જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
સારું
બોલવું, સારુ સાંભળવું અને સારું કરવું આ ત્રણ ગુણ જો માણસના જીવનમાં વણાઇ
જાય તો માણસનું જીવન ધન્ય બની જાય. સારું બોલવું એટલે સત્ય બોલવું, સારું
સાંભળવું એટલે શ્રુત વચનો સાંભળવા, કોઇનું ખરાબ સાંભળવું નહીં અને તેમાં
સાથ આપવો નહીં. નિંદા રસથી દૂર રહેવું અને સારું કરવું એટલે પ્રેમ, દયા અને
કરુણા રાખવી અને આપણાથી જાણ્યે અજાણ્યે કોઇનું કશું ખરાબ ન થાય, કોઇ ક્ષતિ
ન પહોંચે તેનો ખ્યાલ રાખવો.
અત્યારના સમયમાં સાચુ બોલવું બહુ મુશ્કેલ છે. સાચું બોલવું, સાંભળવું અને અનુસરવું કોઇને ગમતું નથી. લોકો વાતવાતમાં કારણ વગર જુઠ્ઠું બોલતા હોય છે અને એકબીજાને બનાવતા હોય છે. સત્ય અને અસત્યની એટલી ભેળસેળ થઇ ગઇ છે કે સાચું શું અને ખોટું શું એ સમજવાનું મુશ્કેલ બન્યું છે. દરેક માણસ પોતાની વાત સાચી માનતો હોય છે. સ્વાર્થ હોય, ભય હોય અને પોતાનું હિત જ્યાં જોખમાતું હોય ત્યાં માણસ સાચું બોલી શકતો નથી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગર સત્ય સમજી શકાતું નથી તેને સમજ્વા માટે ખુલ્લું દિલ અને વિશાળ દૃષ્ટિ જોઇએ. દરેક માણસ પોતાની રીતે સાચું શું છે અને ખોટું શું છે તે મનમાં સમજતો હોય છે. એટલે આ માટેની દલીલો ઘડી કાઢે છે અને મનને મનાવવાનો પ્રયાસ કરતો હોય છે. મન તેને અંદરથી ધક્કા મારતું હોય છે કે ભાઇ તું જે કરી રહ્યો છે તે સાચું નથી. પરંતુ સત્ય જ્યારે અનુકૂળ હોતું નથી ત્યારે જૂઠને સત્યના વાઘા પહેરાવી દેવામાં આવે છે. પણ તે લાંબો સમય ટકી શકતું નથી. એક જૂઠને છૂપાવવા માટે અનેક જૂઠનો સહારો લેવો પડે છે અને છેવટે જેવું છે તેવું પ્રગટ થઇ જાય છે. દરેકને પોતે જે કહે છે તેમાં સત્ય લાગે છે. અને પોતે જે માને છે તેમાં સત્ય દેખાય છે. ભગવાન મહાવીરે કહ્યું છે હોંશપૂર્વક સાવધાન રહીને, અસત્યનો ત્યાગ કરીને હિતકારી સત્ય વચન બોલવું જોઇએ. માણસ સત્ય બોલવામાં સત્યનો જ ગેરઉપયોગ ન કરે એટલે મહાવીરે આ મર્યાદા મૂકી છે. મહાવીર કહે છે કે જે કાંઈ બોલો હોંશપૂર્વક સાવધાન રહીને બોલો. માણસ જ્યારે હોંશપૂર્વક જાગૃતિ રાખીને બોલે ત્યારે તે અસત્ય બોલી જ ન શકે. મહાવીર કહે છે હિતકારી સત્ય વચન બોલવું જોઇએ. આમાં પણ તેમણે મર્યાદા મૂકી છે. આપણે સત્ય તો બોલીએ પણ તેની પાછળનો આશય શું છે તે પણ મહત્વનું છે. કેટલીક વખત માણસ સત્ય તો બોલે છે પણ બીજાના દિલ પર ઘા કરવા માટે, બીજાને નીચો પાડવા માટે અથવા બીજાનું અપમાન કરવા માટે. આમ થાય ત્યારે સત્યને ઝાંખપ લાગે છે. સત્ય પણ ખરાબ માણસના હાથમાં ખરાબ બની જાય છે. અપ્રિય સત્ય બોલવામાં કેટલીક વખત સૂક્ષ્મ હિંસા પણ થઇ જતી હોય છે. આંધળા માણસને આપણે આંધળો કહીએ, કોઇ ચોરી કરતા પકડાય તેને પાપી કહીએ તો એ બિલકુલ સત્ય છે. જ્યારે આપણે કોઇને ચોર કહીએ ત્યારે તેના દુષ્કૃત તરફ ધ્યાન દોરવા માગીએ છીએ કે તેને જાહેરમાં અપમાનિત કરવા માગીએ છીએ તે બાબત મહત્ત્વની છે. તેને ચોર કહેવામાં આપણને આનંદ આવે છે ? આપણો વિરોધી દુશ્મન છે એટલે મોકો મળ્યો છે તો તેને ચોર તરીકે જાહેર કરવાની તક આપણે છોડવા માગતા નથી. તેને ચોર કહીને આપણે એક સારા સજ્જન અને પ્રમાણિક છીએ તેવો રસ આમાંથી પ્રાપ્ત કરી રહ્યા નથી ને ? આંધળાને આંધળો કહેવામાં ભલે સત્ય હોય પણ તેનામાં રહેલી શારીરિક ઉણપ અંગે આમાં તિરસ્કારનો ભાવ છે. આ સત્યનો નહીં અહંકારનો રસ છે. બેહોશીમાં બોલાયેલું સત્ય અસત્ય કરતાં પણ ભયંકર છે. સાવધાનીનો અર્થ છે આપણો સત્ય બોલવાનો હેતુ શું છે એનું પરિણામ આપણે શું ઇચ્છીએ છીએ? સત્ય બોલીને બીજાને ફસાવવા માગીએ છીએ કે? આની પાછળનો ઉદ્દેશ શું છે. અંદર શું ઘટી રહ્યું છે આ બધાનું સવિશેષ મહત્વ છે. મહાવીર કહે છે સત્યને જોવા માટેની બધી દૃષ્ટિ અધૂરી છે. કોઇ એક બાજુને જોઇએ છીએ તો બીજી બાજુ ચૂકી જવાય છે. પૂર્ણ તો એ જ દેખી શકે જે બધી દૃષ્ટિઓથી મુક્ત થઇ જાય. ક્રોધ, લોભ, ભય અને મજાકમાં પણ અસત્ય બોલવું જોઇએ નહીં. સત્ય આપણને પારદર્શક બનાવે છે અને સન્માર્ગે દોરે છે એમાં કશી બનાવટ કરવી પડતી નથી. સત્ય બોલવાનો એક મોટો ફાયદો એ છે કે અનેક જૂઠોથી બચી જવાય છે. આ અંગેની એક દૃષ્ટાંત કથા પ્રેરક છે. એક માણસ ગરીબ હતો પેટ ભરીને ખાવાનું પણ ન મળે એવી સ્થિતિ હતી. કુટુંબનું ગુજરાન કરવાનું મુશ્કેલ હતું. વખાનો માર્યો તે ચોરી કરવા લાગ્યો. ચોરી કરવી ગમે નહીં પણ બીજો કોઇ ઉપાય નહોતો. દિલ અંદરથી ડંખતું હતું. તેથી તે સંત જેવા એક ફકીર પાસે ગયો અને કહ્યું: હું ખોટે રવાડે ચડી ગયો છું. પણ મારી પાસે બીજો કોઇ ઉપાય નથી. તો હવે મારે શું કરવું? ફકીરે કહ્યું: જે કરતો હોય તે કરતો રહે, પરંતુ હંમેશાં સાચું બોલજે. જૂઠ કદી બોલતો નહીં. સત્યને વળગી રહીશ તો તને કાંઇ દુ:ખ નહીં પડે. ચોરે કહ્યું: બાબા ચોરી કરવી અને સાચું બોલવું એ બંને વાતને કઇ રીતે મેળ જામશે? ફકીરે કહ્યું: મેં જેમ કહ્યું છે તેમ કર. બીજી કશી બાબતની ચિંતા છોડી દે. સત્ય બોલવાથી તારી ચોરી છૂટી જશે અને અંતે તને ફાયદો થશે. ચોરને ફકીરની વાત ગળે ઊતરી ગઇ અને તેણે નિશ્ર્ચય કર્યો કે ગમે તે થાય પણ સાચું બોલવું. એક વખત તે રાજાના મહેલમાં ચોરી કરવા ગયો. તે દિવસે રાજા પણ વેશ પલટો કરીને રાત્રે નગરનું નિરીક્ષણ કરવા નીકળ્યો હતો. એમાં તેને ચોરનો ભેટો થયો બંને વાતે વળગ્યા અને વાતવાતમાં રાજાએ પૂછ્યું: આટલી મોડી રાતે આપ ક્યાં જાવ છો? ચોર ભાઇએ પ્રતિજ્ઞા લીધી હતી. એટલે જૂઠું તો બોલાય નહી. એટલે તેણે સાયું કહી દીધું કે હું રાજાના મહેલમાં ચોરી કરવા માટે જાઉં છું. રાજાએ કહ્યું : તો ચાલો હું પણ તમારી સાથે આવું એક કરતાં બે ભલા. બંનેએ મહેલમાં પ્રવેશ કર્યો અને એવુ નક્કી કર્યું કે જે મળે તેમાં બંનેનો અર્ધો અર્ધો ભાગ. રાજા ધ્યાન રાખવા માટે બહાર ઊભો રહ્યો અને ચોર મહેલના ઓરડામાં ઘુસ્યો. ચોરે મહેેનત અને ખાંખાખોળા કરીને એક પેટી શોધી કાઢી અંદરથી ત્રણ રત્ત્નહાર મળ્યા. એક હાર પેટીમાં રહેવા દઇને બાકીના બે હાર લઇને ચોર બહાર આવ્યો. એક હાર રાજાને આપીને કહ્યું : પેટીમાં આવા ત્રણ હાર હતા. પરંતુ આપણને ભાગ પાડવામાં મુશ્કેલી થાય એટલે બે લાવ્યો છું. અને એક હાર અંદર પેટીમાં રહેવા દીધો છે. રાજાએ કહ્યું: તે આ ઠીક કર્યું ફરીથી મળવાનો વાયદો કરીને બંને છૂટા પડ્યાં. બીજા દિવસે રાજાએ ખજાનચીને કહ્યું: ઉપરના ઓરડામાં ચોરી થયાના ખબર મળ્યા છે. ઘરેણાની પેટી કોઇએ ઉઘાડી છે. ઉપર જઇને જુઓ બધું ચોરાઇ ગયું છે કે કાંઇ બાકી રહ્યું છે. ખજાનચીએ જઇને જોયુ તો ઘરેણાંની પેટી ખુલ્લી હતી તેમાં રહેલા ત્રણ હારમાંથી બે ગુમ થયા હતા. ખજાનચીના મનમાં લોભ જાગ્યો તેને થયું કે બે હાર ચોરાયા છે કે ત્રણ રાજાને શું ખબર પડવાની છે. તેણે ત્રીજો હાર કપડામાં છુપાવી દીધો અને ખાલી પેટી લઇને રાજા પાસે આવ્યો અને કહ્યું : મહારાજ બધા હાર ચોરાઇ ગયા છે. રાજાને બધી ખબર હતી. તેના ગુસ્સાનો પાર રહ્યો નહીં. તેણે તુરંત ખજાનચીને નોકરીમાંથી કાઢી મૂક્યો અને પેલા સાચાબોલા ચોરને ખજાનચી બનાવ્યો. સત્યનો સાધન તરીકે નહીં સાધ્ય તરીકે ઉપયોગ થવો જોઇએ. હું કહું એ જ સાચું એવા અભિમાને અનેક અનર્થો સર્જ્યા છે. દરેકને પોતાનું સત્ય છે એમાં જીદ ભળે છે ત્યારે તેનું પરિણામ સારું આવતું નથી. હુંસાતુંસી, હઠાગ્રહ અને અહંકારમાં સત્ય પ્રગટ થતું નથી. લોકો સામસામા ટકરાતા હોય છે. સત્ય સાથે તેમને કોઇ લેવા દેવા હોતી નથી. સત્ય માટે કોઇ લડતું નથી. સત્યની કોઇ લડાઇ હોતી નથી. સૌ લડે છે પોતાના મિથ્યાભિમાન માટે અને એમાં સૌથી મોટો ભોગ સત્યનો લેવાય છે. |
Pages
▼
No comments:
Post a Comment