Pages

Friday, October 11, 2013

પૈસો -ચંદ્રકાંત બક્ષી


તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે
બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી

ઈશ્વરે પૂરી સૃષ્ટિનું સર્જન કર્યું અને મનુષ્યે એમાં કેટલાક ફેરફારો કર્યા. ઈશ્વરે માત્ર રેતી બનાવી હતી, માણસે એમાંથી કાચની પ્યાલી બનાવી. ઈશ્વરે પાણી બનાવ્યું, માણસે શરાબ પેદા કર્યો. ક્યારેક માણસને લાગ્યું કે ઈશ્વર કેટલીક વસ્તુઓ બનાવવી ભૂલી ગયો છે. માણસે બે એવી વસ્તુઓ બનાવી જેની દાનવી શક્તિની ઈશ્વરને કલ્પના પણ ન હતી: રોટી અને પૈસા. માણસની ત્રીજી સૌથી મહાન શોધ, બોટલના જિન જેવી, મને લાગી છે: વિદ્યુત. આ જિન પાસે માણસે એવાં ભયાનક કામો કરાવ્યાં છે કે ઈશ્વર પણ કદાચ અસમંજસમાં પડી ગયો છે. ઈશ્વરની રાતને માણસ વિદ્યુતની પાશવી શક્તિથી દિવસમાં પલટાવી શકે છે. રોટી અને પૈસા સ્થૂળ છે, વિદ્યુત સૂક્ષ્મ છે. જે માણસે રોટી અને પૈસા શોધ્યાં હશે એ કદાચ શયતાન હશે. કાળોધોળો, બદામી પીળો માણસ આખી પૃથ્વી પર આજીવન આ બે વસ્તુઓ માટે, આ બે વસ્તુઓમાં, આ બે વસ્તુઓની તલાશમાં ખોવાયેલો રહે છે. રોટી અને પૈસો જૂની શોધો છે. વિદ્યુત નવી છે. રોટી અને પૈસા ક્રૂર શોધો છે. વિદ્યુત પ્રમાણમાં નિર્દોષ છે, અલાદ્દીનના જિન જેવી. જેના પેટમાં રોટી નથી અને જેની જેબમાં પૈસા નથી, એ આજના વિશ્વમાં અર્ધ-મનુષ્ય છે, એની પાસે ગમે તે કામ કરાવી શકાય છે, એ જ શૂદ્રાતિશૂદ્ર છે, ગુલામ છે, સ્લેવ છે, સર્ફ છે. વિજ્ઞાનના રોબોટનું એક સુખ છે કે રોબોટ રોટી માગતો નથી અને એને પૈસાની જરૂર નથી.

તનસ્વી થવા માટે રોટી જોઈએ છે અને મનસ્વી થવા માટે પૈસા જોઈએ છે. રોટીની ભૂખ સીમિત છે, પૈસાની ભૂખ અસીમ છે. બધાને પૈસાની જરૂર પડે છે. પૈસા ગમે છે પણ ગુજરાતી ખૂનની તાસીર એ છે કે ઘેટાંને ઊન ઊગી જાય એમ ગુજરાતીને પૈસા ઊગતા હોય છે. આપણે ત્યાં કહેવત છે કે પૈસો પરમેશ્વર છે. જૈન ધર્મગ્રંથો અને કથાઓમાં તો હીરો પણ વૈશ્ય હોય છે, દૂર-દેશાવર જાય છે, અઢળક ધન કમાઈ લાવે છે. જૈન પ્રજાને નિર્ધન હીરો બહુ માફક આવતો નથી અને ગુજરાત પર જૈન ધર્મધારાની અમીટ અસર છે. "ધર્મલાભ જેવો શબ્દ જૈન પ્રજાના સાધુઓ જ આપી શકે છે. લોભ અને લાભ સગોત્રી શબ્દો છે એવું જ્ઞાનીઓ કહે છે, પણ અહીં અટકી જવું જોઈએ, કારણ કે આપણે ઊંડા પાણીમાં ઊતરી રહ્યા છીએ! ભગવાનની ઉપાધિવાળા રજનીશનું કહેવું છે કે અંગ્રેજી શબ્દ "લવ પણ સંસ્કૃત લોભ શબ્દનું જ સંસ્કરણ છે... ખેર, આપણે લાભ, લોભ, લવનું વિશ્વ છોડીને પૈસાની દુનિયામાં આવી જઈએ.

ગુજરાતી માટે પૈસા કમાવા એ પાણીને માટે વહેવું કે વૃક્ષને માટે છાયા નાખવી કે ગાયને માટે વાગોળવું કે સ્ત્રીને માટે આયનામાં જોવું એ પ્રકારની એક પ્રાકૃતિક ક્રિયા છે. મુંબઈ નગરીનાં ગુજરાતી સમાચારપત્રોમાંથી મૃત્યુનોંધ અને શેરબજારનાં પાનાં ખસેડી લો તો (એ જ ક્રમમાં) ગુજરાતી સમાચારપત્રો વિધવાનાં કપાળ જેવાં લાગે. પૈસો ગુજરાતી ભાષાનો એક ભાવનાત્મક શબ્દ છે અને જેટલા બંગલા અમદાવાદમાં ગુજરાતી કવિઓ પાસે છે એટલા કદાચ જગતની કોઈ ભાષાના પ્રેક્ટિસિંગ કવિઓ પાસે નહીં હોય અને જેટલા હિંચકાઓ પર ગુજરાતી કવિઓ ઝૂલી રહ્યા છે એટલા હિંચકાઓ બ્રહ્માંડભરમાં કવિઓ પાસે નહીં હોય.

પૈસાની દુનિયા કેવી છે, પૈસાનો ધર્મ શું છે? પૈસા માટે સંસ્કૃત ભાષાએ એક વિરાટ, સર્વવ્યાપી શબ્દ વાપરી દીધો છે: અર્થ. અને અર્થથી ઉપર કોઈ શબ્દ હોઈ શકે છે? અર્થ શબ્દનો અંત છે. અર્થ આવી ગયા પછી શબ્દનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. અર્થ નિચોવી લીધા પછી શબ્દનું માત્ર છોતરું રહે છે.

પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચારેની પ્રાપ્તિની વાત છે, પણ પુરુષાર્થના ગર્ભમાં પણ અર્થને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. શા માટે?

પૂ.પં. શ્રી પૂર્ણચંદ્રવિજયજી ગણી નામના એક જૈન સાધુમહારાજે લખેલું વાંચવામાં આવ્યું. પૂ.પં. લખે છે: લક્ષ્મીના પર્યાયવાસી અનેક શબ્દોમાંનો એક શબ્દ છે: દોલત. ખૂબ જ અર્થસભર આ શબ્દ છે, જે બે તરફથી લાત લગાવે, એ દોલત!... આમ દોલતને મળેલું દોલત નામ ખરેખર ખૂબ જ સાર્થક છે.

સાધુમહાત્માઓ પૈસા વિષે અજ્ઞાની હોય એ સમજી શકાય છે, પણ શબ્દાર્થ વિષે અર્થ-અજ્ઞાન ન હોવું જોઈએ. દૌલત એટલે બે તરફથી લાત એવું અર્થઘટન મારે માટે નવું છે, અને આવું કોઈ અર્થઘટન તાર્કિક પણ નથી. શબ્દ "દોલત નથી પણ દૌલત છે. આ અરબી શબ્દ છે. મૂળ ધાતુ "દવલ છે, જેનો અર્થ છે બદલાવું. એકના હાથમાંથી બીજાના હાથમાં જવું. પૂ.પં... ખાનગી અપાસરાઓમાં આવું બધું બોલે એ ક્ષમ્ય છે, પણ જાહેરમાં લખતાં પહેલાં આ વિષે શક્ય એટલા ચોક્કસ રહેવું હિતાવહ છે.

દ્રવ્ય શબ્દ પણ લગભગ સમાનઅર્થી છે. દ્રુ... દ્રવ એટલે વહેવું, વહેતા રહેવું. જે વહેતું રહે છે એ દ્રવ્ય છે.

પૈસા વિષે ઘણા શબ્દો છે અને એ શબ્દોના અર્થો પરથી પૈસા શું વસ્તુ છે એ જરા જરા સમજાય છે. "ધન શબ્દ અને એના પરથી બનેલો ધનિક શબ્દ આપણે દૈનિક બોલચાલમાં વાપરતા રહીએ છીએ. કવિ ઉમાશંકર જોષીએ ઈશાવાસ્ય ઉપનિષદનો એક ભાવાનુવાદ કર્યો છે, જે એમનાં સારાં પુસ્તકોમાંથી એક હું ગણું છું. એમાં એમણે ધનમ્ શબ્દ સમજાવ્યો છે. મૂળ ધનાતિ અર્થાત્ દોડવું પરથી આ શબ્દ આવે છે.
ધનમ્ નો વૈદિક સાહિત્યમાં જે અર્થ છે એ ખરેખર નોંધપાત્ર છે. ધનમ્ એટલે દોડ, અથવા દોડની સ્પર્ધા અથવા દોડસ્પર્ધામાંથી મળતું પારિતોષિક. કંઈક મૂલ્યવાન વસ્તુ, સંપત્તિ.

પૈસો શબ્દ મૂળ સ્પેનિશ-પોર્ટુગીઝ પેસો પરથી આવ્યો છે. આજે પણ મેક્સિકોનું ચલણ પેસો છે. રૂપિયા, રૂપું અથવા રૌપ્ય સાથે સંબંધ રાખે છે. સમૃદ્ધિ કદાચ સમ અને રિદ્ધિથી બને છે. માધવ શબ્દ વિષે મણિલાલ ગાલાએ એક અર્થઘટન આપ્યું છે: મા એટલે લક્ષ્મી, અને ધવ એટલે પતિ. આ બંને શબ્દોના સંયોજનથી માધવ બને છે. સુવર્ણ એટલે સોનું, પણ આ શબ્દ સીધો છે, જેનો વર્ણ સરસ છે એ સુવર્ણ. એનો વિરોધી શબ્દ છે: દુર્વર્ણ. ઉર્દૂવાળા સરમાયા શબ્દ વાપરે છે, જે અર્થમાં આપણે મૂડી વાપરીએ છીએ. આ બંને અંગ્રેજી શબ્દ કૅપિટલના અનુવાદો છે. "શ્રી શબ્દનો એક અર્થ થાય છે સંપત્તિ, અને એ જ અર્થમાં શ્રીમાન અને શ્રીમંત અને શ્રીવંત અને શ્રીમતી અને શ્રીમત્ જેવા શબ્દો જન્મ્યા છે. પણ પૈસા માટેનો આ શબ્દ થોડી ગડબડ પૈદા કરે છે, ઉચ્ચારણની બાબતમાં. શ્રીના આ સિવાય પણ ઘણા અર્થો છે, પણ શ્રીનો જે ઉચ્ચાર આપણે કરીએ છીએ એ સાચો છે? આપણે આનો "શ્રી જેવો ઉચ્ચાર કરીએ છીએ, પણ બંગાળી ભાષામાં અને શ્રીલંકામાં આનો ઉચ્ચાર "સ્ત્રી કરે છે! સારો ઉચ્ચાર કયો? આપણો એસ-એચ-આર-આઈ કે બંગાળીનો એસ-આર-આઈ? જોકે પૈસા નામના શબ્દનો સર્વત્ર એક જ અર્થ હોય છે...

એક જમાનામાં સ્વાતંત્રય પૂર્વના કેરળમાં, જેનો એક ભાગ ત્રાવણકોર નામે પ્રસિદ્ધ હતો, એ ત્રાવણકોર રાજ્યમાં એક સિક્કો ચાલતો હતો અને એ સિક્કાનું નામ હતું: ચક્રમ! પૈસા માટે આવો સરસ શબ્દ ભાગ્યે જ કોઈ ભાષામાં મળી શકે છે. ત્રાવણકોર રાજ્યમાં એક રૂપિયાના સાડા એકવીસ ચક્રમ મળતા હતા. ચક્રમથી પણ નાનો એક સિક્કો હતો અને એનું નામ હતું: કેશ! એક રૂપિયાના ૪૪૮ કેશ મળતા હતા. એ રામરાજ્ય હતું. આજે તો કલ્પના પણ થઈ શકતી નથી કે એક રૂપિયાના આટલા બધા સિક્કા મળી શકે. જોકે હવે ભાવવધારો, ફુગાવો અને બીજાં ઘણાં બધાં કારણો ભેગાં થઈ ગયાં છે. એક રૂપિયામાં આજે કેટલા ચક્રમ મળી શકે? મલયાલમ ભાષામાં ચક્ર એટલે ગોળાકાર. આ ચક્ર પરથી ત્યાં ચક્રમ શબ્દ વપરાય છે. જે માણસ પૈસામાંથી શબ્દાર્થ શોધવા બેસે એનું અર્થશાસ્ત્ર કમજોર હોવું જોઈએ. પૈસાનો એક જ રંગ હોય છે અને એક જ અર્થ હોય છે. દરેક કરન્સી નોટ લીલી હોય છે એમ કહેવાય છે, એ સફેદ કે કાળી હોતી નથી. આપણે ત્યાં કાળું નાણું નામનો શબ્દ છે, પણ જ્યાં મુદ્રાસ્ફીતિ નિરંકુશ થઈ ગઈ છે એ લેટિન અમેરિકાના આર્જેન્ટિનામાં એમણે વધારે સારો શબ્દ વાપર્યો છે: મીઠું નાણું! કાળા રૂપિયા વાપરવાની જે મજા આવે છે, એ સફેદ રૂપિયા વાપરવામાં આવતી નથી. એને માટે કંઈક સરસ નામ હોવું જોઈએ. ‘મીઠું નાણું કે સ્વીટ મની’ શબ્દપ્રયોગ આપણે અપનાવવા જેવો છે. રેલવેમાં જેમ થર્ડ કલાસને સેકન્ડ કલાસ કરી લીધા પછી સરકારને રાહત થઈ ગઈ છે, એમ કાળાં નાણાંને મીઠું નાણું કહી દેવાથી સરકારને ખરેખર એક સારું કામ કર્યાનો સંતોષ થઈ જશે. લોકશાહીમાં જનતાની રાહત કરતાં સરકારની રાહત વધારે મહત્ત્વની છે. ખાસ કરીને ભારતીય લોકશાહીમાં.

પૈસો એ છઠ્ઠી ઈન્દ્રિય છે. અંગ્રેજ લેખક સમરસેટ મોમે લખ્યું હતું, જેને લીધે બાકીની પાંચ ઈન્દ્રિયો બરાબર ચાલે છે. કદાચ સમરસેટ મોમ સાચું લખી ગયો છે. એક અમેરિકને વધારે પ્રામાણિક રીતે કહી દીધું છે: પૈસો હોય તો દરેક ઈચ્છાને વાસના બનાવી શકાય છે!... અને ઈચ્છા સંતોષવી અને વાસના ભોગવવી બે જુદી વસ્તુઓ છે!

No comments:

Post a Comment