જેવું છે તેવું ન જોવું તે મિથ્યાત્વ અને જેવું છે તેવું જોવું તેનું નામ સમ્યક્ત્વ |
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર |
ધર્મના
માર્ગને અનુસરનારી દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ પોતાની રીતે બનાવવાનો હોય
છે. આ રસ્તો તૈયાર હોતો નથી. એક એક કદમ માંડીને આગળ વધવાનું હોય છે. આ
માર્ગ એવો છે ચાલવાથી બને છે. સુગતિનો આ રાહ છે. ધ્યાન, વિવેક, વિચાર,
જાગરૂકતા, અમૂર્છા અને અપ્રમાદ તેના પગથિયા છે. ધર્મના માર્ગ પર માણસ એક
પગલું આગળ વધે તો બીજું પગલું માંડવાની સુવિધા થઈ જાય છે અને બીજું પગલું
આગળ મંડાય ત્યાં ત્રીજા પગલાં માટેની કેડી કંડારાઈ જાય છે. આમ એક એક ડગ
માંડીને માણસ અંતિમ મુકામ સુધી પહોંચી શકે છે.
ધર્મનો રસ્તો આપણે ખૂદ બનાવવો પડે છે. તેમાં બીજા કોઈનો રસ્તો કામ આવતો નથી. માણસ પોતાના અનુભવ અને જ્ઞાન દ્વારા પ્રકાશ તરફ જઈ શકે છે. ધર્મ જેમ જીવનમાં ઊતરતો જાય છે તેમ તેમ પ્રકાશના પૂંજો પથરાતા જાય છે. સમજ વગરનો લાંબો કૂદકો આમાં કામ આવતો નથી, પરંતુ ધર્મને યોગ્ય રીતે સમજવાની અને જીવનમાં ઉતારવાની જરૂર છે. જીવન અને ધર્મ જુદા નથી એક સિક્કાની બે બાજુ છે. ધર્મ બરાબર સમજાશે તો જીવન ઉત્કૃષ્ટ બની જશે અને જીવન ઉત્કૃષ્ટ બનશે તો ધર્મ પણ આપોઆપ સધાઈ જશે. જીવન અને ધર્મ બંને આપણા માટે મહત્ત્વના છે. જે માણસ જીવનને જાણતો નથી તેના માટે ધર્મને સમજવાનું મુશ્કેલ બની જશે. અહીં કોઈ કોઈને શીખવી શકતું નથી. દરેકે પોતાનો આધાર શોધવો પડે છે. આમાં દરેક કદમ નવું અને પોતાનું હોય છે. આમાં માર્ગદર્શન મળે પણ ચાલવું આપણે પોતે જ પડે. આપણે વિપરીતમાં ચાલી રહ્યા છીએ એટલે સાચો રસ્તો મળતો નથી. આપણે બોલીએ છીએ કાંઈક અને કરીએ છીએ બીજું કાંઈક. આચાર અને વિચાર વચ્ચે મેળ નથી. આપણે એમ સમજીએ છીએ કે આપણે જે કાંઈ કરી રહ્યા છીએ તે બરાબર છે. હું કહું એ જ સાચું બીજું બધું ખોટું. આપણે કાંઈક છીએ બીજા કરતાં ડાહ્યા અને ચડિયાતા છીએ એવું અભિમાન હોય તો પણ આગળ વધી શકાય નહીં. આ માર્ગે તો હું કાંઈ જાણતો નથી. મારે બીજા પાસેથી ઘણું શીખવાનું છે, જાણવાનું છે તેવી નમ્રતા ધારણ કરવાની રહે. જ્ઞાન કોઈ આપી શકતું નથી. આપણી સમજ અને આપણા અનુભવમાંથી જ્ઞાન મળે. શિક્ષણ બીજાની પાસેથી મળી શકે પણ જ્ઞાન તો સ્વયંમાંથી પ્રગટ થાય છે. આમાં સમજણ અને વિવેકબુદ્ધિ કામ આવે. અહીં કોઈ ગુરુ નથી કોઈ શિષ્ય નથી. દરેક માણસ પોતાનો ગુરુ છે. આ અંગેનું એક દૃષ્ટાંત આ વાતને સ્પષ્ટ કરે છે. એક વકીલ પોતાની ઓફિસમાં કામ કરતા છોકરાને સુધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેને લાગતું હતું કે આ છોકરામાં વિવેક અને શિષ્ટાચાર નથી. એક દિવસ આ છોકરો આનંદ અને મસ્તીના મિજાજમાં વકીલની કેબિનમાં આવ્યો અને કહ્યું: આજે ફિલ્મ જોવાની ઈચ્છા છે હું જાઉં? ફિલ્મ સારી હતી અને છોકરો તે જુએ તે સામે તેને વાંધો નહોતો, પરંતુ તેની રજા માગવાની રીત તેને ગમી નહીં. વકીલે છોકરાને કહ્યું, રજા માગવાની આ કાંઈ રીત છે? કાંઈ વિવેક જેવું છે કે નહીં? ચાલ તું મારી ખુરશીમાં બેસી જા. હું તને શીખવું છું કે રજા કેવી રીતે મગાય. છોકરો ખુરશીમાં બેસી ગયો. વકીલ કેબિનમાંથી બહાર નીકળી ગયા અને પછી ધીમેથી દરવાજો ખોલીને કહ્યું, સાહેબ હું અંદર આવી શકું? છોકરાએ કહ્યું: જરૂર વીના સંકોચે પધારો. વકીલ અંદર આવ્યા અને ખૂબ નમ્રતાથી કહ્યું: સાહેબ હું ફિલ્મ જોવા માટે જવા માગું છું આપ રજા આપશો તો ખૂબ આભારી થઈશ. ખુરશી પર બેઠેલા છોકરાએ કહ્યું: ખુશીથી જા અને લે આ સો રૂપિયા મોજ કર. છોકરો વકીલ કરતા આગળ નીકળી ગયો રજાની સાથે સો રૂપિયા પણ આપ્યા. અહીં કોઈને પણ શીખવવાનું મુશ્કેલ છે. દરેક માણસ શીખીને બેઠેલો છે તેને આપણે શું શીખવવાના? કોઈને આપણે શિષ્ય બનાવવા માગીએ છીએ અને તે આપણો ગુરુ બની જાય છે. મહાવીર કહે છે ‘જે જીવ મિથ્યાત્વથી ગ્રસ્ત બને છે તેની દૃષ્ટિ વિપરીત થઈ જાય છે.’ તે જે છે તે જોઈ શકતો નથી અને જે નથી તે જુએ છે. જૈન પરિભાષામાં બે મહત્ત્વના શબ્દો છે એક ‘મિથ્યાત્વ’ અને બીજો શબ્દ છે ‘સમ્યક્ત્વ’. મિથ્યાત્વમાં સત્યનું દર્શન થઈ શકતું નથી. આંખો પર પડળ બંધાઈ જાય છે. જે જોવું જોઈએ તે જોવાતું નથી. જે સાંભળવું જોઈએ તે સંભળાતું નથી. જ્યાં સાચું હોય ત્યાં ખોટું જણાય છે અને જ્યાં ખોટું હોય ત્યાં સાચું જણાય છે. બધું વિપરીતમાં ચાલે છે. કરવાનું છે તે થઈ શકતું નથી અને ન કરવાનું બધું થઈ જાય છે. એટલે માણસ સાચો, સારો અને ગુણગ્રાહી બની શકતો નથી. ‘સમ્યક્ત્વ’ એટલે સત્યનું દર્શન જે છે તેવું જ તેને જોવું. એમાં મનના રંગો પૂરવા નહીં. જે વસ્તુ જેવી છે તેવી તેને જાણવી અને સમજવી. સાચું, સારું સાંભળવું અને ગુણગ્રાહી બનવું. મિથ્યાત્વ એટલે જેવું છે તેવું દેખાય નહીં. અંધારામાં આપણે ચાલી રહ્યા હોઈએ અને દૂરથી આપણને લાગે કે સામે કોઈ માણસ ઊભો છે અને પાસે જઈએ તો ખબર પડે કે આ તો ખાંભો છે. અંધારું હોય અને રસ્તામાં રસ્સી પડી હોય અને પગમાં આવે ત્યારે છલાંગ મારીને દૂર થઈ જઈએ. આપણને લાગે કે પગ આડે સાપ આવી ગયો. બેટરીના પ્રકાશમાં જોઈએ તો ખબર પડે કે આ તો રસ્તી-દોરડું હતું. નાહકના ગભરાઈ ગયા. રસ્સી સાપ કેમ લાગી? આપણી અંદરનો જે ભય હોય છે તે તેવી વસ્તુને નિર્મિત કરી નાખે છે. સાપનો ભય અંદર હતો એટલે રસ્સીમાં સાપ દેખાયો. જે વસ્તુઓમાં ભય અને ડર હોય તે અજ્ઞાત મનમાંથી બહાર આવે છે. કેટલાક માણસો હંમેશાં દુ:ખનો વિચાર કરતા હોય છે. દુ:ખને અંદરખાને દબાવીને બેઠા હોય છે. કાંઈક પણ ઘટના બને ત્યારે તેને એમ લાગે છે કે દુ:ખ આવી પડ્યું. કોઈ માણસે સાપને કદી જોયો ન હોય, તેવી વાત સાંભળી ન હોય ને તેવી કલ્પના કરી ન હોય તેને રસ્સીમાં કદી સાપ દેખાશે નહીં. જેની જેવી કલ્પના હશે. જેવો ભય અને ડર હશે અને જે પ્રકારની ભ્રમણા હશે. એવું તેને સામે દેખાશે. કેટલાક લોકો સાચું સાંભળતા નથી, સાચું જોતા નથી અને સાચું કરતા નથી. તેઓ દરેક બાબતને પોતાની સંકુચિત નજરથી જુએ છે એટલે કોઈ વાત તેમને સારી લાગતી નથી. મિથ્યાત્વનો અર્થ છે જે નથી તેને તમે જોઈ લીધું અને હતું તેને ચૂકી ગયા. દૃષ્ટિ નિર્મળ ન થાય, ‘સમ્યક્ત્વ’ કેળવાય નહીં ત્યાં સુધી સત્યના દર્શન થઈ શકે નહીં. મિથ્યા દૃષ્ટિના કારણે જીવ તીવ્ર કષાયોથી ગ્રસ્ત છે અને તે શરીર અને આત્માને એક માની રહ્યો છે. સંસાર પ્રત્યેનો રાગ એ મિથ્યા દૃષ્ટિ છે. જ્યાં સુખ નથી ત્યાં આપણે સુખ જોઈ રહ્યા છીએ. જ્યાં સાપ પડેલો છે ત્યાં આપણે સુંદર હીરની દોરીને નિહાળી રહ્યા છીએ. મહાવીર કહે છે આત્માની ત્રણ અવસ્થા છે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિરાત્મા એટલે વાસનાના કારણે આપણે બહાર વહી રહ્યા છીએ. અંતરાત્મા એટલે સાધના અને ધ્યાન દ્વારા આપણે ભીતરમાં જઈ રહ્યા છીએ. અને પરમાત્મા એટલે બહાર અને ભીતર કશું રહ્યું નથી તે પરમ અવસ્થા. દરેક માણસ પરમ અવસ્થાને પામી શકે છે અને પરમાત્મા બની શકે છે, પરંતુ તે જ્યારે બહાર વહે છે, પદાર્થમાં, વસ્તુઓમાં રુચિ ધરાવે છે તેનું મન બીજામાં રિક્ત છે. વિષય-વસ્તુનું આકર્ષણ છે. માણસ જ્યારે મૂળ સ્વભાવને ભૂલીને આ બધી વસ્તુમાં રત બને છે ત્યારે તેને સાચો રસ્તો દેખાતો નથી. ધન, પદ, કીર્તિ, પ્રતિષ્ઠા તેના માટે સુખનું સાધન બની જાય છે અને શાશ્વત સુખથી તે વંચિત બને છે. આ બધા દુન્યવી સુખો પાછળ દુ:ખ ધીમે પગલે આવી રહ્યું હોય છે પણ તે વખતે તેને પાછળ જોવાની ફૂરસદ હોતી નથી. પણ જ્યારે સમ્યક્ દર્શનનો ઉદય થાય છે, સાચું દેખાવા લાગે છે, વિચાર અને વિવેકનો જન્મ થાય છે ત્યારે માણસ અંદરની બાજુએ વહેવા લાગે છે અને અંતરયાત્રા શરૂ થાય છે. દૃષ્ટિ બદલાઈ જાય છે અને ભીતરના દ્વારો ખૂલી જાય છે. આ સાધનાનો માર્ગ છે. માણસ અંતરમાં ઊતરીને પરમ શુદ્ધ થઈને બહાર આવે અને પોતાનામાં લીન થઈ જાય. બહાર અને ભીતરનું બધું ખોવાઈ જાય. રાગ અને દ્વેષ રૂપી અરિ હણાઈ જાય. કશું છોડવાનું અને મેળવવાનું બાકી રહે નહીં. કશા દ્વંદ્વો બચે નહીં એવી પરમ અવસ્થા એટલે મોક્ષ અને પરમપદ. બહિરાત્મામાંથી અંતરાત્મા અને અંતરાત્મામાંથી પરમાત્મા તરફ જવાની યાત્રા એટલે ધર્મયાત્રા. |
Pages
▼
No comments:
Post a Comment