બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી
નળ અને દમયંતીને એક પુત્ર અને પુત્રી હતાં અને એ બંનેનું નામ એક જ હતું: ઈન્દ્રસેન !
અપ્સરા પાણીમાં તરતી રહેતી હતી, અપ્સરાઓ ગાંધર્વોની પત્નીઓ હતી. એ ઈચ્છા પ્રમાણે પોતાનો આકાર બદલી શકતી હતી. અપ્સરાઓ આસમાનમાં રહેતી હતી પણ પૃથ્વી પર પણ ઊતરી આવતી હતી. અપ્સરાનો અર્થ જે આડી લાઈને સરી જાય એવી ! ઈલા પુરુરવાની માતા હતી. એકવાર વનમાં શિવ અને પાર્વતીને ગાઢ આલિંગનની સ્થિતિમાં સુદ્યુમ્ન જોઈ ગયો. શિવે ક્રોધમાં આવીને સુદ્યુમ્નને શાપ આપી દીધો અને એ ઈલા અથવા ઈડા નામની સ્ત્રી બની ગયો. આ શાપ એવો હતો કે ઈલા એક માસ સ્ત્રી રહેતી અને એક માસ પુરુષ બનતો! જે છોકરી રજસ્વલા ન થઈ હોય એ નગ્ન પણ ફરી શકતી અને એને માટેનો શબ્દ હતો: નગ્નિકા ! કૃષ્ણ કાળા જન્મ્યા હતા એનું કારણ એ હતું કે એમના જન્મ પૂર્વે દેવકીના ગર્ભાશયમાં વિષ્ણુએ એક કાળો વાળ મૂકી દીધો હતો ! અશ્ર્વમેધ એક સફેદ ઘોડો હતો. એ પાછો કરે પછી એનું બલિદાન કરવામાં આવતું હતું અને ચાર રાણીઓ એના મૃત શરીર સાથે સમાગમ કરતી. આવી પ્રણાલિકા હતી ! સમ્રાટ પ્રતિપાના સાથળ પર લાવણ્યથી ગંગા બેસી ગઈ ત્યારે રાજાએ કહ્યું કે જમણો સાથળ પુત્રીઓ અને પુત્રવધૂઓ માટે છે. ડાબો સાથળ ઉત્તેજિત થયેલી સ્ત્રીઓ માટે છે. આ સાત પ્રસંગો અથવા સત્યો મહાભારતના સમુદ્રમાંથી લીધેલા નમૂનાઓ છે. જગતભરમાં મહાભારત જેવું રસિક મહાકથાનક નથી. પાત્રાલેખન, વર્ણન, ચરિત્રચિત્રણ, કથ્ય કે ભાષા- કોઈ બાબતમાં મહાભારતની સ્પર્ધામાં કોઈ વસ્તુ ઊતરી શકે એમ નથી. દરેક શબ્દ સકારણ વપરાયો છે. અને એનો અર્થ છે. ભાગ્યે જ કોઈ વિશ્ર્વકૃતિમાં વ્યુત્પત્તિની દૃષ્ટિએ આટલી ચોકસાઈ જોવામાં આવે છે. આજે કેટલાય રૂઢ થઈ ગયેલા શબ્દો અને શબ્દપ્રયોગોના મૂળ અર્થ જોઈએ તો આશ્ર્ચર્ય થઈ જાય! કલકત્તાના પ્રોફેસર પી. લાલને અમેરિકામાં ફોર્ડ ફાઉન્ડેશન તરફથી મહાભારતનો અનુવાદ સરળ અને આધુનિક અંગ્રેજીમાં કરવાનું કામ સોંપાયું હતું. એમણે દસ વર્ષમાં ૧૧૮ જેટલી પુસ્તિકાઓ લખી છે. હજી બીજા દસ વર્ષ લાગશે બાકીનું મહાભારત સમાપ્ત કરતાં! પણ જે પુસ્તિકાઓ લખાઈ છે એ ખરેખર સરસ છે. એમાંની કેટલીક પુસ્તિકાઓને અંતે એમણે શબ્દોના અર્થ પણ સમજાવ્યા છે. મૂલત: અમેરિકન અને યુરોપિયન વાચકો માટેનાં આ પુસ્તકો છે એટલે આ શબ્દો અર્થની દૃષ્ટિએ સમજાવ્યા છે. મહાભારતમાં એક શબ્દ આવે છે- વાનર! આપણે વાનરને વાંદરો ગણીએ છીએ અને એ જ અર્થ ઘટાડવામાં આવે છે. પણ પ્રોફેસર પી. લાલ સાથે વાત કરતાં એમણે ભારપૂર્વક કહ્યું કે વાનર એટલે વાંદરો નહીં પણ વન-નર! જંગલમાં રહેનારી કોઈ આદિવાસી કે મનુષ્ય જાતિ હતી જે દક્ષિણમાં હતી અને એટલે ઉત્તરની આર્યપ્રજાએ એમને વાનર કહ્યાં ! વાનર શબ્દ એ દક્ષિણની પ્રજાનું અથવા વૃક્ષોની આસપાસ રહેનારી પ્રજાનું દ્યોતક છે. દુ:શાસનનો શબ્દાર્થ થાય જેને અંકુશમાં રાખવો અઘરો છે એવો! દુર્યોધન એટલે જેને જીતવો અઘરો છે એવો! કેશવ એટલે ખૂબસુરત વાળવાળો! દ્રોણનો વ્યુત્પતિ પ્રમાણે અર્થ થાય છે: ડોલ અથવા બાલટી! ધાતા એટલે બનાવનાર અને વિધાતા એટલે ન બનાવનાર અથવા તોડનાર! અરુણનો અર્થ છે ગુલાબી અને એને અનુરૂ પણ કહેવાય છે. અનુરૂ એટલે સાથળ વિનાનો! ગોવિંદ એટલે ગાયના રક્ષક! માંધાતા શબ્દનો અર્થ જરા વિચિત્ર છે. માંધાતા એક મહાન ઋષિ હતા. મામ-ધાતા એમ બે શબ્દો જોડવાથી એ બને છે. ઈન્દ્રે આ ઋષિને પોતાની આંગળી ધાવવા આપી હતી. એ મને ધાવશે એવો અર્થ બતાવવામાં આવ્યો છે. ભરદ્વાજ શબ્દને પણ આ રીતે તોડી શકાય છે: ભર-દ્વા-જ! એ બે પિતાના પુત્ર હતા, અને એની પાછળ એક કથા છે. ઉતથ્ય ઋષિની પત્ની મમતાના ગર્ભાશયમાં દીર્ઘતમસ હતો. બીજા ઋષિ બૃહસ્પતિનું બીજ એ ગર્ભાશયમાં પ્રવેશતું હતું ત્યારે અંદરના દીર્ઘતમસે એને બહારે ફેંકી દીધું જે બૃહસ્પતિ પુત્ર ભરદ્વાજ બન્યો. આ રીતે એ બે પિતૃઓની નિપજ ગણાય છે! મહાભારત એટલો મોટો મહાસાગર છે કે એના અર્થો સમજતાં સમજતાં એક જીવન થાકી જાય અને જેમ જેમ ઊંડા ઊતરતા જઈએ એમ એમ અનેકાર્થ મળતા રહે. માણસની ઉંમર વધતી જાય એમ એમ એના અર્થોના વ્યાપ અને પરિધ ફેલાતા જાય. દરેક અર્થમાં નવા આયામ અને પરિમાણ ઉમેરાતાં જાય. દરેક વાચક અથવા શ્રોતાને પોતાનું અર્થઘટન કરવાનું સ્વાતંત્ર્ય મળે છે, જે કોઈ પણ મહાકૃતિનું પ્રથમ લક્ષણ છે. કર્ણનો અર્થ કાન ! એ જન્મ્યો ત્યારે એનું શરીર દૈવી હતું અને એ કવચ કુંડળ સાથે જન્મ્યો હતો. કુબેર મોટા પેટવાળો એક વામન હતો, અને એને ત્રણ પગ, આઠ દાંત અને એક આંખ હતાં. સૂર્ય વિષે કહેવાય છે કે એને બે લાંબા હાથ અને ચાર ટૂંકા હાથ છે. કમર પર પટ્ટો અને ઊંચા બૂટ પહેર્યા છે. તેમ જ રથને એક પૈડું છે અને ચાર અથવા સાત ઘોડીઓ એ રથ સાથે સંલગ્ન છે. સૂર્યને ચાર પત્નીઓ છે: સંજ્ઞા, રાજ્ઞી, પ્રભા અને છાયા! વૈકુંઠ એટલે એવું સ્થાન જ્યાં કોઈ કુન્ઠા કે બંધન નથી. પતિનો અર્થ રક્ષા કરનાર જ્યારે ભતૃ અથવા ભર્તાનો અર્થ થાય છે વિભાવનાર અથવા ટેકો આપનાર! ક્ધિનરને પક્ષીનું શરીર અને ઘોડાનું માથું હતાં. એનો અર્થ થાય ‘કેવા માણસો’? પુત એટલે એવું નરક જ્યાં સંતાન વિનાનો માણસ મૃત્યુ પછી જાય છે. માટે જ પુત્રનો અર્થ થાય છે એ વ્યક્તિ જે માણસને પુત નામના નરકમાં જતાં બચાવે છે! શૂદ્ર પુરુષ અને બ્રાહ્મણ સ્ત્રીનું સંતાન એ ચાંડાલ! કિચક એટલે પોલો વાંસ, અને વેણુ એટલે નાનો વાંસ ! પુત્ર કેટલા પ્રકારના હોય? સ્વયંજાત એટલે પોતાની પત્નીનો પુત્ર ! પ્રણિત એટલે પોતાની પત્નીને મહાન પુુરુષથી થયેલો પુત્ર! પરિકૃત એટલે ભાડૂતી માણસથી થયેલો પુત્ર ! પૌનર્ભવ એટલે ફરી પરણેલી સ્ત્રીને બીજા પતિથી થયેલો પુત્ર ! કાનિન એટલે અપરિણીત સ્ત્રીનો પુત્ર કુંડ એટલે ચારિત્ર્યહીન સ્ત્રીનો પુત્ર ! આ સિવાય પણ બીજા છ જાતના પુત્રો છે. દત્ત એટલે આપેલો અને દ્ત એટલે ખરીદેલો ! કૃત્રિમ એટલે ઉપકારવશ સ્વીકારેલો ! યુગલના લગ્ન પહેલાં ગર્ભાધાન થયું હોય એ સહોદ કહેવાય! વાસનાથી થયેલો જાતરેત ગણાય છે. અંતિમ એ નિમ્નજાતિ સ્ત્રીનો પુત્ર ! આજે કદાચ તેરમા પ્રકારના પુત્રો પૃથ્વી પર ફરી રહ્યા છે...! |
Pages
▼
No comments:
Post a Comment