ગુડ મોર્નિંગ - સૌરભ શાહ ગાડી ચાવીથી ચાલે છે કે એમાં રહેલા ઍન્જિનથી? ગૂઢ પ્રશ્ર્ન છે. આવો પ્રશ્ર્ન ઊભો કરીને એની લાંબી ચર્ચા કરનારાઓથી આપણે અંજાઈ જઈએ છીએ. ફિલસૂફો કે વિચારકો કે પછી ટીવી પરના બાબા-મહાત્માઓ આવી જ કોઈ વાતને ચ્યુઈંગમની જે ચાવી ચાવીને શ્રોતાઓને કે વાચકોેને પ્રભાવિત કરી નાખે છે. જીવનની રોજબરોજની સમસ્યાઓનો સામનો કરવાની દાનત, તાકાત કે લાયકાત ન હોય ત્યારે માણસને આવી વાતોમાં રસ પડવા માંડે છે. હું કોણ છું, મૃત્યુ પછી આ જીવનું શું થાય છે, ભગવાન કોણ છે, જિંદગીનો અર્થ શું? પણ માણસ, આજનું તારું કામ કેવી રીતે કરીશ એ તું પૂછને તારી જાતને. તને એ કામ કરવા માટે જે કઈ વધારાની માહિતીની કે કોઈ ઓજારની જરૂર પડશે કે નહીં અને પડશે તો તે તું કેવી રીતે મેળવીશ એ તારી ચિંતાનો વિષય હોવો જોઈએ. પગારવધારો છ મહિના પછી થશે પણ તે પહેલાં દૂધ, ગેસના ભાવમાં અને ટ્રેનનાં ભાડાંમાં વધારો થઈ ગયો છે તો મહિનાના અંતે આવક-ખર્ચના ટાંટિયા કેવી રીતે ભેગા કરીશ એ તારી ચિંતાનો વિષય છે. ખૂબ ચિંતા વધી જાય ત્યારે ઘડીભર એમાંથી છટકવા માટે મગજ બાજુએ મૂકીને જોવું પડે એવી કોઈ હિન્દી ફિલ્મમાં ત્રણ કલાક ખર્ચી કાઢવામાં કઈ ખોટું નથી. રોજિંદી ચિંતાઓથી બે ઘડી મુક્તિ આપતી પ્રવૃત્તિ લોકનજરે મનોરંજન ગણાય છે, હલકી પ્રવૃત્તિ ગણાય છે. પણ રોજિંદગી ઘટમાળથી દૂર લઈ જતી મોક્ષ વગેરેની વાતો સાંભળવા જવામાં લોકો ધન્યતા અનુભવે છે. પોતે કંઈક અલગ છે, ઊંચા છે એવું અનુભવે છે. વાસ્તવમાં એ બંનેમાં, સિનેમા જોવામાં અને ધર્મ-તત્ત્વજ્ઞાનના નામે નવી નવી ઊલઝનો પેદા કરતી દલીલોભર્યા પ્રવચનો-આખ્યાનોમાં કોઈ ફરક નથી. જિંદગીને સરળ બનાવે એવી વાતો ધર્મશાસ્ત્રીઓ તરફથી ભાગ્યે જ મળતી હોય છે. જિંદગીને નકારાત્મક બનાવવાની જાણે તેઓ હોડ લગાડે છે. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, આવું વિચારવાનું નહીં. સદ્ગુણોથી આપણને નવડાવી દેતા હોય એવી ભાવના એમનામાં હોય છે. સામાન્ય માણસને ખબર છે કે શું સાચું છે, શું સારું છે. ઉપદેશોની એને જરૂર નથી હોતી. સદ્ગુણોનું એ પાલન નથી કરી શકતો, નીતિ પ્રમાણે આચરણ નથી કરી શકતો ત્યારે એને જરૂર હોય છે કોઈ સમજદાર માણસની, પોતાને સમજે એવા ઈન્સાનની. તું નીચો છે એવું કહીને એને ઊતારી ન પાડે એવા આદમીની. પણ ફિલસૂફી ઝાડનારાઓ આના કરતાં તદ્દન ઊંધું જ કામ કરે છે. જે માણસ ખાડામાં પડી ગયો છે તે કેટલો પાપી છે એવું કહીને એની આસપાસ મોટું ટોળું ભેગું કરી દે છે તમાશો દેખાડવા માટે. જેણે પાપ ન કર્યું એકે, તે પહેલો પથ્થર ફેંકે. ઈસુની આ ઉક્તિ સાંભળી છે બધાએ, વર્તનમાં ઉતારી છે કોઈએ? બીજાનાં કુકર્મો ગણાવવાથી મારાં પાપ ઢંકાઈ જશે એવું માનીને આપણે ડગલે ને પગલે હાય મોરલ ગ્રાઉન્ડ લેતા થઈ ગયા છીએ. હું ભલે ધંધો કરતી વખતે જુઠ્ઠું બોલું, બેનંબરી માલ પધરાવું, બોલેલું ફેરવી તોળું - પણ મારાં છોકરાઓમાં એવા સંસ્કાર ન આવવા જોઈએ. શક્ય છે? સમાજમાં ચાલતી સેંકડો બુરાઈઓ વિશે અભિપ્રાય આપવાની જરૂર નથી. એ વિશે મનમાં વિચારો કરીને અકળાવાની પણ જરૂર નથી. મારામાં ચાલતી બુરાઈના વિચારોની શૃંખલાને સમજીને એની એક એક કડીનું ક્રમશ: વિસર્જન કરી શકું તો ગંગા નાહ્યા. દુનિયા આખીમાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે તે મારા સિવાયની બીજી જ વ્યક્તિઓ કરી રહી છે એવું વિચારીને હું મારા દુષ્કૃત્યો આડે પડદો પાડી દઉં છુંં. આમાં સૌથી મોટું નુકસાન મને પોતાને જ છે. ઘરમાં પડેલા જે કચરા તરફ મારું ધ્યાન નહીં જાય એ કચરો હું ક્યારેય વીણવાનો નથી. હકીકત એ છે કે મારે કશું કરવાની જરૂર નથી. નથી મારે સારા બનવાનું કે નથી મારે ઓછા ખરાબ થવાનું. માત્ર સમજવાનું છે કે મારામાં શું સારું છે, શું ખરાબ છે અને કેટલા પ્રમાણમાં એ છે. સતત સમજતા રહેવાથી આપોઆપ ભગવાનને ગમીએ એવા થઈ જઈશું. પ્રયત્નપૂર્વક કરવાનું જો હોય તો તે એટલું જ કે બીજાની બુરાઈઓ જોવાનું, એની સામે આંગળી ચીંધવાનું, એને ઉતારી પાડવાનું બંધ કરીએ. કોઈની પ્રશંસા પણ શું કામ કરીએ? એના કરતાં એના સારા ગુણ પોતાનામાં આવે એવો કોઈ પ્રયત્ન ન કરીએ? કોઈની સારી બાજુની શબ્દોમાં પ્રશંસા કરીને આપણે છટકી જવું છે - એવા બનવા માટે જે મહેનત કરવી પડે એમાંથી. ગાંધીજીની સત્યપ્રિયતાની મેં પ્રશંસા કરી, લોકોને ખબર પડી કે મેં ગાંધીજીની સત્યપ્રિયતાની પ્રશંસા કરી છે, લોકો મને માનથી જોતા થઈ ગયા અને હું બચી ગયો સત્યપ્રિયતાને મારા પોતાના જીવનમાં ઉતારવામાંથી. દંભ કરવાની કોઈ દાનત નહોતી છતાંય હું દંભી બની ગયો અને પછી તો મને ટેવ પડી ગઈ. મારામાં જે અવગુણ છે તે બીજામાં દેખાય ત્યારે હું દસગણો મોટો અવાજ કરીને ચિલ્લાઉં જેથી મારામાં તો એ નહીં જ હોય એવું લોકો માની લે. મારામાં જે સદ્ગુણ નથી એ જો કોઈ બીજામાં દેખાય તો હું વીસગણા મોટા અવાજે એનાં વખાણ કરું જેથી લોકો તો માની જ લેવાના છે કે એ સદ્ગુણ તો આનામાં ઠાંસી ઠાંસીને ભર્યો હશે. ગણેશ ઉત્સવનું સરઘસ રસ્તા પરથી પસાર થતું હોય ત્યારે ઢોલનગારાંના તાલ પર ઘડીભર આપણને બે સ્ટેપ્સ લઈ લેવાનું મન થાય છે. પણ આપણે લેતા નથી. કેવા લાગીશું- એવા વિચાર આવી જાય છે. ખરું પૂછો તો એવું કરી લેવામાં કંઈ ખોટું નથી. નિર્દોષ આનંદ છે. પણ ગણપતિને દૂધ પીવડાવવા જેવી માસ હિસ્ટિરિયા ઊભો કરતી ઘટના સર્જાય છે ત્યારે એમાં સૂર પુરાવતી વખતે આપણને સહેજ પણ વિચાર આવતો નથી કે આપણામાં ભગવાને આપેલી સ્વતંત્ર બુદ્ધિને આવા સમયે કેવું લાગશે? |
Pages
▼
No comments:
Post a Comment