Pages

ટીપુ સુલતાન

હૈદર અલીએ બળવો નહોતો કર્યો, મૈસૂરના રાજાને નિવૃત્ત કરી દીધા હતા!
સૌરભ શાહ



પહેલાં તો જોઈએ કે પૉપ્યુલર બિલીફ શું છે. ટીપુ સુલતાન વિશેની. ૧૭૫૦ની સાલ. મૈસૂરના લશ્કરનો એક અફ્સર હૈદર અલી એના વિશ્ર્વાસુ મિત્ર ખંડેરાવ સાથે, એક લડાઈમાં વિજેતા બનીને પાછો દેવનહલ્લી આવી રહ્યો છે. પાછા આવતાં જ હૈદરને સમાચાર મળે છે કે એની બેગમે એક પુત્રને જન્મ આપ્યો છે. નાનપણથી આ દીકરો પરાક્રમી છે. સહેજ મોટા થયા પછી એ ટીપુ તરીકે ઓળખાય છે. હૈદર પોતાના પુત્રને કહે છે કે ‘આપણા મૈસૂરનો, આપણા હિન્દુસ્તાનનો સૌથી મોટો શત્રુ અંગ્રેજ છે. આપણે એ અંગ્રેજો સામે લડવાનું છે. હું અલ્લાની મદદથી અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢી મૂકીશ.’ ટીપુ બાપુને વચન આપે છે: ‘હું એમાં તમારી મદદ કરીશ.’

ટીપુ દસ વરસનો હતો ત્યારે એને ઘરે મૂકીને હૈદર રાજધાની શ્રીરંગપટનમ્ ગયો, રાજ્યના લશ્કરનો હવાલો સંભાળવા. રાજધાની આવીને હૈદરે રાજાને નિવૃત્ત થવાની ફરજ પાડી અને હોદ્દો પોતે સંભાળી લીધો. એ પાછો વતન આવ્યો ત્યારે એને સમાચાર મળ્યા કે એના જિગરજાન મિત્ર ખંડેરાવે એની સાથે દગાબાજી કરી છે અને કિલ્લો કબજે કરી લીધો છે. હૈદર અલી માની શક્યો નહીં: મારો દોસ્ત ખંડેરાવ મારી સાથે દગોફટકો કરે? હૈદરે જ્યારે આ વાત પોતાની બેગમને કહી ત્યારે બેગમે કહ્યું કે તમે હવે અહીંથી ભાગી જાઓ, તમારા માથે મોત ભમે છે. ટીપુએ પણ કહ્યું, અમારી ચિંતા કરતા નહીં. હું અમ્મીની સંભાળ રાખીશ. તમે જાઓ અને મોટા લશ્કર સાથે વાપસ આવીને ખંડેરાવનો ખાત્મો બોલાવી દો. હૈદર કમને પાછો ગયો. હૈદરના ગયા પછી ખંડેરાવે હૈદરના પરિવારને બાનમાં લીધું. હૈદરે પાછા આવીને પોતાના કુટુંબને છોડાવ્યું. ખંડેરાવને હરાવીને જેલમાં નાખ્યો. હવે હૈદર જ રાજ્યનો શાસક બની ગયો હતો. છતાં દેખાડા પૂરતા રાજાને એ આદર આપ્યા કરતો અને પોતાનું લશ્કર મજબૂત બનાવવાની પેરવીમાં રહેતો ટીપુ હવે મોટો થઈને પિતાની સાથે જંગમાં જવા માગતો હતો. પણ પિતાએ કહ્યું કે પહેલાં ટ્રેનિંગ લે. ટીપુની ટ્રેનિંગ શરૂ થઈ. એને ફારસી, અરબી, ક્ધનડ અને સંસ્કૃત ભણાવવામાં આવ્યું. બંદૂક ચલાવતા શીખવાડવામાં આવ્યું. પટ્ટાબાજી અને તલવારબાજીમાં નિપુણતા મેળવી. પંદર વરસની ઉંમરે ટીપુ પહેલીવાર એના પિતાની સાથે જંગમાં ગયો. જંગમાં એ પિતાથી વિખૂટો પડી ગયો, જંગલમાં ભટકતો થઈ ગયો. ત્યાં એની નજર દુશ્મનોની સ્ત્રીઓ અને બાળકો પર પડી. એણે એ સૌ કોઈને કેદ કરી લીધા પણ એકેય સ્ત્રી સાથે જરા સરખો ગેરવર્તાવ કર્યો નહીં. દુશ્મનોની સ્ત્રીઓએ એનો આભાર માનીને એને ભાઈ અને દીકરા તરીકે સ્વીકાર્યો. આ સમાચાર દુશ્મન રાજા સુધી પહોંચ્યા એટલે એણે હૈદર અલીના સૈન્ય સામે શરણાગતિ લઈ લીધી. હૈદર અલી પોતાના પુત્રના પરાક્રમ માટે પોરસાયો. આ દરમિયાન ખબર પડી કે હૈદર અલીના એક સરદાર મકબૂલ ખાને ટીપુના તાબામાં રહેલી દુશ્મનની બેગમ સાથે જબરજસ્તી કરી છે. ટીપુએ તાબડતોબ પિતાના સરદારનો

શિરચ્છેદ કર્યો. પિતાએ એને શાબાશી આપી. સ્ત્રીઓ સાથે ગેરવર્તાવ કરનારાઓ સામે આવો જ વર્તાવ થવો જોઈએ, પછી ચાહે એ ગમે તે હોય!

૧૭૬૭માં હૈદરે અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યું. ટીપુએ કહ્યું કે આપણે આ યુદ્ધ જરૂર જીતી જવાના. હૈદર કહે કે, ક્યાંથી જીતવાના? હૈદરાબાદનો નિઝામ અને મરાઠાઓ અંગ્રેજોના પડખામાં ભરાઈને બેઠેલા છે. ટીપુએ વિચાર્યું કે કાશ, હિન્દુસ્તાનના બધા જ રાજાઓ એક થઈ જાય તો આ અંગ્રેજોને લાત મારીને ભારતમાંથી ભગાડી શકાય. એણે પિતાને કહ્યું કે તમે કેમ એવા પ્રયત્નો કરતા નથી. પિતાએ કહ્યું કે ચાલો, ટ્રાય કરી જોઈએ.

હૈદરે નિઝામ સાથે મંત્રણાઓ કરીને સંધિ પર સહી કરવા માટે ટીપુને નિઝામ પાસે મોકલ્યો. નિઝામે માનભેર ટીપુને આવકાર્યો. ટીપુએ નિઝામને સમજાવ્યું કે આપણા બે રાજ્યો વચ્ચેની દુશ્મનાવટનો લાભ બ્રિટિશને મળે છે. આપણે એક થઈ જઈએ અને વિદેશી સત્તા સામે લડીને, આપણા બેઉના કૉમન દુશ્મનને હરાવી દઈએ. નિઝામે વિચાર્યું કે વાતમાં દમ તો છે. નિઝામે પોતાનું સૈન્ય હૈદર અલીના સૈન્યની મદદ કરશે એવું વચન ટીપુને આપ્યું. હૈદર અલી બે વર્ષ સુધી અંગ્રેજો સામે લડ્યો. દગાબાજ નિઝામે પોતાનું વચન ન પાળ્યું. હૈદર એકલો જ લડીને અંગ્રેજો સામે લડતો રહ્યો અને અંગ્રેજ સૈન્ય પર હાવી થઈ ગયો. અંગ્રેજોએ હૈદરની શરતે પોતાનું નાક રગડીને હૈદરની શરણાગતિ સ્વીકારીને સંધિ કરવી પડી. પણ આ બાજુ છ જ મહિનામાં હૈદરે મરાઠાઓના સૈન્યનો સામનો કરવો પડ્યો. તે વખતે તો ટીપુએ મરાઠાઓથી પીછો છોડાવીને ભાગવું પડ્યું પણ ટૂંક સમયમાં જ હૈદરે મરાઠાઓ દ્વારા લૂંટી લેવાયેલી પોતાના રાજ્યની ભૂમિને લડીને પાછી મેળવી લીધી.

હવે રાજ્યમાં જરા શાંતિ હતી. ટીપુની શાદી થઈ. એક દિવસ ટીપુ અને એને એની સેનાના સૈનિકોને તાલીમ આપવા માટે રાખેલો ફ્રેન્ચ કૅપ્ટન જંગલમાંથી પસાર થતા હતા ત્યાં સામે મોટો વાઘ દેખાયો. ટીપુએ બહાદુરીથી એકલે હાથે એ વિકરાળ વાઘને મારી નાખ્યો. વાઘના મડદાને રંગેચંગે રાજધાનીમાં સરઘસ આકારે ફેરવવામાં આવ્યું. પ્રજા કહેવા લાગી કે અમારા ટીપુભાઈ તો મૈસૂરના વાઘ છે. ત્યારથી ટીપુ ટાઈગર ઓફ માયસોર તરીકે ઓળખાવા લાગ્યો. ૧૭૮૦માં હૈદરે ફરી એકવાર અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યું. યુદ્ધમાં હૈદર અલી માર્યો ગયો.

હવે ટીપુ સુલતાન બની ગયો. આખી વાર્તા બાળકથા જેવી છે નહીં? છે જ. અમર ચિત્રકથામાંથી આ નરેશન લીધું છે અને અમર ચિત્રકથાએ ટીપુ સુલતાનને અને એના બાપ હૈદર અલીને આ જ રીતે યુઓલોજાઈઝ કરતા સામ્યવાદી ઈતિહાસકારોનાં પુસ્તકોમાંથી સ્ક્રિપ્ટ બનાવી છે. તમે જોઈ શકો છો કે હિન્દુ એટલે દગા-ફટકા કરનાર, મુસ્લિમ એટલે સ્ત્રીઓના શિયળની રક્ષા કરનાર આવી બાબાગોળી નાનપણથી જ આપણને પીવડાવવામાં આવતી હોય છે. ટીપુ સુલતાનની એક વાત તમને ખાસ એ કહેવાની કે આ ઈતિહાસકારોએ અને ભારતને આઝાદી અપાવવાની લડત લડનારા વીર સ્વાતંત્ર્ય સૈનિક તરીકે ચીતર્યો. હકીકત એ હતી કે અઢારમી સદીના અંત સુધી કોઈ એવી ક્ધસેપ્ટ જ નહોતી કે ભારતને અંગ્રેજો કે વિદેશી મુલકોની ગુલામીમાંથી આઝાદ બનાવવું જોઈએ. એ ક્ધસેપ્ટ તો છેક ઓગણીસમી સદીમાં આવી. પણ સામ્યવાદી ઈતિહાસકારો એ ઉત્સાહમાં આવીને સો વરસ પહેલાં જ ભારતના સ્વાતંત્ર્યનો સંગ્રામ શરૂ કરીને ટીપુના ગળામાં વધામણીનો હાર પહેરાવી દીધો.

મને નવાઈ એ વાતની લાગે છે કે જે સેક્યુલરો સુધીન્દ્ર કુલકર્ણીનું મોઢું કાળું કરવા બદલ શિવ સૈનિકોને ફાંસી લગાવવા માગતા હતા એ જ સેક્યુલરો પેલા સામ્યવાદી ઈતિહાસકારોના બગલા-બચ્ચા હોય એ રીતે ટીપુ સુલતાનને દેશપ્રેમી ગણાવે છે, એ જ સેક્યુલરો પેરિસમાં ૧૨૮ જણની હત્યા કરનારા મુસ્લિમ આતંકવાદીઓને જસ્ટિફાય કરતાં કહે છે કે ફ્રાન્સની વિચિત્ર સેક્યુલર નીતિને કારણે આ બની રહ્યું છે અને ફ્રાન્સે આ વિસંગતિનો અંત લાવવો જોઈએ.

સવાયા આતંકવાદી જેવા આ સેક્યુલર ઝનૂનીઓને ટીપુ સુલતાન વિશેની અહીં પ્રગટ થઈ રહેલી ઓછી જાણીતી ઐતિહાસિક હકીકતો ગળે નથી ઊતરવાની અને પોતાની ચાંપલી, વાયડી, બાયલી તથા વેવલી શૈલીમાં હંમેશ મુજબ તેઓ આવાં તથ્યોને નકારવાના જ છે. પણ તેથી શું થયું? સૂરજ સામે ટોપલો ઢાંકી દેવાથી એ તમને દેખાતો બંધ થઈ જશે. માત્ર તમને જ .
ટીપુ સુલતાનની તિજોરી કેમ ખાલી થતી ગઈ
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ



ટીપુ સુલતાને જે મૈસૂર રાજ્ય પર શાસન કર્યું તેનો ઈતિહાસ ગુજરાત સાથે સંકળાયેલો છે. દ્વારકાના યદુવંશના વારસદારોએ ઈ.સ. ૧૩૯૯માં મૈસૂરનું રાજ્ય સ્થાપ્યું. યદુરાય ઑડ્યાર આ વંશના સ્થાપક. (અંગ્રેજીમાં ઑડ્યારનો સ્પેલિંગ ડબ્લ્યુ ડી ઈ વાય એ આર થાય. ઉચ્ચારમાં ડબ્લ્યુ સાયલન્ટ). ૧૩૯૯થી ૧૭૬૧ સુધી અને ૧૭૯૯થી ૧૯૪૭ સુધી મૈસૂર પર ઑડ્યાર વંશના રાજાઓએ શાસન કર્યું. વચ્ચેનાં ૧૭૬૧થી ૧૭૯૯ સુધીનાં ૩૮થી ૩૯ વર્ષ દરમ્યાન હૈદર અલી અને એના પુત્ર ટીપુ સુલતાનનું રાજ્ય હતું.

હૈદર અલી કૃષ્ણરાજ ઑડ્યાર બીજાનો દલવાઈ (સેનાપતિ) હતો. એના બાપની ત્રીજી બેગમનો બીજો પુત્ર હતો. પોતે અભણ હતો પણ ખંડેરાવ નામના બ્રાહ્મણ દીવાન અને સલાહકારની મદદથી એનું ગાડું ગબડતું. ખંડેરાવની મદદ લઈને હૈદર અલીએ મૈસૂરના રાજા પાસેથી રાજ્ય પચાવી પાડ્યું. રાજાને કુનૂર ખાતે એકાંતવાસમાં મોકલી દેવામાં આવ્યા. હૈદર અલી મૈસૂરનો સરમુખત્યાર બની ગયો. હૈદર અલીએ ખંડેરાવને એક પાંજરામાં પૂરીને કેદ કરી દીધો. એક વર્ષ પછી ખંડેરાવનું આ કેદમાં જ મોત થયું. હૈદર હવે બધી રીતે સલામત બની ગયો.

ભારતીય વિદ્યાભવન દ્વારા ૧૧

ભાગમાં પ્રગટ થયેલા ‘ધ હિસ્ટરી ઍન્ડ કલ્ચર ઑફ ધ ઈન્ડિયન પીપલ’ના ‘ધ મરાઠા સુપ્રીમસી’ નામના આઠમા વૉલ્યુમના ૪૫૪મા પાને આ વિગત છે. (ગઈ કાલે તમે શું વાંચ્યું હતું? કે ખંડેરાવે હૈદર અલીને દગો આપ્યો! એ સામ્યવાદીઓએ લખેલા ઈતિહાસની વિગતો હતી). અહીં થોડીક વાર રોકાઈને ભારતીય વિદ્યાભવને પ્રગટ કરેલા કુલ ૧૦,૦૦૦ જેટલાં પાનાંની ભારતીય ઈતિહાસની ગ્રંથાવલિ વિશે એક વાત જાણી લઈએ. કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કર્યા પછી ભારતનો ઈતિહાસ લખાવવાનું ભગીરથ કામ માથે લીધું. મુનશીજીએ આર. સી. મજુમદાર નામના વિખ્યાત અને આદરણીય ઈતિહાસકારને આ કામ સોંપ્યું. મુનશીજીએ મજુમદાર સાથે લેખિત કરાર કરીને કબૂલ કર્યું કે આ કાર્યમાં જે કંઈ સંસાધનો તથા આર્થિક મદદની જરૂર પડશે તે બધું જ ભવન્સ તરફથી આપવામાં આવશે અને એની સામે મજુમદારે જે કોઈ વિદ્વાનોની, ઈતિહાસના જાણકારોની મદદ લેવી હશે એમાં પોતે (મુનશી) જરા સરખી પણ દખલગીરી નહીં કરે. મુનશીજીએ આ કરારનું અક્ષરશ: પાલન કર્યું. આ અગિયાર ગ્રંથની શ્રેણીના જનરલ એડિટર આર. સી. મજુમદારે અન્ય ડઝનબંધ મહારથીઓ પાસે ભારતનો આધારભૂત ઈતિહાસ ભારતીય ઈતિહાસકારોના દૃષ્ટિકોણથી, પૂરેપૂરા દસ્તાવેજી પુરાવાઓના આધારે સંશોધન કરીને લખાવ્યો. મુનશીજીની હયાતીમાં કેટલાક ગ્રંથ પ્રગટ પણ થયા. ‘ધ મરાઠા સુપ્રીમસી’ નામના આઠમા ગ્રંથનું આમુખ લખતાં અંતે આર. સી. મજુમદાર નોંધે છે: ‘આજે બત્રીસ વર્ષ જૂની યોજના સફળતાપૂર્વક પાર પડી રહી છે.’ છેલ્લે તારીખ મૂકી છે: વિજયાદશમી, બીજી ઑક્ટોબર ૧૯૭૬. આર. સી. મજુમદાર ત્યારે ૮૮ વર્ષના હતા.

મુનશીજી અને ભારતીય વિદ્યાભવન દ્વારા થયેલા અદ્ભુત ઐતિહાસિક કામને માર્ક્સવાદી ઈતિહાસકારો દ્વારા દબાવી દેવામાં આવ્યું છે. નેશનલ બુક ટ્રસ્ટે આ ૧૧ અંગ્રેજી ગ્રંથોને તમામ ભારતીય ભાષામાં ટ્રાન્સલેટ કરીને પ્રગટ કરવાની સુંદર યોજના ઘડી હતી. કમનસીબે આ પ્રપોઝલ સામ્યવાદીઓનો અડ્ડો ગણાતી ઈન્ડિયન કાઉન્સિલ ફૉર હિસ્ટોરિકલ રિસર્ચ (આઈ.સી.એચ.આર.)ને મોકલવામાં આવી. જાણીતાં માર્ક્સસિસ્ટ- સેક્યુલરવાદી ઈતિહાસકાર રોમિલા થાપડ સહિતના સભ્યોની બનેલી કમિટીએ આ પ્રપોઝલને રિજેક્ટ કરી દીધી. કહ્યું કે આ ગ્રંથો ભારતીય ભાષાઓમાં અનુવાદ પામવાની લાયકાત ધરાવતા નથી. એટલું જ નહીં આ કમિટીએ પોતાનાં જ પુસ્તકો તેમ જ પોતાના બગલબચ્ચાઓનાં પુસ્તકો ટ્રાન્સલેટ કરવા જોઈએ એવી પ્રપોઝલ નેશનલ બુક ટ્રસ્ટને મોકલી! માર્ક્સવાદી ઈતિહાસકારોની આવી ચાલબાજીઓને ઉઘાડી પાડતું અરુણ શૌરીનું પુસ્તક ‘એમિનન્ટ હિસ્ટોરિયન્સ’ જાણકારોએ વાંચવું જોઈએ અને ખરા ઈતિહાસપ્રેમીઓએ ભવન્સે પ્રગટ કરેલા ૧૧ ગ્રંથો ઘરમાં વસાવી લેવા જોઈએ. એમાં જે અમૂલ્ય સામગ્રી છે એની સરખામણીએ એની વેચાણ કિંમત નજીવી છે.

એક સ્પષ્ટતા: આ સિરીઝ માત્ર આ ગ્રંથો પરથી લખાઈ નથી જેની જાહેરાત મેં પ્રથમ લેખમાં જ કરી દીધી છે.

હૈદર અલી ૭ ડિસેમ્બર ૧૭૮૨ના રોજ મૃત્યુ પામ્યો ત્યાં સુધીમાં ટીપુ બાપનો વારસો સંભાળવા તૈયાર થઈ ગયેલો. જોકે, હૈદરે નહોતું ધાર્યું કે પોતે આટલો વહેલો મરી જશે. એટલે એણે પોતાના વારસદાર તરીકે પુત્ર ટીપુના નામની ઘોષણા પણ નહોતી કરી. હૈદર અને ટીપુનાં વ્યક્તિત્વો એકબીજાથી ઘણાં જુદાં હતાં. હૈદર લંપટ હતો, સ્ત્રીઓનો શોખીન હતો. ટીપુનાં ૧૧ સંતાનો હતાં પણ બાપની જેમ એ છાશવારે દારૂ-સ્ત્રીઓની મહેફિલો નહોતો કરતો, પરંતુ એના પર ધાર્મિક ઝનૂન સવાર થયેલું. બ્રિટિશ કર્નલ અને ઈતિહાસકાર તથા વિદ્વાન વિલિયમ કર્કપેટ્રિકને ટીપુના મૃત્યુ બાદ શ્રીરંગપટ્ટનમ્ના કિલ્લામાંથી ટીપુના હસ્તાક્ષરોમાં ફારસીમાં લખાયેલા ૨,૦૦૦થી વધુ પત્રો મળ્યા હતા, જેમાં પાને પાને ટીપુનું ધર્મઝનૂન ટપકતું જોવા મળે છે. વિલિયમ કર્કપેટ્રિક આ પત્રોમાંની વિગતોનો સાર આપતાં લખે છે: ‘(ટીપુ) ક્રૂર અને જુલમી શાસક હતો, હત્યાઓ કરાવતાં, દગો આપતાં અચકાતો નહીં, ધાર્મિક બાબતે પૂરેપૂરો અસહિષ્ણુ હતો, ભયંકર ઘમંડી અને તોછડો હતો...’

ટીપુના હિન્દુ પ્રજા વિરુદ્ધના કિસ્સા આગળ જોઈશું. ૧૭૮૬માં ટીપુએ પોતાને ‘પાદશાહ’ જાહેર કર્યો. એ પોતાને ઈસ્લામનો રક્ષણહાર ગણાવતો. ટીપુએ સૌથી પહેલું કાર્ય રાજ્યનાં તમામ અગત્યનાં શહેરો-સ્થળોનું નામ બદલવાનું કર્યું. આ નામાવલિ આજકાલ સોશ્યલ મિડિયા પર પણ ફરી રહી છે માટે પુનરાવર્તન નથી કરતો. ટીપુના મૃત્યુ બાદ આમાંના મોટા ભાગનાં નામ પાછા મૂળ સ્વરૂપે પ્રચલિત થયાં.

બીજું કામ ટીપુએ મૈસૂર રાજ્યમાં એ કર્યું (જેના પર સદીઓથી હિન્દુ રાજાઓનું શાસન હતું) કે દરેક પ્રાંત અને પ્રદેશના મુખ્ય કર્તાહર્તા તરીકે હિન્દુ કે બિન-મુસ્લિમ વહીવટદારો કે અમલદારોને બદલે શેખ અલી, શેર ખાન, મોહમ્મદ સૈયદ, મીર હુસેન, સૈયદ પીર વગેરે મુસલમાનોને નીમી દીધા. ટીપુના આ ઈસ્લામિક દરબાર વિશેની વાતો અંગ્રેજોના લૅન્ડ રેવન્યુ ડિપાર્ટમેન્ટના સુપરિન્ટેન્ડન્ટ વિલિયમ મૅકલૉડે નોંધી છે. આ મુસ્લિમ અમલદારોના શાસન દરમ્યાન દરેક પ્રાંતની સરકારી આવકમાં ભારે ઘટાડો નોંધાયો, કારણ કે આ અમલદારો પ્રજા પાસેથી કરવસૂલી કરીને પોતાના ઘરની તિજોરી ભરતા એવું પણ વિલિયમ મૅકલૉડે નોંધ્યું છે.

ટીપુના રાજમાં મુસલમાનોને ઘર માટેના, અનાજ પરના તેમ જ અંગત વપરાશની ચીજવસ્તુઓના વેરાઓમાંથી મુક્તિ મળતી. ખ્રિસ્તી કે હિન્દુઓ માટે આવી સવલત નહોતી. પણ જો તેઓ ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામનો સ્વીકાર કરે તો એમને આવી રાહતો આપોઆપ મળી જતી. ખ્રિસ્તી-હિન્દુઓ પાસેથી જપ્ત કરવામાં આવેલી સંપત્તિ મુસ્લિમ અમલદારોને ભેટ આપવામાં આવતી. મસ્જિદો બાંધવા વિનામૂલ્યે જમીન મળતી. બ્રાહ્મણોને આપવામાં આવેલી અને મંદિરો બાંધવા અપાયેલી જમીનો પાછી લઈ લેવાતી. આ બધી નોંધ વિલિયમ મૅકલૉડે કરેલી છે.

ટીપુના ઈસ્લામપ્રેમે એના રાજ્યની તિજોરીને ખાલી કરી નાખી તેનાં બે કારણો હતાં. ટીપુના મોટા ભાગના અમલદારો બિનઅનુભવી તેમ જ અભણ હતા. તેમનું એકમાત્ર ક્વૉલિફિકેશન એટલે મુસ્લિમ છે તે જ હતું. અધૂરામાં પૂરું તેઓ ભ્રષ્ટાચાર કરીને, ટીપુના સરકારી ખજાના સુધી મહેસૂલની આવક પહોંચાડવાને બદલે, વચ્ચેથી જ સરકાવી લેતા.

ટીપુના અત્યાચારો અને અતિરેકો તથા એના કુશાસનની વિગતો અનેક ઈતિહાસકારોએ નોંધી છે. અનફૉર્ચ્યુનેટલી કૉન્ગ્રેસી ઈતિહાસકારોએ દબાવી દીધેલી એ વિગતો આજે જ્યારે ખુલ્લી પડી રહી છે ત્યારે કૉન્ગ્રેસના ટુકડા પર ઉછરેલા અને ઉછરી રહેલા સેક્યુલરો આ ઈતિહાસને સ્વીકારવાને બદલે કહેતા ફરે છે કે ‘ઈતિહાસના હિસાબકિતાબ રાખનારી પ્રજા મૂર્ખ હોય છે.’ આવું પાછા એ લોકો કહે છે જેમને આ દેશ પર શાસન કરી ગયેલા મુગલોનો ઈતિહાસ પ્યારો છે અને બાબરી તૂટે કે ઔરંગઝેબ રોડનું નામ બદલાય ત્યારે તેઓ સમૂહમાં છાતી કૂટવા માંડે છે.

ટીપુ પુરાણ હજુ ચાલુ છે.
‘ટીપુ સુલતાન એક ધર્માંધ મુસલમાન હતો’
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ



દાઉદ ઈબ્રાહિમ વિશે બસો વર્ષ પછી ઈતિહાસ લખનારાઓ જો એવું લખે કે દાઉદે તો કેટકેટલા કુટુંબોને આર્થિક મદદ કરી હતી, દાઉદની મદદને લીધે અમુક હિન્દુઓને પણ માંદગી દરમ્યાન સારવારના પૈસા મળ્યા હતા કે પછી દાઉદે એક વખત ફલાણા મંદિરમાં જઈને મોટું ડોનેશન આપ્યું હતું કે પછી હિન્દુઓના ફલાણા ધર્મગુરુને દાઉદ માટે સદ્ભાવ હતો... તો આવી વાતો કદાચ સાચી પણ હોય તોય શું બાબરી ડિમોલિશન પછી માર્ચ ૧૯૯૩માં દાઉદે મુંબઈમાં કરાવેલાં બૉમ્બ બ્લાસ્ટ્સને તમે અવગણી શકો. બૉમ્બ બ્લાસ્ટ પહેલાં અને એ પછી દાઉદ ઈબ્રાહિમે જેટલી હત્યાઓ કરી/કરાવી એ માટે તમે એને માફ કરી શકો?

આજકાલના ટીપુપ્રેમીઓ આવું જ કરી રહ્યા છે. ટીપુ સુલતાનને સેક્યુલર ચીતરી રહ્યા છે! બે-ચાર છૂટાછવાયા કિસ્સાઓ ક્વોટ કરી કરીને ટીપુ સુલતાન સહેજ પણ હિન્દુદ્વેષી નહોતો અને માત્ર અંગ્રેજો સામે લડનારો દેશપ્રેમી હતો એવું કહીને ટીપુ જયંતીની ઉજવણીમાં પડ્યા છે.

આવતી કાલે ‘ટીપુ જયંતી’ છે. જે ભારતમાં રામનવમી, જન્માષ્ટમી, શિવાજી જયંતી કે ગાંધીજયંતી ઉજવાતી હોય એ ભૂમિ પર ટીપુ સુલતાનની ‘જન્મજયંતી’ કેવી રીતે ઉજવી શકાય? ૨૦ નવેમ્બર ૧૭૫૦ના રોજ જન્મેલો ટીપુ સુલતાન ૪૮ વર્ષની ઉંમરે ૪ મે, ૧૭૯૯ના રોજ મરી ગયો. આટલી નાની ઉંમર દરમ્યાન એણે જે કાંડ કર્યા છે તે ઈતિહાસમાં દસ્તાવેજી પુરાવાઓ સાથે નોંધાયેલા છે અને કેટલાક તો ટીપુએ પોતે આપેલી સૂચનાઓના પત્ર તરીકે એના પોતાના હસ્તાક્ષરમાં ઉપલબ્ધ છે. બ્રિટિશ કર્નલ, ઈતિહાસકાર કર્નલ વિલિયમ કર્કપેટ્રિકને ટીપુના હસ્તાક્ષરમાં પ્રાપ્ત થયેલા ૨,૦૦૦થી વધુ પત્રોમાંના અનેક પત્રોમાં ટીપુનો શૈતાની ચહેરો પ્રગટ થાય છે. ૧૭૮૬માં મરાઠાઓ સામેની લડાઈ વખતે ટીપુએ પોતાના સેનાપતિ બુરહાનુદ્દીનના એક અમલદારને લખેલા પત્રમાં જણાવ્યું હતું:

‘એ સ્થળે હુમલો કરવાની અનિવાર્યતા ઊભી થાય તો એકેએક જીવતા પ્રાણી પર તલવાર ચલાવવાની - ચાહે એ પુરુષ હો, સ્ત્રી હો, વૃદ્ધ હો, યુવાન હો, બાળક હો, કૂતરું હો, બિલાડું અથવા જે દેખાય તે - કોઈને છોડવાના નહીં.’

બીજા એક સેનાપતિ બદરુઝ ઝમન ખાનને ટીપુએ સૂચના આપી હતી - આ સરદાર કર્ણાટકના કેનેરા વિસ્તારમાં ચડાઈ કરવા જતો હતો. (કેનેરા ક્ધનડાનું અપભ્રંશ છે. કેનેરા બૅન્ક જાણીતી છે અને વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં શહેરની વન ઑફ ધ અર્લીએસ્ટ સાઉથ ઈન્ડિયન રેસ્ટોરાં છે). ટીપુએ પોતાના વફાદાર સાથીને

લખ્યું:

‘દસ વરસ પહેલાં એ વિસ્તારના દસ-પંદર હજાર માણસોને મારીને ઝાડ પર લટકાવવામાં આવ્યા હતા. એ પછી આ બધાં જ ઝાડ વધારે માણસો માટે તરસી રહ્યાં છે. માટે તમારે એ તમામને આ ઝાડ પર લટકાવીને પાછા આવવાનું જેઓ આપણા વિરુદ્ધના બળવાની કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યા છે.’

અર્શાદ બેગ ખાન નામના સરદારને ટીપુએ લખેલા પત્રમાં જોકે, એટલી ક્રૂરતા નથી, ‘દયાભાવ’ છે. કાલિકટ (અત્યારનું કોળિકોડ. અંગ્રેજીમાં એના સ્પેલિંગમાં ‘ઝેડ’ આવે છે એટલે ઘણા કોઝિકોડ બોલે છે જે ખોટું છે. ‘ળ’નો ઉચ્ચાર કોઈ ‘લ’ના કરે એ માટે ‘એલ’ને બદલે ‘ઝેડ’ લખાય છે. જેમ કે, ‘ત’નો ઉચ્ચાર કોઈ ‘ટ’ ના કરે તે માટે સાઉથ ઈન્ડિયામાં ‘ટી’ નહીં પણ ‘ટી.એમ.’ લખાય છે. દા.ત. ‘ગીતા’નો ઉચ્ચાર ‘ગીટા’ ન કરે એ માટે અંગ્રેજી સ્પેલિંગ ‘ગીથા’ જેવો લખાય. ભલે એમાં ‘ટીએચ’ હોય પણ બોલાય તો ‘ગીતા’ જ.)

ટીપુએ અર્શાદ બેગ ખાનને લખ્યું: ‘આપણા વિરુદ્ધ બળવો કરનારાઓ ખતમ થવા જ જોઈતા હતા અને થઈ જ ગયા છે. પણ હવે બાકીના જે કેદી તરીકે પકડાયા છે એમની આપણે શું કામ કતલ કરવી જોઈએ? એમની યોગ્ય સજા એ જ છે કે એ બંને પ્રકારના, કાળા (હિન્દુઓ) અને ધોળા (અંગ્રેજ) કૂત્તાઓને નિયમિતરૂપે (થોડા થોડા કરીને) શ્રીરંગપટ્ટનમ (રાજધાની) મોકલતા રહો.’

આવું લખવાનું કારણ એ કે આ કેદીઓ પાસેથી શારીરિક મજૂરીનું કામ કરાવી શકાય તેમ જ એમનું ધર્મપરિવર્તન કરાવીને ઈસ્લામધર્મીઓની વસ્તીમાં વધારો કરી શકાય.

કડપ્પામાં નિઝામના અશ્ર્વદળ પર વિજય પામ્યા પછી ટીપુએ આદેશ આપ્યો હતો: ‘કેદીઓનું ગળું ઘોંટીને એમને મારી નાખો અને ઘોડાઓની પૂરતી જાંચતપાસ કર્યા પછી એમનો સરકારી સેવાઓ માટે ઉપયોગ કરો.’

કર્નલ વિલિયમ કર્કપેટ્રિકને મળેલા ટીપુના પત્રોનો આ અંશ છે.

મીર હુસૈન કિરમાણીએ ફારસીમાં ટીપુની યશોગાથા લખી છે જેને ફારસી વિદ્વાન કર્નલ વિલિયમ માઈલ્સે અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી છે. આ અનુવાદની પ્રસ્તાવનામાં વિલિયમ માઈલ્સ લખે છે: ‘(ટીપુ) ધર્માંધ મુસલમાન હતો. અને બીજા ધર્માંધ મુસલમાનોની જેમ એ પણ પોતાના ધર્મના પ્રચાર માટે કોઈ પણ હદ સુધી જઈ શકે એવો સિદ્ધાંતવિહોણો તેમ જ ખોટું કામ કરતાં સહેજ પણ અચકાય નહીં એવો હતો. એટલું જ નહીં એ બહુ જ શક્કી મિજાજનો હતો. એને કોઈનાય પર વિશ્ર્વાસ નહોતો અને એને લીધે ધીમે ધીમે એ પોતાના સૌથી નજીકના મિત્રોને ગુમાવતો ગયો હતો અને શ્રીરંગપટ્ટનમ મેળવવા માટેના ચોથા યુદ્ધ પછી તો એની પાસે ભાગ્યે જ કોઈ મિત્ર બચ્યો હતો.’

લેવિન બેન્થમ બાઉરિંગ ટીપુના જન્મકાળની લગભગ પોણી સદી બાદ (૧૮૬૨થી ૧૮૭૦) મૈસૂરનો ચીફ કમિશનર હતો. એણે કારકિર્દીના છેલ્લા એક વર્ષ દરમ્યાન કૂર્ગમાં પણ આ જ હોદ્દા પર કામગીરી બજાવી હતી. ૧૮૭૦માં એણે નિવૃત્ત થઈને ઈંગ્લેન્ડ પાછા જઈને પોતે ભારતમાં એકઠા કરેલા દસ્તાવેજોના આધારે ‘હૈદર અલી ઍન્ડ ટીપુ સુલતાન ઍન્ડ ધ સ્ટ્રગલ વિથ મુસલમાન પાવર્સ ઑફ ધ સાઉથ’ નામનું પુસ્તક લખેલું જે એણે લખેલી ‘રુલર્સ ઑફ ઈન્ડિયા સિરીઝ’ હેઠળ પ્રગટ થતું હતું. (પુસ્તકના ટાઈટલમાં મુસ્લિમ કે મોસ્લૅમ નહીં પણ અંગ્રેજીમાં મુસલમાન જ લખ્યું છે).

લેવિન બાઉરિંગે પણ દસ્તાવેજી પુરાવાઓના આધારે ટીપુના શક્કી તેમ જ ક્રૂર સ્વભાવની વિગતો આપી છે. લખે છે: ‘(ટીપુ) સુલતાનને પોતાના જ ઉચ્ચ અધિકારીઓ તેમ જ એમના કુટુંબીઓ પર અવિશ્ર્વાસ રહેતો. અને એટલે એ આ બધાને કાયમી ધોરણે રાજધાનીમાં જ રહેવાની ફરજ પાડતો. એ લોકોના ઘરોમાં શું ચાલી રહ્યું છે. એની જાણકારી મેળવવા એણે પોતાના રાજ્યની પોલીસને સૂચના આપી રાખેલી કે કિલ્લામાં, બજારમાં, ઉચ્ચ અધિકારીઓના ઘરના દરવાજાઓ પાસે તેમ જ કિલ્લાની નજીકના ગામમાં ચારે તરફ જાસૂસો ગોઠવી દેવા જેથી કોણ કોના ઘરમાં અવરજવર કરે છે, એમની વચ્ચે શું વાતચીત થાય છે તેની રોજેરોજ જાણકારી મળતી રહે.’

વિલિયમ કર્કપેટ્રિકને હાથ લાગેલા ટીપુના પત્રસંગ્રહમાંનો પત્ર નં. ૨૭૬ ટીપુએ મોહમ્મદ મહેદીને લખ્યો છે. મોહમ્મદ મહેદી ટીપુની શાસન વ્યવસ્થાનો એક ઉચ્ચ અધિકારી અને દરબારી હતો જેને ‘બક્ષી’નો હોદ્દો આપવામાં આવ્યો હતો. ટીપુએ બક્ષી મોહમ્મદ મહેદીને લખ્યું: ‘તમારે તમારા ઘરે કોઈપણ (સરકારી માણસ) આવે તે ચલાવી લેવું ન જોઈએ. એને જે કામ હોય તે કચેરીમાં જ થવું જોઈએ. અને જો આમ છતાં જો કોઈ તમને ઘરે મળવાની કોશિશ કરે અને જીદ રાખે તો એનાં નાક-કાન કાપી લેવાનાં. મારા આ હુકમનું કડકપણે પાલન કરવું.’

જે ટીપુ સુલતાન પોતાના જ અમલદારો, કર્મચારીઓ, વિશ્ર્વાસુઓ અને મિત્રો સાથે - એમનાં નાક-કાન કાપી લેવા જેટલી ક્રૂરતાની હદ સુધી જઈ શકતો હોય એણે પોતાના રાજ્યમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓની શું વલે કરી હશે તેની કલ્પના કરી શકો છો? ના. નહીં કરી શકો કારણ કે તમને સાવ ઊંધો જ ઈતિહાસ શીખવાડવામાં આવ્યો છે. અધૂરામાં પૂરું સંજય ખાનની ‘ધ સ્વૉર્ડ ઑફ ટીપુ સુલતાન’ને લીધે તમારા મનમાં ટીપુ ગાંધી-સરદાર જેવા ભારતની આઝાદીના લડવૈયા તરીકે વસી ગયો છે. કાલે વાંચો કૂર્ગમાં હિંદુઓ વિરુદ્ધ ટીપુએ મચાવેલી તબાહી વિશે.
ટીપુ સુલતાન અને જેહાદ
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ



કૂર્ગના નામે ઓળખાતો કર્ણાટકની છેક દક્ષિણે આવેલો કોડાગુ જિલ્લો એના પહાડી કુદરતી સૌંદર્ય અને પ્રસન્ન હવામાન માટે જાણીતો છે. કૂર્ગ કૉફીના બગીચા અને મરી, ઈલાયચી તથા વેનિલાનાં પ્લાન્ટેશન માટે વિખ્યાત છે. ઈશ્ર્વરના આશીર્વાદ સમા આ કૂર્ગ પર ટીપુ સુલતાન (જેની આજે ૨૬૫મી ‘જન્મજયંતી’ છે) એ એવો કાળો કેર વર્તાવ્યો હતો કે આજે પણ ત્યાં રસ્તે રખડતા કૂતરાઓને લોકો ધિક્કારથી ‘ટીપુ’ના નામે બોલાવે છે એવું સંદીપ બાલકૃષ્ણે ‘ટીપુ સુલતાન: ધ ટાયરન્ટ ઓફ માયસોર’ પુસ્તકના ૯મા પ્રકરણમાં અંતે નોંધ્યું છે. ટીપુના બાપ હૈદરઅલીએ કૂર્ગ પર પોતાના લશ્કર સાથે ચડાઈ કરીને ૭૦૦ કૂર્ગવાસીઓને રાતોરાત ખતમ કરી નાખ્યા હતા એ ઘટનાની કરુણ સ્મૃતિ કૂર્ગની લોકગાથાઓમાં વણી લેવાઈ છે. ટીપુએ ૧૭૮૫માં કૂર્ગ પર ચડાઈ કરવાની ચેતવણી મોકલી હતી. ટીપુએ કૂર્ગવાસીઓને ધમકી આપી હતી કે તમે લોકો જો મારા કહ્યા મુજબ નહીં ચાલો તો તમને અહમદી બનાવી દઈશું. બળજબરીથી હિન્દુમાંથી મુસલમાન બનાવાતા લોકોને શિયા અને સુન્નીઓ અહમદિયા ગણીને પોતાનાંથી નીચલા દરજ્જાના ગણે છે. ટીપુએ પોતાની આ ધમકી કેવી રીતે અમલમાં મૂકી તેનું બયાન તમને કુર્નૂલના નવાબ રણમસ્ત ખાનને લખેલા ટીપુના પોતાના જ પત્રમાંથી મળે છે: ‘કૂર્ગ પ્રદેશના દેશદ્રોહીઓને સીધા કરવા અમે ઝડપભેર ત્યાં પહોંચીને તાબડતોબ ૪૦ હજાર લોકોને કેદી બનાવી લીધા... બાકીના લોકો અમારા વિજયી લશ્કરથી બચવા ડુંગરોમાં જઈને એવી જગ્યાઓમાં છુપાઈ ગયા જ્યાં એક પરિન્દુ પણ એમને શોધી ના શકે... આ બધા કેેદીઓને અમે એમના વતનથી ઘસડીને અમારે ત્યાં લઈ આવ્યા અને એમને ઈસ્લામ ધર્મ અપનાવવાનું બહુમાન આપીને અમારા અહમદી લશ્કરમાં ભેળવી દીધા.’

ટીપુએ જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવેલા આ જ લશ્કરના સિપાઈઓએ ટીપુનાં છેલ્લા વર્ષોમાં એના વતી લડવાની ના પાડી દઈને બળવો કર્યો હતો કારણ કે ટીપુએ એ વર્ષોના છેલ્લા ૧૪ મહિનાઓમાં માત્ર બે જ વાર એમને પગાર આપ્યો હતો.

ટીપુની યશોગાથા લખનારા મીર હુસૈન કિરમાણીએ કૂર્ગમાં ટીપુએ કરેલાં પરાક્રમો વિશે લખ્યું છે: ‘ટીપુનો વફાદાર ફોજદાર (સેનાપતિ) ઝઈન ખાન ખેડૂતવર્ગની સ્ત્રીઓનો શોખીન હતો. પોતાની ઈચ્છા મુજબ એ કોડાગુની સ્ત્રીઓને ભોગવતો. કોડાગુની પ્રજાએ આ લંપટ સેનાપતિ સામે બળવો કર્યો ત્યારે ટીપુ પોતે ખૂંખાર સિંહની જેમ કોડાગુ આવી પહોંચ્યો... મૂર્તિપૂજકોને (એટલે કે હિંદુઓને) પાઠ ભણાવવા ટીપુના સૈન્યે અનેક ગામ ખેદાનમેદાન કરીને ૮,૦૦૦ પુુુુરુષ- સ્ત્રી- બાળકોને કેદ કર્યા...’

ટીપુએ પેલા ૪૦,૦૦૦ ઉપરાંત આ બીજા ૮,૦૦૦ કૂર્ગવાસીઓનું પણ ધર્મપરિવર્તન કરાવવા એમને પોતાની સાથે લઈ ગયો. એટલું જ નહીં, કૂર્ગમાં વસવા માટે એણે ૭,૦૦૦ જેટલા શેખ અને સૈૈયદ કુટુંબોના મુસ્લિમોને મોકલી આપ્યા.

ટીપુના અસહ્ય જુલમના પરિણામે કૂર્ગમાંથી સેંકડો પૂજારીઓ પોતાનાં મંદિરો છોડીને કુટુંબ સાથે મેન્ગલોર જતા રહ્યા. ટીપુના લશ્કરની નજરે ન ચડવા માટે રસ્તે આવતાં મંંદિરોને પાંદડાઓથી ઢાંકી દેવાતાં. કૂૂર્ગનું એક સૌથી જાણીતું મંદિર મદિકેરી તાલુકાનું ઓમકારેશ્ર્વરનું મંદિર છે. મદિકેરીના શાસકે આ મંદિરને ટીપુની શયતાનિયતથી બચાવવા મંદિરનો કળશ ઉતરાવી લીધો અને ટીપુસેના આવે તે પહેલાં મંદિર પર ગુંબજ બાંધી લીધો જેથી જતા આવતા સૈનિકોને આ મસ્જિદ છે એવું લાગે. ઓમકારેશ્ર્વરનું એ મંદિર આજે પણ તમે જોશો તો એનું બાહરી બાંધકામ તમને મસ્જિદ જેવું દેખાશે.

કૂર્ગથી શરૂ કરેલી ટીપુની ખૂનીયાત્રા છેક મલબાર સુધી પહોંચી. કર્ણાટકની સીમા પાર કર્યા પછી કેરળમાં અરબી સમુદ્રને અડીને આવેલા મલબાર પ્રદેશની રાજધાની કલિકટ (આજનું કોળિકોડ)ને બચાવવા બે હજાર જેટલા બહાદુર સ્થાનિક નાયરોએ ખૂબ કોશિશ કરી પણ છેવટે ટીપુના સૈૈન્યે એ સૌને મહાત કર્યા. આ બે હજાર હારેલા લોકોને વિકલ્પ આપવામાં આવ્યો કે કાં તો તમને રાજધાની શ્રીરંગપટ્ટનમ્ લઈ જવામાં આવે (ત્યાં જઈને પોતાનું શું થશે તેની આ સ્થાનિક પ્રજાને ખબર હતી) કાં તો તમે અહીં જ ‘સારા મુસલમાન’ બનીને રહો. બીજે જ દિવસે તમામ પકડાયેલા પુુરુષોની સુન્નત કરવામાં આવી અને દરેક સ્ત્રી-પુુુુરુષોને ગૌમાંસ (બીફ) ખાવાની ફરજ પાડવામાં આવી જેથી પુરવાર થાય કે તેઓ હવે ‘સારા મુસલમાન’ બની ગયા છે. ટીપુની સામે થનાર ચિરક્કલના રાજાની હત્યા કરીને એનું શબ ઝાડ પર લટકાવવામાં આવ્યું. ટીપુએ મલબારનાં મંદિરોમાં લૂંટ ચલાવીને ખજાનો રાજધાનીભેગો કર્યો અને ત્યાંની એક રાજકુમારીને પોતાના દીકરા અબ્દુલ ખાલિક સાથે જબરદસ્તીથી પરણાવી દીધી.

આ બયાન લેવિન બાઉરિંગે લખ્યું છે. કાલિકટ પર ટીપુએ કેવો જુલમ વરસાવ્યો તેનું વર્ણન વિલિયમ લોગાને ‘મલબાર મૅન્યુઅલ, ધ મલબાર ગેઝેટિયર’માં કર્યું છે. પોર્ટુગીઝ મિશનરી ફાધર બાર્થોલોમ્પુએ ‘વોયેજ ટુ ઈસ્ટ ઈન્ડીઝ’માં ટીપુ સુલતાનની બર્બરતાનું જે બયાન કર્યું છે તે જો તમે અત્યારે ચા-નાસ્તો કરતાં હો કે જમતા હો તો વાંચવાનું મુલતવી રાખજો એટલી ચેતવણી. ફાધર બાર્થોલોમ્પુ લખે છે: ‘કુલ ૬૦,૦૦૦ના સૈન્ય સાથે ખુદ ટીપુ હાથી પર સવાર થઈને કાલિકટ આવી પહોંચ્યો. કાલિકટના મોટા ભાગનાં સ્ત્રી-પુુુરુષોને એણે લટકાવીને મારી નાખ્યા. સૌથી પહેલાં સ્ત્રીઓના ગળામાં એમનાં બાળકોને બાંધ્યા અને પછી એ સ્ત્રીઓને ઝાડ પર લટકાવીને ફાંસી આપવામાં આવી. ખ્રિસ્તી અને હિન્દુ પુરુષોને નાગા કરીને હાથીના પગ સાથે બાંધી દેવામાં આવ્યા અને જ્યાં સુધી એમના શરીરના ટુકડેટુકડા ના થઈ જાય ત્યાં સુધી હાથીઓને દોડાવવામાં આવ્યા. મંદિરો અને ચર્ચોને કાં તો બાળી નાખવામાં આવ્યા, કાં તોડી પાડવામાં આવ્યા કાં ભ્રષ્ટ કરી નાખવામાં આવ્યા. કેટલીક ખ્રિસ્તી અને હિન્દુ સ્ત્રીઓને જબરજસ્તીથી મુસ્લિમો સાથે પરણાવી દેવામાં આવી. એ જ રીતે કેટલાક હિન્દુ- ખ્રિસ્તી પુુુુુરુષોને મુસ્લિમ સ્ત્રીઓ સાથે પરણવાની ફરજ પાડવામાં આવી. જે ખ્રિસ્તીઓએ ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાનું ‘બહુમાન’ મેળવવાની ના પાડી તે બધાને તાત્કાલિક લટકાવીને મારી નાખવાના હુકમો થયા. ટીપુના આ અત્યાચારોની વિગતો મેં સ્વયં એના સૈન્યની ચુંગાલમાંથી છટકી જઈને વરપ્પુમના કાર્માઈકલ ક્રિશ્ર્ચિયન મિશન પહોંચેલા લોકો પાસેથી સાંભળી છે. આ રીતે ભાગીને આવેલા કેટલાય લોકોને મેં હોડી દ્વારા વરપ્પુમ નદી પાર કરાવવામાં મદદ કરી છે.’

જર્મન મિશનરી ગન્ટેસ્ટે (ઉચ્ચાર ખોટો હોઈ શકે છે) પણ પોતે સ્વતંત્ર રીતે લખેલા બયાનમાં આજ વાતો લખી છે. ખુદ ટીપુએ પોતાના ‘કાલિકટ વિજય’ની યશોગાથા એના સેનાપતિઓને લખેલા પત્રોમાં લખી છે. એમાંથી એક પત્રમાં, સૈયદ અબ્દુલ દુલાઈને ટીપુ લખે છે: ‘અલ્લાહની મહેરબાનીથી કાલિકટના લગભગ તમામ હિન્દુઓ ઈસ્લામમાં પરિવર્તન પામી ચૂક્યા છે. માત્ર કોચીન રાજયની સરહદો પર રહેનારા થોડાક બાકી રહી ગયા છે. એમનું પણ હું બહુ જલદી ધર્મપરિવર્તન કરાવી લઈશ. મારા માટે આ ધર્મયુદ્ધ (જેહાદ) છે.’

બદરુઝ ખાન નામના સેનાપતિને લખેલા પત્રમાં પણ ટીપુ અત્યાર સુધીમાં પોતે કુલ ચાર લાખથી વધુ હિન્દુઓને મુસલમાન બનાવી ચૂક્યો છે એવી વિગતો લખે છે.

પાકિસ્તાન સરકારની પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ, લાહોર દ્વારા ૧૯૬૪માં પ્રગટ થયેલા ‘લાઈફ ઓફ ટીપુ સુલતાન’માં નોંધ્યું છે કે: ‘ટીપુએ મલબાર વિસ્તારના એક લાખથી વધુ હિન્દુઓ તેમ જ ૭૦,૦૦૦થી વધુ ખ્રિસ્તીઓનું ધર્મપરિવર્તન કરાવીને એમને મુસ્લિમ બનાવ્યા અને એમની સુન્નત કરાવીને એમને ગૌમાંસ (બીફ) ખવડાવ્યું. આવું ધર્મપરિવર્તન અનૈતિક અને શરમજનક ગણાતું હોવા છતાં ટીપુનો હેતુ આને કારણે સિદ્ધ થઈ જતો હતો. ધર્મપરિવર્તન પામેલા લોકો પોતાના મૂળ ધર્મના સંસ્કારોથી વિખૂટા પડી જતા અને તેઓએ નાછૂટકે પોતાના સંતાનોને ઈસ્લામનું શિક્ષણ આપવું પડતું. આ લોકોને પાછળથી ટીપુ પોતાના સૈન્યમાં ભરતી કરીને ઊંચા હોદ્દાઓ આપતો... ટીપુ સુલતાને માત્ર મલબાર પ્રદેશમાં જ ધર્મપરિવર્તનો નહોતા કરાવ્યાં, છેક કોઈમ્બતુર સુધી પહોંચીને એણે આ કામ કર્યાં.

ટીપુ સુલતાને તોડેલાં મંદિરોની થોડી વાતમાં એનાં બીજાં કેટલાંક કારનામાં ઉમેરીને આવતી કાલે આ સિરીઝ પૂરી કરીશું. દરમ્યાન, તમામ સેક્યુલરમિત્રોને ‘ટીપુ જયંતીની’ની ઉજવણી કરવા માટે હાર્દિક શુભેચ્છાઓ. વિશ યુ ઑલ અ વેરી વેરી હૅપી ‘ટીપુ જયંતિ.’
ટીપુ સુલતાનના અંતિમ દિવસો
ગુડ મોર્નિંગ - સૌરભ શાહ



મહમ્મદ ગઝનવીથી માંડીને બાબરથી લઈને ઔરંગઝેબ સુધીના તમામ મુસ્લિમ આક્રમણખોરોએ હિન્દુઓનાં મંદિરો તોડી નાખવા એ પોતાની પવિત્ર ફરજ છે એવું માન્યું હતું અને ટીપુ સુલતાન પણ આમાં અપવાદ નહોતો.

બ્રિટિશ સરકારના આર્કિયોલોજી (પુરાતત્ત્વ) વિભાગના વડા બી. લુઈસ રાઈસે ટીપુએ દક્ષિણ ભારતમાં તોડેલાં મંદિરો વિશે લખ્યું છે:

‘ટીપુ સુલતાનના વિશાળ સામ્રાજ્યમાં એના મૃત્યુ સમયે કુલ મળીને માત્ર બે જ મંદિરો બચ્યાં હતાં. રાજધાની શ્રીરંગપટ્ટનમના કિલ્લામાં આવેલા આ બે મંદિરો ટીપુના ખાસ બ્રાહ્મણ જ્યોતિષીઓનું મન રાખવા બચાવી લેવામાં આવ્યા હતા. ટીપુ આ જ્યોતિષીઓ પાસે પોતાની કુંડળી બતાવીને ભવિષ્યનું પ્લાનિંગ કરતો. ટીપુના રાજ્યના બાકીના તમામ મંદિરોને ૧૭૯૦ સુધીમાં લૂંટી લેવામાં આવ્યાં હતાં અને એ બધી જ મિલકત એણે પોતાના રાજ્યની તિજોરી ભેગી કરી દેવી પડી હતી કારણ કે ટીપુની આવકો સાવ ઘટી ગઈ હતી.’

લાહોર સ્ટાફ કૉલેજે પ્રગટ કરેલા પુસ્તકમાં પણ ટીપુએ તોડી નાખેલાં, ભ્રષ્ટ કરેલાં મંદિરો વિશેની વિગતે નોંધ છે. વિલિયમ લોગાને ‘મલબાર મૅન્યુઅલ’માં ટીપુએ નષ્ટ કરેલાં મંદિરોની લગભગ સંપૂર્ણ કહી શકાય એવી યાદી આપી છે.

બી. લેવિસ રાઈસે ‘માયસોર ગેઝેટિયર’માં લખ્યું છે કે ટીપુએ દક્ષિણ ભારતમાં કુલ લગભગ ૮,૦૦૦ (આઠ હજાર) જેટલાં મંદિરો તોડ્યાં હતાં. કર્નલ આર. ડી. પાલ્સકરે પણ એમના રિસર્ચમાં આ આંકડો ક્ધફર્મ કર્યો છે. ટીપુએ નષ્ટ કરેલું સૌથી પ્રાચીન મંદિર માલાપુરમ્ જિલ્લાનું તિરુનવય મંદિર છે જેનો ઈતિહાસ ૫,૦૦૦ વર્ષ જૂનો છે એવી લોકવાયકા છે અને જેનો ૧૩૦૦ વર્ષનો લેખિત ઈતિહાસ આજે પણ દસ્તાવેજોમાં સચવાયેલો છે. વેદાભ્યાસ માટે આ મંદિર દક્ષિણ ભારતમાં ખૂબ નામના પામ્યું છે. ટીપુના લશ્કરે આ મંદિરને લૂંટીને તહસનહસ કરી નાખ્યું હતું.

ટીપુએ આખા ભારતમાં ખૂબ જાણીતું એવું ગુરુવયુરનું કૃષ્ણમંદિર પણ તોડી નાખ્યું હતું અને આજે કેટલાક સેક્યુલરો દાવો કરે છે કે ટીપુએ તો એ મંદિર બાંધવાની જગ્યા હિંદુઓને દાનમાં આપી હતી! સી. કે. અહમદ નામના જાણીતા ‘વિદ્વાને’ આવો દાવો કર્યો છે. નસીબજોગે ટીપુ સેનાના આગમનની એંધાણી મળતાં જ હિન્દુઓના આ જાણીતા મંદિરની મૂર્તિને ખસેડીને અંબાલાપુળાના કૃષ્ણ મંદિરમાં છુપાવી દેવામાં આવી હતી. ટીપુના શાસનનો અંત આવ્યા પછી ફરી એ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં

આવી. ટીપુના અંતકાળ પછી ટીપુએ જેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું તે હિન્દુમાંથી મુસ્લિમ બનેલા એક અમલદારે ગુરુવયુરના મંદિરનો ર્જીણોદ્ધાર કરવામાં અને મંદિરની જમીન પાછી અપાવવામાં મદદ કરી હતી. ઈતિહાસની આ હકીકતને સેક્યુલર - સામ્યવાદી ઈતિહાસકારોએ કેવી મારીમચડી નાખી તે તમે જોઈ શકો છો.

મંદિરોને લગતી આવી બીજી એક મશહૂર ગડબડ શ્રૃંગેરીના શંકરાચાર્યના મઠને ટીપુએ આપેલા દાનને લગતી છે. આની નોંધ તો ભવન્સના ગ્રંથોએ પણ આગળ પાછળના પૂરતા રેફરન્સ વિના લીધી છે જેને લીધે તમને લાગે કે ટીપુ કંઈ હિન્દુદ્વેષી કે ટેમ્પલતોડુ નહોતો. બી. લેવિસ રાઈસે આ ‘મદદ’ને રાઈટ પર્સપેક્ટિવમાં મૂકી આપી છે જેની નોંધ ભવન્સના ઈતિહાસના ગ્રંથોમાં ઉમેરાવી જોઈતી હતી.

જિંદગીના છેલ્લા દાયકામાં ટીપુ લગભગ બધી જ રીતે પરાસ્ત થઈ ચૂકેલો. ૧૭૯૨ની સંધિમાં એણે પોતાનું અડધા જેટલું રાજ્ય અંગ્રેજોને આપી દેવું પડ્યું હતું જે એ ત્યાંની બહુમતી પ્રજાને અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરીને પાછું લેવા માગતો હતો. આવું ત્યારે જ થઈ શકે જ્યારે એ બહુમતી પ્રજા પોતાના તરફી થઈ જાય. એને હવે સમજ પડવા માંડી હતી કે બહુમતી પ્રજાને દુભવીને પોતે એમના પર રાજ નહીં કરી શકે. આવી રાજકીય શતરંજના દાવપેચના ભાગરૂપે ટીપુએ શ્રૃંગેરીના શંકરાચાર્યને મધમીઠી જબાનમાં પત્રો લખ્યા અને મોટી મોટી ભેટો મોકલી. લીલા પ્રસાદે સુરેન્દ્રનાથ સેનને ક્વોટ કરીને આ માહિતી લખી છે. વી. આર. પરમેશ્ર્વરન પિલૈએ ‘લાઈફ હિસ્ટરી ઑફ રાજા કેશવદાસ’ પુસ્તકમાં ટીપુના જ્યોતિષપ્રેમ વિશે નોંધીને લખ્યું છે: ‘... આ બધી ભેટો - આર્થિક મદદો હિન્દુઓ પ્રત્યેના કે હિન્દુઓના ધર્મ પ્રત્યેના આદરને લીધે નહીં, પરંતુ ફરી એકવાર પાદશાહ બનવાના પ્રયત્નોરૂપે શ્રૃંગેરી મઠને મોકલવામાં આવતી. (કારણ કે) ટીપુના જ્યોતિષીઓએ ભવિષ્ય ભાખેલું કે આવું કરવાથી તે ફરી એકવાર પાદશાહ બની શકશે.

શ્રૃંગેરી મઠને આપેલી ભેટો ન તો ટીપુનું હૃદયપરિવર્તન હતું, ન એની હિન્દુ ધર્મ પ્રત્યેની સહિષ્ણુતા. એ માત્ર એક પોલિટિકલ ચાલ હતી.

આવી જ બીજી એક ક્લાસિક મિસક્ધસેપ્શન ટીપુને ભારતના ‘મિસાઈલ મૅન’ ગણાવવાની છે. ટીપુએ દૂર સુધી જતાં રોકેટ જેવાં શસ્ત્રોની શોધ કરી એવો જશ એને આપવામાં આવે છે. હકીકતમાં એ ફ્રેન્ચ ટેક્નોલોજી હતી જે ફ્રેન્ચ શાસકોએ ટીપુને અંગ્રેજો સામે લડવા માટે આપી હતી. જોકે, ફ્રેન્ચ-અંગ્રેજ સરકારો વચ્ચે સંધિ-સુલેહ થઈ ગયા પછી ટીપુને મળતો ફ્રેન્ચ ટેકો પાછો ખેંચાઈ ગયો હતો.

ટીપુએ જે કંઈ યુદ્ધો કર્યા તે પોતાના સામ્રાજ્યના વિસ્તાર માટે કે સામ્રાજ્યને બચાવવા માટે કર્યા. એણે શરૂમાં મરાઠાઓને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કર્યો અને મરાઠાઓને નિઝામ તથા અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરતા પત્રો લખ્યા. આ બાજુ એણે નિઝામને પણ પોતાની સાથે લેવાનો પ્રયત્ન કર્યો અને નિઝામને લખેલા પત્રોમાં મરાઠાઓ-અંગ્રેજો આપણા કૉમન દુશ્મન છે એવું લખ્યું. ટીપુએ જ નહીં એના બાપ હૈદર અલીએ પણ અંગ્રેજોનો સાથ લઈને મરાઠાઓ તથા નિઝામને હરાવવાના એક કરતાં વધારે પ્રયત્નો કર્યા હતા જેના દસ્તાવેજી પુરાવાઓ મોજૂદ છે. છતાં આપણને ઈતિહાસમાં ભણાવવામાં આવ્યું કે મહાન ટીપુ માભોમ ભારતની સ્વતંત્રતા માટે અંગ્રેજો સાથે લડતો. ટીપુ અંગ્રેજ સામે જરૂર લડ્યો, એણે લડવું પડ્યું પણ એનું કારણ, આગળ કહ્યું તેમ એની પોતાની સત્તાલાલસા, નહીં કે ભારતભૂમિ માટેનો પ્રેમ.

ટીપુને જો ભારતની ભૂમિ માટે એટલો જ પ્યાર હતો તો એણે શું કામ અફઘાનિસ્તાનના ખલીફા ઝમન ખાનને ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપવું પડે. આ વાત તમારા માટે નવી છે. મારા માટે પણ ટીપુ વિશે સંશોધન કરવામાં જાણવા મળી. ફોર્ટ વિલિયમ, કલકત્તાના રેકૉર્ડ્સ ડિપાર્ટમેન્ટમાં સચવાયેલા ટીપુના ફારસીમાં લખાયેલા પત્રોને એન. બી. એડમન્ડસ્ટોને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કર્યા છે જે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વિવિધ ગેઝેટ્સમાં છપાયા છે. દિલ્હીની મોગલ સલ્તનતનો અસ્ત થઈ ગયો હતો અને ટીપુના જ શબ્દોમાં: ‘(દિલ્હીનો મોગલ શાસક) માસિક પંદર હજાર રૂપિયાના પગારમાં મરાઠા સિંધિયાની નોકરી કરી રહ્યો છે.’ ટીપુ ચાહતો હતો કે ઝમન શાહ ઉત્તર ભારત પર ચડાઈ કરી લે અને પોતે એની મદદથી આખા હિન્દુસ્તાનને કબજે કરી એકહથ્થું શાસક બની જાય. ટીપુએ પોતાના પત્રો મીર હબીબુલ્લા અને મોહમ્મદ રઝા નામના પોતાના રાજદૂતો સાથે ઝમન શાહને મોકલ્યા હતા જેઓ કરાચી થઈને કાબુલ પહોંચીને અફઘાનિસ્તાનના એ શાસકને મળ્યા હતા. બંને વચ્ચે કુલ પાંચથી છ વાર પત્રવ્યવહાર થયો. છેવટે ઝમન શાહના મોઢામાં પણ લાળ ટપકી.

૩૦ જાન્યુઆરી ૧૭૯૯ના રોજ ટીપુએ ખુશખુશાલ થઈને ઝમન શાહનો આભાર માનતો પત્ર લખ્યો, અને ઝમન શાહ તાબડતોબ કાફિરોને પરાસ્ત કરવા માટે જેહાદ છેડશે એવી આશા પ્રગટ કરી. ટીપુ જાણતો હતો કે આ એની છેલ્લી આશા હતી કારણ કે અંગ્રેજો એના પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા હતા એની જાણ એને થઈ ગઈ હતી.

ટીપુએ માત્ર ઝમન શાહને જ ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ નહોતું આપ્યું. ઈરાનના રાજા ફત્તેહ અલી ખાન અને કોન્સ્ટન્ટિનોપલના ખલીફ સુલતાન સલીમને પણ ભારત પર ચડાઈ કરવા બોલાવ્યા હતા જેને લગતા દસ્તાવેજી પત્રો ૧૪ સપ્ટેમ્બર ૧૭૯૯ના મદ્રાસ ગેઝેટમાં છપાયા છે જે જે. એ. ગ્રાન્ટ દ્વારા અંગ્રેજીમાં તરજૂમો પામ્યા છે.

ટીપુનો અંત ૧૭૯૯માં આવ્યો પણ એની પડતી ૨૩ ફેબ્રુઆરી ૧૭૯૨ની રાત્રે નવ વાગ્યે એણે અંગ્રેજો સાથે કરેલી સંધિથી શરૂ થઈ ચૂકી હતી. આ સંધિ અનુસાર ટીપુએ અંગ્રેજોની તમામ શરતો માન્ય રાખવી પડી હતી જેમાંની એક હતી યુદ્ધના ખર્ચ પેટે ટીપુએ અંગ્રેજોને પોતાનું અડધું રાજ્ય તેમ જ રૂપિયા ત્રણ કરોડ, તેંત્રીસ લાખ આપવાના. એટલું જ નહીં અંગ્રેજોએ ટીપુ પાસે એ પણ લખાવી લીધું હતું કે જ્યાં સુધી સંધિની તમામ શરતોનો અમલ પૂરો નહીં થાય ત્યાં સુધી ટીપુના બે દીકરાઓ અંગ્રેજોના તાબામાં રહેશે. માર્ક્સવાદી ઈતિહાસકારોએ ટીપુના દીકરાઓને બાનમાં રાખવાની ઘટનાને ટીપુ માટે સહાનુભૂતિ ઉપજે એવો રંગ આપ્યો છે. હકીકત એ હતી કે અત્યાર સુધીની બધી જ સંધિઓની શરતો ટીપુએ તોડી હતી એટલે અંગ્રેજો એના પર વિશ્ર્વાસ મૂકી શકે એમ નહોતા. ૨૬ ફેબ્રુઆરી ૧૭૯૨ના રોજ ટીપુએ પોતાના બીજા અને ત્રીજા દીકરાની અંગ્રેજોને સોંપણી કરી જેના સાક્ષીરૂપે મરાઠાઓ વતી હરિ પંત તથા નિઝામ વતી આઝમી-ઉલ-ઉમરા હતા.

અંગ્રેજોની છાવણીમાં ટીપુના આ બે સગીર વયના દીકરાઓ પ્રવેશ્યા ત્યારે એમને અંગ્રેજોએ ૨૧ તોપની સલામી આપી હતી અને બેઉને એક એક સોનાની ઘડિયાળ ભેટ આપી હતી. બે વર્ષ બાદ અંગ્રેજોએ બંને ટીપુ પુત્રોને પાછા મોકલી દીધા.

૧૭૯૯ની ચોથી મે ટીપુની જિંદગીનો આખરી દિવસ હતો. છેલ્લા એક મહિનાથી અંગ્રેજ સૈન્ય ટીપુના કિલ્લાને ઘેરો ઘાલીને ઊભું હતું. સંધિના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા, ત્યારે ૨૮ એપ્રિલે ટીપુએ પોતાના તાબામાં રહેલા ૧૩ અંગ્રેજ કેદીઓની ગરદન દરબારી કુશ્તીબાજોના હાથે મરોડીને મારી નાખ્યા.

ટીપુ સુલતાન અંગ્રેજ સૈનિકોની બંદૂકોમાંથી નીકળેલી ચાર ગોળી ખાઈને મર્યો. ચોથી ગોળી એના લમણે મારવામાં આવી હતી. ટીપુના મર્યા પછી બીજા જ મહિને, ૨૪ જૂન ૧૭૯૯ના રોજ અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય એના મૂળ ઑડ્યાર રાજવીઓને વિધિવત પાછું સોંપી દીધું. એટલું જ નહીં ટીપુના પરિવારને એના ઝનાનાની ૬૫૦થી વધુ સ્ત્રીઓને તેમ જ એમની ચાકરી તથા ચોકી કરતા બીજા ચારસો જણને સહીસલામત વેલોરના કિલ્લામાં ખસેડીને એમને શાહી અદબથી રાખ્યાં.

ટીપુએ એના બાપ હૈદર અલીના પરિવારનો વસવાટ પોતાનાથી નોખો રાખ્યો હતો. હૈદરના ઝનાનામાં બસોથી વધુ સ્ત્રીઓ હતી જેમાં હૈદરની વિધવાઓ, હૈદરની રખાતો અને આ સ્ત્રીઓથી હૈદરને થયેલા બીજા પુત્રોની પત્નીઓ તેમ જ એમની રખાતોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત એમની સેવાચાકરી માટેનો સ્ટાફ જુદો. ટીપુ બાપની સ્ત્રીઓ અને બાપનાં સંતાનોના નિભાવ ખર્ચ માટે મહિને એક લાખ સોનામહોરો આપતો. ટીપુના મર્યા બાદ અંગ્રેજોએ એ આ નિભાવખર્ચમાં વધારો કર્યો અને એ ભાર મૈસૂરની તિજોરી પર ન પડે એ માટે પોતે લઈ લીધો.

વેલોરમાં ટીપુનો પરિવાર નજરકેદમાં હતો પણ એમની લાઈફસ્ટાઈલ શાહી વૈભવશાહી હતી. ટીપુના દીકરાઓ માટે ત્યાં બીજું કોઈ કામકાજ નહોતું એટલે બેઠાં બેઠાં એમણે વેલોર કિલ્લામાં કેદ રાખેલા બીજા કેદીઓ સાથે મળીને બળવો પોકાર્યો. અંગ્રેજોએ તાબડતોબ પગલાં લઈને આ દીકરાઓને કલકત્તાના બ્રિટિશ કિલ્લાભેગા કરી દીધા. જોકે, એમનું શાહી પેન્શન ચાલુ રાખ્યું. એ પછીના સૈકાઓ દરમ્યાન ટીપુના વારસદારો કલકત્તાની પ્રજામાં ભળી ગયા અને કેટલાક ભારતના ભાગલા વખતે પાકિસ્તાનભેગા થઈ ગયા.