Pages

Wednesday, July 10, 2013

ભય સૌથી મોટો દુશ્મન - મહેન્દ્ર પુનાતર

ભય સૌથી મોટો દુશ્મન: હારી જવાનો ડર છે તે જીતી ન શકે
* માણસનો ભય ખોટાં કામો અને પોતાની નબળાઈઓના કારણે છે. કેટલાક માણસો દુ:ખ અને વ્યથાથી વિંટળાઈને ભય અને અસલામતીના કોચલામાં મરવાના વાંકે જીવતા હોય છે * આ મારાથી નહીં થઈ શકે, આ મારું કામ નથી, એમ કહેનારા માણસો પ્રયાસ પહેલાં હારને સ્વીકારી લે છે. મુકાબલો કરવાની જેની તૈયારી નથી તેણે સફળતાની આશા રાખવી વ્યર્થ છે * દરેકને એમ થાય છે કે સુરક્ષાનું કવચ જેટલું વધુ હોય તેટલું સારું. તે ધનમાં, સત્તામાં, પદમાં અને પ્રતિષ્ઠામાં સલામતી શોધે છે. પરિગ્રહનું મુખ્ય કારણ એ કે માણસને આવતી કાલ પર ભરોસો નથી

જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર

ભય એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. જીવનમાં ભય છે એટલે ભવિષ્યની ચિંતા છે. માણસને આજ કરતાં કાલની વધુ ચિંતા છે. સમય કેવો જશે તેની કોઈને ખબર નથી. જે માણસ હિંમત ગુમાવે છે એ અડધી બાજી હારી જાય છે અને મુસીબત સામે જે બાથ ભીડે છે તે અડધી બાજી જીતી જાય છે. ભય માણસને અશક્ત, નાહિંમત બનાવે છે. માણસ અનેકવિધ ભયોથી ગ્રસ્ત છે. અસલામતી એ જીવનનો મોટો ભય છે. દરેક માણસને એમ થાય છે કે સુરક્ષાનું કવચ જેટલું વધુ હોય એટલું વધુ સારું. માણસ ધનમાં, પદમાં, પ્રતિષ્ઠામાં સલામતી શોધે છે. પરિગ્રહનું મુખ્ય કારણ એ છે કે માણસને આજ અને આવતી કાલમાં ભરોસો નથી. એટલે માણસ વધુ ને વધુ ભેગું કરતો રહે છે. માણસ જો સત્યના માર્ગે ચાલે અને જે છે તેનો સ્વીકાર કરે તો ભય જેવું કશું નથી. જેને હારી જવાનો ભય છે તે જીતી શકે નહીં. જીતની પ્રથમ શરત છે હારનો સ્વીકાર કરવાની તૈયારી. મોટી છલાંગ માટે કેટલીક વખત થોડાં ડગલાં પાછળ હઠવું પડે છે.

જીવનમાં ખોટું કરીએ, જૂઠ અને અસત્યનો સહારો લઈએ, બીજાનું પડાવી લેવાની અને દુ:ખ દેવાની પેરવી કરીએ તો ભય અને અજંપો રહેવાનો. જે માણસ બીજા પર જોહુકમી કરે, દબાવવાનો પ્રયાસ કરે તેને તેનાં ફળ ભોગવવાં પડે. કોઈને ગુલામ બનાવીએ તો આપણે પણ ગુલામ બનવું પડે. ગુંડા અને મવાલી માણસો આપણને બહારથી હિંમતવાન લાગે છે પણ અંદરથી તેઓ ભયગ્રસ્ત હોય છે. આપણી નબળાઈઓને કારણે તેઓ ટકી રહેતા હોય છે.

જીવનમાં જે કાંઈ ભય છે એ ખોટા કામને કારણે છે. માણસને ખોટું કામ કરવાની શરમ નથી પણ પકડાઈ જવાની શરમ છે એટલે મોટા ભાગના લોકો આનાથી બચી જાય છે. દરેક માણસ મુખવટો પહેરીને બેઠો છે. એક ચહેરા પર અનેક મહોરાં છે. માણસને ખુલ્લા પડી જવાનો ડર છે. માણસને જેવો છે તેવા દેખાવું નથી, પરંતુ બીજા કરતાં કાંઈક વિશેષ ચડિયાતા દેખાવું છે. એટલે આ મહોરાં લગાવવાં પડે છે અને અસલી ચહેરો પ્રગટ ન થઈ જાય તેની તકેદારી રાખવી પડે છે. આમ આંખું જીવન દંભ અને દેખાવ બની જાય છે. જે મહોરાંઓ લગાવ્યાં છે તે એક ને એક દિવસ ઊતરી જવાનાં છે. માણસ ગમે તેટલો પ્રયાસ કરે પણ તેનો મૂળભૂત સ્વભાવ બદલી શકતો નથી.

માણસનો અસલી ચહેરો ઘરમાં પ્રગટ થાય છે. બહાર તમે દેખાવ કરી શકો પણ જેમની સાથે રાત-દિવસ ઘરમાં રહેવાનું છે ત્યાં તમે દેખાવ કરી શકો નહીં. અહીં કોઈ જાતનો અભિનય ચાલી શકે નહીં. આપણને ઘરના માણસો અને ખાસ કરીને પત્ની જેટલી સારી રીતે ઓળખી શકે એટલું બીજું કોઈ ઓળખી શકે નહીં. જે માણસ ઘરમાં બધા સાથે સારી રીતે વર્તે, પ્રેમ અને સ્નેહની ભાવના રાખે, વિનય, વિવેક અને બીજાનું માન જાળવે તેને ખોટો દેખાવ કરવો પડતો નથી. તે બહાર બીજા સાથે પણ એવો દેખાશે, કારણ કે આ તેનો સ્વભાવ છે. પણ કેટલાક માણસો ઘરમાં સખણા રહેતા નથી. કોઈ ને કોઈ બાબતમાં મહાભારત સર્જે છે પણ બહાર મહોરાં લગાવીને ફરતા હોય છે અને સારા થવાનો પ્રયાસ કરતા હોય છે. પણ જે ખોટું છે, નકલી છે તે લાંબો સમય ચાલતું નથી. જે માણસ સ્વાભાવિક રીતે જીવે છે તેને કશું છુપાવવાનું હોતું નથી અને ડર પણ હોતો નથી.

સફળતા માટે દૃઢ નિર્ધાર અને સાહસ જરૂરી છે. જે માણસ વધારે પડતી ગણતરી કરે છે તે આગળ વધી શકતો નથી. જીવનમાં દરેક જગ્યાએ મુકાબલો કરવાનો રહે છે. સંઘર્ષ અનિવાર્ય છે. સત્ય અને ધર્મના માર્ગે ચાલવાવાળાએ તો નિર્ભય બનવું જ પડે. જે ડરે છે તે ક્ષણે ક્ષણે મરે છે. કેટલાક માણસો દુ:ખ અને વ્યથાથી વિંટળાઈને, ભય અને અસલામતીના કોચલામાં મરવાના વાંકે જીવતા હોય છે. તેમની એક મુશ્કેલી દૂર થાય તો તુરત બીજી આવીને ઊભી રહી જાય છે, કારણ કે તેમનામાં મુકાબલો કરવાનું સામર્થ્ય નથી. જીવનના માર્ગ પર માત્ર ફૂલો ને ફૂલો નથી સાથે કાંટાઓ પણ છે. માણસે અનેક અનષ્ટિોનો સામનો કરવો પડે છે. કાયર માણસોનું આમાં કામ નથી. એટલે મહાવીરે ધર્મના માર્ગે ચાલવાવાળા માણસોને ભયરહિત બનવાનું કહ્યું છે. જે માણસ ભયભીત છે એ પોતાની શક્તિને ઓળખી શકશે નહીં. તેનું મન આશંકાથી ઘેરાયેલું રહેશે. તે ડગલે ને પગલે મૂંઝાતો, ગભરાતો રહેશે. તે જીવનના મહાસાગરને ઓળંગી નહીં શકે. હારનો ભય જેને સતાવતો હોય તેણે જીતની અપેક્ષા રાખવી વ્યર્થ છે. જીતવાની પ્રથમ શરત છે હાર માટે તૈયાર રહેવાની. જે માણસમાં ભય છે એ તો મુકાબલા પહેલાં હારેલો છે. તેને હરાવવા માટે ખાસ પ્રયાસો કરવાની જરૂર પડતી નથી. તેની શક્તિ પહેલેથી ઓસરી ગયેલી હોય છે. ડરના કારણે માણસ પોતે શું છે તે ભૂલી જાય છે. આ મારાથી નહીં થઈ શકે, આ મારું કામ નથી એમ કહેનારાઓ પ્રયાસ કર્યા વગર હાર સ્વીકારી લે છે. જે ડરે છે તે મરે છે. જંગલનો રાજા સિંહ ડરે તો નાના પ્રાણી સામે પણ હારી જાય. તે સિંહ છે તેટલું યાદ રાખવું તેના માટે પૂરતું છે. ઓશોએ ટાંકેલી એક કહાણી આ સંદર્ભમાં સમજવા જેવી છે.

એક વખત એક રાજાના પ્રધાનના શયનખંડમાં એક ઊંદર ઘૂસી ગયો અને તેણે ભારે ધમાલ મચાવી. તે આમથી તેમ કૂદકા મારવા લાગ્યો. પ્રધાનના પેટ પરથી કૂદકો લગાવી તે દૂર બેસી ગયો અને એકીટશે પ્રધાન સામે જોઈ રહ્યો. પ્રધાન યોદ્ધો હતો, ખડગધારી હતો. આવી ગુસ્તાખી હજુ સુધી કોઈએ કરી નહોતી. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને પોતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, પરંતુ ઊંદર પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પછી તો યોદ્ધાએ ઉપાડીને તલવારનો ઘા કરી દીધો, પરંતુ ઊંદરે ત્વરાથી છલાંગ લગાવી દીધી અને યોદ્ધાનો વાર ખાલી ગયો. તેણે બીજી વાર પ્રયાસ કર્યો તો બીજી વખત પણ ઊંદર છટકી ગયો. પ્રધાન યોદ્ધાનો મિજાજ ગયો અને તેણે પૂરા બળથી તલવારનો ઘા કર્યો. ઊંદર છટકી ગયો અને પ્રધાનની તલવાર તૂટી ગઈ.

પ્રધાન તો પાગલ થઈ ગયો. તેણે વારંવાર ચેષ્ટા કરી. હાર ઉપર હાર. એ જેમ જેમ હારતો ગયો તેમ ઊંદર બળવાન બનતો ગયો. ઊંદર ઊછળીને પ્રધાનના પલંગ પર બેસી ગયો.

એક મામૂલી ઊંદર અને તે પ્રધાનને હરાવી જાય. તેના ગુસ્સાનો પાર રહ્યો નહીં, પણ પોતે શું કરે! તેણે પોતાના મિત્રને બોલાવીને કહ્યું, ‘આવું મારી જિંદગીમાં કદી બન્યું નથી. હું કોઈથી હાર્યો નથી. મારી સામે આવું સાહસ કોઈ કરી શકે નહીં અને આ બે દોકડાનો ઊંદર મારી પર હાવી થઈ ગયો. હું ખરાબ રીતે હારી ગયો. તું આનો કાંઈક ઉપાય કર.’

મિત્રે પ્રધાનને કહ્યું: ‘ઊંદર સામે લડવાનું કોઈ પ્રયોજન નથી. એક યોદ્ધાએ ઊંદર સામે શા માટે લડવું જોઈએ? આને માટે એક બિલાડી પૂરતી છે. તે એક ઝટકામાં ખલાસ કરી નાખશે.’

સર્વત્ર અફવા ફેલાઈ ગઈ કે પ્રધાન ઊંદર સામે હારી ગયો અને બિલાડીઓ સુધી આ સમાચાર પહોંચી ગયા. કોઈ બિલાડી હવે આ કામ માટે આવવા તૈયાર ન થઈ. બિલાડીઓ એકઠી થઈ અને પોતાના નેતાને કહ્યું, ‘આ કોઈ સાધારણ ઊંદર નથી. તેની સામે પ્રધાન જેવો યોદ્ધો હારી ગયો છે તો આપણું શું ગજું? પ્રધાનનો હુકમ છે તો તમે જાવ. અમારી આ માટે તૈયારી નથી. બિલાડીનો નેતા પણ અંદરથી ગભરાઈ ગયો. તેણે ઘણાં ગલ્લાંતલ્લાં કર્યાં પણ કશું ચાલ્યું નહીં. બધી બિલાડીઓએ તેને ધક્કો મારીને પ્રધાનના શયનખંડમાં ધકેલ્યો. બિલાડીનો નેતા ડરતો ડરતો ધ્રૂજતો અંદર ગયો.

ઊંદર પથારી પર આરામથી બેઠો હતો. બિલાડીએ આવો ઊંદર કદી જોયો નહોતો. બિલાડી વિચાર કરતી રહી કે શું કરવું, કયો ઉપાય અજમાવવો. ત્યાં તો બિલાડીને જોઈને ઊંદર ડરનો માર્યો પૂરી તાકાત લગાવીને બચવા માટે જોરથી કૂદયો. અચાનક આક્રમણ થયું એમ સમજીને બિલાડી તો અદ્ધર શ્ર્વાસે બહાર ભાગી. ઊંદર હુમલો કરે એવું બિલાડીએ તો સ્વપ્ને પણ ધાર્યંુ નહોતું. બિલાડી બહાર આવીને ઢળી પડી અને મરી ગઈ.

પ્રધાનના મિત્રે કહ્યું, ‘હવે આ માટે સાધારણ બિલાડી નહીં ચાલે. રાજ દરબારની ખાસ બિલાડીને બોલાવવી પડશે.’ રાજાને વિનંતી કરતાં તેમણે પોતાની બિલાડીને મોકલી. રાજાની દૂબળી, પાતળી બિલાડીને જોઈને પ્રધાનને થયું કે આ બિલાડી શું કરી શકશે? રાજાની બિલાડી હતી એટલે તેને પાછી કાઢી શકાય તો નહીં.

બિલાડીનું મોટું ટોળું રાજાની આ બિલાડીને જોઈ રહ્યું. રાજાની બિલાડી કશા પણ ગભરાટ વગર શયનખંડમાં પ્રવેશી. બધાને થયું આ માયકાંગલી બિલાડી હમણાં પાછી ફરીને ઢળી પડશે. શયનખંડમાં થોડા ધબાધબીના અવાજો સંભળાયા અને બધાના આશ્ર્ચર્ય વચ્ચે રાજાની બિલાડી ઊંદરને પૂંછડીએથી પકડીને બહાર આવી.

બાકીની બધી બિલાડીઓ રાજાની બિલાડીને ઘેરી વળી અને પૂછ્યું, ‘તમે એવું તે શું કર્યંુ કે ઊંદર પકડાઈ ગયો. તમારી સફળતાનું રહસ્ય શું છે?’

રાજાની બિલાડીએ કહ્યું, ‘મેં કશું કર્યંુ નથી. મેં તો માત્ર એટલું યાદ રાખ્યું કે હું બિલાડી છું અને તે ઊંદર છે. બિલાડીએ ઊંદરથી ડરવાનું હોય?’ જીવનમાં પણ આવું જ બને છે. ભયના કારણે માણસ પોતાનું કૌવત ગુમાવે છે. ભય માણસનાં ગાત્રો ગાળી નાખે છે. જીવનમાં કશાનો ડર ન હોય અને મુસીબતો સામે મુકાબલો કરવાની હામ હોય તો ઘણા પ્રશ્ર્નો આસાન બની જાય. આપણે મોટે ભાગે કલ્પિત ભયોથી ડરતા હોઈએ છીએ અને એ ભય સામે આવીને ઊભો રહે છે ત્યારે આપણે તૂટી પડીએ છીએ. મુસીબત અને તકલીફને વેઠવાની આપણી તૈયારી નથી. એટલે નાનીનાની વાતોમાં આપણે ગભરાઈ જઈએ છીએ અને તેને મોટું સ્વરૂપ આપી દઈએ છીએ. દુ:ખ, મુશ્કેલી અને આફત કાયમના માટે રહેતાં નથી. સમય પસાર થતાં બધું દૂર થઈ જાય છે, પરંતુ આપણે મગજ પર ભાર રાખીને ફર્યા કરીએ તો બોજો ઓછો થવાનો નથી. આ અંગે ચિંતા રાખવાની જરૂર નથી...

‘ચિંતાસે ચતુરાઈ ઘટે

ઘટે રૂપ, બલ જ્ઞાન

ચિંતા બડી અભાગણી

ચિંતા ચિતા સમાન.’



No comments:

Post a Comment