Pages

Tuesday, September 17, 2013

દુષ્કૃત્ય ધર્મની દૃષ્ટિએ પાપ, પણ કાનૂનની પકડમાં આવે તો અપરાધ- મહેન્દ્ર પુનાતર

દુષ્કૃત્ય ધર્મની દૃષ્ટિએ પાપ, પણ કાનૂનની પકડમાં આવે તો અપરાધ
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

મોહ અને આસક્તિ માણસના જીવનનું મોટું બંધન છે જેમાં નાની અને નકામી વસ્તુ સાથે માણસ બંધાઈ જાય છે. જે વસ્તુમાં જીવ ચોંટી ગયો તે વસ્તુ હાથમાંથી છટકી જાય ત્યારે એમ લાગે છે કે જીવન ચાલ્યું ગયું. જે વસ્તુથી આપણે અંજાઈ ગયા તે આપણને પ્રભાવિત કરશે. સમગ્ર ધ્યાન તેના તરફ કેન્દ્રિત થઈ જશે. લોભ અને તૃષ્ણાને કારણે કશું છૂટતું નથી. બહાર ભલે ત્યાગ હોય પણ મન ભરેલું હોય તો એ સાચો ત્યાગ નથી. જીવનમાં ક્ષણે ક્ષણે પ્રલોભનો ઊભા થાય છે. માયા જાગે છે. વાસના સળવળે છે. ત્યાગી માણસ પણ મનને ન સંભાળે તો લપસી જતાં વાર લાગતી નથી.

રાજા ભરથરી ઘરબાર છોડીને જંગલમાં ચાલ્યા ગયા હતા અને સંન્યાસ સ્વીકારી લીધો હતો. તેઓ મબલક સંપત્તિના માલિક હતા. ખૂબ ધન, દોલત અને ઐશ્ર્વર્ય હતું. તેઓએ સ્વેચ્છાએ બધું છોડી દીધું હતું. એક વખત તેઓ ધ્યાનમાં બેઠા હતા. સૂર્યનાં કિરણો ઊતરવા લાગ્યાં અને પ્રભાત થયું. ધ્યાનમાંથી આંખો ખોલીને જોયું તો એકાંતમાં તેઓ જ્યાં બેઠા હતા તેની સામેની પગદંડી પર એક મોટો હીરો સૂર્યના પ્રકાશમાં ઝળહળી રહ્યો હતો. આનાથી મોટા હીરાઓ અને ઝવેરાતને છોડીને તેઓ આવ્યા હતા. છતાં આ હીરાએ મન મોહી લીધું. કોઈ શાહસોદાગરની વણજાર પસાર થઈ જશે અને આ કીમતી હીરો પડી ગયો હશે.

ભરથરી તો ત્યાગી હતા પણ માણસનું મન કેવું છે. એક ક્ષણ માટે લાલસા જાગી કે હીરો કીમતી છે, ઉપાડી લઉં. પણ બીજી જ ક્ષણે તેઓ આ વિચારથી ચોંક્યા અને પોતાની જાતને સંભાળી લીધી અને વિચાર કર્યો કે હું તો આનાથી ઘણું બધું છોડીને આવ્યો છું. મારે આ હીરા સાથે શી લેવાદેવા. એક ક્ષણ માટે તેઓ બહેકી ગયા હતા. વાસના માણસને તીવ્રતાથી પકડે છે. ખબર નથી પડતી કે મન ક્યારે ચલિત થઈ ગયું. મોહ માણસને અંધ બનાવી નાખે છે. પોતે શું કરી રહ્યો છે તેનું તેને ભાન રહેતું નથી. પણ ભરથરી ખરા વખતે મૂર્ચ્છામાંથી જાગી ગયા, પરંતુ ત્યારે બીજી એક દુર્ઘટના સર્જાઈ ગઈ.

બે ઘોડેસવારો માર્ગની બંને બાજુએથી આવ્યા. બંનેની નજર એકસાથે આ હીરા પર પડી અને બંનેએ તલવાર કાઢીને હીરા પર ટેકવી દીધી. બંનેએ દાવો કર્યો કે હીરા પર પ્રથમ મારી નજર પડી હતી એટલે હીરો મારો. આ જોઈને ભરથરી મલકાયા અને વિચાર્યું કે પહેલી નજર તો મારી પડી હતી. મન દાવેદાર બનીને ઊભું રહી ગયું. વાસનાની લહેર પાછી સળવળી ઊઠી અને તેમને થયું કે ઊભો થઈને આ બંનેને બતાવી દઉં કે હીરા પર પ્રથમ નજર કોની ગઈ હતી, પરંતુ ફરીથી જાતને સંભાળી લીધી. બંને ઘોડેસવારો હીરો મેળવવા માટે લડી પડ્યા. કોઈ પીછેહઠ કરવા માટે તૈયાર નહોતું. બંને ક્ષત્રિયો હતા. પીછેહઠ કરવી એ તેમના લોહીમાં નહોતું. વાસનાની સાથે અહંકાર હતો. હઠાગ્રહ હતો. બંનેની તલવારો સામસામી ઊછળી. તલવારો એકબીજાના ગળામાં પડી અને બંનેનાં માથાં વધેરાઈ ગયાં.

હીરો તેની જગ્યાએ પડ્યો હતો. હીરાને આ ઘટના સાથે કશું લાગતુંવળગતું નહોતું. ન તો તેને ભરથરી સાથે કે ઘોડેસવારો સાથે કોઈ પ્રયોજન હતું. ઓશોએ ટાંકેલી આ દૃષ્ટાંત કથા કહે છે હીરો માયા નથી, એ તો ચમકદાર પથ્થરનો ટુકડો છે. માયા મનમાં છે. મનમાંથી માયા જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ત્યાગનો કે સંયમનો કોઈ અર્થ નથી. મનથી મુક્ત થઈને આ જગતને જોઈએ તો તે અતિસુંદર છે, પરંતુ મન દ્વારા જોઈએ તો તે માયાજાળ છે.

મહાવીરના જીવનમાં પણ એક આવો ઉલ્લેખ છે. તેમના એક શિષ્ય હતા પ્રસેનચંદ્ર. તેઓ પહેલાં સમ્રાટ હતા જેમણે દીક્ષા અંગીકાર કરી હતી અને મહાવીરના શિષ્ય બન્યા હતા. એક વખત પ્રસેનચંદ્રના એક મિત્ર રાજા શ્રેણિક મહાવીરના દર્શનાર્થે આવ્યા. તેમણે મહાવીરને કહ્યું કે હું અહીં આવ્યો ત્યારે રસ્તામાં આવેલી ગુફામાં મેં પ્રસેનચંદ્રને ધ્યાનમગ્ન જોયા. તેઓ ધન્ય ભાગી છે. તેઓ મુનિ બની ગયા અને હું સંસારમાં રઝળી રહ્યો છું. તેઓ મારા કરતાં ઘણા આગળ નીકળી ગયા.

તેમને હમણાં મેં ધ્યાનમાં જોયા ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઊઠ્યો હતો. આપ મારા આ
પ્રશ્નનું સમાધાન કરો. તેઓ ધ્યાનમગ્ન હતા અને હું તેમની પાસેથી પસાર થયો અને મને થયું કે પ્રસેનચંદ્ર દીક્ષા ગ્રહણ કરીને આટલા મોટા આંતરિક સામ્રાજ્યના માલિક બની ગયા છે. તેમનું જો આ અવસ્થામાં મૃત્યુ થાય તો તેઓ કયા સ્વર્ગ અને મોક્ષમાં જાય?

મહાવીરે કહ્યું: તમે પ્રસેનચંદ્રને જે સમયે જોયા હતા એ સમયે જો એમનું મૃત્યુ થયું હોત તો તેઓ સાતમા નર્કમાં જાત. શ્રેણિકે કહ્યું: ભગવંત, આપ શું કહો છો. સાતમા નર્કમાં? તો અમારા જેવાની શું સ્થિતિ થશે? તેઓ તો ત્યાગી છે. બધું છોડીને સંન્યાસ ધારણ કર્યો છે. મહાવીરે કહ્યું: તમે આવ્યા ત્યારે તમારી સાથે સૈનિકો, સેનાપતિ અને વજીરો પણ આવ્યા હતા. આમાંના બે વજીરો પ્રસેનચંદ્ર પાસે ઊભા રહીને વાત કરતા હતા. ‘આ બુદ્ધુ જુઓ, અહીં સમાધિમાં છે. રાજપાટ પોતાના મંત્રીઓને સોંપીને ઘરેથી હાલી નીકળ્યો છે. તેના છોકરાઓ નાના છે અને મંત્રીઓ લૂંટ ચલાવીને મોજમજા કરી રહ્યા છે. છોકરાઓ મોટા થશે ત્યારે રાજ્યનો ખજાનો ખાલી થઈ જશે અને તેના રાજપુત્રોને ભીખ માગવી પડશે. મંત્રીઓ રાજ્ય પચાવી પાડશે.’

ધ્યાનમાંથી બહાર આવતાં જ પ્રસેનચંદ્રના કાને આ વાત પડી. તેમના મનમાં ક્રોધ આવી ગયો. તેમણે વિચાર્યું કે મારા મંત્રીઓ શું સમજે છે? હું હજુ જીવતો છું. તેમના ટુકડેટુકડા કરી નાખીશ. અને તેમનો એક હાથ જ્યાં તલવાર રાખતા હતા ત્યાં ગયો અને બીજો હાથ જ્યાં મુગટ હતા ત્યાં ગયો. પરંતુ જેવો હાથ માથા પર ગયો અને તેમને ભાન થયું કે આ હું શું કરી રહ્યો છું. તત્ક્ષણ તેમણે હિંસાનો ભાવ છોડી દીધો અને જાતને સંભાળી લીધી.

મહાવીરે કહ્યું: શ્રેણિક, આ સમયે જો તેમનું મૃત્યુ થયું હોત તો તેઓ નર્કમાં જાત. હવે તેમણે પોતાની જાતને સંભાળી લીધી છે અને પ્રાયશ્ચિત કરી લીધું છે. હવે તેમનું મૃત્યુ થશે તો તેઓ સ્વર્ગમાં જશે. થોડી ક્ષણોનું અંતર પડી ગયું. બહાર એનું એ જ હતું, પણ અંદરની ભાવદશા બદલાઈ ગઈ.

મન, વચન અને કાયાથી કરેલું કોઈ પણ અશુભ કાર્ય પાપ છે. રાગ-દ્વેષની ઉત્પત્તિ એ પણ હિંસા છે. કોઈ પણ વસ્તુ માટે રાગ ઊભો થયો એટલે હિંસાનાં બીજ વવાઈ ગયા. હિંસા કરવાની વાત તો દૂર રહી, પરંતુ આવો વિચાર કરીએ તો પણ સૂક્ષ્મ હિંસા થઈ ગઈ. રાગ-દ્વેષ, મોહ-માયા એ હિંસાનાં ઈંધણો છે. કોઈનું સારું જોઈને ઈર્ષ્યા થઈ ગઈ, કોઈનું લઈ લેવાની ઈચ્છા જાગી કે કોઈ સ્ત્રીને જોઈને અશુભ ભાવ થયો તો સમજવું કે જાણ્યે-અજાણ્યે હિંસાનાં બીજ વવાઈ ગયાં. તેને વૃક્ષ બનતાં વાર નહીં લાગે. અશુભ ભાવને અશુભ કાર્યમાં પરિણમતાં વાર લાગતી નથી. ઈચ્છા, આકાંક્ષા, લોભ અને મોહ જે અંદર છે હશે તે મોકો મળતાં બહાર આવી જશે. હિંસા આપોઆપ થતી નથી. તેને માટે ઊકળવું પડે છે. વેરઝેરનાં બીજ રોપવાં પડે છે. પાપના વૃક્ષથી બચવું હોય તો બીજ ન પડે તે અંગે સાવધ રહેવું જોઈએ.

મહાવીર ભગવાને કહ્યું છે: રાગની ઉત્પત્તિ એટલે હિંસા. કોઈની હત્યા કરવાથી કે કોઈને મારી નાખવાથી હિંસા થતી નથી. એવો વિચાર આવ્યો એટલે હિંસા થઈ ગઈ. અપરાધ અને પાપનો આ ભેદ છે. પાપ જ્યારે વાસ્તવિક રીતે પ્રગટ થઈ જાય છે અને કાનૂનની પકડમાં આવે છે ત્યારે તે અપરાધ બની જાય છે, પણ કાનૂનની પકડમાં નથી આવતું ત્યાં સુધી પાપ રહે છે. મનમાં આપણે ગમે તેટલા ખરાબ વિચારો કરીએ, પરંતુ જ્યાં સુધી આ વિચાર કાર્યમાં પરિણમતો નથી ત્યાં સુધી માત્ર વિચાર કરવા માટે કોઈ અદાલત આપણને દંડ કરશે નહીં. તમે હિંસાનો વિચાર કરી રહ્યા છો એટલે પોલીસ તમને પકડી જશે નહીં. કાનૂનની દૃષ્ટિએ વિચારવાની છૂટ છે, કરવાની નહીં. પણ ધર્મની પરિભાષા ઊંડાણમાં જાય છે. ધર્મ કહે છે એવું વિચારશો પણ નહીં. વિચારને કાર્યમાં પરિણમતાં વાર નહીં લાગે. જે બીજ રોપાશે તેને અંકુરતાં કેટલી વાર લાગશે? વિચાર ઊંડે સુધી પહોંચી જાય છે અને ઝડપથી ફેલાઈ જાય છે. કરનારને પણ શું બની ગયું તેની ખબર રહેતી નથી. ઘણા માણસો ખોટું કામ કરીને પસ્તાવો કરતા હોય છે. મારા હાથે આમ કેમ થઈ ગયું? મને કશી ખબર કેમ ન પડી? બીજ ક્યારે વૃક્ષ બની જશે તેની કોઈને ખબર પડતી નથી. પાપ કર્મથી બચવું હોય તો બીજ ન પડે તેની તકેદારી રાખવી જરૂરી છે. ખરાબ વિચારો ક્રોઘ અને રોષને ઈંધણ પૂરું પાડે છે અને તેનું ઝનૂન માણસને અંધ બનાવી નાખે છે. હિંસાનો અર્થ છે બીજાને દુ:ખ દેવાની ઇચ્છા અને આકાંક્ષા, હિંસાનો અર્થ છે બીજાને દુ:ખ આપીને સુખ મેળવવાનો ભાવ. હિંસાનો અર્થ છે બીજાને પીડા આપીને રસ લેવાની મનોવૃત્તિ. આ જગતમાં બે પ્રકારના લોકો છે. એક વર્ગ બીજાને સતાવવામાં રસ ધરાવે છે અને બીજો વર્ગ છે સ્વયંને એટલે કે પોતાને દુ:ખ દેવામાં રસ ધરાવે છે. બંને પાપના ભાગીદાર છે. બીજાને સતાવવામાં જ નહીં, પોતાને સતાવવામાં પણ હિંસા છે. માણસ ક્રોધમાં, ઈર્ષ્યામાં, અહંકારમાં અને દ્વેષમાં પોતાને દુ:ખ આપતો રહે છે. સમજ વગરનું કઠિન તપ, સમજ વગરનો ત્યાગ, સમજ વગરની ઉદારતા અને સમજ વગરની સેવામાં પણ આત્મપીડન છે. આવું કરીને કેટલાક માણસો પોતાની જાતને કોસતા હોય છે. સ્વસ્થ માણસ ન તો બીજાને દુ:ખ દઈ શકે કે ન તો પોતાને દુ:ખ દઈ શકે. તે સર્વ પ્રકારની હિંસાથી દૂર રહેશે. પોતાને કે બીજાને કોઈ પણ પ્રકારનું દુ:ખ દેવામાં હિંસા છે. બીજાને દુ:ખ આપીએ તે વહેલું કે મોડું આપણા તરફ આવવાનું છે. સમગ્ર ચૈતન્ય એકસાથે સંકળાયેલું છે. આપણા જેવો જ જીવ અને ચૈતન્ય બીજામાં છે. સૌને જીવ વહાલો છે. દરેકને જીવવું ગમે છે. આપણે જેવું આપણા માટે ઈચ્છીએ એવું બીજા માટે દાખવીએ એ સાચો ધર્મ છે. કોઈની પર આધિપત્ય જમાવવું કે અંકુશ રાખવો કે તેની સ્વતંત્રતાને છીનવી લેવી એ પણ હિંસા છે. પ્રેમમાં પણ કોઈને બાંધી રાખવાની કે વર્ચસ્વ જમાવવાની કે સ્વામીત્વની ભાવના હોય તો તે પણ એક પ્રકારની હિંસા છે. એટલે આવો પ્રેમ જલદીથી ખોવાઈ જાય છે. હિંસાથી આપણે બચી શકીએ તો ક્રોધ, લોભ, માન, માયા એ બધાથી બચી શકીશું.

No comments:

Post a Comment