Pages

Sunday, December 25, 2016

મિડલ ક્લાસનો માનવી -હસમુખ ગાંધી

આટલી આધુનિકતા, આટલાં સુખ, આટલી દોમદોમ સાહ્યબી છતાં લોકોના ચહેરા પરનું હાસ્ય કૃત્રિમ કેમ લાગે છે. ભીતરમાં ઉદાસી, મેલન્કલી (melancholy), મૉર્બિડિટી ઠાંસીને ધરબાઈ છે. બધાંનાં ચિત્ત માંદલાં, રોગિષ્ઠ, ન્યુરૉટિક, પૅથૉલોજિકલ, ખવાઈ ગયેલા કેમ થઈ ગયાં છે. દિવસમાં દસ કપ ચા પીવાની, ર૦ સિગારેટો ફૂંકવાની, પીઝા અને નૂડલ અને ચાઈનીઝ ફૂડ ખાવાનો, કિમામવાળાં પાન ચઢાવવાનાં, પિક્ચર જોવાનાં, ટેલી પર સોપ ઓપેરા જોવાનાં, ફિલ્મી મૅગેઝિન વાંચવાના, નવા ડ્રેસ સિવડાવવાના, પાર્ટીઓમાં ઢીંચવાનું અને ગળચવાનું, પૈસા કમાવાના, પ્રેમ કરવાનો, મોટેથી ખોટું ખોટું હસવાનું, એની એ જોક એન્થ(Nth) વખત કહેવાની. પછી શું કરશો? જીવન ભર્યું ભર્યું છે એવો તમને ભાસ થાય છે ત્યારે ખરેખર તો એ ખાલીખમ હોય છે. પછી શું કરશો? આપઘાત, હા, આપઘાત, એ જ સાચો ઉત્તર છે. સ્ક્રિપ્ટ એવી છે કે એનો બીજો અંત આવી જ ન શકે.

મમ્મી અને યો-યોની રમત જ એવી છે. ફસાઈ ગયો છે શહેરી મિડલ ક્લાસ. તેણે પોતાના ગ્રામીણ મૂળિયાં (રૂટ્સ) ઉખેડી નાખ્યાં છે અને શહેરી ભૂમિમાં તે પોતાની જાતને બરાબર રોપી શકતો નથી. એ બૅળે બૅળે પોતાના મોઢા ઉપર હાસ્ય લાવે છે પણ એની પાછળ રૅટરેસ અને સુખની ખોજ માટેની દોડથી લાગેલો અસહ્ય થાક છુપાયેલો છે. આ સંઘર્ષ એને ભીતરથી કાટની માફક ખાઈ રહ્યો છે. એને બૌદ્ધિક ક્ષય (ઈન્ટેલેક્ચ્યુઅલ ટ્યૂબરક્યુલૉસીસ) થયો છે. તેનાં મૂલ્યોનું (ગુજરાતના સુડો-ગાંધીવાદીઓએ ધોકા મારીમારીને ધોઈ નાખેલો શબ્દ વાપરીએ તો) ધોવાણ થઈ ગયું છે. તેનો પૂર્વાપર સંબંધ ભૂંસાઈ ગયો છે. શહેરી મધ્યમ વર્ગ આજે લાગણીઓની તથા બુદ્ધિની અંધાધૂધીમાં જીવે છે.

મૂળાનો શ્ર્વેત કાંદો બટકાવી નાખ્યો હોય એવું વેજિટેબલ અસ્તિત્વ તે જીવે છે. તે માર્યો માર્યો ફરે છે, જાણે તેને શિશિરના પરાગને કારણે એલર્જિક હેફીવર થઈ ગયો છે. શહેરના મધ્યમ વર્ગની ખાનગી ટ્રેજેડી એ છે કે તેના હિંમત, સ્નેહ, શ્રદ્ધા, ખંત વગેરે ગુણોનો ભંગાર થઈ ગયો છે. મિડલ ક્લાસ બિસમાર હાલતમાં જીવે છે.

સ્વાર્થ, માલિકીની ભાવના (પઝેસિવનેસ, ઍક્વિઝિટિવનેસ)નો અતિરેક અને સંપત્તિ માટેની પડાપડીને કારણે લોકો આંધળાભીત બની ગયા છે. આમાંથી જડ, નીરસ, ફિક્કો, માંદલો, રંગવિહીન સમાજ નિર્માણ થયો છે. પેટ ભરીને, ધરાઈને, મૉકળે મને તે હસી શકતો નથી, કારણ કે તેનું હૃદય સ્વચ્છ નથી, તેના પેટમાં પાપ છે. બે લૉંકડી એકબીજીને મળે ત્યારે તે મનમાં પેંતરા કે બેત ઘડતી હોય છે, નિખાલસતાને અભાવે તે મુક્તપણે ખડખડાટ અટ્ટહાસ્ય કરી શકતી નથી. કરે તો એ હાસ્ય આભાસી, નાટકિયું અને નિર્ભેળપણે દંભી હોય છે. 

હજી ૪૦ વર્ષ પૂર્વે મધ્યમ વર્ગ જિંદગીથી થનગનતો હતો. તેનું સુખ મૌલિક હતું. તેનું દુ:ખ ઓરિજિનલ હતું. આજે બંને આભાસી છે. હર્ષોલ્લાસની કિકિયારીઓ તેના હૃદયના ઊંડાણમાંથી આવતી હતી, દર્દની ચીસો સાચકલી હતી. તેનો વ્યવહાર નિષ્કપટ, સરળ, ડિગ્નિફાઈડ અને ડેકોરમવાળો હતો. જન્મ, લગ્ન, મરણ, મુસાફરી, મુલાકાત: આ બધા સામાજિક પ્રસંગો ગૌરવાન્વિત હતા, જીવનમાં સીમાચિહ્નો હતા. શ્રીમંતાઈ ઠાવકી હતી. ગર્ભશ્રીમંત હતી, માનપ્રદ હતી, ‘આજના નિયો રીશ (નવશ્રીમંતો, રાતોરાત કરોડપતિ બનેલાઓ) જેવી ઉછાંછલી ન હતી. નાનાં નાનાં સુખો લોકો પેટ ભરીને માણતા હતા. કોઈ છોકરો મેટ્રિક પાસ થાય તો છ ફૂટ ઊંચી પિત્તળની પવાલી ભરીને ઠંડાઈ બનાવવામાં આવતી. લોકો એ સામાન્ય પીણાની પ્યાલીઓ મોજથી પીતા હતા. આજની હોટેલ પ્રેસિડેન્ટની ઝળાંહળાં પાર્ટીઓ પાછલા વંડામાંનાં પેલાં પાથરણાંની અને પેલી ઠંડાઈની લિજ્જત કેમે કરીને આપી શકતી નથી. કુદરતી ફૂલો અને પ્લાસ્ટિકનાં ફૂલો વચ્ચે ફેર છે, ફેર છે. 

આપણે ફૂલોની ખુશ્બો માણવાની શક્તિ ગુમાવી દીધી છે. સુદ અને વદ, વડ અને પીપળો, ઓટો અને ચબૂતરો, દિવસ અને રાત, કાબરનો ચિત્કાર અને ચીબરીની કિકિયારી, સૂર્યનો તડકો અને તારાજડિત રાત્રિ, દિવસે તડકે તાપવાનું અને રાત્રે નક્ષત્રો જોવાનાં, પોંક અને મઠી, પોપટા અને ઓળા અને ઊંધિયું: બધું જ બદલાઈ ગયું છે. મધ્યમ વર્ગનો શહેરી પૂર્વાપર સંબંધ ગુમાવી બેઠો છે. તેની સંવેદના બુઠ્ઠી થઈ ગઈ છે. રેલવે સ્ટેશને ભિખારીને વીસ પૈસાની બ્રેડ ખવડાવી દીધી એટલે તેને ઈશ્ર્વર પ્રત્યેનું ઋણ અદા કર્યાનો મિથ્યા સંતોષ થાય છે. તેના માથાના વાળનો ચળકાટ બ્રિલક્રીમનો છે, તેણીના હોઠની લાલી લિપસ્ટિકની છે, લિસ્ટેરિનની મદદથી તેઓ માઁની દુર્ગંધને દૂર કરવાનો પ્રયાસ કરે છે. ત્વચા પરની ચમક ટૅલ્કમ પાઉડરની છે. તંદુરસ્તીની નથી.

રેસ્ટોરાંની ક્યુબિકલોમાં પ્રેમ કરતાં આ મધ્યમવર્ગી યુગલો શ્ર્વાસોચ્છવાસ નથી લેતા, કારણ કે તેઓ માનવી નથી, રોબોટ છે. આ લોકો રૂટ્સમાંથી ઊખડી ગયા છે એટલે તેઓ સિનેમાશાઈ કાલ્પનિક પલાયનવાદી ઈમેજરીમાં જીવે છે.

લોકો કેવી રીતે પૈસા કમાય છે એની મોજણી કોઈ ભારતીય જૅક ઍન્ડરસન કરે તો એ વિષેનો અહેવાલ બેસ્ટસેલર બની રહે. હવાલાની, દાણચોરીની, ઊંધા ધંધાની, નફાખોરીની એક વાર એક સહેલી લાઈન મળી ગઈ એટલે પછી કરન્સી નોટોના ઢગલા આવવા માંડે છે અને પછી હિન્દુઓએ ખ્રિસ્તી લોકોના તહેવારોમાં માથે શંકુ આકારની ટોપી પહેરીને આખી રાત ચોક્કસ પીણાંઓ ઢીંચવા પડે છે. પૈસાથી સુખ ખરીદવા સારુ લોકો જાતજાતના (નિષ્ફળ) અખતરાઓ કરે છે. સુખ હંમેશાં હાથતાળી આપીને છટકી જાય છે. 

સુપરમારકેટોની છાજલીઓ ફૅન્સી, રૂપકડી ચીજોથી ઊભરાય છે. અધકચરા ભણતરનો નવો ઉપયોગ એ છે કે તે ચળકતાં (પણ સત્ત્વવિનાનાં) ગ્લોસી સામયિકોમાંથી અને જાહેરખબરોમાંથી અધકચરી ફૅશનેબલ બાબતો શીખે છે. મિક્સરો, થ્રી-ઈન-વન, ગ્રાઈન્ડરો, ટોસ્ટરો, ઈલેક્ટ્રિક ઈસ્ત્રીઓ, એગબીટરો, ટીવી સેટ, ફ્રિજ (કે અર્ધશિક્ષિત શ્રીમંત ગુજરાતીઓ એને ફ્રીઝ કહે છે), ડિજિટલ રિસ્ટવૉચીસ, વૉશિંગમશીનો, વૅક્યુમક્લીનરો, વિડિયોરેકોર્ડરો વગેરે વગેરેને શોકેસમાં જોઈને લોકોની ડાગળી ચસકે છે. મિડલ ક્લાસનો માનવી ટુવ્હીલર ખરીદવાની ઝંખના કરે છે, તે સફારી સ્યુટ પહેરે છે (ચંદ્રકાન્ત બક્ષી ભલે કહે કે આ તો શૉફરનો, ડોરકીપરનો અને લિફટમૅનનો ડ્રેસ છે), ચામડાના મોંઘા બૂટ પહેરે છે અને રપ ફૂટ દૂરથી સુગંધાય એવાં કૉસ્મેટિક પોતાની કાયા ઉપર ચોપડે છે. સસ્તાં (પૈસામાં નહીં ટેસ્ટમાં) ડિસ્કો, ડિનરો, નાઈટશો, લીસકાં મેગેઝિનો, દેશી (હિન્દી) ફિલ્મો, ટીવીની ટાહ્યલાંસિરિયલો: આ બધો ઠાઠ મેળવવા ઉપલા મધ્યમ વર્ગનો માણસ હડી કાઢે છે. 

નાનપણમાં માબાપને ત્યાં કશું ભાળ્યું ન હોય અને શહેરમાં જઈને બેપાંદડે થયો હોય એવો માણસ જીવનભોગવટાની ૩૦ વર્ષની ખાધ પૂરી કરવા જે ઝડપ કરે એ ઝડપે આવો માનવી બેઉ હાથે સુખસામગ્રીનો ઉપભોગ કરવા માંડી પડે છે. અકરાંતિયાની જેમ તે સુખને આરોગે છે, પણ તેની પ્યાસ કદી બુઝાતી નથી. તરસ ખોટી છે, પીણાં ખોટાં છે. ચોમેર કૃત્રિમતા છે. લીલોતરી શોધીય જડતી નથી, બાગબગીચાનો એકાદ ટુકડો કૉન્ક્રીટનાં જંગલોની વચ્ચે ફેંકવામાં આવ્યો હોય છે તે સિવાય. દરિયાકાંઠાની હવા પણ ચોખ્ખી નથી. હિન્દી સિનેમામાં નાયકનાયિકા જે રોમેન્ટિક પ્રેમ કરે તે પણ શહેરોમાં શક્ય નથી. નથી સમયની મોકળાશ, નથી જગ્યાની મોકળાશ.

શહેરો તોતિંગ સ્લમ્સ (ઝૂંપડપટ્ટી) બની ગયાં છે, મુંબઈ, દાખલા તરીકે, ગંધાય છે. કરોડો માણસો ખુલ્લામાં ટટ્ટી કરે છે અને એથીય વધુ ગંદકી પાંઉભાજીવાળાઓ તથા ભેળપૂરીવાળાઓ રસ્તા ઉપર એઠવાડનાં તપેલાં ઢોળીને કરે છે. મિડલ ક્લાસના માણસે મોઢે પાઉડર ચોપડ્યો અને ઈન્ટિમેટ છાંટ્યું એટલે હાઉં, ગંદકી ચાલી ગઈ. શહેરી જીવન નર્ક જેવું બની ગયું છે. બિલ્ડરોનાં બુલડોઝરો રોજ મુંબઈના પ્રાણ જેવાં બેઠા ઘાટનાં અનેક સુંદર મકાનો તોડી પાડે છે. સ્કાયસ્ક્રેપર્સ રચવા સારુ. લોકલ ટ્રેન અને બસની સર્વિસ એટલી હાડમારીભરી છે કે આનાથી વધુ ખરાબ કલ્પના નર્કની કરી શકાતી નથી. કોન્ટ્રેક્ટરો મ્યુનિસિપાલિટીના અમલદારો સાથે ભળી ગયેલા હોવાથી જમા થયેલો સડેલો કચરો સૂર્યના પ્રખર તાપમાં ઝૅરી વાયુઓ છોડે છે. અસહ્ય અને બંધિયાર પરિસ્થિતિએ મિડલ ક્લાસના શહેરી માનવીને પશુ જેવો બનાવી દીધો છે. માનવી-માનવીના સંબંધોમાં ઉમળકો કે ઉષ્મા નથી રહ્યાં. લોકો લાગણીનો પણ રીતસરનો વેપાર કરે છે. 

દરેક માનવી શિયાળ સાથે સ્પર્ધા કરે છે. બુદ્ધિ બડી કે ભેંસ એ કહેવત જૂની થઈ ગઈ છે. બુદ્ધિ બડી કે ચતુરાઈ રાધર બુદ્ધિ બડી કે હોશિયારી અથવા એથીય આગળ જઈએ તો બુદ્ધિ બડી કે ખંધાઈ એ કહેવત વાસ્તવિક છે. દરેક માણસ હરામખોરી કરીને પછી પોતાની એ હરામખોરીને જસ્ટીફાય કરે છે. બધા એકબીજા કરતાં વધારે સ્માર્ટ થવાની હોડમાં ઊતર્યા છે. ભૂલ ન થઈ જાય, છેતરાઈ ન જવાઈ, કુંડાળામાં પણ ન પડી જાય એ માટે સૌ તકેદારી રાખે છે. લોકોની મૈત્રીઓ, લોકોના સંબંધો સગવડિયા હોય છે. પરસ્પરના હિતમાં હોય છે. મિડલ ક્લાસનો પ્રેમ પણ વ્યવહારકુશળ બની ગયો છે, ગણતરીબાજ બની ગયો છે. 

મિડલ ક્લાસનો માનવી જીવનનો સાચો આનંદ ગુમાવી બેઠો છે. એનામાં સંવેદના રહી નથી. પંખીનો ટહુકો, ચંદ્રની ચાંદની કે પવનની ઠંડી લહેરખી તેના ચિત્તતંત્રના તારને ઝણઝણાવી શકતી નથી. દિલ ફાડીને પ્રેમ કરવાનું, આકાશમાંથી હિંમતભેર ભૂસકો મારવાનું કે કુદરતમાં ઊંડી આસ્થા રાખવાનું તેને હવે આવડતું જ નથી. રસ્તા ઉપર મડદું રઝળતું જોઈને તેને અરેરાટી થતી નથી, પડોશીનો જુવાનજોધ છોકરો ફાટી પડે ત્યારે માત્ર ચાર ફૂટ દૂર, દીવાલની પેલે પાર આરામથી આઈસક્રીમ ખાઈ શકે છે. અન્યાય જોઈને તેનું લોહી ઊકળી આવતું નથી, અંધાધૂંધી જોઈને તે કોચવાતો નથી, તર્ક કે લોજિક જેવા કોઈ શબ્દ તેના શબ્દકોશમાં નથી રહ્યો. 

ખાલીખમ માણસ કદી સાચો, નિર્ભેળ આનંદ માણી શકતો નથી. પછી વિહાર તળાવને કાંઠે બેસીને અંતકડીના રાગડા તાણીને મધ્યમ વર્ગનો માનવી આનંદની ચુસકી મારવાનો મિથ્યા પ્રયાસ કરે છે. થાકી જાય છે શરીર અને થાકી જાય છે એનું મન સૌથી વધુ તો થાકી જાય છે એનો આત્મા.