બે અંતિમો પર પ્રભુનું સ્મરણ: અતિ સુખ અને અતિ દુ:ખમાં ભગવાન યાદ આવે છે |
આપણી પ્રાર્થના અને ભક્તિ શરતી છે. સુખને આપણે સાધનો સાથે જકડી રાખ્યું છે, અંતરના આનંદ સાથે નહીં. ધનના ઢગલા પર બેઠેલો માણસ પણ અકળામણ અનુભવી રહ્યો છે |
જીવન દર્શન - મહેન્દ્ર પુનાતર જીવનમાં મુશ્કેલી આવે, દુ:ખ આવે, કષ્ટ પડે ત્યારે પ્રભુનું સ્મરણ થાય છે. બે અંતિમો પર ભગવાન યાદ આવે છે: એક દુ:ખમાં અને એક અતિ સુખમાં. માણસ સુખમાં હોય ત્યારે અજ્ઞાતભયો તેને સતાવતા હોય છે. આ સુખ હાથતાળી આપીને ચાલ્યું તો નહીં જાયને એવી ભીતિ પણ મનમાં હોય છે. સુખ પણ ચિંતા અને અજંપો લઈને આવતું હોય છે. ધન, દૌલત, ઐશ્ર્વર્ય અને સુખ-સગવડનાં સાધનો જેટલું સુખ આપે છે તેના કરતાં વધુ દુ:ખ ઊભું કરતાં હોય છે. કોઈ માણસ એવો નથી કે જેને કોઈ પણ ચિંતા કે અજંપો ન હોય. જેટલું સુખ તેટલો વધુ ભય અને વધુ ચિંતા. ગરીબોને કષ્ટ હોય છે ધનિકોને દુ:ખ. કષ્ટ શારીરિક છે, દુ:ખ માનસિક. ગરીબોનો પ્રશ્ર્ન એ છે કે સખત મહેનત કરવા છતાં પેટ પૂરતું ખાવાનું કે પાયાની સગવડો મળતી નથી. ધનિકોને બધું મળ્યું હોવા છતાં સંતોષ નથી. ધન વધતું જાય તેમ સગવડો વધતી જાય છે અને સુખ ઓછું થતું જાય છે. દરેકની સુખની વ્યાખ્યા અલગ હોય છે. સુખ અને દુ:ખ બંને માણસને ડગાવી નાખે છે માત્ર સમ્યગ દૃષ્ટિ જ સ્થિર રાખી સાચો માર્ગ બતાવે છે. ધર્મ આ સમયે ધારકબળ બને છે. ઊંડી શ્રદ્ધા અને અંતરના ભાવથી કરેલી પ્રાર્થના અને પ્રાયશ્ર્ચિત એળે જતાં નથી. હકીકતમાં સુખમાં પ્રભુનું સ્મરણ કરવું જોઈએ. સુખમાં શાંતિની અને સ્થિરતાની વધુ જરૂર રહે છે. માણસો દુ:ખના ડુંગરાઓ ખડકાઈ જાય ત્યારે પ્રભુને યાદ કરવા બેસે છે. હે પ્રભુ! તું મને આમાંથી ઉગારી લે. આમાં પણ માણસનો સ્વાર્થ છે. માણસ ભગવાન પાસે સોદો કરતા પણ અચકાતો નથી. તેની પ્રાર્થના અને ભક્તિ પણ શરતી હોય છે. પ્રભુ! તું મને આ યાતનામાંથી બચાવી લે તો શ્રીફળ વધેરીશ, તેલ ચડાવીશ, જાત્રાએ જઈશ, વ્રત કરીશ વગેરે માનતા લોકો કરતા હોય છે. કોઈ સુખ માટે તો કોઈ આવી પડેલા દુ:ખને દૂર કરવા માટે પ્રભુ સમક્ષ હાથ જોડીને વિનંતી કરતા હોય છે. સુખ તો આમ કરતાં કરતાં ઘણા માણસોના હાથમાં આવી જાય છે, પણ પ્રભુનું સ્મરણ ચાલુ રહેતું નથી અને કદીક પ્રભુ યાદ આવી જાય છે તો પણ એટલા માટે કે આ બધું જે કાંઈ મળ્યું છે તે ચાલ્યું ન જાય તેટલા માટે. પ્રાર્થના અને ભક્તિ કોઈ પણ જાતની અપેક્ષા વગર હોવી જોઈએ. પ્રભુનું ધ્યાન મનની શાંતિ માટે છે. માણસ પ્રભુને સમર્પિત થઈ જાય અને સત્ય-સદાચારના માર્ગે ચાલે તો તેને સુખ મળવાનું છે. સુખને આપણે સાધનો સાથે જકડી રાખ્યું છે, અંતરના આનંદ સાથે નહીં. તેના કારણે સુખ ભોગવવા છતાં આનંદ અને ઉલ્લાસ રહ્યો નથી. જેટલું બની શકે તેટલું ભેગું કરી લેવું એ જ માણસનું લક્ષ્ય બન્યું છે. માણસ જે કાંઈ ત્યાગ કરે છે, છોડે છે તેની પાછળ પણ આ આશય રહેલો છે. શ્રદ્ધા, આસ્થા અને માનતા પાછળ આવી જ વૃત્તિ હોય છે. કેટલાક એવા પણ માણસો છે જે માનતા ફળે તો પણ પાછળથી ભૂલી જાય છે અથવા પોતાની રીતે અર્થઘટન કરે છે અને છટકબારી શોધી કાઢે છે. આ અંગે મુલ્લાં નસરુદ્દીનનું એક દૃષ્ટાંત જાણીતું છે. તેણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દયાવાન! જો મને એક સોનાની ગિની મળશે તો તેમાંથી ૨૫ ટકા ભાગ હું તને આપીશ. પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને તેને રસ્તા પરથી સોનાની એક ગિની મળી. આ ગિની થોડી ઘસાયેલી હતી એટલે સોનીએ તેની ૭૫ ટકા કિંમત આપી. નસરુદ્દીને પૈસા હાથમાં લીધા અને આકાશ તરફ જોઈને કહ્યું: હે પ્રભુ! તું પણ પાકો નીકળ્યો. પહેલેથી જ ૨૫ ટકા ભાગ કાપી લીધો. પ્રભુની કૃપા પછી પણ જેને કશું આપવું નથી તેને હજાર બહાનાં મળી રહે છે. માણસના સ્વાર્થની અને લોભની કોઈ સીમા નથી. સામાન્ય વહેવારમાં પણ આવું જોવા મળે છે, કેટલાક માણસો ફાળામાં અને બોલીમાં મોટી રકમની જાહેરાત કરે છે અને પાછળથી શરતો મૂકીને પૈસા આપવામાં તાગડધિન્ના કરે છે. માણસ મોટી મોટી વાતો કરે છે પણ કરવાનું આવે છે ત્યારે પાણીમાં બેસી જાય છે. ‘કાંઈ પણ કામ હોય તો અડધી રાતે કહેજો’ એવું કહેનારા જ્યારે કામ પડે છે ત્યારે મોઢું બતાવતા નથી, કહેવાની અને કરવાની વાત જુદી છે. આ વિરોધાભાષના કારણે હૃદય અને મન જુદી દિશામાં ચાલી રહ્યાં હોય છે. વખત આવે તો માણસ ભગવાનને ઠગતાં પણ અચકાતો નથી. લોભ અને તૃષ્ણાનો કોઈ અંત નથી. પ્રભુએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે સૌને જોઈએ તેટલું પર્યાપ્ત આપ્યું હતું, પરંતુ માણસો એકબીજા પાસેથી છીનવી લેવા માંડ્યા અને સમતુલા ડગી ગઈ. એક બાજુ માણસોને ખાવા માટે અન્ન નથી, પહેરવા માટે વસ્ત્રો નથી, જ્યારે બીજી બાજુ માણસોને પૈસા ક્યાં ખર્ચવા તે પ્રશ્ર્ન છે. પૈસાથી જે કાંઈ ખરીદી શકાય તે તેઓ ખરીદી ચૂક્યા હોય છે. ભૂખ લાગી હોય ત્યારે ભોજન સારું લાગે. પેટ ભરેલું હોય ત્યારે ભોજન પણ અકારું લાગે છે. ધન અમુક હદ સુધી સુખ આપી શકે છે પછી તેની અસર ઓછી થઈ જાય છે અને પરાકાષ્ટા આવે છે ત્યારે તૃપ્તિ સાવ ખતમ થઈ જાય છે. પછી ધનના ઢગલા પર બેઠેલા માણસો અકળાયા કરે છે. વધુ સુખની શોધમાં દુ:ખને વહોરી લે છે. સાચું સુખ ભીતરનું છે. અંદરનો વલોપાત દૂર થઈ જાય, મનમાં સ્થિરતા અને શાંતિ ઊભી થાય તો તેના જેવું બીજું કોઈ સુખ નથી. દુ:ખ આવે, ભીડ પડે ત્યારે ગમે તેવો નાસ્તિક માણસ પણ ઈશ્ર્વરમાં, નિયતિમાં અને કર્મોમાં માનતો થઈ જાય છે. જીવનમાં સારું કરીએ તો દુ:ખી થવાનો વારો ન આવે. બધો સમય સારો હોતો નથી અને સારી તક વારંવાર ઊભી થતી નથી. સંત સુરદાસજીએ કહ્યું છે તેમ... અવસર બારબાર નહીં આવે જાના તો કછુ કરના ભલાઈ, જનમ મરણ છૂટ જાવે, વો સંસાર ઓસકા પાની પલકન મેં ઉડ જાવે, સુરદાસ કહે હરિ મિલન કી, હરિ કે ગુણ ગાવે. પ્રભુના સ્મરણ અને બંદગી માટે આજે જે સમય છે તે કદાચ કાલે ન પણ હોય. આ માટે આજ મહત્ત્વની છે. ધન, સંપત્તિ, શક્તિ અને સત્તા અને આપણી પાસે જે કાંઈ હોય તેનાથી જેટલું સારું થઈ શકે તેટલું કરતા રહેવું જોઈએ. સુરદાસજી કહે છે આ સંસાર અસાર છે. ઝાકળના પાણી જેવો છે. ઝાકળની જેમ બધું સમય આવ્યે ઊડી જવાનું છે, કશું કાયમી નથી. આજનું આ શહેર કાયમનું નથી. તે ખંડેર બની જશે તેમાંથી પાછું નવસર્જન થશે. મોટા મોટા શહેનશાહો થઈ ગયા. અનેક સલ્તનતો આવી ગઈ. શહેરો અને કસ્બાઓ ઊભાં થતાં રહ્યાં અને ભૂંસાતાં ગયાં. આમ બધું અનિત્ય છે. સમયનો સદુપયોગ કરવાની આ વાત છે. સારો ભાવ ઊભો થાય તો રાહ જોવાની જરૂર નથી. જ્ઞાની, સંતો અને મહાત્માઓ કહે છે આ દુનિયા એક ધર્મશાળા છે. એક પછી એક મુસાફરો આવે છે, વિશ્રામ કરે છે અને સમય પૂરો થાય ત્યારે ચાલ્યા જાય છે. સાચું ઘર પ્રભુનું મંદિર છે, તેનું સ્થાન આપણા હૃદયમાં છે. માણસ રાજા, રંક, જ્ઞાની, યોગી, બુદ્ધુ, સારો - ખરાબ બધું બની શકે છે. સમય અને સંજોગો માણસને ઘડે છે. શરીર અને મન પર અંકુશ હોય તો તેને કોઈ વાવાઝોડું હચમચાવી શકે નહીં. વિચારોના ઘોડા દોડતા હોય ત્યારે મન શાંત અને સ્થિર રહી શકે નહીં. મન મરકટ જેવું છે તે માણસને નચાવ્યા કરે છે. મન ક્ષણમાં દૂર દૂર સુધી પહોંચી શકે છે. બીમારી, રોગ, અશાંતિ એ બધું ત્યારે આવે છે જ્યારે આપણું મન રુગ્ણ બની જાય છે. મન શાંત અને નિર્મળ હોય તો બધાં દુ:ખો શમી જાય છે અને દુ:ખને સહન કરવાની અદ્ભુત શક્તિ ઊભી થાય છે. ત્યારે દુ:ખ દુ:ખ રહેતું નથી, પણ સાધનાનો ઉત્તમ માર્ગ બની જાય છે. દુ:ખ એક તપ છે. આમાંથી પસાર થયા પછી સુખનો સૂરજ ઊગે છે. સાચા સંતોને દુ:ખ અને યાતના બિલકુલ પરેશાન કરી શકતાં નથી. રામકૃષ્ણ પરમહંસે કેન્સરનું ઓપરેશન ક્લોરોફોર્મ લીધા વગર જ કરાવ્યું હતું. રોગ વધ્યો અને અસહ્ય પીડા છતાં તેમના મોઢામાંથી ઊંહકારો નીકળ્યો નહોતો. ભગવાન મહાવીરના કાનમાં ખીલ્લા ઠોકવામાં આવ્યા છતાં તેઓ જરા પણ વિચલિત થયા નહોતા. સ્વાર્થ અને લોભને સીમા નથી. માણસ જેટલું મેળવે છે તેટલું ભોગવી શકતો નથી અને છેવટે ધનના ઢગલામાં દટાઈ જાય છે. આ અંગે એક રશિયન કથા જાણીતી છે. એક માણસને જમીન ખરીદવાની ઈચ્છા થઈ. કોઈએ કહ્યું અમુક જગ્યાએ જાઓ ત્યાં જમીન મફતમાં મળશે, એ માણસ ત્યાં પહોંચ્યો. જમીનના માલિકે કહ્યું જોઈએ તેટલી જમીન લઈ લો. સવારથી સાંજ સુધી દોડીને જેટલી જમીન કવર કરશો તેટલી તમારી, પરંતુ શરત એ છે કે સૂર્યાસ્ત પહેલાં અહીં પાછા પહોંચી જવું પડશે, પણ મોડા પડશો તો કશું નહીં મળે. માણસે દોડવાનું શરૂ કર્યું અને દૂર નીકળી ગયો, પરંતુ લોભ થયો, થોડું વધારે મેળવવાની લાલસા ઊભી થઈ અને અતિ દૂર નીકળી ગયો. પાછા ફરતી વખતે ઝડપથી દોટ લગાવી. ફેફસાં ફાટી પડશે એવી પરિસ્થિતિ ઊભી થઈ, પરંતુ આટલી વિશાળ જમીન હાથમાંથી જવા કેમ દેવાય? માણસ ઊંધું ઘાલીને દોડતો રહ્યો અને સૂર્યાસ્ત થવાને બે મિનિટની વાર હશે ત્યાં મુકામ પર જઈને ઢળી પડ્યો અને તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. તેને કબરમાં દાટવામાં આવ્યો ત્યારે એક સૂફી સંત બોલી ઊઠ્યા, ‘માણસને જમીન કેટલી જોઈએ? દો ગજ જમીન માટે તેણે જિંદગી ખોઈ નાખી.’ આપણી પાસે ગમે તેટલું હોય, બધું અહીં પડી રહેવાનું છે. જેટલું વાપરીએ તેટલું આપણું છે, બાકી ખાકમાં મળી જવાનું છે. શાયર નઝીરસાહેબે કહ્યું છે તેમ... ‘હૈ બહારે બાગ દુનિયા ચંદરોઝ દેખલો ઈસ કા તમાશા ચંદરોઝ ઐ મુસાફર! કૂચ કા સામાન કર ઈસ જહાં મેં હૈ બસેરા ચંદરોઝ.’ |
Pages
▼
No comments:
Post a Comment