કેવો માણસ સુખી રહી શકે?
|
ભય, શરમ, કુશળતા અને ત્યાગવૃત્તિ ન હોય એવા માણસ સાથે મિત્રતા કરવી જોઈએ |
સુખનો પાસવર્ડ - આશુ પટેલ
આપણા
દેશમાં ઘણા મહામાનવો જન્મ્યા અને ઈતિહાસમાં તેમની નોંધ લેવાઈ. પણ આપણા
મહામાનવોમાં પણ ઉચ્ચ કક્ષાએ મૂકી શકાય એવા મહામાનવ એટલે વિષ્ણુગુપ્ત ચાણકય.
લોકો એને ચાણકય નામથી હજારો વર્ષોથી ઓળખતા આવ્યા છે. ચાણકય જેવું
વ્યક્તિત્વ હજારો વર્ષમાં ક્યારેક ધરતી પર જોવા મળતું હોય છે. ચાણકયએ હજારો
વર્ષો અગાઉ કહેલી વાતો આજે પણ એટલી જ અસરકારક છે. ચાણકય નીતિશાસ્ત્રમાં
અમૂલ્ય વિચારરત્નો કહેવાયા છે જે દરેક માણસને જીવનમાં ઉપયોગી થઈ પડે એવા
છે. એવી કેટલીક વાતો આજે વાચકો સાથે શેર કરવી છે.
* જેમનામાં સ્વાશ્રયીપણુ, શરમ, ભય, કુશળતા અને ત્યાગવૃત્તિ ન હોય એવા માણસ સાથે ક્યારેય મિત્રતા ન કરવી જોઈએ.
* જે દેશમાં આદર ન મળતો હોય, રોજીરોટી ન મળતી હોય, વિદ્યા ન હોય અને ભાઈ-મિત્રો ન હોય એવા દેશમાં રહેવું ન જોઈએ.
* દેવું કરનારો પિતા, વ્યભિચારી માતા, મૂર્ખ પુત્ર અને સુંદર પણ ઝેરીલી સ્ત્રી મનુષ્યના શત્રુ છે.
* સેવાની જરૂર પડે ત્યારે સેવકની, દુ:ખ પડે ત્યારે ભાઈઓની, મુશ્કેલીમાં મિત્રોની અને વૈભવ નાશ પામે ત્યારે પત્નીની પરીક્ષા થાય છે.
* અત્યંત સીધા સ્વભાવના રહેવું પણ યોગ્ય નથી. કારણ કે સીધાં વૃક્ષો જ પહેલાં કપાતાં હોય છે.
* બે બ્રાહ્મણ, અગ્નિ, પતિ-પત્ની, હળ-બળદ અને
નોકર-માલિક; આ બધાં વચ્ચે થઈને કદી પસાર થવું જોઈએ નહીં.
*
અધમ માણસ ધનને ઈચ્છે છે, મધ્યમ કક્ષાનો માણસ ધન અને માન બંને ઈચ્છે છે,
પરંતુ મહાત્મા માત્ર ઉત્તમ માનને ઈચ્છે છે. કારણ કે માન જ મહાત્માઓનું ધન
છે.
* અન્ન અને ધનની આપ-લેમાં, વિદ્યાનો સંચય કરવામાં અને ખોરાકમાં તેમ જ વ્યવહારમાં જે માણસ શરમ નહીં રાખે એ સુખી રહેશે.
*
બુદ્ધિશાળી માણસો સંપત્તિના નાશની, માનસિક સંતાપની, પત્નીના ખરાબ
ચારિત્ર્યની, નીચ માણસે કહેલી વાતો તથા પોતાના અપમાનની વાત જાહેર કરતા નથી.
* જેની પત્ની દુષ્ટ હોય, મિત્ર ધૂર્ત હોય, નોકર સામે જવાબ આપનારો
હોય અને જેના ઘરમાં સાપ રહેતો હોય તેને મૃત જાણવો.
|
|
*
રાજ્ય ન રહે તો સારું પણ કુરાજ રહે તે સારું નથી. એ જ રીતે મિત્ર ન હોય તો
વાંધો નહીં, પણ દુષ્ટ મિત્ર હોવો ખરાબ છે. શિષ્ય ન હોય તો વાંધો નહીં પણ
જેની નિંદા થતી હોય એવો શિષ્ય ન હોય એ જ સારું છે. સ્ત્રી (પત્ની) ન રહે તો
સારું પણ દુષ્ટ પત્નીનો સહવાસ સારો નથી.
* આતુર થઈએ ત્યારે,
દુકાળના સમયમાં દુશ્મનો ત્રાટકે ત્યારે, રાજ્યની સામે જવાનું થાય ત્યારે
અને સ્મશાનમાં પણ જે સાથે રહે તે બંધુ કહેવાય.
* મનની વિચારેલી વાત
જાહેર ન કરવી જોઈએ, પરંતુ મંત્રણા દ્વારા ગુપ્ત રાખવી જોઈએ અને છૂપી રીતે
યોગ્ય સમય આવે ત્યારે એ યોજના અમલમાં મૂકવાથી એ યોજના સફળ નીવડે છે.
*
પોતાનો સમય કેવો છે, પોતાનો મિત્ર કોણ છે, પોતાનો દેશ કેવો છે એના ઉપર
માણસે ધ્યાન રાખવું જોઈએ. લાભ અને નુકસાન સતત ચકાસવા જોઈએ અને પોતાનામાં
શક્તિ છે એવું સતત માનવું જોઈએ.
* જે મનુષ્ય ખરાબ આચરણવાળો હોય, વ્યભિચારી હોય, ખરાબ સ્થાનમાં રહેનારો હોય અને દુર્જનોની દોસ્તી રાખતો હોય એનો અકાળે નાશ થાય છે.
* અભ્યાસથી વિદ્યાની, સુશીલતાથી કુળની, ગુણથી સારા માણસની અને આંખથી ક્રોધની ખબર પડે છે.
* આળસથી વિદ્યા, બીજના અભાવથી ખેતી, બીજાના હાથમાં પડવાથી ધન અને સેનાપતિ વિના સૈન્ય નાશ પામે છે.
* કામ-ધંધો કરવાથી ગરીબી રહેતી નથી, મૌન રહેવાથી કજિયો નથી થતો અને જાગૃત માણસ પાસે ભય નથી રહેતો.
*
દુર્જન અને સાપમાંથી એકની પસંદગી કરવાની હોય તો સાપ સારો. કારણ કે સાપ તો
કાળ (એટલે કે મોત) આવે ત્યારે કરડે છે. પણ દુર્જન ડગલે ને પગલે ડંસતો રહે
છે.
* દયા વિનાના ધર્મનો ત્યાગ કરવો જોઈએ, વિદ્યાહીન ગુરુને છોડી
દેવા જોઈએ, ક્રોધી સ્ત્રીની સોબત છોડી દેવી જોઈએ અને જ્યાં પ્રેમબંધન ન હોય
એવા ભાઈઓનો ત્યાગ કરવો જોઈએ.
* મેઘજળ સમાન ઉત્તમ અન્ય કોઈ જળ નથી,
પોતાના બળ સમાન બીજું કોઈ બળ નથી, નેત્ર સમાન કોઈ તેજ નથી અને અન્ન સમાન
બીજી કોઈ પ્રિય ચીજ નથી. |
No comments:
Post a Comment