ગુડ મોર્નિંગ - સૌરભ શાહ બાળ ઠાકરેના અવસાન પછી કોર્પોરેશને રાતોરાત કાગળિયાં તૈયાર કરીને શિવાજી પાર્કમાં એમનાં અંતિમ સંસ્કાર કરવાની સત્તાવાર પરવાનગી આપી દીધી. પરમિશન આપતી વખતે લાગતીવળગતી તમામ વ્યક્તિઓને ખબર હોવી જોઈએ કે અંતિમ સંસ્કાર જે જગ્યાએ થશે તે ભૂમિ પર સમાધિ રચાવાની છે. લોકમાન્ય ટિળકની પ્રતિમા ગિરગામ ચોપાટી પર છે. ચોપાટી લાખો નાગરિકોના હરવાફરવાનું સ્થળ છે. ટિળકના અંતિમ સંસ્કાર પછી ચોપાટીની એ ભૂમિ પવિત્ર બની ગઇ અને એ સ્થળે એમની પ્રતિમા મૂકીને સ્મારક રચવામાં આવ્યું. મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કાર પછી રાજઘાટ રચાયો. રાજઘાટની જગ્યા કોઇ સ્મશાનભૂમિ નહોતી, જાહેર જગ્યા હતી. ગાંધીજીની સમાધિની બાજુમાં પંડિત નેહરુની ‘શાંતિવન’ની સમાધિ રચાઇ. ઇન્દિરા ગાંધીનું ‘શક્તિસ્થળ’ બન્યું. અને એ પછી તો નિકલ પડી. રાજીવ ગાંધી, બાબુ જગજીવનરામથી લઇને ચંદ્રશેખર અને કંઇ કેવા કેવા લલ્લુપંજુ નેતાઓની સમાધિને લાંબી લંગાર લાગી પડી. મહારાષ્ટ્રમાં ઓરંગઝેબની કબર છે. થોડાંક વર્ષો પહેલાં, ટુરિસ્ટ સ્પોટ બની ચૂકેલી આ જગ્યા પર એન્ક્રોચમેન્ટ કરીને આજુબાજુની વિશાળ જમીન પડાવી લેવામાં આવી. કોંગ્રેસ સરકારે મોગલ રાજાના મર્યાના સૈકાઓ પછી ઔરંગઝેબના સ્મારકની જગ્યાને વિશાળ બનાવવા માટે ખર્ચો પણ કર્યો. બાળ ઠાકરે જગ્ગુબાબુ જેવા ઠીંગણા નેતા નહોતા કે નહોતા એ ઔરંગઝેબ જેવા આક્રમણખોર આતતાયી. હિન્દુસ્તાન એમના હૃદયમાં હતું. હિન્દુસ્તાનને ચાહનારા મુસલમાનો એમના મિત્રો હતા. જે દેશદ્રોહી હોય, ચાહે એ હિન્દુ હોય કે મુસ્લિમ, એને માટેનો એમનો આક્રોશ જાણીતો હતો. એમના શબ્દો ક્યારેય ઢોંગ નહોતા કરતા. અચ્છા અચ્છા નેતાઓ જે કરતાં કે કહેતા ડરે તે એ બોલતા અને કરી બતાવતા. વાજપેયીજીએ અમૃતસરથી લાહોરની બસ દોડાવવાની સેક્યુલરબાજી કરી એવા દેખાડા બાળ ઠાકરે નહોતાં કરતાં. પાકિસ્તાન તમારા દેશનું દુશ્મન નંબર વન રાષ્ટ્ર હોય ત્યારે એની સાથે ક્રિકેટ મેચ ન રમાય એટલે ન જ રમાય. ક્રિકેટમાં રાજકારણ ન જોઈએ એવું દોઢડહાપણ ડહોળનારાઓએ દક્ષિણ આફ્રિકાની રંગભેદ નીતિ ચાલુ રહી ત્યાં સુધી એની સાથે ક્રિકેટ નહીં રમવાની ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાથી માંડીને ભારત સુધીના ક્રિકેટ રમતા દેશોની નીતિને સ્વીકારી જ છે. જે દેશ સાથે તમે ચાર યુદ્ધ કરી ચૂક્યા હો, જે દેશમાં તમારી સંસદ પર હુમલો કરવાની તાકાત હોય, જે દેશ તમારે ત્યાં આવીને ૨૬/૧૧ કરી શકવાનું હોય, જે દેશ કાશ્મીરને પડાવી લેવા માગતો હોય એ દેશ સાથે તમે ક્રિકેટ રમવાનો સંબંધ કેવી રીતે રાખી શકો? આમ છતાં ભારત સરકારે સેક્યુલરિઝમના ઓઠાં હેઠળ મુસ્લિમ વોટ બેન્કને મજબૂત કરવા ભારતીય ક્રિકેટરોને પાકિસ્તાનીઓ સાથે રમવાનો આદેશ આપ્યો ત્યારે બાળ ઠાકરેએ જે સાચું હતું અને કરવા જેવું હતું તે કર્યું- વાનખેડે સ્ટેડિયમની પીચને શિવસૈનિકોએ તહસનહસ કરી નાખી. કોંગ્રેસ, સામ્યવાદી પક્ષો અને દલિતવાદી પક્ષો જે અંદરખાનેથી કરે છે તે બધું જ શિવસેના પ્રગટપણે કરે છે. આ પક્ષોના નેતા ખાનગીમાં જે કરે છે તે બાળ ઠાકરે જાહેરમાં કરતા. એમણે ક્યારેય છુપાવ્યું નથી કે પોતે વાઇન-બિયરને માણી શકે છે, સિગાર-પાઇન-સિગરેટના પણ શોખીન છે. સમાજ અને મીડિયાને પણ દંભી લોકો ગમે છે, નિખાલસ તથા સ્પષ્ટ વક્તાઓ બધાના અણગમતા થઇ જાય છે. કારણ કે તમારા મોઢે સાફ સાફ કહી દેનારા લોકો ક્યારેક તમારી પોતાની ઢાંકવા જેવી બાજુને ઉઘાડી કરી નાખશે, એવો તમને ડર હોય છે. બાળ ઠાકરેને અને શિવસેનાને સતત વગોવવામાં આવ્યા. એમણે કરેલા દરેક કૃત્યની નીચે કંઇ હું સહી નથી કરતો પણ એમના જેવા જ અને એમનાથી ય વધારે ખોટા કામ કરનારાઓને તમે કલિન ચિટ આપો છો કે કોઈક ડરથી એમની ટીકા કરવાનું ટાળો છો ત્યારે ‘સાલું લાગી આવે.’ (કર્ટ્સી: કવિ મૂકેશ જોષી). અંગ્રેજી મીડિયા સામ્યવાદીઓએ છેલ્લા ૪૦ વર્ષમાં ઈન્ટલેકચ્યુઅલ્સના મગજમાં, વિચારી શકનારી પ્રજાના મગજમાં અને ખાસ કરીને યુવાનોના દિમાગમાં ભેરવી દીધું છે. હિન્દુઓના ઈન્ટરેસ્ટની જે વાત હોય તે ઓર્થોડોક્સ કહેવાય, મોડર્ન ન કહેવાય અને અફકોર્સ કોમવાદી તો કહેવાય જ. બાળ ઠાકરે મીડિયાને લીધે આવી જ ઈમેજ ક્રાઈસિસનો ભોગ બન્યા છે. એમની અંતિમયાત્રા સમયે સૌ કોઈએ જોઈ લીધું કે પ્રજાને એમના માટે કેટલો પ્રેમ હતો. લાખોની પ્રચંડ મેદનીથી પ્રભાવિત થઈને મીડિયાએ આખો દિવસ અંતિમયાત્રાનું લાઈવ કવરેજ કર્યું. પોન્ટી ચઢ્ઢા અને એના ભાઈએ સામસામી ગોળીઓ છોડી, બબ્બે મર્ડર થયાં એ સનસનીખેજ ન્યૂઝને પણ ટીવીવાળાઓએ તડકે મૂકી દીધા. શિવાજી પાર્ક રમવાનું મેદાન છે, હરવાફરવાનું મેદાન છે. મારો તો અંગત નાતો એ સ્થળ સાથે છે. પણ શહેરમાં આવાં તો ઘણા મેદાનો છે. બાળ ઠાકરે જેવા નેતા વારંવાર પેદા થતા નથી. એમની સમાધિ માટે થોડી જમીન આપી દેવાથી શિવાજી પાર્ક સાંકડું થઈ જવાનું નથી. આમેય શિવાજી પાર્કની રચના થયા પછી એક પછી એક ઘણી કલબોનાં મકાનો ત્યાં ઊભા થયાં જ છે. બાળ ઠાકરેનું વિશાળ ભવ્ય સ્મારક શિવાજી પાર્કની સામેના મેયરના બંગલાને સ્થાને કે કોઈ આસપાસની જગ્યાએ જરૂર થઈ શકે પણ બાળ ઠાકરેની સમાધિ તો ત્યાં જ રચાવી જોઈએ. જ્યાં એમનાં અંતિમ સંસ્કાર થયા જેથી એમના લાખો ચાહકો એ પવિત્ર ભૂમિનાં દર્શન કરી શકે, શ્રદ્ધાંજલિ આપી શકે. ભવિષ્યવાણી કરવાનું જોખમ ખેડીને બહુ જ સ્વસ્થતાપૂર્વક તમને કહી શકું છું કે સરકાર સેક્યુલરો- કોર્ટ કે પેટના બળ્યાઓ જે ધમપછાડા કરે તે, શિવાજી પાર્કમાં આજે નહીં તો કાલે, બાળ ઠાકરેની સમાધિ રચાવાની જ છે, લખી રાખજો તમે. |
Pages
▼
No comments:
Post a Comment