Pages

Friday, September 5, 2014

વેપારી અને રાજકારણી: કેટલું અંતર રાખવું જોઈએ?

વેપારી અને રાજકારણી: કેટલું અંતર રાખવું જોઈએ?

બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


વેપારીએ રાજકારણી સાથે કેટલી દોસ્તી રાખવી જોઈએ? એક અભિપ્રાય એવો છે કે વેપારીએ રાજકારણીથી હંમેશાં દૂર રહેવું જોઈએ કારણ કે રાજકારણીને વેપારી પાસથી પૈસા કઢાવવા સિવાય બીજો કોઈ રસ હોતો નથી. એક રાજકારણી વેપારી પાસેથી પૈસા કઢાવી જાય છે એટલે બીજો રાજકારણી તરત શત્રુ બની જાય છે. અને રાજકારણી ક્ધિનાખોર શત્રુ હોય છે, વેપારીએ બીજા રાજકારણીને પણ પૈસા આપવા પડે છે. રાજકારણી યમ જેવા હોય છે. કુબેરના ભંડાર પણ ખાલી કરાવી શકે છે. રાજકારણી નાશુક્રા હોય છે, તરત ભૂલી જઈ શકે છે. બીજો એક એવો અભિપ્રાય પ્રવર્તે છે કે વેપારીએ રાજકારણીથી મૈત્રી રાખવી જ જોઈએ કારણ કે એ સત્તા પર આવે છે ત્યારે વેપારીને માલામાલ કરી નાખે છે. સત્તાધીશથી દોસ્તી રાખવા પૈસાનો વરસાદ વરસી શકે છે. સાચા રાજકારણીની વ્યાખ્યા એ છે કે ગરીબો પાસેથી વોટ અને અમીરો પાસેથી નોટ કઢાવી શકે છે! ગરીબો પાસે વોટ સિવાય કંઈ આપવાનું નથી અને અમીરો પાસેથી નોટ સિવાય કંઈ લેવાનું નથી. બીજી મહત્ત્વની એક વાત એ છે કે આપણા ધનાઢ્ય લોકો, મુંબઈમાં ગુજરાતીઓ ખાસ કરીને, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ નથી, એ બિચારા વેપારીઓ છે, ટ્રેડર્સ છે, સ્પેક્યુલેટર્સ કે સટોડિયા છે અને આપણા લીડરો બિચારા ગમે તે વેપારીને ઘેર જઈને શિખંડપૂરી ખાઈ આવે છે. ગમે તેની ઑફિસમાં પોણો કલાક શેઠની રાહ જોઈને બેસી શકે છે. કોઈપણ શેઠિયાની પૌત્રીના લગ્નમાં સાંજે ગાંધીનગરથી નીકળીને, ઊડીને મુંબઈ આવવા તૈયાર બેઠા જ છે. ગાંધીજી અને નહેરુ અને પટેલના સમયમાં એમને ખુશ રાખવા અત્યંત અઘરું કામ હતું, હવે તો લીડરો બિચારા બહુ વ્યાવહારિક થઈ ગયા છે. એક દિવસ એવો આવી રહ્યો છે, કદાચ નિકટના ભવિષ્યમાં, જ્યારે મુંબઈના કોઈ જવાન વ્યાપારીના મોટી ઉંમરે થયેલા ટેણિયા સુપુત્રની બીજી વર્ષગાંઠને દિવસે ગુજરાતની આખી કેબિનેટ હાજર થઈ જશે!

ગુજરાતી મિનિસ્ટર ઊડીને મુંબઈ આવી જવાનો રોગચાળો હવે એક ઉપદ્રવ બની ગયો છે. મુંબઈના કેટલાક સ્થાનિક વેપારીઓ, જે પોતાને ગુજરાતી પ્રજાના ફૂલટાઈમ "અગ્રણી સમજે છે, આ નેતાઓની આસપાસ ફૂદડી ફરતાં ફરતાં કોરનિશ બજાવતા રહે છે. વિલ્સ કંપનીની સિગારેટ જાહેરખબરની જેમ બન્ને "મેઈડ ફૉર ઈચ અધર છે! નેતાને વેપારી જોઈએ છે, વેપારીને નેતા જોઈએ છે, પણ આ ખેલ ખતરનાક છે. જે દિવસે માથાભારે નેતા આવશે, વેપારીની હાલત ખસ્તા થઈ જશે. જે.આર.ડી.ટાટા ફોન લઈને ગમે ત્યારે સીધા દેશના પ્રધાનમંત્રી સાથે વાત કરી શકે એ કક્ષાના અને કાબેલિયત ધરાવતા હતા. એમને ક્યારેય કોઈએ કોઈ જાહેર સમારોહમાં જોયા હતા? રતન ટાટા ક્યારેય ફોટા પડાવવા આવે છે? ધીરૂભાઈ અંબાણી શરૂમાં આવતા હતા, પછી? મોટા ઉદ્યોગપતિઓ હિન્દુસ્તાનમાં ડઝનોને હિસાબે છે પણ એ હંમેશાં પાર્શ્ર્વભૂમિમાં રહે છે, ક્યારેય મંચની હેડલાઈટો કે ફોકસમાં આવતા નથી. આપણે જેમને જોઈએ છીએ એ લેભાગુ, ફૂટકળિયા સટોડિયા અને ટ્રેડરો છે. વેપારી માટે ફોકસથી દૂર રહેવું એ સલામત પૉલિસી છે. આઝાદી પહેલા જવાહરલાલ નહેરુ એક ખાનગી પ્લેનમાં ફરતાં એ રામકૃષ્ણ દાલમિયાએ એમને આપ્યું હતું. એક વાર દાલમિયા બોલી ગયા, નહેરુને તો હું ફેરવું છું, એ તો મારા હવાઈજહાજમાં ઊડે છે વગેરે વગેરે. જિંદગીનાં ૧૩ વર્ષો બ્રિટિશ જેલોમાં ગુજારનાર કરોડપતિના બેટા જવાહરલાલની આંખ ફાટી ગઈ. એમણે દાલમિયાને તારાજ કરી નાખ્યા! એ વખતે દાલમિયાએ અંગ્રેજ માલિકો પાસેથી "ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ખરીદ્યું હતું એટલે તૈશમાં હતા.

ઘનશ્યામદાસ બિડલા હિન્દુસ્તાનના સૌથી ધનિક ઉદ્યોગપતિ હતા અને ગાંધીજી માટે એમને અખૂટ આદર હતો. એમણે સ્વયં "બાપુ નામની ગાંધીજીની જીવની લખી છે, જે સપ્ટેમ્બર ૧૯૪૧માં પ્રકટ થઈ હતી. વેપારી અને લીડર કેવી રીતે સહઅસ્તિત્વ કરી શકે છે એનું સૌથી જ્વલંત પ્રમાણ ગાંધીજી અને બિડલાનો સંબંધ છે. ગાંધીજી બિડલાને એમના પુત્ર ગણતા. ૧૯૫૬માં બી.બી.સી.એ ગાંધીજી વિશે ચાર રેડિયો કાર્યક્રમો પ્રસારિત કર્યા હતા જેમાં બિડલાએ પણ કહ્યું છે: "....સારા કામ માટે મેં ગાંધીજીને ક્યારેય ના પાડી નથી. ઈશ્ર્વરનો આભાર કે મારે કયારેય ગાંધીજીને ના પાડવી પડી નથી. ઘણીવાર એમણે મને નાનામાં નાનો હિસાબ બતાવવાની કોશિશ કરી છે પણ મને કયારેય એ બધામાં રસ ન હતો! ગાંધીજીની હત્યા પહેલા બિડલાએ ગાંધીજીને કહ્યું "આટલી બધી સશસ્ત્ર પુલિસ તમારી રક્ષા કરે છે એ ખોટું છે. ગાંધીજીએ મને કહ્યું, મને કેમ કહો છો? સરદાર પટેલને કહો, એ ગૃહમંત્રાલય સંભાળે છે. મેં સરદારને કહ્યું, એમણે મને ધમકાવી નાખ્યો, આ તમારો વિભાગ નથી, અમે એવું જોખમ ન લઈ શકીએ!.... અમે તો બિડલા હાઉસમાં પ્રવેશ કરનાર દરેકની તપાસ કરવા માગીએ છીએ. પણ ગાંધીજીએ આ બંધ કરાવ્યું છે. અને બિડલા કહે છે, જે માણસે ખૂન કર્યું એની ક્યારેય તપાસ કરવામાં આવી ન હતી. ગાંધીએ બિડલા હાઉસમાં દેહત્યાગ કર્યો હતો.

"બાપુ પુસ્તકમાં બિડલાએ ૧૯૩૩ના મેમાં ગાંધીજીએ હરિજનોના પ્રશ્ર્નો પર ૨૧ દિવસના ઉપવાસ કર્યા અને ડૉ. આંબેડકર સાથે જે ઘટનાઓ ઘટી એનું સવિસ્તર વર્ણન કર્યું છે. બિડલા માત્ર એક વેપારી ન હતા, દૂત હતા, સાંધિવિગ્રહક હતા. બિડલા આંબેડકરને મળતા હતા, એ એને મહાદેવ દેસાઈ વાઈસરૉયને દિલ્હીમાં મળતા રહે એ કામ ગાંધીજીએ સોંપ્યું હતું. ગાંધી-ઈરવીન કરાર વખતે પણ બિડલા દિલ્હીમાં ગાંધીજીની સાથે હતા, વાઈસરૉયને મળવા જતા હતા. લગ્નમાં પેટ્રોમેક્ષની બત્તી ઉપાડીને ચાલતા, દિવસના ૨૦ રૂપિયા રોજીવાળા, દહાડિયા જેમ બમ્બૈય્યા ગુજરાતી વેપારીઓને સમજ નહીં પડે કે, બિડલા એક વેપારી, ગાંધીજીના દૂત તરીકે એ ૧૯૩૦ના શકવર્તી દશકમાં વાઈસરૉયને અને ડૉ. આંબેડકરને મળતા હતા, રાજાજી અને સર તેજબહાદુર સપ્રુ જેવા સાથે ચર્ચા કરતા હતા! મુંબઈના ગુજરાતી વેપારીઓ બિચારા હપ્તો આપનાર દુકાનદારો જેવા ભીરુ છે, ગમે તેવો નાનકડો સડકછાપ સ્થાનિક નેતા પણ એમની પાસેથી રૂપિયા ઉઘરાવી શકે છે! ગુજરાતી વેપારીએ જિંદગીમાં બીજું કરવાનું પણ શું હોય છે?

No comments:

Post a Comment