Pages

Wednesday, January 2, 2013

ભૂલી જાઓ, જીવી જાઓ


સંબંધમાં તિરાડ પડે છે ત્યારે, અશક્ય લાગતું હોવા છતાં, યાદોને ભૂલી જવી એ જ મનને શાંત કરી શકે છે
સંબંધોના તાણાવાણા

કડવાશને ભૂલો

‘મારી નાની બહેન મારાથી વધુ રૂપાળી છે. મારા વિવાહ માટે મને છોકરો અને એના સંબંધી જોવા આવવાના હતા ત્યારે મેં એને એમની સામે ન આવવા તાકીદ કરેલી, કેમકે મેં એ છોકરાને મનોમન મારા જીવનસાથી તરીકે પસંદ કરી લીધેલો. નાની બહેન એમની સામે ધરાર આવી અને એ લોકોએ એને જ પસંદ કરી લીધી. એનાં લગ્ન ત્યાં થઈ ગયાં. આજે હું પણ મારા કુટુંબમાં ખુશ છું, પણ બહેન સાથેના સંબંધમાં ઊંડી તિરાડ પડી ચૂકી હતી અને બોલવાનો વ્યવહાર સુધ્ધાં બંધ થઈ ગયો હતો. લગ્ન પછી મારા પતિને બધી વાતની જાણ થઈ ત્યારે એમણે મને સમજાવી કે આટલો લાંબો સમય કડવી યાદોને મનમાં સંઘરી રાખવી કોઈ રીતે સારું નથી. એથી તું માનસિક તાણમાં રહેશે અને સગ્ગી બહેન સાથે જીવનભર સંબંધ કપાઈ જશે. આ પહેલા બહેને મારી માફી માગવાના ઘણા પ્રયાસ કરેલા પણ મેં કઠોર વલણ કાયમ રાખેલું. એટલે સંબંધ સુધારવાની પહેલ મારે જ કરવાની હતી. એની બર્થ ડે પર મારા પતિ સાથે એક નાનકડી ભેટ લઈ એના ઘેરે અમે પહોંચી ગયાં તો એ ખુશીમાં મને બાઝીને અધડો કલાક રડતી રહી. હવે મારા મનમાં એને માટે કોઈ કડવાશ નથી. આ વાત અમદાવાદની ૩૧ વર્ષની હોમમેકર કાલિંદી (નામ બદલ્યું છે)ની.

આ અંગે મનોવિજ્ઞાની સલાહકાર ડો. અનુ ગોયલ કહે છે. કોઈ માણસ ક્રોધ અને નફરતને લાંબો સમય પોતાની અંદર પાળ્યા કરે તો એથી એને હાઈપર ટેન્શન, હાઈ બ્લડપ્રેશર અને ડિપ્રેશન જેવી બીમારી લાગુ પડી શકે છે. બીજાના ખરાબ-આઘાતજનક વર્તનને શક્ય એટલા વહેલા ભૂલવાની કોશિશ કરવી જોઈએ. આવી ભાવનાઓ માણસને નકારાત્મક બનાવી દે છે અને જીવનમાં આગળ વધવું મુશ્કેલ બની જાય છે.

તમારા સારા માટે

જીવનની એક એક પળ ખૂબ કીમતી હોય છે. બીજાઓ માટે જેટલી વધુ નારાજગી રાખીશું એટલી વધુ ખુશી આપણાથી દૂર ભાગશે. કલ્પના શાહ (નામ બદલ્યું છે) કોલેજનાં નિવૃત્ત અધ્યાપિકા છે. તેમણે કહ્યું: મારી દીકરીએ ૧૦ વર્ષ પહેલા અમારા સૌની મરજી વિરુદ્ધ પરધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરેલાં. એ ઘટનાએ અમને જબરો આઘાત આપેલો. પાછળથી સામાજિક કારણોસર અમે દીકરી-જમાઈને અપનાવી નહોતાં શક્યાં. જે દીકરીને અમે આટલા પ્રેમથી મોટી કરી એણે અમને આટલું જબ્બર દુ:ખ કેમ આપ્યું એ વિચારી હું રડતી રહેતી. હું ડિપ્રેશનમાં સરી ગયેલી. બે વર્ષ પહેલા ‘મિચ્છામિ દુક્કડમ’ અવસરે એણે પત્ર લખી અમારી સૌની માફી માગી. જૈનોમાં આ અવસરે ક્ષમા માગવા-આપવાનું ખાસ માહાત્મ્ય છે. એવું મનાય છે કે ક્ષમા માગનાર અને આપનાર, બંનેના આત્મા શુદ્ધ થાય છે એટલે અમે પણ એને માફ કરી દીધી. અમે એમને સપરિવાર મળવા બોલાવ્યાં. દીકરીનાં સંતાનો અને પ્રામાણિક પતિને જોઈ અમારો ગુસ્સો દૂર થઈ ગયો. હું એને માફ ન કરતે તો મારી જાતને, કદી માફ ન કરી શકતે. મેં બહુ તીવ્રતાથી અનુભવ્યું કે માફ કરી દેવું એ બીજાને માટે જ નહીં, પરંતુ પોતાને માટે પણ બહુ સારું હોય છે.

નાજુક છે સંબંધની દોર

આપણને ન ગમતા હોય એવા લોકો સાથે પણ સામાજિક કારણોસર આપણે સંબંધ સાચવવા પડતા હોય છે. આ અંગે માનસશાસ્ત્રી ડો. સુરભી સોની કહે છે: આપણી ઈચ્છા-પસંદગી અનુસાર આપણી સાથે લોકો વર્તાવ કરે હંમેશાં શક્ય નથી. કોઈ માણસ ખરાબ વ્યવહારના આધારે એક એક સંબંધ તોડતો જાય તો એના જીવનમાં સાવ એકલા પડી જવાની સ્થિતિ આવશે. એનો અર્થ એ બિલકુલ નથી કે દરેક ખોટા વર્તન-વ્યવહારને તમે ચૂપચાપ સહન કર્યા કરો. નજીકના કોઈ મિત્ર કે સગાના દુર્વ્યવહાર કે દગા અંગે તમે એની સામે નારાજગી જરૂર પ્રગટ કરો. એની સાથે થોડું અંતર પણ બનાવી લો, પણ હંમેશાં માટે દુશ્મની ન ઊભી કરી લો. એના વિષેની ચર્ચા બંધ કરી દેશો તો એ કડવા અનુભવને ભૂલવાનું તમારે માટે થોડું સરળ બની જશે.

ફર્ગેટ એન્ડ ફરગિવ

‘ફર્ગેટ એન્ડ ફરગિવ’ના લાભો છે. એ સમજો સ્વીકારો અને અમલમાં મૂકો. આ રીતે...

કોઈએ તમારી લાગણીને ઠેસ પહોંચાડી હોય તો એના એ વર્તનને યાદ કરીને મનને દુ:ખી કરવાને બદલે ત્યાંથી ધ્યાન બીજે વાળી લેવાનો પ્રયાસ કરો.

ખરાબ વર્તન કરનાર કે નુકસાન પહોંચાડનાર વ્યક્તિ માફી માગવા ઈચ્છતી હોય ત્યારે તમારો મૂડ ગમે તેટલો ખરાબ હોય તો પણ એની પર અંકુશ રાખી એને પછીથી વાત કરવાનો આગ્રહ કરો.

બીજાના વ્યવહારથી આપણને દુ:ખ થતું હોય તો આપણે એવું કંઈ ન કરવું જોઈએ જેથી આપણું કષ્ટ વધી જાય.

ચિત્રકામ, સંગીત શ્રવણ કે તાલીમ, વાંચન-લેખન, બાગકામ કે બાળકોને વાર્તા સંભળાવવા જેવી મનગમતી પ્રવૃત્તિમાં જાતને પરોવી રાખવાની કોશિશ કરો.

નકારાત્મક વાતો પાછળ મૂકી ઉત્સાહ સાથે આગળ વધવાનું નામ જ જિંદગી છે.

No comments:

Post a Comment