Pages

Sunday, December 27, 2015

ધર્મ અને પ્રેમમાં દીવાનગી સારી, પણ ગાંડપણ સારું નથી - મહેન્દ્ર પુનાતર


જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


એક રીતે જોઈએ તો સમગ્ર સંસાર એક પાગલખાનું છે. ડાહ્યા માણસો ભાગ્યે જ જોવા મળશે તેમ છતાં સમજદારીનો ક્રમ ઊલટો છે. પાગલોને ડાહ્યા દીવાના લાગે છે પાગલપણ અને ડહાપણની ભેદરેખા બહુ નાજુક અને પાતળી છે. આના કારણે સંસારમાં કોણ ડાહ્યા અને કોણ પાગલ એ સમજવું મુશ્કેલ છે. આ સંસારમાં દરેક માણસ કાંઈકને કાંઈક બાબતમાં પાગલ બનેલો હોય છે. કોઈ પૈસા પાછળ, કોઈ સત્તા પાછળ, કોઈ પ્રેમ પાછળ અને કોઈ પદ અને પ્રતિષ્ઠા પાછળ ઘેલો બનેલો હોય છે. માણસના માથા પર કોઈને કોઈ બાબત અંગે ઝનૂન સવાર થઈને બેઠેલું હોય છે. દીવાનાઓ જન્મતા નથી સંજોગો માણસોને દીવાના બનાવે છે. દીવાનગી માટે અનેક કારણો હોય છે. આમાં પ્રેમ-રૂપ, ઘનનો મોહ, સત્તા લાલસા જુવાનીનો મદ અને સફળતાનું ઘમંડ વગેરે અનેક બાબતો સામેલ છે. હકીકતમાં તો માણસને દીવાના બનવા માટે ખાસ કોઈ કારણની જરૂર પડતી નથી. સફળતા અને નિષ્ફળતા બંને માણસોને દીવાના બનાવે છે ખરું પૂછો તો જિંદગી એટલા માટે જીવવા જેવી લાગે છે કે એમાં દીવાના થવાની અનેક શક્યતાઓ રહેલી છે.

માણસને કાંઈ પણ મેળવવા માટે પ્રબળ ઝંખના જાગે ત્યારે સ્થિતિ પાગલ જેવી બની જાય છે. જ્યાં સુધી એ વસ્તુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ચેન પડતું નથી. માણસને અચાનક મહેનત વગર જરૂર કરતા વધુ મળી જાય અને માણસને સખત મહેનત કરવા છતાં કશું મળે નહીં. આ બંને સ્થિતિમાં માણસ સમતુલા ગુમાવી બેસે છે. જે માણસ સુખ-દુ:ખમાં સ્થિર ન રહી શકે. તેમની સ્થિતિ પાગલ જેવી બની જાય છે. ધન, દોલત, સત્તા, સંપત્તિ મળ્યા પછી અહંકારનો પારો ઊંચે ચડે છે. પોતાની જાતને બીજાથી ચડિયાતી માનવા લાગે છે ત્યારે તે ડાહ્યો રહેતો નથી. કોઈ પણ બાબતમાં જ્યારે અતિ આવે છે ત્યારે ગાંડપણની શરૂઆત થઈ જાય છે. જીવનમાં કશું પણ વધુ પડતું ત્યારે મુશ્કેલી ઊભી કરે છે. અતિ ધન, અતિ ક્રોધ, અતિ પ્રેમ અને અતિ ડહાપણ સારું નથી. દરેક વસ્તુ મર્યાદામાં હોય ત્યારે તે સારી લાગે છે. મર્યાદા ઓળંગે છે ત્યારે તે ઉપદ્રવ બની જાય. કેટલાક માણસો વાતવાતમાં બહુ વરસી પડે છે અને વાતવાતમાં બહુ તપી જતા હોય છે. વધુ પડતો પ્રેમ કરતા હોય છે તેઓ વધુ પડતો ક્રોધ પણ કરતા હોય છે. જૈન ધર્મમાં સમ્યકનું બહુ મહતા છે. સમ્યક્નો અર્થ છે. કાંઈ પણ વધુ નહીં, કાંઈ પણ ઓછું નહીં. બધુ સપ્રમાણ. ખાવું-પીવું-ઉંઘવું એ બધામાં સમ્યક્ભાવ હોવો જોઈએ. મર્યાદા અને સંયમપૂર્વકનું જીવન માણસને સંતોષી અને સુખી બનાવે છે. વધુ પડતો ડોળ, દેખાવ અને દંભ પણ માણસને પાગલપણની હદ તરફ ધકેલી દે છે અહં, ઈર્ષા અને અદેખાઈ પણ માણસને પાગલ બનાવે છે. આવી પરિસ્થિતિમાં તે કોઈનું સારું જોઈ શકતો નથી. બીજાની ટીકા નિંદામાં રસ પડે છે. કોઈ બીજાને પોતાનાથી આગળ નીકળી જાય કે કાંઈક વધુ મેળવી જાય તો જલ્યા કરે છે, કંકાસ અને કલહ વધે છે. મતભેદો, મનભેદો અને પૂર્વગ્રહો વધુ ઘેરા બને છે. આ પણ પાગલપણાની જ સ્થિતિ છે. અહં અને ઈર્ષામાં જીદ ભળે છે ત્યારે માણસ સાચું અને સારું જોઈ શકતો નથી અને સમજી શકતો નથી. આવું મિથ્યાભિમાન સમરાગણ સર્જે છે. ઈર્ષા, અભિમાન, અહંકાર અને જીદના કારણે મહાભારત સર્જાયું હતું. દ્રોપદીના કટુ વચનો, દુર્યોધનનો અહંકાર અને દુશાસનની દુષ્ટતાએ પાગલપણું ઊભું કર્યું ન હોત તો મહાયુદ્ધ અને સંહાર થતો અટકાવી શકાયો હોત. સિક્ધદરના માથે આખી દુનિયા જીતવાનું ભૂત ભરાયુ હતું, પરંતુ આખરે કશું હાથમાં આવ્યું નહી. તે જીતીને હારી ગયો હતો. અને ભર યુવાનીમાં જીવન ગુમાવ્યું હતું. આ સિક્ધદરનું પાગલપણું હતું.

આપણે દુ:ખભરી ગેરસમજણો વર્ષોના વર્ષો સુધી ચાલવા દઈએ છીએ. નકામા ઝઘડાઓ સળગતા રાખીએ છીએ, અહંકાર અને જિદ છોડતા નથી, વાંકુ પડ્યું હોય તેની સાથે સમાધાન કરતા નથી, સુમેળ સાધવાનો પ્રયાસ કરતા નથી અને જનમ જનમના વેર બાંધી લઈએ છીએ. આ પાગલપણું નથી તો બીજું શું છે? આપણે નાહકની તુચ્છ વસ્તુઓ માટે ખુવાર થઈ જઈએ છીએ. જે માણસ પ્રભુ ભક્તિ અને સ્મરણમાં દીન દુ:ખીઓની સેવામાં અને પરમાર્થના કાર્યોમાં દીવાનો બને તો એ ડહાપણ છે.

દીવાના અનેક પ્રકારના હોય છે. રામકૃષ્ણ પરમહંસ એવા દીવાના હતા કે એક હાથમાં ગંગાજળ અને બીજા હાથમાં વિષ રાખીને તપશ્ર્ચર્યા કરતા હતા જેથી સ્થિતપ્રજ્ઞ રહી શકાય. સરમદ એવો દિવાનો હતો તે નિર્વસ્ત્ર ફરતો હતો. ઔરંગઝેબે તેને શૂળી પર લટકાવી દીધો હતો. તેણે નિર્વસ્ત્ર રહેવાનું કારણ બતાવ્યું હતું કે કપડા તો એબ છૂપાવવા માટે પહેરવામાં આવે છે. મારામાં કોઈ એબ નથી તો હું કપડાં શા માટે પહેરું? ઔરંગઝેબ સરમદને સમજી શક્યો નહીં. સરમદની આ દીવાનગી હતી અને ઔરંગઝેબનું ગાંડપણ હતું.

નરસિંહ મહેતા અને મીરાબાઈ પણ દીવાના હતાં. પ્રભુ ભક્તિ કાજે તેમણે દીવાનગી ધારણ કરી હતી. આ દીવાનગીમાં તેમને ઘણું સહન કરવું પડ્યું હતું. નરસિંહ મહેતાને લોકોએ નાત બહાર મૂક્યા હતા અને મીરાબાઈને ઝેરનો કટોરો લેવો પડ્યો હતો. પરંતુ તેઓ તેમના ધ્યેયમાંથી વિચલિત થયા નહોતા. પ્રભુને પામવાનો આ તલસાટ હતો. એક અનોખું સમર્પણ હતું.

ગાંધીજી જુદી કક્ષાના રાજકીય મહાનુભાવ હતા, પરંતુ કોઈ દીવાનાની યાદી કરવા બેસે તો તેમનું નામ પ્રથમ મૂકે. કારણ કે તેમણે સુખ વૈભવના બધા લક્ષણોનો ત્યાગ કરીને માત્ર લંગોટી ધારણ કરી હતી.

જેઓ વચનને વળગી રહે, ધ્યેય માટે ખુવાર થાય, અનેક પ્રલોભનો છતાં પ્રમાણિક અને નિષ્ઠાવાન બની રહે તે પાગલ નહીં તો બીજું શું? લાલબહાદુર શાસ્ત્રી આવા પાગલ હતા. વડા પ્રધાન પદ સહિત અનેક મોટા હોદ્દાઓ પર તેઓ રહ્યા હતા. આમ છતાં તેમની પાસે પોતાનું મકાન નહોતું કે કશી સંપત્તિ નહોતી.

હાલના રાજકારણીઓ તો સ્થળ અને સમય પ્રમાણે રંગ બદલે છે. જેઓ બોલીને તુરત ફરી જાય છે. જેમને કોઈ શરમ કે લાજ નથી. આવા ભ્રષ્ટાચારના યુગમાં કોઈ સાચો નેતા દેશ માટે ફના થાય તો આપણે તેને શું કહીએ? સમાજ જીવન અને રાજકારણ આજે દંભના આંચળા હેઠળ ઢંકાયેલુ છે. આમાં માણસ જેવો છે તેવો દેખાતો નથી. સત્તાએ માણસોને જેટલા પાગલ બનાવ્યા છે. એટલા કોઈએ બનાવ્યા નથી.

આજના યુગમાં સત્તાની સાથે પૈસાનું પ્રભુત્વ વધ્યું છે. પૈસાના તોરમાં માણસ સમૂળગો બદલાઈ ગયો છે. ‘નાણા વગરનો નાથીયો નાણે નાથાલાલ’ કહેવત મુજબ પૈસાથી માણસ પૂજાવા લાગે છે. ગાંડામાં ગાંડો માણસ પૈસો થતા ડાહ્યો ગણાવા લાગે છે. પૈસાનો ચળકાટ અને રણકાર અનોખો છે. પૈસા ડાહ્યાને દીવાના અને દીવાનાને ડાહ્યા બનાવી નાખે છે. આજે આખી દુનિયા પૈસા પાછળ પાગલ છે અને પાગલ માણસો પણ આપણે ધારીએ છીએ તેટલા બધા પાગલ કદી હોતા નથી. તેમના પાગલપણામાં પણ ડહાપણ હોય છે. ગમે તેવો માણસ પણ મુશ્કેલી અને ભય આવે ત્યારે ડાહ્યો ડમરો બની જાય છે.

જર્મન કવિ ગેટે કહ્યું છે કે આખું વિશ્ર્વ પાગલોથી ભરેલું છે. તેમને પાગલખાનામાં શોધવાની જરૂર નથી. ડાહ્યા અને શાણા માણસો પણ કેટલીક વખત ગાંડપણ પર ઉતરી જતા હોય છે. સત્તા, ધન અને પદ માણસને બહેકાવી નાખે છે. તેમને સાચું સાંભળવું ગમતું નથી. માત્ર ખુશામત અને પ્રશંસા પસંદ છે. આવા માણસોના ગમે તેવા ઉચ્ચારણો લોકો સહી લે છે કોઈ એમને કહેશે નહીં કે આવી ગાંડીઘેલી વાત કરો નહીં. ઉલટાનું કહેશે સાહેબ તમારી વાત સો ટકા સાચી છે. આ દુનિયાદારીની રીત છે. આટલી સીધી સાદી વાત ન સમજનાર સોક્રેટિસને ઝેરનો પ્યાલો પીવો પડ્યો. ઈસુને વધસ્થંભ પર ચડવું પડ્યું, મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા અને ગાંધીજીને ગોળીએ દેવાયા. સત્યના રાહ પર ચાલનારા માણસોને દુનિયાએ કદી સહન કર્યા નથી.

ધન, સંપત્તિ, સત્તા માયાવી તત્ત્વો છે. તે હંમેશા કોઈના રહ્યા નથી. રાજાને રંક બની જતા વાર લાગતી નથી. સત્તાનું સિંહાસન હવાના એક ઝોકામાં ઉથલી પડે છે. આ બધું સમજવા છતાં માણસ તેને મેળવવા વ્યર્થ ફાંફા મારી રહ્યો છે.

ધર્મ અને પ્રેમમાં દીવાનગી સારી છે, પણ ગાંડપણ સારું નથી. ગાંડપણ અને ઝનૂને ધર્મને સાચા અર્થમાં ધર્મ રહેવા દીધો નથી. હૃદય જો ધર્મથી રંગાયેલું હશે તો બહારના બીજા કોઈ રંગની જરૂર નથી. માણસને માણસ બનાવે એ જ સાચો ધર્મ.

No comments:

Post a Comment