સુખનો પાસવર્ડ - આશુ પટેલ આજે મહાન બંગાળી સાહિત્યકાર શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયની કેટલીક વિચારકણિકાઓ વાચકો સાથે શેર કરવી છે. શરદબાબુ તરીકે અમર બની ગયેલા આ સાહિત્યકાર અદ્ભુત કૃતિઓ રચી ગયા છે. એ પુસ્તકોમાં અનેક સચોટ વનલાઈનર મળી આવે છે. જોઈએ આવા જ કેટલાક સચોટ વાક્યો. * * * મશ્કરી કરવા જતા ક્યારેક મુખમાંથી મહાન સત્ય પ્રકટ થઈ જાય છે. * * * તમામ ઘટનાઓનું કારણ જણાવવાનો આગ્રહ માણસમાં એક ઉંમરે હોય છે. * * * શ્ર્વાનની પૂંછડીની જેમ જ માણસનો સ્વભાવ કદી બદલાતો નથી. * * * એક ભૂલને છૂપાવવા બીજી ભૂલ કરવાથી એનો ભાર ઘટવાને બદલે વધે છે. * * * ઝેર ખાવું સહેલું છે પણ ખોટી ટીકા હજમ કરવી મુશ્કેલ છે. * * * ઘનઘોર જંગલોની જેમ કેટલાક માણસોના હૃદયમાં શું છુપાયેલું છે એ કોઈ જાણી શકતું નથી. * * * જાનવરની સાથે કંઈ દલીલબાજી થઈ શકતી નથી, એનો રસ્તો બીજો છે. * * * લાંબા સમયથી દૃઢ થઈ ગયેલી માન્યતા પર આઘાત લાગે ત્યારે માણસ તે સહી શકતો નથી. * * * મોટું નામ આપવા માત્રથી કોઈ પણ વસ્તુ ખરેખર મોટી થઈ જતી નથી. * * * એવોય સમય આવે છે જ્યારે માણસ ખરેખર મરણની ઈચ્છા કરે છે. * * * માનવ મન અમુક સ્થિતિમાં બિલકુલ સંકોચ વિના અને બિલકુલ સહજ રીતે જુઠ્ઠાણું સર્જી શકે છે. * * * જેને તળિયે કાદવ જ હોય એ પાણી ઉલેચવાનું કામ ડહાપણભર્યું નથી. * * * કેટલાક લોકો નવા જૂતાનો તીક્ષ્ણ ડંખ અંદરખાનેથી સહન કરવા છતાં બહારથી જૂતા પહેરવાના આનંદનો ડોળ કરે છે. * * * છૂટ મળતાં માત્ર કૂતરાં જ માથે ચડી બેસે છે એવું જ નથી, માણસને ય યાદ કરાવવું પડે છે. * * * માગ્યા પહેલા માથે પડીને આપીએ તો સ્વમાની માણસનું અપમાન કર્યું કહેવાય. * * * દિલ હોય તો દિલને દુ:ખ થાય. * * * માત્ર શબ્દોથી જ બધી વાતોનો અર્થ સમજાતો નથી. * * * બહારથી ઈંડાનું કવચ તોડીને અંદરના જીવને છૂટો કરવા જઈએ તો એ જીવ છૂટો થતો નથી, મરી જાય છે. * * * બહુ દુ:ખ પામ્યા સિવાય કોઈ પણ મોટી વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી. * * * જેનું મન બીજાના હાથમાં ચાલ્યું જાય છે, એનાથી મોટો અભાગી માણસ દુનિયામાં બીજો કોઈ નહીં હોય. * * * અનુમાનની વિરુદ્ધ કોઈ દલીલ ના હોઈ શકે. * * * દર્દ છુપાવવાથી મટી જતું નથી. * * * કોલસાને ધોઈને તેનો રંગ બદલી શકાતો નથી, તેને તો અગ્નિમાં બાળવો પડે છે. * * * બધા સુખને એક ચોક્કસ સીમા હોય છે. * * * વાઘની સામે બે હાથ જોડીને ઊભા રહેવામાં કોઈ લાભ નથી. જીવ તો જવાનો તે જશે જ ઉપરથી અપમાન થાય તે વધારાનું. * * * ઘણી વખત અનિચ્છાએ જમવું એ મરણથી પણ અધિક દુ:ખદ હોય છે. * * * થોડા શોકમાં જે હિંમત હારી જાય તે ભારે શોકને નોતરું આપે છે. એક જ ઘરનાં રોગનાં જંતુ એક માણસને મારી નાખે છે અને બીજાને સ્પર્શ પણ કરતાં નથી. * * * જેને લોભ નથી, જેને જરૂર નથી, તેને મદદ કરવા જવું એના જેવી બેવકૂફી બીજી કોઈ નથી. * * * મહત્ત્વાકાંક્ષા શરૂઆતમાં દુ:ખ દે છે, પણ જો માણસ અડગ રહે તો સિદ્ધિ મળ્યા વિના રહેતી નથી. * * * પોતાના પર વીતે એની રાહ ન જોવાય. બીજાને માથે વીતી હોય એના પરથી પણ ઘણું શીખવાનું હોય છે. * * * અનુમાન ઉપર આધાર રાખી કેસનો નિર્ણય થઈ શકે નહીં. * * * અન્યાયથી કંઈ એક જ પક્ષને નુકસાન થતું નથી. બંને પક્ષ નુકસાન પામે છે. |
Pages
▼
No comments:
Post a Comment