો કરવા લાગ્યા. મહાત્માએ કહ્યું: ઠીક વાંધો નહીં આને બદલે હું ઉપર ચાલ્યો જાઉં, બીજું શું? બધા ગેલમાં આવી ગયા અને કહ્યું: તમે ખુશીથી જાવ. તમારી આગળ પાછળ કોઈ રડવાવાળું નથી. એક માનવ જીવ બચાવ્યાનું તમને પુણ્ય મળશે. મહાત્માએ યુવાનનો હાથ દબાવ્યો અને યુવાન ઊભો થઈ ગયો. મહાત્માએ તેને કહ્યું: બોલ, આમાં તારું કોણ છે? કોઈ તારા માટે જીવતું નથી. સૌ પોતપોતાના માટે જીવે છે. આ જગતમાં કોઈનું પણ શરણ કામ આવતું નથી. કોઈની પર આધાર રાખવાની જરૂર નથી. સૌ કોઈ પોતાના માટે જીવે છે. મોહને વશ હોય તો બીજાના માટે પણ જીવવાનું શરૂ કરી દે છે, પરંતુ બીજાને માટે કોઈ મરવા તૈયાર થતું નથી. કર્મો અનુસાર જે કાંઈ આવે તે આપણે એકલાએ ભોગવવાનું છે. આમાં કોઈ ભાગીદાર બની શકતું નથી. એ અશરણ ભાવનાનો બોધ છે. (હવે પછી સંસાર ભાવના) |
Pages
▼
No comments:
Post a Comment