Pages

Friday, March 20, 2015

અંગ્રેજીમાં શિક્ષિત, ગુજરાતીમાં દીક્ષિત: બંને જોઈએ! - ચંદ્રકાંત બક્ષી

ચાર વર્ષની કેયા અને છ વર્ષનો રેવન્ત, એમને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાં જોઈએ કે ગુજરાતી માધ્યમમાં, એ એક એવી ચર્ચા છે જે વ્યક્તિગત પૂર્વગ્રહોના ધુમ્મસમાં ખોવાઈ જવાની છે. તલાકના કેસોમાં જેમ સ્ત્રી અને પુરુષ બંને સાચાં છે, એમ અહીં બંને માધ્યમોના તરફદારો સાચા છે. અંગ્રેજી જરૂર શીખવવું જ જોઈએ, પણ માત્ર અંગ્રેજી જ શીખવવું જોઈએ એ તર્ક વિદ્યાર્થીને માનસિક વિકલાંગ બનાવી નાખશે.

અંગ્રેજી પ્રથમ ધોરણથી શીખવવું જોઈએ એવો ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારનો આગ્રહ છે, બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ભારતીય સંસ્કૃતિનો હ્રાસ દેખાઈ રહ્યો છે. દરેક રાજ્યમાં એ રાજ્યની ભાષા દરેક વ્યક્તિએ શીખવી જોઈએ, અને દસમાં ધોરણ સુધી ફરજિયાત શીખવવી જોઈએ, પણ આજે અંગ્રેજી મરજિયાત ભાષા રહી નથી, એ ગરજિયાત ભાષા બની ગઈ છે. વિશ્વની, ભવિષ્યની, નોકરીની, ઉચ્ચ શિક્ષણની ભાષા છે. ચીન અને રશિયા, લેટિન અમેરિકા, આફ્રિકા સર્વત્ર એ બીજી ભાષા તરીકે ઊભરી ચૂકી છે. ગુજરાત જો અંગ્રેજીથી વંચિત રહી જશે, અથવા ગુજરાતની આવતી પેઢીઓને જબરજસ્તી વંચિત રાખવામાં આવશે તો એ ભયાનક બેવકૂફી હશે, ભૂલ હશે, ઈટ વિલ બી ક્રિમિનલ...

પણ અંગ્રેજીથી જ માણસ બની શકે છે એ વાત વાહિયાત છે. જે વસ્તુ જરૂરી છે એ બે કાન વચ્ચે છે, એ બુદ્ધિ છે. પંડિત જવાહરલાલ નહેરુ કહેતા હતા કે સફેદ (ખાદીની) ટોપી મહત્ત્વની નથી, એ ટોપીની નીચે શું છે એ મહત્ત્વનું છે! એક જ તાલીમ પામેલા બે માણસો બે જુદી દિશાઓ પકડી શકે છે અને એને માટે ભારતના ઈતિહાસમાં એક વિચિત્ર દૃષ્ટાંત છે. પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતવર્ષના બે મેધાવી ઈતિહાસપુરુષો, એક જ સમયે લંડનના ઈનર-ટેમ્પલમાં બેરિસ્ટર થવા માટે ભણી રહ્યા હતા પણ એ વખતે એકબીજાને મળ્યા ન હતા! અને પછી એમણે સાથે સાથે ઈતિહાસને સાકાર કર્યો! નહેરુનું અંગ્રેજી શ્રેષ્ઠ કક્ષાનું હતું, સરદારને અંગ્રેજીમાં પ્રભુત્વની ખાસ જરૂર પડી જ ન હતી. નહેરુ વિશે વ્યંગમાં કહેવાતું હતું કે એ હિન્દુસ્તાનના અંતિમ વાઈસરૉય હતા! સરદાર એકસો ટકા ‘દેશી’ હતા, રાષ્ટ્રીય હતા. બંનેનાં વ્યક્તિત્વો બે ધ્રુવો જેવાં વિરોધી હતાં, અને અંગ્રેજી ભાષાએ એમના ચારિત્રગઠનમાં કેટલો ભાગ ભજવ્યો એ અભ્યાસનો વિષય છે.

ગુજરાતી બાળકોએ અંગ્રેજી શીખવું જોઈએ કે નહીં એ કોઈ ચર્ચાનો વિષય જ નથી. આવતી કાલના જગતમાં જીવવું હોય, સ્પર્ધામાં ટકી રહેવું હોય, વન-અપ થવું હોય, ગ્રંથિમુક્ત થવું હોય, ભૌતિક સફળતા પ્રાપ્ત કરવી હોય તો અંગ્રેજી વિના ઉદ્ધાર નથી. સંસ્કૃતિની ચિંતા કર્યા વિના અંગ્રેજીનું વાતાયન ખોલીને દુનિયાના પ્રવાહોમાં ડૂબકી મારવી જોઈએ. આપણી હજારો વર્ષ જૂની સંસ્કૃતિ એવી તકલાદી અને બરડ નથી કે અંગ્રેજીના ચાર શબ્દો શીખવાથી નામશેષ થઈ જાય અને જો એટલાથી જ તહસનહસ થઈ જતી હોય તો કાલે નહીં, આજે જ થઈ જવી જોઈએ!

૧૯મી સદીના ઈતિહાસમાંથી આપણે માર્ગદર્શન મેળવી લેવું જોઈએ. મેકોલેએ અંગ્રેજી દાખલ કરવાનો સુઝાવ આપ્યો અને કંપની સરકારે એ સુઝાવને અનુમોદન આપ્યું, અને અંગ્રેજી સરકારી સ્તરે દાખલ થયું. એ વખતે અંગ્રેજીના શિક્ષણ સામે મુસ્લિમોએ ઘોર વિરોધ કર્યો, જ્યારે હિન્દુઓએ અંગ્રેજી સહર્ષ સ્વીકારી લીધું. એ એડ્વાન્ટેજ વર્ષો સુધી ચાલ્યો, હિન્દુઓ અંગ્રેજીમાં દીક્ષિત થતા ગયા, નોકરીપેશાઓમાં અગ્રેસર થતા ગયા, મુસ્લિમો અંગ્રેજીથી દૂર ભાગવાને કારણે પછાતમાંથી પછાતતર થતા ગયા અને એમને માટે ‘નવ-શૂદ્ર’ જેવા શબ્દો વપરાવા લાગ્યા. આજે પણ મુસ્લિમોમાં અંગ્રેજી શિક્ષણ બહુ જ ઓછું છે, માટે જોબમાર્કેટમાં એ જ કારણે એમને સહન કરતા રહેવું પડ્યું છે. અંગ્રેજી પ્રગતિનાં દ્વાર ખોલી આપે છે, એ હકીકત છે.

બીજી તરફ, ગુજરાતી અસર કેવી હોય છે? ઈરાનમાં મુસ્લિમ જુલ્મ બેહિસાબ વધી ગયો ત્યારે ઝોરોસ્ટ્રિઅનો વતન છોડીને બહાર નીકળી ગયા, અને એમના કાફલાઓ જહાજો દ્વારા આવીને ગુજરાતના સંજાણ ગામમાં સ્થાયી થતા ગયા. ગુજરાતની ધરતીએ એમને સ્વીકારી લીધા, એ ફારસ (પર્શીઆ) દેશથી આવતા હતા એટલે ફારસી... પારસી કહેવાયા. ગુજરાતી સંસ્કૃતિમાં પારસીઓનું અપ્રતિમ યોગદાન ઈતિહાસનાં પૃષ્ઠો પર અંકિત છે, પણ એક જરા પેચીદો પ્રશ્ન  ઊઠે છે: પારસીઓ ગુજરાતના સંજાણને બદલે જો મહારાષ્ટ્રના રત્નાગીરી કે કર્ણાટકના મેંગલોર કે કેરાલાની કાલીકટ બંદરે ઊતર્યા હોત તો આ યોગદાન કરી શક્યા હોત? કે ઈતિહાસના દલદલમાં ખોવાઈ ગયા હોત? ગુજરાતની ધરતી પર પારસીઓ સંપૂર્ણત: ઝળહળી શક્યા કારણ કે ગુજરાતમાં જે મુક્ત હવામાન હતું એ એમના વિકાસ માટે ઉપકારક હતું...! ઘણાને ખબર નથી પણ ઈસ્લામના જુલ્મથી બચવા માટે ઝોરોસ્ટ્રિઅનોની ત્રણ શાખાઓ નીકળી હતી. એક જર્મની તરફ ગઈ હતી, બીજી ચીન તરફ ગઈ, અને ત્રીજી ગુજરાતમાં આવી. પ્રથમ બે શાખાઓ પૃથ્વી પર ખોવાઈ ગઈ, ગુજરાતમાં જે શાખા આવી એ દેશના ઈતિહાસને રોશન કરતી ગઈ...

આપણા અંગ્રેજીની પણ કેટલીક વિશેષતાઓ છે. આપણે એન.આર.આઈ. જેવા એક શબ્દ બનાવી દીધો છે, અને આ એક્રોનીમ કે પ્રથમાક્ષરો નોનરેઝિડેન્ટ-ઈન્ડિયન તરીકે મશહૂર છે. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કાર્યકાલમાં એન.આર.જી. શબ્દ લોકપ્રિય બન્યો જેનો અર્થ થતો હતો: નોન-રેઝિડેન્ટ ગુજરાતી! આપણે અંગ્રેજીનું બધું જ નકારાત્મક સ્વીકારી લઈએ છીએ? આપણે ત્યાં ‘નો એડમિશન, વિધાઉટ પરમિશન’ જેવું બોર્ડ જોવા મળે છે જેમાં બે નેગેટિવ છે! અમેરિકામાં આ જ ભાવ પ્રકટ કરવા માટે સાફ લખાય છે: ‘એડમિશન વિથ પરમિશન!’ શા માટે સામંતશાહી, નકારાત્મક, હુકમનુમા વિધાન કરવું જોઈએ, જો સહજતાથી સકારાત્મક વાત થઈ શકતી હોય તો? પણ આપણે અંગ્રેજીના ‘નોન’ માટે એક વિચિત્ર દુરાગ્રહ હોય એવું લાગે છે.

નોન-રેઝિડેન્ટ ચાઈનીઝ એમ ચીનાઓ કહેતા નથી, ત્યાં ‘ઓવરસીઝ ચાઈનીઝ’ શબ્દ વપરાય છે. આપણે એન.આર.જી. જેવો કુત્સિત પ્રયોગ કરવા કરતા ઓવરસીઝ ગુજરાતીઝ અથવા ડાયાસ્પોરા ગુજરાતીઝ જેવા સ્વચ્છ શબ્દો શા માટે નથી વાપરતા? પણ આપણે ‘નોન’ના શોખીન છીએ. નોન-વાયોલન્સ, નોન-કોઓપરેશન, નોન-એલાઈનમેન્ટ,નોન-વેજિટેરિઅન, નોન-બેંગોલી, નોન-રેઝિડેન્ટ, નોન-ટીચિંગ સ્ટાફ વગેરે! એક દિવસ એવો પણ આવી શકે છે જ્યારે આપણે વેશ્યા માટે નોન-વાઈફ કે ગધેડા માટે નોન-હોર્સ જેવા ઉટપટાંગ શબ્દો વાપરવા માંડીશું...!


No comments:

Post a Comment