Pages

Sunday, December 1, 2013

દેખાડવાના જુદા અને વાસ્તવના જુદા- સંજય છેલ

દેખાડવાના જુદા અને વાસ્તવના જુદા
આપણે બધા વર્ષોથી આપણાં ડબલ ડબલ ‘વાઈસરોયનાં માપ’માં ખુશીથી જીવી રહ્યા છીએ
મિજાજ મસ્તી - સંજય છેલ

એક જમાનામાં, આઝાદી પહેલાં, અંગ્રેજ ઓફિસરો ખાસ કરીને વાઈસરોય શિકારે જતા. સાથે સો-બસો લોકોનો કાફલો. જંગલમાં શિકારીઓ, લોકલ લોકોને લઈને નીકળે. ઊંચો માંચડો બાંધે. વાઘને બોલાવવા ‘હાકા’ પાડીને અવાજો કરીને-વાંજિત્રો વગડાવીને પાસે બોલાવે. વાઘ, માંચડા તરફ આવે. શિકારીઓ એને ઘેરી લે પછી સાવ નજીકથી વાઈસરોય નિશાન લગાવે અને ચારેબાજુથી ઘેરાઈ ગયેલો વાઘ એમની ગોળીનો શિકાર બને. પછી બધા ચેક કરે કે એ વાઘ ખરેખર મરી ગયો છે કે નહીં અને ત્યારે વાઈસરોય માંચડા પરથી નીચે ઊતરે. મરેલા વાઘના શરીર પર પગ મૂકી, હાથમાં બંદૂક લઈને શૂરવીરની જેમ ફોટો પાડે. બધા તાળી પાડે. ચમચાગીરીની મહેફિલ જામે. પછી વાઈસરોયના સ્ટાફમાંથી કોઈ એક ફૂટપટ્ટી કે મીટર પટ્ટી લાવે અને વાઘને માપે. વાઘની લંબાઈ જેટલી વધુ એટલી વાઈસરોયની શૂરવીરતા વખણાય કે ફલાણા વાઈસરોયે ૧૧ ફૂટનો વાઘ માર્યો. જૂનો રેકોર્ડ તોડ્યો વગેરે વગેરે. એક વાર એવા જ એક શિકારના પ્રસંગે ત્યાં એક દીવાન સાથે હતા. એણે જોયું કે વાઈસરોયના માણસોએ દાવો કર્યો કે ૧૧ ફૂટનો વાઘ મરાયો છે. દીવાનને એ વાત ગળે ના ઊતરી. વાઈસરોય અને એમનો પરિવાર ફોટાં પડાવીને ગાડીમાં બેસી ગયો ત્યારે એ દીવાન વાઘ પાસે જાય છે અને એને લાગે છે કે વાઘ તો ૯ ફૂટથી લાંબો હોઈ જ ના શકે. દીવાને આ વિશે શિકારીને પૂછ્યું, માપવાની પટ્ટી મગાવી ત્યારે ખબર પડી કે વાઘ ૯ ફૂટનો જ હતો પણ માપવાની પટ્ટી શૂન્યથી નહીં બે ફૂટથી શરૂ થતી હતી! એટલે વાઘની લંબાઈ અગિયાર ફૂટ લાગતી હતી પણ એક્ચ્યુઅલી તો માત્ર ૯ ફૂટ હતી! શિકારમાં રેકોર્ડ કાયમ કરવા, વાઈસરોયને સારું લગડાવવા એમનો સ્ટાફ આવો દંભ કરતો! એ દીવાને આ વાત પોતાનાં સંસ્મરણોમાં લખેલી અને નામ આપેલું ‘વાઈસરોયનાં માપ’-દેખાડવાનાં જુદા અને વાસ્તવમાં જુદાં! (એ દીવાન એટલે ગુજરાતી ભાષાના સમર્થ નિબંધકાર-લેખક કિશનસિંહ ચાવડા ખુદ! જેમની ‘અમાસના તારા’ નામની કૃતિ અજરામર છે!)

કદાચ આજે આપણે સૌ પણ આવાં ‘વાઈસરોયનાં માપ’ ઠેર ઠેર જોઈ રહ્યા છીએ. જીવનના દરેક ક્ષેત્રમાં આવી જુદી ફૂટપટ્ટીઓ લઈને લોકો નીકળી પડ્યા છે! કાલ સુધી સ્ત્રીસ્વાતંત્ર્ય, અન્યાય, ભ્રષ્ટાચાર વિશે વાતો કરનાર અને સ્ટિંગ ઓપરેશનથી નામ કાઢનાર ‘તહેલકા’ના પત્રકાર તરુણ તેજપાલ આજે રેપ કેસમાં ફસાયો છે. વરસોથી મૂલ્યોની-સિદ્ધાંતોની વાત કરનાર લેખક-પત્રકાર તરુણ તેજપાલની અંગત બાજુ આવી ધૂંધળી છે! હિંદી કવિ લેખક ધર્મવીર ભારતીએ મહાભારત વિશે નાટક લખેલું ‘અંધા યુગ’-આંધળો યુગ પણ કદાચ એથીયે ખતરનાક એવા ‘ધૂંધળા યુગ’માં આપણે જીવી રહ્યા છીએ!

જે સંતો આપણને મોક્ષની વાતો શીખવે છે, માયા-મમતા-કામવાસનાથી દૂર ભાગવાની સલાહો આપે છે એ આજે પોતાના કુકર્મોથી ખુદ ભાગી રહ્યા છે. સમાજથી અને પોલીસથી. આસારામ કે નારાયણ સ્વામી તો છીંડે ચઢેલા ચોર છે, ક્યા ક્યા બીજા સંત-બાપુ-બાબાના આંગણામાં શું શું રાઝ છુપાયા હશે કોને ખબર. વ્યાસપીઠ પર ડાહી ડાહી વાતો કરવાની ફૂટપટ્ટી એક છે અને અંગત જીવનમાં રંગરેલિયાં મનાવવાની ફૂટપટ્ટી અલગ! અહીં વાસના અને વૈરાગ્ય, બેઉ માટે બે અલગ અલગ ‘વાઈસરોયનાં માપ’ છે! જે દેશમાં લોકતંત્રને નામે સૌને સ્વતંત્ર મુક્ત આઝાદ જીવન જીવવાની છૂટ છે-એવા સંવિધાનની સૌને હૂંફ છે-એવા જ સંવિધાનના સોગંદ લઈને મિનિસ્ટર કે સર્વેસર્વા બનેલાઓ એક સ્ત્રીની જાસૂસી કરે છે, એના અંગત જીવનમાં ડોકિયું કરવા માટે આખી પુલીસીયા મશીનરી લગાવી દે છે! એવું ગુજરાતમાં જાણવા મળ્યું છે! સંવિધાનની કસ્મો લેવી, આઝાદ ભારતના નાગરિકો પાસે વોટ માગવા વખતે સુફિયાણી વાતો કરવાની ફૂટપટ્ટી અલગ છે અને વ્યવહારમાં પાવરની ચાબુક ચલાવવાની ફૂટપટ્ટી અલગ છે. સત્તા અને સ્વતંત્રતાની બે ‘વાઈસરોય’નાં માપ છે!

શબ્દે શબ્દે, પંક્તિ પંક્તિએ, પાને પાને અનુભૂતિ અને લાગણીના આવિષ્કારની વાતો કરનારા સાહિત્યકારો અને કવિ-લેખકો, અંગત જીવનમાં એવોર્ડ માટે-કમિટીમાં નાગની જેમ કુંડળી મારીને બેસવા માટે-સરકારી પૈસે રિસર્ચો કરવા માટે શેઠ-સાહુકાર પાસે કમરથી ઝૂકી જવા માટે અનેક વાર જોવા મળે છે. કવિતાઓમાં-લેખોમાં-વાર્તાઓમાં ઈશ્ર્વરને પડકારનારા નિર્ભીક કલમવીરો નાનાં નાનાં સન્માન માટે બાપુ-સંતો પાસે સજદામાં પડીને પોતાનાં સન્માનને ગિરવે મૂકે છે! કાવ્યો અને સાહિત્યિક ગોષ્ઠિમાં ચર્ચાતો નિર્ભય અવાજ, જરૂર પડે ત્યારે બેસી જાય છે. ‘કલમ’ અને ‘કોમ્પ્રોમાઈઝ’ માટે બે માપદંડો છે-બે વાઈસરોયનાં માપ છે.

જે ફિલ્મસ્ટારોનાં પોસ્ટરોને જોઈને યંગ છોકરા-છોકરીઓ મોં ખોલીને ઈમ્પ્રેસ થઈ જાય છે એ સ્ટીરોઈડ્ઝ લઈને શરીર બનાવે છે, ટ્રાન્સપ્લાંટ કરેલા વાળ ઉગાડે  છે, દાદાગીરી કરીને એવોર્ડ્સ ખરીદે છે, ફિલ્મ રિલીઝ થાય એ જ દિવસે ૧૦૦ કરોડ-ર૦૦ કરોડના ફર્જી દાવાઓ છપાવે છે. મનોરંજન અને માર્કેટિંગનાં બે અલગ ધોરણો છે-બે અલગ ‘વાઈસરોયનાં માપ’ છે!

જે ક્રિકેટરોના ચોક્કા-છગ્ગાને જોઈને રમતપ્રેમી તિરંગા ફરકાવીને ચીસો પાડે છે એ જ ક્રિકેટરો બુકીઓ સાથે ભાવતાલ કરીને આઉટ થઈ જાય છે કે કેચ છોડે છે. દેશપ્રેમની રમત કેશપ્રેમમાં પલટાઈ જાય છે! ક્રીઝ પર બેટિંગ કરવામાં અને સટ્ટામાં ‘બેટિંગ’ કરવામાં બે અલગ રમતવીર દેખાય છે.! અહીંયાં ફરી બે અલગ સ્કોરબોર્ડ છે-બે અલગ વાઈસરોયનાં માપ છે!

જ્યાં જુઓ ત્યાં ધૂંધળાં યુગની છાયા છે, જ્યાં શોધો ત્યાં નવા અંધારાનું અજવાળું છે. દુ:ખની કે નવાઈની વાત એ છે કે આમાંથી આપણામાંથી કોઈ બાકાત નથી. ફ્લેટ ખરીદતી વખતે બ્લેકની રકમ અલગ છે, વ્હાઈટની અલગ છે. ત્યાં આપણો રાષ્ટ્રપ્રેમ નીતિમત્તા, સંસ્કારો આંખો મીંચીને સૂઈ જાય છે. પાઈરેટેડ સી.ડી.માં ફિલ્મ જોવામાં કે નકલી સોફ્ટવેર ખરીદતી વખતે આપણે સારાનરસાને ભૂલી જઈએ છીએ. કૉંગ્રેસ-બીજેપીને ભાંડનાર આમઆદમી પાર્ટીના લોકો પણ બંધબારણે સોદા કરતા જોવા મળે છે! મંચ પર બોલવાના શબ્દો અલગ છે, મંચ પાછળ પૈસા, તોલવાના માપ અલગ છે. અહીં પણ ‘વાઈસરોય’નાં માપ છે.

બહુ વર્ષો પહેલાં એક કોમેડી સિરિયલમાં એક પાત્રનો ફની ડાયલોગ સાંભળેલો: ‘જો દિખતા હૈ વો હોતા નહીં હૈ, જો હોતા હૈ વો દિખતા નહીં હૈ!’ આપણે સૌ આપણાં ડબલ ડબલ ‘વાઈસરોયનાં માપ’માં કેટલા ખુશ છીએને?

No comments:

Post a Comment