Pages

Saturday, April 19, 2014

લોકશાહી, મેઈડ ઈન ઈન્ડિયા- ચંદ્રકાંત બક્ષી

લોકશાહી, મેઈડ ઈન ઈન્ડિયા: વિશિષ્ટતાઓ, વિશેષતાઓ, વિચિત્રતાઓ

આપણી ત્રીજા વિશ્ર્વની લોકશાહીની વિશેષતા છે: કાળા હાથનો અંગૂઠો સ્ટેમ્પ-પેડ પર દબાવીને કાગળ પર છાપ લેવી! હિંદુસ્તાનમાં તો આપણે ભણેલાગણેલા માણસો પણ અંગૂઠાનું નિશાન લગાવીએ એ જ બરાબર છે


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


હિંદુસ્તાનમાં લોકશાહી છે અને અમેરિકા, જાપાન, ઈઝરાયલ, યુરોપીય દેશો અને અન્યત્ર ઘણા દેશોમાં લોકશાહી છે. લોકશાહી એટલે પ્રજાતંત્ર, પ્રજાના સગીર વયના નાગરિકોની પસંદગી પ્રમાણે ચૂંટાયેલી સંસદ અને સરકાર. ચૂંટણી કે નિર્વાચન હવે લોકશાહીમાં જ નહીં પણ સેનાશાહીમાં પણ આવી ગયા છે. તાનાશાહો પણ હવે ચૂંટણીઓ કરાવે છે. હિંદુસ્તાનને જે એક વાતનો ગર્વ છે એ છે ચૂંટણીની પરંપરા. ૧૯૫૨ થી ૧૯૮૪ સુધી આપણે આખા દેશમાં આઠ નિર્વાચનો કરાવ્યાં, ૧૯૮૯માં લોકસભા માટે નવમું નિર્વાચન થશે. ૧૯૫૨ના નિર્વાચનમાં હિંદુસ્તાનમાં ૧૭ કરોડ ૩૨ લાખથી વધારે મતદાતાઓ હતા. ૧૯૭૧ના પાંચમા નિર્વાચનમાં મતદાતાઓની સંખ્યા ૨૭ કરોડ ૪૧ લાખ જેટલી પહોંચી હતી. ૧૯૮૪ના આઠમા નિર્વાચનમાં મતદાતાઓ ૩૮ કરોડ ૯૩ લાખ થઈ ગયા હતા. (જમ્મુ-કાશ્મીર અને આસામ સિવાય). આ વખતે ૧૯૮૯માં ૪૯ કરોડ ૮૫ લાખ મતદારો છે (આસામ સિવાય). મતદાતા વૃદ્ધિનું એક કારણ છે ૧૮થી ૨૧ વર્ષ સુધીના નવા મતદાતાઓ, જે પ્રથમ વાર મતદાન અધિકાર પ્રાપ્ત કરે છે. એ વયકૌંસમાં આ વખતે ૩ કરોડ ૫૬ લાખ ૭૭ હજાર જેટલા મતદાતાઓ છે. જગતભરમાં ક્યાંય આટલા બધા મતદાતાઓ એક સાથે મતદાન કરતા નથી.

વિશ્ર્વમાં ક્યાંય મતદાન આપીને લોકોએ ૪૦-૪૧ વર્ષો સુધી એક જ કુટુંબના ત્રણ નબીરાઓને પ્રધાનમંત્રી બનાવ્યા નથી. આ આપણી મેઈડ ઈન ઈન્ડિયા લોકશાહીની વિશેષતા છે.

આપણી લોકશાહીમાં દરેકને મતાધિકાર છે, ૧૮ વર્ષ ઉપરના દરેકને. એ માત્ર ગાંડો ન હોવો જોઈએ, અભણ હોય તો ચાલે. ૧૯૮૧ના ભારતવર્ષમાં દર પાંચ સ્ત્રીઓમાંથી ચાર સ્ત્રીઓ અભણ હતી અને દર ત્રણ પુુરુષોમાંથી બે અભણ હતા. એટલે ભારતમાં લોકશાહી શિક્ષિત કરતાં અશિક્ષિતની વિશેષ છે.

‘શિક્ષિત’નો અર્થ પણ આપણે ત્યાં જુદો છે. અન્ય દેશોમાં શિક્ષિત એટલે જેણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધું છે એવી વ્યક્તિ. સામાન્ય રીતે પાંચ-સાત-દસ વર્ષ સ્કૂલે તો ગયો જ હોવો જોઈએ. અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં તદ્દન અભણને મતનો હક આપવામાં આવ્યો નથી, ભારતમાં ફૂટપાથ પર ભૂખે મરતા બેઘર ભિખારીને પણ મતાધિકાર છે. અમેરિકામાં શિક્ષણ જોઈએ, એડ્રેસ જોઈએ, તો મતાધિકાર પ્રાપ્ત થાય છે. એક વસતિ ગણતરી સમયે આપણે શિક્ષિતની વ્યાખ્યા મૂકી હતી: જે પોતાની સહી કરી શકે એ મનુષ્ય શિક્ષિત છે! એટલે ગડબડિયા અક્ષરોમાં તમે તમારું નામ લખી શકો તો શિક્ષિત કહેવાઓ. ૧૯૭૮માં શિક્ષિત માટેની સરકારી વ્યાખ્યા હતી: જે વ્યક્તિ એક મિનિટમાં ૫૦ શબ્દો ચૂપચાપ (અર્થાત્ મોટેથી નહીં) અને સમજીને વાંચી શકે અને એક મિનિટમાં સાત શબ્દો લખાવ્યા હોય તો લખી શકે એ શિક્ષિત હતો.

૧૯૮૭માં પ્રૌઢ શિક્ષણ વિભાગે નવી વ્યાખ્યા મૂકી આપી: જે વ્યક્તિ એક મિનિટમાં ૩૦ શબ્દો ઊંચા અવાજે અથવા ૩૫ શબ્દો ચૂપચાપ વાંચી શકે અને એક મિનિટમાં પાંચ લખાવેલા શબ્દો લખી શકે એ શિક્ષિત હતો.

હા, આપણે આપણી લોકશાહીની વિશિષ્ટતાઓ, વિશેષતાઓ અને વિચિત્રતાઓની વાત કરતા હતા.

કદાચ અશિક્ષણને કારણે આપણે ત્યાં ઈનવેલિડ અથવા રદ વોટોનું પ્રમાણ ઘણું વધારે છે, કદાચ વિશ્ર્વની કોઈ સ્થિર લોકશાહીમાં આટલા બધા વોટ નકામા જતા નથી. એક કારણ એ હોઈ શકે કે લોકો સ્વયં પોતાનો મત રદ કરે છે, જે અતિશિક્ષિત કે બૌદ્ધિક માણસ જ કરી શકે. સામાન્ય જનસમુદાયને કદાચ મતપત્ર પર સ્ટેમ્પ મારતાં આવડતો નથી એટલે મત કૅન્સલ થઈ જાય છે. અહીં તો સંસદસભ્યોના વોટ (રાષ્ટ્રપતિ ચુનાવ વખતે) પણ રદ થઈ ગયાના પ્રમાણો છે! લોકસભાના નિર્વાચનોમાં ૨ થી ૪ ટકા જેટલા વોટ ઘણી વાર નકામા જાય છે. ૧૯૮૪માં કર્ણાટકના કોપ્પલ મતવિસ્તારમાં લોકસભા ચુનાવમાં ૪,૮૨,૭૧૮ મત નખાયા હતા, જેમાંથી ૨૩,૧૪૫ ઈનવેલિડ કે નકામા હતા, એટલે કે ૪.૭૯ વોટ વ્યર્થ ગયા! ૧૯૮૪માં દાર્જિલિંગ મતવિસ્તારમાં કમ્યુનિસ્ટ આનંદ પ્રસાદ પાઠકને ૨,૨૮,૬૭૯ વોટ મળ્યા અને બીજા કૉંગ્રેસી ઉમેદવાર દાવા નર્બુલાને ૨,૨૭,૨૯૦ વોટ મળ્યા એટલે કે ફરક માત્ર ૧૩૮૯ મતોનો હતો. અને એ વિસ્તારમાં કેટલા મત રદ થયા હતા? ૧૬૭૬૧ મત દિલ્હીથી પ્રધાનમંત્રીના મંત્રાલયે પણ આ વિશે તપાસ કરાવી હતી કે આટલા બધા મતો નકામા કેવી રીતે થઈ ગયા? ૧૯૮૪માં તામિલનાડુમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે જ રાખવામાં આવી હતી. એ વખતે મતદાતાઓને બે જુદા જુદા મતપત્રો એક પછી એક આપવામાં આવ્યા હતા કે જેથી ગોટાળો ન થાય. પણ જબરો ગોટાળો થઈ ગયો. થાંજાવુર ડિસ્ટ્રિક્ટમાં તો લગભગ ચાર ટકા વોટ નકામા ગયા હતા! અને આ સ્વતંત્ર હિંદુસ્તાનનું આઠમું નિર્વાચન હતું પણ લોકોને મલ્ટિપલ વોટિંગ કે બહુ મતદાન અથવા દ્વિમતદાનમાં સમજ પડી નહીં.

આમાં તામિલનાડુ કે કર્ણાટક કે દાર્જિલિંગની ગ્રામીણ જનતાનો દોષ કાઢવાનો અર્થ નથી. ૧૯૮૪માં ન્યુ દિલ્હી મતદાન કેન્દ્રમાં ૨૦૨૨ મતો નકામા ગયા હતા, દક્ષિણ દિલ્હીમાં ૩૯૪૯, બાહ્ય દિલ્હીમાં ૮૬૯૧ અને પૂર્વ દિલ્હીમાં ૮૮૨૧ મતો ઈનવેલિડ થયા હતા! પાટનગર દિલ્હીની આ સ્થિતિ આઠમા લોકસભા ચુનાવમાં હતી.

દક્ષિણ મદ્રાસમાં ૧૯૮૪ના લોકસભા ચુનાવમાં ૨૨૬૦૯ મતો ઈનવેલિડ અથવા વ્યર્થ ગયા હતા. મુંબઈ ઉત્તર-પશ્ર્ચિમમાં ૮૦૧૬, મુંબઈ ઉત્તરમાં ૧૦૪૭૨ મતો વ્યર્થ હતા. અમદાવાદમાં ૯૭૮૯, વડોદરામાં ૧૪૦૨૪, સુરતમાં ૧૨૬૪૮, રાજકોટમાં ૧૩૨૦૨ મતો નકામા ગણાયા હતા. આ રાજકીય રીતે જાગ્રત ગુજરાતના ચાર મુખ્ય નગરોની સ્થિતિ હતી! કલકત્તાના દક્ષિણમાં ૧૧૮૮૩ વોટ નકામા ગયા હતા અને કલકત્તા ઉત્તર-પશ્ર્ચિમમાં ૮૯૨૫ વોટ નકામા ગયા હતા. એટલે મતદાન કરતાં ન આવડવાની બાબતમાં પૂર્વ-પશ્ર્ચિમ - ઉત્તર - દક્ષિણ અને નૈઋત્ય, વાયવ્ય, ઈશાન, અગ્નિ અને ઉપર અને નીચે એમ દશે દિશાઓ અને ખૂણાઓનું ભારત વર્ષ એક હતું!

વિશ્ર્વમાં અન્યત્ર વિકસિત દેશોની લોકશાહીમાં મતપત્ર પર હથેળી કે ચક્ર કે સાઈકલ કે ઘોડો કે ગધેડો કે દીપક કે કમળ બે બળદની છાપ હોતી નથી, ઉમેદવારોનાં નામો લખ્યાં હોય છે. મતદાતા નામ વાંચીને એની સામે નિશાન કે મોહર લગાવે છે. આ ચિત્રો અને ચિહ્નો અભણ દેશો માટે છે, જે વાંચી શકતા નથી કે કમથી કમ ઘોડા કે આખલા કે ઊંટના ચિત્ર કે ફાનસ કે હોડી કે હળના ચિહ્ન પર થપ્પો મારી શકે છે. આપણી ત્રીજા વિશ્ર્વની લોકશાહીની વિશેષતા છે: કાળા હાથનો અંગૂઠો સ્ટેમ્પ-પેડ પર દબાવીને કાગળ પર છાપ લેવી! હિંદુસ્તાનમાં તો આપણે ભણેલાગણેલા માણસો પણ અંગૂઠાનું નિશાન લગાવીએ એ જ બરાબર છે.

હિંદુસ્તાની લોકશાહીની બીજી એક વિચિત્રતા છે: અપક્ષ ઉમેદવાર! અન્યત્ર આટલા બધા અપક્ષ ચુનાવ સમયે ફૂટી નીકળતા નથી. અલાહાબાદમાં વી. પી. સિંહ વિરુદ્ધ હરિ શાસ્ત્રીની પેટાચૂંટણી હતી જેના પર આખા હિંદુસ્તાનનું ધ્યાન કેન્દ્રિત હતું. એ ચુનાવમાં ૬૮ ઉમેદવારો ઊભા હતા જેમાંથી ૬૫ ઉમેદવારો અપક્ષ હતા! એ વખતે એક અપક્ષ રામ નિજહવાન પર કોઈએ હુમલો કર્યો અને એ સખત ઘાયલ થયો. જો રામ નિજહવાન મરીબરી ગયો હોત તો આખી પેટાચૂંટણી મુલતવી રાખવી પડત! સદ્ભાગ્યે એ મર્યો નહીં અને પેટાચૂંટણી થઈ. કાયદો એવો છે કે જો કોઈ ઉમેદવાર મરી જાય તો એ પૂરી ચૂંટણી મોકૂફ રાખવી પડે. પંજાબમાં ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીમાં સરકારે ખાસ અધ્યાદેશ જારી કર્યો હતો કે જો કોઈ અપક્ષ ઉમેદવાર ચૂંટણી પહેલાં મરી જશે તો ચૂંટણી મોકૂફ નહીં રહે. પંજાબ માટે આ જરૂરી હતું, પણ આજે એ આખા હિંદુસ્તાન માટે જરૂરી બની ગયું છે.

આ અપક્ષો લોકશાહીમાં સખત બાધારૂપ છે. ૧૯૫૨ના પ્રથમ લોકસભા નિર્વાચનમાં ૫૩૩ અપક્ષ અથવા સ્વતંત્ર ઉમેદવારો ઊભા હતા અને ૩૮ ચૂંટાયા હતા, કુલ મતદાનના ૧૩.૯ ટકા એ ખેંચી ગયા હતા. ૧૯૮૪માં ૩૮૭૮ અપક્ષ ઉમેદવારો ઊભા રહ્યા હતા અને ફક્ત પાંચ જ સીટો પર જીત્યા હતા, પણ પૂરા નિર્વાચનમાં દેશભરના વોટના ૮.૧ ટકા વોટ અપક્ષો બગાડી ગયા હતા. ગુજરાતમાં ૧૯૮૦માં ૯૬ અપક્ષો લગભગ ત્રીજા ભાગનું મતદાન કરી ગયા હતા. ૧૯૮૪માં ગુજરાતમાં લોકસભા ચુનાવ વખતે ૧૫૧ અપક્ષ ઉમેદવારો ૮.૨૨ ટકા મતદાન લઈ ગયા હતા. હમણા ભાજપના લાલ કિશન અડવાણીએ ‘ઓર્ગેનાઈઝર’માં અપક્ષ ઉમેદવારી વિશે એક સરસ માહિતીપ્રદ લેખ લખ્યો હતો. એમના કથન મુજબ ઈટાલીમાં અપક્ષ ઉમેદવારો પર પ્રતિબંધ છે. ઈંગ્લૅન્ડના હાઉસ ઑફ કોમન્સમાં એક પણ અપક્ષ ઉમેદવાર નથી, ફક્ત સ્પીકરના અપવાદ સિવાય, કારણ કે સાંસદ એકવાર સ્પીકર તરીકે ચૂંટાઈ જાય પછી એ કોઈ પણ પક્ષનો રહેતો નથી. આ અપક્ષો ગઠિયાઓને રોકવા માટે ચૂંટણી આયોગે કંઈક કરવું પડશે, આજે નહીં તો ભવિષ્યમાં.આપણી લોકશાહી અદ્ભુત છે. તમારા ઘરની દીવાલ ચૂંટણીના દિવસોમાં તમારી નથી, હું ગમે તે ચીતરી શકું છું અને તમે કંઈ કરી શકતા નથી અને ચૂંટણી પછી પણ મારી એ સાફ કરવાની જવાબદારી હોય એમ હું માનતો નથી. સ્કૂલના યુનિફોર્મ પહેરેલા છોકરા એ સફાઈ કરશે અને છાપામાં એમના ફોટા આવશે. બસ, આ દેશવ્યાપી નિર્વાચન છે. અહીં તમારી દીવાલ તો શું મત કેન્દ્ર કબજે કરી લેવામાં આવે છે. એક વિદેશીએ પૂછ્યું હતું: આ બૂથ કેપ્ચરિંગ (મત કેન્દ્ર કબજે કરવું) એટલું શું? એક દેશીએ ઉત્તર આપ્યો: ઈટ્સ ડિમોક્રસી મેઈડ ઈઝી! (લોકશાહી... જરા સરળ બનાવી દેવાની). આપણે લોકશાહીને આધ્યાત્મિક કક્ષાએ લઈ ગયા છીએ.

ક્લોઝ અપ

પોપ્યુલર વુલ્ટ ડેસીપી. અર્ગો ડેસીપી એટર (કાર્ડિનલ કરાફાએ કહેલું લેટિન વાક્ય)

અર્થ: પબ્લિક બેવકૂફ બનવા માગે જ છે તો એને બેવકૂફ બનવા દો.

No comments:

Post a Comment