વિચાર ક્યારે કૃત્ય બની જશે તેની ખબર પડતી નથી |
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
રાગ
અને દ્વેષ કર્મના બીજ છે. જેવી આપણે પસંદગી કરીએ કે કર્મ બંધાઇ જાય છે.
રાગ એટલે કોઇ મારું છે અને દ્વેષ એટલે કોઇ પરાયું છે. રાગ એટલે કોઇ બચે એવી
અભિલાષા છે અને દ્વેષ એટલે કોઇ નાશ પામે એવી ઇચ્છા છે. રાગ એટલે સારું છે
અને દ્વેષ એટલે આ ખરાબ છે. માણસ આમાંથી પસંદગી કરે છે સારું છે તે થાય અને
ખરાબ છે તે ન બને. જવાની ભલે રહે બુઢાપો નહીં. મિત્ર બચે, શત્રુ નાશ પામે.
સુખ આવે પણ દુ:ખ નહીં. માણસ પોતાને જે સારું લાગે તેવું થાય એમ ઇચ્છે છે.
આમ રાગ અને દ્વેષનું ચક્ર જીવનમાં ચાલ્યા કરે છે. માણસ વિચારે છે આમ થવું જોઇએ અને આમ નહીં. જે વસ્તુની પ્રબળ ઇચ્છા હશે તેની પાછળ તે પાગલ બનશે અને જેની બિલકુલ ઇચ્છા નથી તેના પ્રત્યે નફરત શરૂ થઇ જશે. આ હોવું જોઇએ અને આ ન હોવું જોઇએ એવો વિચાર જ છેવટે રાગ દ્વેષમાં પરિણમે છે. આપણા મનમાં એવો વિચાર આવે કે બીજાનું ખરાબ થાય. આપણા વિરોધીઓને ફટકો પડે, શત્રુ નાશ પામે, બીજો પાયમાલ થઇ જાય તો મહાવીર કહે છે. હિંસા શરૂ થઇ ગઇ, કર્મ શરૂ થઇ ગયા. કર્મનું પ્રથમ ચરણ વિચાર છે. કોઈએ આપણું અપમાન કર્યું હોય, કોઇએ ગાળો દીધી હોય કે આપણું અહિત કર્યું હોય ત્યારે આપણને રોષ આવે છે. ખુન્નસ થાય છે. તેને એક યા બીજી રીતે ફટકારવાની ઇચ્છા થાય છે પણ આપણે તેમ તત્કાળ કરી શકતા નથી. પણ આ વિચાર મનમાં ઘોળાયા કરે છે કે ક્યારે લાગ આવે અને તેનું વેર વાળું. કેટલાક લોકો વાસ્તવિક્તામાં આમ કરી શકતા નથી તેઓ કલ્પના દ્વારા આવું કરીને મનોમન રોષ ઉતારે છે. કોઇપણ સારો કે ખરાબ વિચાર મનમાં ઘટ્ટ બને છે અને મોકો મળતા આ વિચાર કૃત્યમાં પરિણમે છે આજે જે ભાવ હોય છે તે કાલે ઘટના બની શકે છે. મહાવીર કહે છે માણસે વિચારમાં જાગી જવું જોઇએ. વિચારો ક્યારે કૃત્ય બની જશે તેનો ખ્યાલ આવતો નથી. માણસ જેવા વિચારો કરે છે તેવો બની જાય છે. શુભનું ચિંતવન માણસને તારે છે અને અશુભનું ડૂબાડે છે. ધર્મ કહે છે કોઇનું પણ મન, વચન, કર્મથી અહિત કરવું જોઇએ નહીં આ પાપ છે. આપણું સમગ્ર જીવન આપણા વિચારો અને મનનું પરિણામ છે. આપણે મન દ્વારા ન કરવાનું ઘણું કરી નાખીએ છીએ. આપણે ક્રોધથી છુટકારો મેળવવા માગીએ છીએ પરંતુ આપણે તેને ભૂલી શકતા નથી. એટલે સતત તે વસ્તુ આપણા મનમાં રહે છે. અને તે વધુને વધુ મન પર અંકુશ જમાવે છે. કોઇ એક ધારાને ભૂલવી હોય તો બીજી વિચારધારામાં જવું પડે નહીંતર તેને અતિક્રમાશે નહીં. જે વસ્તુ સબળ હોય છે તે ચિત્ત પર છવાઇ જાય છે. મન વિપરીતમાં કામ કરતું હોય છે જ્યારે આપણે કોઇ વસ્તુ નહીં કરવાના સોગંદ લઇએ છીએ, પ્રતિજ્ઞા કરીએ છીએ કે મનસૂબો ઘડીએ છીએ ત્યારે તે વસ્તુ આપણને વધુ પકડે છે. કારણ કે નહીં કરવા માટે પણ તે વસ્તુને યાદ કરવી પડે છે. જે વસ્તુ મન પર છવાઇ જાય છે તેને ભૂલવાનું મુશ્કેલ છે. મનની સમગ્ર કલા પુનરુક્તિમાં છે. આપણે ખરાબ કે ખોટાનો વિચાર કરીએ છીએ એટલે તેનાથી બંધાઇ જઇએ છીએ. ખોટાને તોડવા અને દૂર કરવાની ઉતાવળ કરતા પહેલાં સાચાને પકડવાની કોશિશ કરવી જોઇએ. સાચું પકડાઇ જશે તો ખોટું એની મેળે દૂર થઇ જશે. મનમાં સારા ભાવો હોય તો સારા વિચારો આવે છે. આવો ભાવ આપણને નકારાત્મક ખ્યાલોથી દૂર કરીને સકારાત્મક તરફ લઇ જાય છે. મનમાં અશુભ વિચારો જાગે એ પહેલા સાવધ બની જવું જોઇએ. નહીંતર વિચારોને કૃત્ય બનવામાં વાર લાગતી નથી. મહાવીર કહે છે વિચારમાં જ જાગી જાવ અને ત્યાંથી પાછા ફરી જાવ. રશિયન લેખક દોસ્તોવસ્કીની એક પ્રસિદ્ધ નવલકથા છે એમાં તેમણે એક યુવાનના પાત્રનું નિરુપણ કર્યું છે. આ યુવાન કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તેની સામે એક વૃદ્ધ મહિલા રહેતી હતી આ મહિલા પાસે ઘણા પૈસા હતા પણ બહુ કંજૂસ હતી. ‘ચમડી છૂટે પણ દમડી ન છૂટે ’ તેવું તેનું વર્તન હતું. વ્યાજ વટાવનું તે કામ કરતી હતી, વસ્તુઓ ગીરવે રાખીને નાણાં ધીરતી હતી અને લોકોનું શોષણ કરતી હતી. ગરીબોને ચૂસવા એ તેનો ધંધો હતો. તેનું વ્યાજ આકરું હતું જે માણસ એક વખત તેની ચુંગાલમાં ફસાયો તે કર્જમાંથી કદી મુક્ત થઇ શકતો નહોતો. ગરીબ સાધારણ માણસો તેનાથી ત્રાસી ગયા હતા. આ યુવાન બારીમાંથી આ વૃદ્ધ મહિલાને જોતો રહેતો હતો. તે ગરીબોનું લોહી પીતી હતી તે આ યુવાનને ગમતું નહોતું. ૮૦ વર્ષની આ સ્ત્રી મરવાને આરે હતી. આગળ પાછળ કોઇ ખાવાવાળું નહોતું પરંતુ તેનો લોભ છૂટતો નહોતો. આ યુવાનના મનમાં વિચાર ઊઠતો હતો કે આ બુઢ્ઢી મરી જાય તો સારું. તેની પાછળ કોઇ રોવાવાળું નથી. તે મરશે તો આખું ગામ ખુશ થશે. ભગવાન આને કેમ ઉઠાવી લેતો નથી ? એના જીવનમાં પણ સુખ ક્યાં છે. લાકડીના ટેકાથી ચાલે છે. તે મરી જાય એ જ સારું છે. આવા વિચારો યુવાનના મનમાં ચાલ્યા કરતા હતા. આ યુવાને કોઇ અપરાધ કર્યો નહોતો પરંતુ તેના મનમાં આ સ્ત્રી મરી જાય તો સારું એવા વિચારનું બીજ રોપાઇ ગયું હતું. આ યુવાન જ્યારે જ્યારે આ સ્ત્રીની લોભ અને લાલસાને જોતો હતો ત્યારે વિચારો તેના મનમાં ઘટ્ટ થતા હતા. આ યુવાન પહેલા એમ વિચારતો હતો કે ભગવાન આને ઉપાડી લે તો સારું. હવે તે એવું વિચારવા લાગ્યો કે લોકો તેને કેમ મારી નાખતા નથી. કેટલીક વખત તેને એવા વિચારો પણ આવતા હતા કે એક ઝટકે તેને ખતમ કરી નાખું. પણ પાછો તે સાવધ થઇ જતો હતો. તેને એવું થતું કે કેવા ખરાબ મારા વિચારો છે. મારાથી આ કામ કેવી રીતે થઇ શકે ? તે જાણે અને તેના કર્મો જાણે. આમ તેના મનમાં વિચારો, તરંગો ઘૂમતા રહ્યા પણ તેના પ્રત્યેનો દ્વેષ ઓછો થયો નહીં. અંદરખાનેથી તો તે ઇચ્છતો હતો કે આ સ્ત્રી જીવવા માટે લાયક નથી. આ યુવાનની પરીક્ષા નજીક આવી રહી હતી. ફી ભરવા માટે પૈસા નહોતા. તેની વ્યવસ્થા થઇ શકી નહોતી તેને હવે આ વૃદ્ધ મહિલા પાસે ગયા વગર છૂટકો નહોતો. તે પોતાની ઘડિયાળ ને સોનાનો ચેન ગિરવે મૂકીને પૈસા મેળવવા માગતો હતો. તે આ મહિલા પાસે ગયો. આ મહિલાએ ઘડિયાળ અને ચેન જોઇને મોઢું બગાડ્યું અને કહ્યું આ ચીજોમાં કશો દમ નથી. આના આટલા પૈસા કેમ અપાય. આ વૃદ્ધ સ્ત્રી આ ચીજોને તપાસવા માટે મોઢું ફેરવીને બારી પાસે ગઇ. અચાનક આ યુવાનના અજ્ઞાત મનમાં રહેલા વિચારોએ ઘૃણા અને ક્રોધનું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને આ વૃદ્ધ સ્ત્રી કશું બોલે તે પહેલાં આવેશમાં આવી જઇને તેનું ગળું દબાવી દીધું. મનમાં રહેલો નાનો સરખો વિચાર ધીરે ધીરે ઘટ્ટ બનીને કૃત્યમાં પરિણમ્યો. વૃદ્ધા મોતને આરે હતી તે ચીસ પણ પાડી શકી નહીં અને મરી ગઇ. એક ક્ષણમાં ન બનવાનું બની ગયું. યુવાનને પણ ખબર ન પડી કે તેણે શું કરી નાખ્યું. આપણે જેવું વિચારીએ છીએ તેવું થઇ જાય છે. વિચારોને જ્યાં સુધી મોકો મળતો નથી ત્યાં સુધી વિચારો રહે છે. તક મળે છે ત્યારે તે કૃત્ય બની જાય છે. મહાવીર કહે છે વિચાર્યું એટલે અડધું થઇ ગયું એમ સમજો. બીજ જમીનમાં પડ્યું એટલે અડધી વાત પતી ગઇ. હવે વૃક્ષ બનવા માટે સમયની રાહ બાકી રહે છે. જમીનમાં બીજ પડ્યા વગર વૃક્ષ બનતું નથી. તેમ વિચાર વગર કૃત્ય સર્જાતું નથી. વૃક્ષને બનતું રોકવુ હોય તો બીજને જમીનમાં પડતું રોકવું પડશે. રાગ અને દ્વેષ કર્મના બીજ છે. કર્મજાળમાંથી મુક્ત થવું હોય તો ઇચ્છાના મૂળને કાપવા પડશે. જીવનમાં જે કાંઇ બને છે તેનો પસંદગીનો આગ્રહ રાખ્યા વગર સ્વીકાર કરતા જઇએ તો કશી પરેશાની નથી. રાગ અને દ્વેષ દુ:ખના મૂળ છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચારે કષાય પર વિજય મેળવ્યા વગર આ મૂળને કાપી શકાતા નથી. જીવનના આ ચાર મહોરાઓ છે. માણસ આ ચારે પરિસ્થિતિમાં પોતાની જાતને ઓળખી શકતો નથી અને ન કરવાનું કરી બેસે છે. ક્રોધી માણસને એમ નથી લાગતું કે તે ક્રોધી છે. લોભી માણસ પોતાને ઉદાર સમજતો હોય છે. માન-માયાનો આપણને કશો મોહ નથી એમ કહેનારાઓ તેનાથી વધુ રંગાયેલા હોય છે. દરેક માણસને પોતે જે કહે અને પોતે જે કરે તે સાચું લાગે છે. આચાર અને વિચાર જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. વિચારો મુજબ માણસનું વ્યક્તિત્વ ઘડાય છે. શુભ અને અશુભ જેવા વિચારો હોય તેવું પરિણમે છે. માણસ જેવું કરે તેવું પામે છે. |
Pages
▼
No comments:
Post a Comment