Pages

Tuesday, May 31, 2016

Not Plassey 1757 but Samugarh 1658-Murad Ali Baig

Not Plassey 1757 but Samugarh 1658: Fateful tipping point that fixed the subcontinent's future course



On May 29, 1658, India's history changed forever. Aurangzeb's victory over his brother Dara Shikoh marked the beginning of Islamic bigotry in India that not only alienated Hindus but the much more moderate Sufis and Shias as well. Aurangzeb's narrow Sunni beliefs were to make India the hotbed of Muslim fundamentalists, long before the Wahhabis of Saudi Arabia sponsored the fanatics of Taliban and Islamic State. Two great Mughal armies, led by Shah Jahan's eldest son Dara Shikoh and his third son Aurangzeb, clashed on a dusty plain 20 km southeast of Agra.It was not only a battle for the Mughal throne, but a battle for the very soul of India.
It pitted Dara, an eclectic scholar who respected all religions, against Aurangzeb who was an orthodox Sunni Muslim. Dara had translated the Bhagwad Gita and Upanishads from Sanskrit into Persian, to make them known to the public for the first time. The fact that he had been a Sanskrit scholar shows that there had been considerable Hindu-Muslim amity in the time of Shahjahan.
But Dara had been a pampered prince who faced a smaller battle-hardened army that Aurangzeb had marched up from the Deccan, after defeating an Imperial army at Dharmat near Indore. Blocked at the Chambal River, Aurangzeb quietly slipped behind Dara's lines to reach a secret ford across the Chambal by non-stop double marches over two days.
Dara now realised that Aurangzeb's armies had outflanked his army and come very close to Agra, so he had to rush east without most of his cannons.The two armies met on a flat dusty plain east of a village called Samugarh, on an unbelievably hot day with the sun like a furnace in a cloudless sky . There was not enough water so many soldiers and horses collapsed of heat and sun stroke.
The battle was more than just a contest between Dara and his rebel brother. It was becoming a religious war with the Hindus supporting Dara and many Muslim nobles supporting Aurangzeb.
Dara was on the brink of victory when he was betrayed by one of his commanders, Khalilullah Khan. He then retreated to Lahore and then down the Indus. Eventually , he was brought to Delhi and put on trial.
He had written a book called the `Mingling of the Oceans' showing the many similarities between the Quran and the Brahma Shastras. At the trial the imperial Qazi asked Dara to hand him the jade thumb ring that was still on his left hand. He is reported to have turned it over and asked why the green stone was inscribed with the words `Allah' on one side and `Prabhu' on the other.
Dara evidently replied that the creator was known by many names and called God, Allah, Prabhu, Jehova, Ahura Mazda and many more names by devout people in many different lands.He added that it is written in the Quran that Allah had sent down 1,24,000 messengers to show all the people of the world the way of righteousness and he believed that these messengers had been sent not only to Muslims but to all the people of the world in every age. Aurangzeb casually signed the order of execution after the Qazis found Dara guilty of heresy .
Aurangzeb's inflexible religious bigotry made him lose the support of his influential Shia subjects as well as his many Hindu and Rajput followers. By persecuting his own Rajput followers he cut off his arms and weakened his military power.The Maratha leader Shivaji initially had no anti-Muslim sentiment and had been quite willing to become a Mughal Amir. Aurangzeb's obstinate pride however alienated him and gave him a weapon to turn a purely political war against the Mughals into a religious war.
If Dara had won at Samugarh his rule might have promoted harmony between India's turbulent peoples. A united Mughal empire may have prevented India from becoming so easily colonised by European powers.Samugarh marked the beginning of Islamic bigotry that led over the centuries to the Partition of India, the creation of Pakistan and the backlash of radical Hinduism. Samugarh was a tipping point in India's history.

કરજને થોડું, ઘાવને નાનો અને કષાયોને અલ્પ સમજવા નહીં - મહેન્દ્ર પુનાતર

કરજને થોડું, ઘાવને નાનો અને કષાયોને અલ્પ સમજવા નહીં
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


જીવનમાં બની શકે તો કોઈની પાસેથી લેવું નહીં, આપવાનો ભાવ રાખવો. કોઈની પાસેથી અપેક્ષા રાખવી નહીં. અપેક્ષા બૂરી ચીજ છે. આપણે પારિવારિક અને સામાજિક સંબંધોમાં અપેક્ષાઓ રાખીને બેઠા છીએ. દરેકને એમ થાય છે કે સામો માણસ નગુણો છે. મેં તેના માટે કેટલું બધું કર્યું પણ તેને મારી કોઈ ગણના નથી. આવી ફરિયાદ અને વસવસો થતો હોય છે. અપેક્ષા રાખીને કોઈના માટે કશું કરવાનો અર્થ નથી. કોઈની પાસેથી અપેક્ષા રાખી હોય અને તે પરિપૂર્ણ ન થાય તો તેમાંથી દુ:ખ અને સંબંધોમાં અંતરાયો ઊભા થશે. કોઈ પ્રેમથી આપે તો સ્વીકારી લેવું. આગ્રહ રાખવો નહીં. કોઈ આપણા માટે શું કરી શકે તે મહત્ત્વનું નથી, પણ આપણે કોઈના માટે શું કરી શકીએ છીએ તે અગત્યનું છે. વિનય અને વિવેકમાં પણ કોઈ મોટા માણસ માટે આપણે આદર રાખીએ. તેની આગતાસ્વાગતા કરીએ તેમાં કશું વિશેષ નથી, પરંતુ નાના માણસ માટે આપણે પ્રેમ અને આદર રાખીએ તો તે આપણો ગુણ બની જાય. મોટા શ્રીમંત લોકોનું તો સૌ કોઈ માન જાળવે. આમાં કેટલીક વખત સ્વાર્થ પણ હોય છે. આમાં સદ્ગુણ છે, પણ આપણી મોટાઈ નથી. સામા માણસની મોટાઈ છે, પણ જ્યારે નાના માણસો માટે આપણા મનમાં આદર ઊભો થાય ત્યારે તે વિનય અને વિવેક બને છે. આપણે બીજાના ગુણોના કારણે નહીં આપણા ગુણોના કારણે મોટા થવાનું છે. ગરીબ સાધારણ માણસ કશુંક આપવા નીકળે અને શ્રીમંત માણસ કાંઈ લેવા નીકળે એ બંને અનુઠી ઘટના છે. એટલે જ કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંબંધોમાં સુદામાનું પલ્લુ નમે છે. ધર્મ એ પ્રેમનો માર્ગ છે. આમાં લેવા કરતા આપવાની ભાવના વધુ હોવી જોઈએ. ગરીબમાં ગરીબ માણસ પણ ધારે તો કાંઈક ને કાંઈક આપી શકે છે. શ્રીમંત માણસ પણ ધારે તો કાંઈક ને કાંઈક અનોખુ પ્રાપ્ત કરી શકે છે, પણ આ માટેની ભાવના હોવી જોઈએ.

મહાવીર દર્શન એ જીવનનું દર્શન છે. આમાં આવી અનેક વાતો રહેલી છે. બની શકે તો કરજ કરવું નહીં. ઉધાર લેવું નહીં. આપણને આ નાની એવી વાત લાગે છે, પરંતુ તેને મોટી થઈ જતા વાર લાગતી નથી. દેવાનો ડુંગર જોતજોતામાં મોટો થઈ જાય છે. દેવું દુર્ગુણો જેવું છે તેને વધતા વાર લાગતી નથી. એક દુર્ગુણ જો જીવનમાં પ્રવેશે છે તો બીજા દુર્ગુણોને આવતા વાર લાગતી નથી. માણસે પ્રથમથી જ આ અંગે સાવચેત રહેવું જોઈએ. મહાવીર સૂત્ર છે ‘અણ થોવં, વણ થોવં, અગ્ગી થોવં, કસાય થોવં ચ! ન હૂ મે વીસસિયવાં, થોવં પિ હુ તં બહુ હોઈ!’ આ સૂત્રનો અર્થ છે ‘કરજને થોડું, ઘાવને નાનો, આગને નજીવી અને કષાયને અલ્પ માનીને બેસી જવું નહીં.’ આ વસ્તુ ભલે નાની હોય પણ તેને મોટી થતા વાર લાગતી નથી. મહાવીરના વચનોને જીવન સાથે સંબંધ છે. થોડામાં ઘણું કહી જતા જિનસૂત્રો જીવન રૂપાંતર માટે મહત્ત્વના છે, જે માણસ કરજ લેતો હોય, દેવું કરતો હોય એ એમ સમજે છે કે આ એકદમ થોડું છે. થોડા સમયમાં ચૂકવી દઈશું. કરજ નાનુ માનીને જરૂર હોય કે ન હોય માણસો વધુ ને વધુ લેતા હોય છે. અત્યારે કામ પતાવી દઈએ પછી આપી દેશું. ઋણ ચૂકવાતું નથી અને ધીરે ધીરે વધતું જાય છે. વ્યાજના ઘોડાને કોઈ લગામ નથી. આ થઈ આર્થિક કરજની બાબત, પણ જીવનમાં ઊંચા ઊઠવા માટે આપણે કેટકેટલાની મદદ લઈએ છીએ. જીવનના દરેક તબક્કે કોણે કોણે આપણને મદદ કરી છે. કોનું અહેસાન આપણા પર છે તે સામે આપણે શું કર્યું તેનો હિસાબ તપાસીએ તો માલુમ પડશે કે આપણે આ ઋણ ચૂકવી શક્યા નથી. સૌથી મોટું ઋણ માતા-પિતાનું છે. ગમે તેટલું કરીએ તો પણ ચૂકવી શકાતું નથી. આ ઉપરાંત ભાઈ-બહેન, પરિવાર આ બધાએ આપણા માટે કાંઈક ને કાંઈક કરેલું છે. તેમના પ્રત્યે પ્રેમ અને આદર રાખીએ. દુ:ખ અને મુસીબતમાં તેમના પડખે ઊભા રહીએ તો પણ ઘણું. મહાવીર કહે છે આપણે અસ્તિત્વના તમામ તત્ત્વોના ઋણી છીએ. એટલે આપણો બીજા પ્રત્યેનો ઉદાર અભિગમ હોવો જોઈએ. આમ કરીશ તો મને શું મળશે એ ખ્યાલ જ ખોટો છે. મારું શું છૂટશે એ મહત્ત્વનું છે. આપણે કેટલો બધો કચરો મનમાં ભરીને બેઠા છીએ. સદ્ભાવના, પ્રેમ, મૈત્રી, વિશ્ર્વાસ અને શ્રદ્ધા દ્વારા આ બધો મનનો મેલ સાફ થઈ શકે છે.

મહાવીરે બીજી મહત્ત્વની વાત કરી છે ઘાવને નાનો સમજીને ઉપેક્ષા કરશો નહીં. ધીરે ધીરે આ ઘાવ મોટો થઈ જશે અને વેદના વધી જશે. ઘાવ લાગે કે તુરંત તેનો ઉપચાર કરવો જરૂરી છે. મહાવીર માત્ર શરીરના ઘાની વાત કરતા નથી. મનના ઘાવનું પણ આવું જ છે. એનો તત્કાળ ઉપાય ન થાય તો આ ઘાવ વધતા રહે છે. મતભેદો, ગેરસમજો વધુ ઘેરી બને છે ત્યારે મતભેદ ઊભા થાય છે. મન, મોતી અને કાચ એક વખત તૂટ્યા પછી ફરી સંધાતા નથી. મન પરના ઘા અહંકારના હોય છે. કોઈની સાથે કાંઈ વાંકુ પડ્યું હોય તો સુધારી લેવામાં ડહાપણ છે. નહીંતર વેરઝેર, ઈર્ષા અને અદેખાઈ વધતી રહેશે અને તે અંદરને અંદર આપણને કોતરતી રહેશે. બીજાનું ખરાબ કરવામાં આપણું પણ ખરાબ થતું હોય છે પણ તે આપણને દેખાતું નથી.

મહાવીર કહે છે આગના તણખાને પણ નાનો સમજતા નહીં. નાનો એવો તણખો, નાની એવી ચિનગારી મોટા મહાલયોને ભસ્મીભૂત કરી નાખે છે. આગને પ્રસરતા વાર લાગતી નથી. પછી ભલે તે આગ વેરઝેરની કે અહંકારની હોય. આવી આગ લાગતાની સાથે જ બુઝાવી દેવી જોઈએ. નહિતર એ હૈયાને બાળી નાખશે. ક્રોધ આવે છે ત્યારે ભાન રહેતું નથી. ક્રોધની જ્વાળામાં માણસ પોતે સળગે છે અને બીજાને પણ સળગાવે છે.

ક્રોધ સમી ગયા પછી ભાન થાય છે કે ખોટું થઈ ગયું, પણ ક્રોધને પાછો ખેંચી શકાતો નથી. એટલે માણસ બહાના શોધે છે અને પોતે જે કર્યું તે વાજબી હતું એવું મનને મનાવવા પ્રયાસ કરે છે. કેટલીક વખત પસ્તાવો પણ થાય છે, પણ ભૂલ કબૂલ કરવાની હિંમત થતી નથી. ઘડીક મનમાં પરિવર્તન ઊભું થાય છે, પરંતુ તે લાંબો સમય ટકતું નથી. ફરી પાછા એવા સંજોગો ઊભા થાય તો ક્રોધ પાછો સપાટી પર આવી જાય છે. પસ્તાવા કરતા પ્રાયશ્ર્ચિત્તની જરૂર છે. પસ્તાવો તો આપણે રોજ કરતા રહીએ છીએ. પસ્તાવો ભૂલનો એકરાર છે, જ્યારે પ્રાયશ્ર્ચિત્ત ફરીથી આવું નહીં થાય તેની પ્રતિજ્ઞા છે. એટલે પ્રાયશ્ર્ચિત્તને અંતરતપ કહ્યું છે.

મહાવીરના વચનો છે કે સમગ્ર ચૈતન્ય એક સાથે સંકળાયેલું છે. એમાં જે કાંઈ ઘટના બને છે તે એક યા બીજા સ્વરૂપે વહેલી કે મોડી સર્વને અસર કરે છે. એક આત્માનો આ વિસ્તાર છે. આપણા જેવો જીવ અને ચૈતન્ય બીજામાં છે. સૌને જીવ વહાલો છે સૌને સુખ ગમે છે. સૌ કોઈ સુખ મેળવવા અને દુ:ખને ટાળવા મથામણ કરે છે. આપણે જેવું ઈચ્છીએ છીએ તેવું બીજા પણ ઈચ્છે છે. એટલે કોઈને દુ:ખ આપવામાં, કોઈનું અપમાન કે અવહેલના કરવામાં કે કોઈને અંકુશ હેઠળ રાખવામાં કે કોઈને ગુલામ બનાવવામાં આપણી પોતાની ગુલામી છે. આ જગતમાં જે કોઈ બીજાને બાંધવાનો પ્રયાસ કરે છે તે ખૂદ બંધાઈ જાય છે. અહીં સૌ કોઈ પોતાને માલિક સમજે છે પોતાનાથી નાનાને દબાવે છે. પ્રેમ અને મૈત્રીમાં પણ કોઈને બાંધી રાખવાની કે સ્વામીત્વની ભાવના હોય તો પ્રેમ પણ હિંસામાં પરિણમે છે. તમે જેવું વર્તન બીજા પાસેથી ઈચ્છો છો તેવું વર્તન બીજા પ્રત્યે દાખવો એ સર્વધર્મનો સાર છે.

મહાવીર આ સૂત્રમાં કહે છે કષાયોને પણ અલ્પ સમજશો નહીં. જૈન પરિભાષાનો આ બહુમૂલ્ય શબ્દ છે. કષાય એટલે જેનાથી આપણે બંધાયેલા છીએ તે દોષો, ક્રોધ, લોભ, મોહ, માયા વગેરે. આ બધા જીવનના બંધનો છે. આ બંધનો કપાય ત્યારે માણસ ખરા અર્થમાં મુક્ત બને છે. કષાયોના કારણે માણસ સંકુચિત અને નાનો બનતો જાય છે અને બંધનોના જાળા વિસ્તૃત થતા જાય છે. કષાયોને નાના સમજવા નહીં. નાનું એવું બીજ છીદ્ર પાડીને જમીનની અંદર એવી રીતે ઘૂસી જાય છે ધરતીને તેની ખબર પણ પડતી નથી. દુર્ગુણો અને કષાયોનું પણ આવું જ છે. દુર્ગુણો આપણી અંદર કેવી રીતે ઘૂસી ગયા તેની ખબર પડતી નથી. એક દુર્ગુણ અંદર આવે તો બીજાને પણ અંદર આવવાનો માર્ગ મોકળો કરી આપે છે. કામ, ક્રોધ, લોભ, મોહ એ મનુષ્ય જીવનનું બંધન છે. માણસ આ જાળમાં વધુ ને વધુ જકડાતો જાય છે. ભગવાન મહાવીરે આ ચાર બંધનોને શત્રુ ગણાવ્યા છે. માણસ આ બંધનોમાંથી ઉપર ઊઠે નહીં અને આ કષાયોને દૂર કરે નહીં ત્યાં સુધી તેને આત્માનો કોઈ અનુભવ થતો નથી. આ અલગઅલગ વસ્તુ નથી, પણ એક ચીજના ચાર મહોરા છે ક્રોધ, માન, માયા અને લોભને એકબીજા સાથે સંબંધ છે.

ફેલાઈ જવું, પ્રસરી જવું એ પ્રકૃતિનો નિયમ છે. અહીં કોઈ પણ વસ્તુને જગ્યા મળે તો તેને ફેલાઈ જતા વાર લાગતી નથી, આને ‘બહ્મ’ કહેવામાં આવે છે. આ ફેલાવાની કોઈ સીમા નથી. અહીં નાની વસ્તુઓ જલદીથી મોટી થઈ જાય છે. કોઈ પણ વસ્તુને નાની, નબળી સમજવી નહીં. તેના પ્રત્યે સાવધાન રહેવું અને કષાયોને મૂળમાંથી જ કાપી નાખવા. તેના પ્રત્યે દુર્લક્ષ સેવવું નહીં અને હંમેશાં જાગૃત રહેવું. મહાવીર કહે છે સમયસર જાગી જવામાં ડહાપણ છે. જીવનને સ્પર્શતા મહાવીરના આ વચનો સદાકાળ અને શાશ્ર્વત છે.

Sunday, May 22, 2016

ભારતે ગ્રીન-કાર્ડ શરૂ કરવાં જોઈએ! - ચંદ્રકાંત બક્ષી



ભારતમાં પણ દરેક વિદેશી માટે સખત કાયદા હોવા જોઈએ. જે ગેરકાયદેસર ઘૂસ્યો છે એને સીમાની બીજી તરફ ફેંકી દેવો પડે જ! જેને કાયદેસર આવવું છે એને માટે ‘વર્ક પરમિટ’ અને ‘ગ્રીન-કાર્ડ’ જેવી વ્યવસ્થા હોવી જોઈએ


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


ભારતમાં એક જ પ્રકારના નાગરિક છે અને એ ભારતીય છે. તમે ભારતીય નાગરિકો હો ત્યારે બીજા દેશના નાગરિક બની શકતા નથી. જે ક્ષણે તમે અન્ય દેશના નાગરિક બનો છો, તેમ એ જ ક્ષણે ભારતીય નાગરિક મટી જાઓ છો. ભારતનું સંવિધાન આ વિશે સ્પષ્ટ છે.

જ્યારે સંવિધાન ઘડાયું એ ૧૯૪૮-૧૯૪૯નાં વર્ષોમાં ઘણી સમસ્યાઓનું બિલકુલ અસ્તિત્વ ન હતું. આજે કેટલીક સમસ્યાઓ ભયાનક રૂપ ધારણ કરી ચૂકી છે. એ દિવસોમાં એવી કલ્પના ન હતી કે ૧૯૭૧માં પાકિસ્તાન તૂટીને બે ટુકડા થઈ જશે! એ દિવસોમાં એવી કલ્પના પણ ન હતી કે બાંગલાદેશના બંગાળી મુસ્લિમો આસામમાં ઘૂસી જશે અને ભ્રષ્ટ અફસરો, વિદ્યાનસભ્યો અને ક્યારેક મંત્રીઓ પણ એમને ભારતની ભૂમિમાં ગેરકાયદે વસાવી દેશે! આસામની આખી સમસ્યા ગેરકાયદે ઘૂસી ગયેલા બાંગલાદેશી મુસ્લિમ ઘૂસણખોરોની છે, જે આ દેશમાં વિદેશી છે. ગેરકાયદેસર ઘૂસપેઠિયાનું આ દેશની ધરતી પર કોઈ સ્થાન નથી.

આજે એવી સ્થિતિ છે કે બાંગલાદેશી મુસ્લિમ ગેરકાયદેસર આસામ કે બંગાળમાં ઘૂસી જાય છે અને પાછો જતો નથી. સ્થાનિક નેતાઓ કે ગુંડાઓ મળી રહે છે. બનાવટી પાસપોર્ટ પણ વિદ્યાનસભ્યોની સિફારશથી બની શકે છે અને પાસપોર્ટ બની જાય છે એટલે એ ભારતના નાગરિક બની જાય છે? આઝાદી પછી આ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે આસામમાં લગભગ પચીસ ટકા વસ્તી આજે મુસ્લિમ છે. આસામ ગણ પરિષદને જે અભૂતપૂર્વ સહયોગ મળ્યો એનું મુખ્ય કારણ આ બાંગલાદેશી મુસ્લિમોની અમર્યાદ ઘૂસણખોરી સામે આસામી હિંદુ પ્રજા સંગઠિત થઈ. આજે ધીરે ધીરે સીમાન્ત વિસ્તારોમાં રાજસ્થાન અને ગુજરાતમાં પણ પાકિસ્તાની મુસ્લિમોની ઘૂસણખોરી એક સમસ્યા બની રહી છે.

ભારતનું સંવિધાન ૧૯૫૦ની ર૬મી જાન્યુઆરીએ લાગુ પડ્યું અને ૩૫ વર્ષ પછી હવે એની કેટલીક કમીઓ આપણી આંખો સામે ઊભરી રહી છે. ઘૂસપેઠ કરનારાઓ વિદેશીઓ કે દુશ્મનોને રોકવા પડશે અને પકડાય ત્યારે બહાર ફેંકવા પડશે. એ વિશે સંવિધાન તદ્દન શાંત છે કારણ કે એ સમયે આ પ્રકારની દુ:સ્થિતિની કલ્પના જ ન હતી! ભારતમાં સંવિધાન પણ કોઈ ધર્મગ્રંથ જેવું અક્ષુણ્ણ અને અસ્પર્શ હોય એવી માન્યતા કેટલાંક વર્તુળોમાં છે, જે બરાબર નથી. દેશ અને પ્રજા સર્વોપરી છે, સંવિધાન એ પછી આવે છે. પ્રજા એટલે ૧૯૪૭ની નહીં પણ ૧૯૮૬ની પ્રજા. આજનો ભારતીય ચૌદ વર્ષ પછી એકવીસમી સદીમાં પ્રવેશશે. સંવિધાન આજની પેઢીને આવતી કાલની પેઢીઓને લક્ષમાં રાખીને બદલાતું રહેવું જોઈએ. હા, સંવિધાને પણ જીવતા રહેવું હોય તો સર્પની જેમ કાંચળી ઉતારી નાખવી જોઈએ...

રશિયામાં પ્રથમ સંવિધાન ૧૯૧૭ની ક્રાંતિ પછી લાગુ કર્યું. એ પછી ૧૯૩૬માં બીજું સંવિધાન આવ્યું. હમણાં લિયોનીદ બ્રેઝનેવના જમાનામાં ૧૯૮૦ના દશકમાં ત્રીજું સંવિધાન પસાર કરવામાં આવ્યું. દરેક સંવિધાન નવી ઊભરતી સ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવા નવા ફેરફારો અપનાવતું જાય છે.

આપણા પાડોશના લગભગ આપણી સાથે જ સ્વતંત્ર થયેલા ચીનમાં પણ સંવિધાન બદલાતાં રહ્યાં છે. ભારત ૧૯૪૭માં આઝાદ થયું. જ્યારે ચીન ૧૯૪૯માં સ્વતંત્ર થયું. ભારતમાં હજી એ જ સંવિધાન ચાલે છે. (જે કદાચ બ્રિટિશ અસર હશે!) જ્યારે ચીનમાં, ફ્રાન્સની જેમ, સંવિધાનો બદલાતાં રહ્યાં છે. ૧૯૫૪માં ચીને પ્રથમ સંવિધાન પસાર કર્યું. ૧૯૬૯માં બીજું સંવિધાન લખાઈ ચૂક્યું હતું પણ એ સ્વીકારાયું નહીં. ૧૯૭૫માં વાસ્તવમાં બીજું સંવિધાન પસાર થયું, જેના પર ‘ગૅંગ ઑફ ફોર’ની અસર હતી. ૧૯૭૮માં ત્રીજું સંવિધાન પસાર થયું જે નવી વિચારધારા પર આધારિત હતું.

એટલે જનજાગૃતિ અને જનજરૂરિયાતો પ્રમાણે સંવિધાનો રશિયા અને ચીન બંને બદલતાં રહ્યાં છે. ભારતે પણ હવે સંવૈધાનિક ફેરફારો કરવાનો સમય આવી ગયો છે. ગમે તે દુશ્મન કે વિદેશી ભારતમાં આવીને નાગરિક બની શકે નહીં. એ રોકવા માટે સંવિધાનમાં ફેરફાર તદ્દન આવશ્યક છે અને આ બાબતમાં ભારતે અમેરિકાના નાગરિકત્વના કાયદાઓ અપનાવવા જોઈએ.

અમેરિકામાં બે પ્રકારના નાગરિકો છે. એક નાગરિક અથવા સિટીઝન છે અને બીજા પ્રવેશક અથવા ઈમિગ્રન્ટ છે! સિટીઝનને રાજકીય અધિકાર છે જ્યારે ઈમિગ્રન્ટને એ અધિકાર નથી. ભારતમાં પ્રવેશી ગયેલા ઈમિગ્રન્ટને સરકાર માત્ર આર્થિક અધિકાર આપે. એની જરૂર છે માટે એ આવે, કામ કરે (એવું કામ જેને માટે આપણે ત્યાં માણસો ન હોય અથવા આપણા નાગરિકોની એવા કામ માટે અરુચિ હોય), પૈસા કમાય અને પાછો ચાલ્યો જાય. અથવા મુદત પૂરી થાય ત્યારે એને પાછો કાઢી મૂકી શકાય. મધ્યપૂર્વના અને ખાડીના બધા જ આરબ દેશોમાં બહારથી જનારાઓને ફક્ત આ આર્થિક અધિકાર છે. (ત્યાં તો ગૈર-મુસ્લિમને ધાર્મિક અધિકાર પણ નથી!), પણ ત્યાં રાજકીય અધિકાર બિલકુલ નથી. ભારતમાં પણ અમેરિકા અને ગલ્ફના દેશોની જેમ આ પ્રકારના પાકિસ્તાની કે બાંગલાદેશી મુસ્લિમોને કામચલાઉ કે ટેમ્પરરી વર્ક-પરમિટ અપાવી જોઈએ. એમના નાગરિક થવાનો પ્રશ્ર્ન જ ઊભો થતો નથી. પણ જો કોઈને નાગરિક થવું હોય તો એની અમેરિકા જેવી ‘નેચરલાઈઝેશન’ની આખી પ્રક્રિયા છે. એમાંથી પસાર થયા પછી એ બહારી વ્યક્તિ ભારતીય નાગરિક બની શકે! આજે ગમે તે વિદેશી મુસ્લિમ પાડોશી દેશમાંથી ભારતમાં ઘૂસી આવીને પાસપોર્ટ કઢાવીને ઝડપથી નાગરિક બની જાય છે...

આજે સામાન્ય ભારતીયને અમેરિકામાં ઊતર્યા પછી પાંચ વર્ષે ગ્રીનકાર્ડ મળે છે. એ પછી બે વર્ષે નાગરિકતા મળે છે. તમે તમારા ભાઈ કે અન્ય સ્વજનને સ્પોન્સર કરો તો સાત વર્ષ લાગી જાય છે. એક ભાઈ અમેરિકાની ધરતી પર ઊતરે ત્યાંથી શરૂ કરીને એ અમેરિકન સિટીઝન થાય અને પોતાના ભાઈને બોલાવીને એને પણ અમેરિકન સિટીઝન બનાવે ત્યાં સુધીની પૂરી પ્રવૃત્તિને કાનૂન પ્રમાણે પંદરેક વર્ષ લાગે છે એવો અંદાજ છે.

અમેરિકાના કાયદા પ્રમાણે ‘એલિયન’ અથવા વિદેશી માણસ અમેરિકન નાગરિક બની શકે છે પણ એને એ પૂરા કાળ દરમિયાન વોટ આપવાનો અધિકાર મળતો નથી. અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં તો વકીલ કે ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરવી હોય તો પણ અમેરિકન નાગરિકત્વ જોઈએ છે! પણ અમેરિકાના નાગરિક થવા માટે તમે કાયદેસર પ્રવેશ્યા હો એ પહેલી શર્ત છે! એ દેશમાં તમે પાંચ વર્ષથી રહ્યા છો એ જરૂરી છે! અને જે રાજ્યમાંથી તમે નાગરિક થવા માટે અરજી કરી હોય ત્યાં ઓછામાં ઓછા છ મહિના તમે રહ્યા હો એ પણ જરૂરી છે! તમારી અરજીને બે અમેરિકન નાગરિકો (‘નૉન ટુ બી ટ્રૂથફુલ’ એટલે કે જે સત્યવાદી તરીકે જાણીતા છે!) એ ટેકો આપવો જોઈએ. એ પછી અરજદાર અને એના સાક્ષીઓની ઈમિગ્રેશન ઍન્ડ નેચરલાઈઝેશન સર્વિસ પરીક્ષક લે છે! આ પરીક્ષાનું તાત્પર્ય એ છે કે અરજદાર કાયદાની દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં...

અંતે અમેરિકા માટે વફાદારીના શપથ લેવા પડે છે. એ પછી ‘નેચરલાઈઝડ સિટીઝનશિપ’ના આદેશ પર ન્યાયાધીશ સહી કરે છે અને અરજદારને સર્ટિફિકેટ આપવામાં આવે છે. અમેરિકાના નવા નાગરિકને હવે વોટ આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે.

ભારતમાં પણ દરેક વિદેશી માટે સખત કાયદા હોવા જોઈએ. જે ગેરકાયદેસર ઘૂસ્યો છે એને સીમાની બીજી તરફ ફેંકી દેવો પડે જ! જેને કાયદેસર આવવું છે એને માટે ‘વર્ક પરમિટ’ અને ‘ગ્રીન-કાર્ડ’ જેવી વ્યવસ્થા હોવી જોઈએ. વિદેશીને આવો અધિકાર આપી શકાય, એને રાજકીય અધિકાર એટલે મતદાન! ગમે તે વિદેશી અહીં તરત જ પાસપોર્ટનો અધિકાર અપાય નહીં અને પ્રથમ રાજકીય અધિકાર બની જાય છે અને ગમે તે વિધાનસભ્ય કે સંસદસભ્ય એને ‘રેકમન્ડ’ કરીને પાસપોર્ટ મેળવી આપે છે એ તરત જ બંધ થવું જોઈએ. અમેરિકામાં જ્યાં સુધી પાંચ વર્ષનો વસવાટ થતો નથી ત્યાં સુધી ગ્રીનકાર્ડ મળતું નથી!

ભારતમાં પણ ગ્રીનકાર્ડ દ્વારા નાગરિક અને વિદેશી પ્રવેશકનો ભેદ સ્પષ્ટ થવો જોઈએ. વોટ લેવા માટે ગમે તેને નાગરિક બનાવી દેવાની રાજનીતિ ભયાનક સ્ફોટક છે. ભવિષ્યની પેઢીઓ માટે ટાઈમ-બૉમ્બ મૂકી જવા જેવી એ એક અક્ષમ્ય મૂર્ખતા છે...

Sunday, May 15, 2016

સાધના- મહેન્દ્ર પુનાતર

તપ અને સંયમ દ્વારા અંદર રહેલી સૂક્ષ્મ હિંસાને દૂર કરવી એનું નામ સાધના
જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


ધર્મમાં તપ અને સંયમનું સવિશેષ મહત્ત્વ છે. તપ અને સંયમ દ્વારા વૃતિઓને અંકુશમાં રાખી શકાય છે. પણ આ માટે તપ શું છે તે સમજવું જરૂરી છે. માત્ર ઉપવાસ કરવાથી કે ભૂખ્યા રહેવાથી તપ થઇ જતું નથી. જો આને તપ ગણાતું હોત તો દુનિયામાં એવા અસંખ્ય લોકો છે જેમને ભોજન નસીબ થતું નથી તેઓ પણ તપસ્વી ગણાય. તપમાં ભોજનનો સ્વેચ્છાએ ત્યાગ કરવા ઉપરાંત વૃત્તિઓને અંકુશમાં રાખીને ધર્મ આરાધના કરવાની છે. આમાં દેખાવ નહીં પણ અંતરની ભાવના હોવી જોઇએ. ઉપવાસ કર્યા પછી કે તપ કર્યા પછી શું ઉપલબ્ધ થયું તેનું નિરીક્ષણ કરવાનું છે. તપ અને સાધના કર્યા પછી આપણામાં કશું પરિવર્તન ન આવે તો સમજવું કે આમાં કાંઇક કચાશ છે. આ તપ અને સંયમનો ભાવ બહારથી થોપેલો નહીં પણ આંતરિક હોવો જોઇએ. સંયમ સમજણના પરિપાકરૂપે મનુષ્યને સહજપણે ઉપલબ્ધ થાય ત્યારે તેમાં દિખાવટ રહેતી નથી. એ મનુષ્યનો સ્વભાવ બની જાય અને કામ, ક્રોધ, લોભ અને મોહ એની મેળે દૂર થઇ જાય. જે વસ્તુ ઉપરથી લાદવામાં આવે છે અથવા સમજ્યા વગર કરવા ખાતર કરવામાં આવે છે ત્યારે તેનું યથાર્થ પરિણામ ઊભું થતું નથી. જે વસ્તુને આપણે વધારે પડતી દબાવીએ તે મોકો મળતા વરાળની જેમ બહાર નીકળી જાય છે. તપ અને સંયમમાં હઠ, દબાણ કે આગ્રહ કામયાબ નિવડે નહીં. દબાણ અને દેખાવ હોય ત્યારે માણસ વિભાજિત થાય છે. બહાર અને અંદર જુદું હોય છે. બહાર માણસ ધાર્મિક દેખાય છે પણ અંદર પોકળ. કેટલાક લોકો પોતાની વૃત્તિઓને દાબી દેવામાં કુશળ હોય છે. આ જાતનો સંયમ લાંબો સમય ટકતો નથી. ઉપરથી માણસ અહિંસક દેખાય, પરંતુ અંદર હિંસાની આગ જલતી હોય. ઉપરથી માણસ શાંત અને વિનયી દેખાય પરંતુ અંદર ક્રોધ ભભૂકતો હોય તો સમય આવ્યે અને બહાનું મળતા અંદર રહેલી આ વૃત્તિઓ બહાર આવ્યા વગર રહેતી નથી. વૃત્તિઓને સમજણપૂર્વક સાધના દ્વારા દૂર કરી શકાય તેને દબાવી શકાય નહીં.

જેને સ્વયંનો આધાર ન હોય અને બીજાને સહારે રહેવાનું હોય તે વસ્તુ લાંબો સમય ટકતી નથી. અસત્યને પણ ટકી રહેવા માટે સત્યનો ચહેરો ધારણ કરવો પડે છે. તેમ અસંયમને ઊભા રહેવા માટે સંયમનું મોહરું પહેરવું પડે છે. સત્ય શબ્દોમાં નહીં ભાવમાં રહેલું છે. શબ્દો ગમે ત્યારે બદલાવી શકાય છે. વાતને છુપાવવી, સ્વાર્થ હોય ત્યારે સાચું બોલવું, બોલવાનું હોય ત્યારે ચૂપ રહેવું અને ચૂપ રહેવાનું હોય ત્યારે બોલવું એ પણ અસત્યનો એક ભાગ છે. જીવનમાં દંભ આવે છે ત્યારે સત્યનો અંચળો ઓઢીને અસત્ય ગોઠવાઇ જાય છે. મન જ્યારે વિભાજિત હોય ત્યારે સત્ય રહેતું નથી. સત્યનો પ્રભાવ છે એટલે સમાજ સાચા માણસોથી ડરે છે પણ આ માટે અગ્નિપરિક્ષામાંથી પસાર થવું પડે છે. પાપ પણ પુણ્યનો ચહેરો લગાવીને જીતે છે. આ સંદર્ભમાં આપણે હિંસાને સૂક્ષ્મ સ્વરૂપમાં જોવી પડશે. હિંસા સૂક્ષ્મ સ્વરૂપે આપણી અંદર પ્રસરેલી છે. તે ક્રોધના રૂપમાં હોય, ધૃણાના કે તિરસ્કારના રૂપમાં હોય કે મોહ-માયાના આવરણ હેઠળ હોય. મનની અંદરના આ બધા કષાયો દૂર ન થાય ત્યાં સુધી આપણે સાચા અહિંસક બની શકીએ નહીં આપણે પ્રથમ આપણી અંદર રહેલી હિંસાને દૂર કરવી પડશે.

આ હિંસા દૂર થશે તો પ્રેમ એની મેળે પ્રગટ થશે. કોઇ પ્રત્યે દુર્ભાવ રહેશે નહીં. રાગ-દ્વેષ નાબૂદ થશે. પ્રેમ હોય ત્યાં હિંસા સંભવિત નથી. ઉપરથી તપ અને સંયમ હોય પણ અંદર સૂક્ષ્મ હિંસા રહેલી હોય તો તેનો કોઇ અર્થ નથી. હું અને તું છે ત્યાં સુધી હિંસા રહેવાની છે, આ મારું અને આ તારું છે ત્યાં સુધી વેરઝેર-ધૃણા અને તિરસ્કાર રહેવાનો છે. હિંસાના આ બધા ઇંધણો છે. આપણે કોઇને આપણા નહીં પણ બીજા સમજીએ ત્યાં સુધી અંદરની આ હિંસા દૂર થવાની નથી. બીજાને પોતાના સમજવાની જે ક્ષણો છે તે પ્રેમની ક્ષણો છે.

મનુષ્ય મોટે ભાગે પોતાના પર વધુ હિંસા કરતો હોય છે. માણસ પોતાની જાતને જેટલું દુ:ખ આપે છે, દમન કરે છે એટલું ભાગ્યે જ બીજા કોઇ સાથે કરે છે. માણસ ક્રોધ કરે છે બીજાને હેરાન કરવા માટે પણ ખૂદ પરેશાન થાય છે. કોઇને સતાવવા માટે આપણે રીબાવું પડે છે. કોઇને બંધનમાં રાખવા આપણે ગુલામ બનવું પડે છે. ક્રોધ શાંત બનીને થતો નથી. અંદરથી ઉકળવું પડે છે. અંદરથી જલન થાય છે ત્યારે આગ પ્રગટે છે. જે વ્યક્તિએ હિંસા પ્રત્યે જાગૃત થવું હોય તેણે પ્રથમ પોતાના પરની હિંસામાંથી બચવું પડશે. અંદરથી જ્યાં સુધી પરિવર્તન ઊભું નહીં થાય ત્યાં સુધી બહાર પ્રભાવ પડવાનો નથી. મોટાભાગના માણસો દંભનો અંચળો લગાવીને બેઠા હોય છે. માણસને સારા-સજ્જન દેખાવું છે પણ બનવુ નથી. પુણ્યશાળી બનવું છે પણ પાપ છોડવા નથી. દયા અને કરુણાનો સાચો ભાવ નથી. દુનિયાને બતાવવા માટે જે કાંઇ થાય તે સાચો ધર્મ નથી.

જીવનમાં કોઇ પણ વસ્તુ અતિ સારી નથી. મહાવીરની અહિંસાનો અર્થ છે આપણે એવી રીતે જીવીએ કે આપણી હસ્તીનો ખ્યાલ ન આવે. આપણે કંઇક છીએ તેવો ખ્યાલ જ જીવનના તમામ ઉપદ્રવોનું કારણ છે. દરેક માણસને હું છું એમ કહેવું પડે છે. બહાર દેખાવું છે એટલે દંભ અને દેખાવનો અંચળો ઓઢવો પડે છે. ધર્મ કહે છે જીવનમાં કોઇ પણ વસ્તુ અતિ સારી નથી. અતિ લાભ, અતિ ક્રોધ, અતિ ભોજન, અતિ નિદ્રા, અતિ ધન આ બધું ક્યાંય ને ક્યાંય દુ:ખ અને મુશ્કેલી ઊભી કરે છે. માણસનું સમગ્ર જીવન બે અતિ પર અટવાયેલું છે. આપણું મન એક અતિ પરથી બીજા અતિ પર જલદીથી સરકી જાય છે. એટલે ઘડીક દોસ્તી, ઘડીક દુશ્મની, ઘડીક પ્રેમ, ઘડીક ધૃણા, ઘડીક ક્રોધ તો ઘડીક ક્ષમાની લાગણી અને ભાવો ઊભા થયા કરે છે. આપણું મન કોઇને શીખર પર ચડાવી દે છે તો કોઇને નીચે ગબડાવી મૂકે છે. મન બે અતિ વચ્ચે રહી શકતું નથી. મન અતિ પર હોય ત્યારે તણાવ ઊભો થાય છે અને મન અતિ પર હોતું નથી ત્યારે શાંતિ અને સ્થિરતા સર્જાય છે.

મહાવીર ભગવાનનો ઉપદેશ તમામ આયામોમાં સંતુલન જાળવવાનો છે. આ માટે તેમણે સમ્યક શબ્દનો ઉપયોગ કર્યો છે. સમ્યક વિહાર, સંમ્પર્ક વ્યાયામ, સમ્યક ભોજન, સમ્યક નિદ્રા અને જીવનની તમામ પ્રવૃત્તિ સમ્યક બની જાય તો સંતુલન ઊભું થાય. સમ્યકનો સીધો સાદો અર્થ છે કાંઇ વધુ નહીં, કાંઇ ઓછું નહીં, બધુ પ્રર્યાપ્ત. જીવનમાં જે કાંઇ બને તે સ્વાભાવિક રીતે બનતું રહે. બધી વસ્તુઓનો સ્વીકાર દુ:ખ આવે કે સુખ બંનેને સમાન આવકાર કોઇને પકડવાની કે છોડવાની વાત નહીં. અસ્તિત્વનો નિયમ છે જે વસ્તુને આપણે પકડી રાખીશું તે છટકી જશે અને જેેને દૂર કરવાનો પ્રયાસ કરીશું તે વળગી રહેશે. દુ:ખને ઓછુ કરવાનો એક સરળ ઉપાય છે તેનો સહજતાથી સ્વીકાર.

ધર્મ કહે છે તમે કેવું કરો છો તેનું મહત્ત્વ નથી પણ તમે કેવા છો તેનું મહત્ત્વ છે. તમારી પાસે શું છે તેનું નહીં પણ તમારુ આચરણ કેવું છે તેની મહત્તા છે. મહાવીરની અહિંસાનો અર્થ છે આપણને ખબર ન પડે કે આપણે છીએ. આપણે છીએ તેવો ખ્યાલ જ જીવનના તમામ ઉપદ્રવોનું કારણ છે. એટલે જ દરેક માણસને કહેવું પડે છે કે હું છું. મારી સામે જુઓ, મારી હસ્તીનો ખ્યાલ કરો. સંયમી માણસો બહાર દેખાતા નથી. તેમને કશું પ્રદર્શિત કરવાનું રહેતું નથી. તેઓ પોતાની જાતને સંકોરી લે છે.

જીવનમાં તપ, સંયમ અને સંતુલન હશે તો મન સ્થિર અને શાંત રહેશે અને કોઇ સમસ્યા આપણને પરેશાન કરી શકશે નહીં.

એક વખત એક સંત પાસે એક ભક્ત આવ્યો અને તેમના પગમાં પડી ગયો અને કહ્યું: આપ સાક્ષાત ભગવાનના અવતાર છો. આપની ચરણરજ લઇને અને આપના દર્શન કરીને હું ધન્ય થઇ ગયો છું. સંત પ્રશંસા સાંભળતા રહ્યા પણ કશું બોલ્યા નહી.

થોડીવાર થઇ ત્યાં બીજો માણસ આવ્યો. તેને કાંઇક વાકું પડ્યું હશે તેણે આવતાંની સાથે કટુ વચનો અને ગાળો ભાંડવા માંડી અને તે ગાળો આપતા થાકી ગયો એટલે ચાલ્યો ગયો. આ સમયે પણ સંત કશું બોલ્યા નહીં સાંભળ્યા કર્યું.

હાજર રહેલા ભક્તોએ સંતને કહ્યું : આ માણસ ગેમ તેમ એલફેલ બોલી ગયો અને તમે કશું બોલ્યા નહીં. આવો અભદ્ર વહેવાર તમે કેમ સાંખી લીધો

સંતે કહ્યું તેણે મારી સાથે કશો અનુચિત વહેવાર કર્યો નથી. તે ખાતું સરભર કરી ગયો. તેણે માત્ર બેલેન્સિંગ કર્યું છે. હમણાં એક માણસ મને પ્રભુના સાક્ષાત અવતાર કહી ગયો હતો. તેણે એટલી મારી પ્રશંસા કરી કે મારું સંતુલન ડગી ગયું હતું. આ માણસે તેને સરખું કરી નાંખ્યું છે. હવે આ બે માણસો આવ્યા પહેલાં હું જે હતો તે થઇ ગયો છું. ખાતું સરભર થઇ ગયું. મગજ પર હવે કોઇ ભાર નથી.

જિંદગીમાં સંયમ દ્વારા આવું સમતુલન કેળવવું જરૂરી છે. અતિ પરથી ઊતરી જઇએ અને મધ્યમ માર્ગ અપનાવીએ તો બધું સરળ છે. આ માટે સમ્યક જ્ઞાન અને સમ્યક દૃષ્ટિ જોઇએ. મહાવીર આને સંયમ કહે છે. ધર્મ અને મુક્તિનો આ માર્ગ છે.

Monday, May 2, 2016

રહસ્યમય બંદૂકધારીઓ! - ચંદ્રકાંત બક્ષી

સ્વાગતમ્ રહસ્યમય બંદૂકધારીઓ!

હિંદુસ્તાનમાં પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓ જો ગુનેગારોને પતાવી નાખે તો? કદાચ ત્યાંની પ્રજાની જેમ અહીંની પ્રજા પણ ખુશ થાય! પણ આપણે અતિકાયદાબાજી, અતિલોકશાહી, અતિસ્વાતંત્રના પુરસ્કર્તા છીએ


બક્ષી સદાબહાર - ચંદ્રકાંત બક્ષી


હમણાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ એક ખાનગી પ્રવચનમાં એક વાત કહી: દરેક વ્યવસાયની જેમ પોલીસમાં પણ હવે મધ્યવર્ગીય, શિક્ષિત, બુદ્ધિમાન જવાનો યુવા ઑફિસરો તરીકે આવી ગયા છે. એ લોકો ઘણી વાર પૂછે છે: સર, આવા તદ્દન ક્રિમિનલ, ખૂની, બદમાશ, બળાત્કાર કરનારા, ડાકુઓ, દાણચોરોને શા માટે આપણે બચાવતા રહીએ છીએ? એમને નાગરિક તરીકેના બુનિયાદી હક્કો પણ શા માટે? એ લોકો જેમને મારી નાંખે છે, રેઈપ કરે છે, લૂંટી લે છે એ કમનસીબ વ્યક્તિઓના અધિકારોની એમણે કોઈ દિવસ ચિંતા કરી છે? જેમણે અસહાય માણસો માટે કોઈ દયા બતાવી નથી અને જે સરાસર દેશદ્રોહીઓ છે એમને રાષ્ટ્રપતિ પાસે જીવતદાનની ભીખ માગવાનો કયો હક્ક છે અને આવા ગુનેગારો જે વારંવાર એ જ ગુના કરતા રહે છે એમને જીવતા રાખવાની જરૂર શું છે? સમાજને એ કઈ રીતે ઉપયોગી થવાના છે? અને સમાજને ખર્ચે એમને એક દિવસ પણ શા માટે જીવતા રાખવા જોઈએ?

આ પ્રશ્ન  કદાચ ઘણા સામાન્ય માણસોને પણ થાય છે... અને મારા જેવા સામાન્ય નાગરિકને પણ થાય છે! ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા સદીઓથી સ્વતંત્ર, શિક્ષિત, વિકસિત દેશોના કાયદાઓ આપણા જેવા વિકાસશીલ, રૂઢિચુસ્ત, અંશત: અશિક્ષિત દેશ માટે કેટલી હદ સુધી સંગત છે? ત્રીજા વિશ્વનો સમાજ અભાવ, ગરીબી, કુરિવાજોમાં પીડાતો હોય છે. અહીં ધનિક જ ગરીબનું શોષણ કરે છે એવો રોમૅન્ટિક વિચાર રાખવાની જરૂર નથી. અહીં એક પગથિયું ઉપર બેઠેલો ગરીબ પણ એક પગથિયું નીચે બેઠેલા ગરીબોનું શોષણ કરે છે! ગુનેગારને રોકવામાં કાયદો અને ન્યાયાલય કેટલાં સફળ થયાં છે? એક એવો વિચાર પણ બૌદ્ધિકોમાં પ્રવર્તી રહ્યો છે કે આ દેશમાં ક્રિમિનલ લૉ (ફોજદારી કાયદો) નિષ્ફળ ગયો છે...

ઈન્ડોનેશિયામાં થોડી વિચિત્ર ઘટનાઓ બની. ૨૧ મે, ૧૯૮૩ની સવારે રાજધાની જાકાર્તામાં કુખ્યાત ગુનેગારોના ગોળીબારથી વીંધાયેલાં શરીરો મળ્યાં. દરેક શરીર પર વીંછીની આકૃતિ કોતરેલી હતી. આ વીંછી ગૅંગના ભયાનક ગુનેગારનાં શરીરોના ફોટા છાપાંઓમાં છપાયા - નીચે લખ્યું કે "રહસ્યમય બંદૂકધારીઓ એ એમનો નિકાલ કરી નાખ્યો છે. જુલાઈની ૨૭મીએ માહિતીમંત્રી અલી મર્તોપોએ ઘટસ્ફોટ કર્યો - આ વ્યવસ્થિત ગૅંગનો સરકારે નિકાલ કર્યો છે! સુરક્ષા અને સલામતી મંત્રાલયે આ ભયાનક ગુનેગારોને ખતમ કર્યા છે. દેશમાં સ્વાભાવિક રીતે જ અસ્થિરતા આવી ગઈ સરકારે હુકમ બહાર પાડ્યો કે આ જાતની વ્યવસ્થા વિશે કે શરીરો વિશે કોઈ છાપું કંઈ જ છાપી શકશે નહીં. એક અફસરે કહ્યું: "ગુનેગારોથી નાગરિકોને બચાવવા એ અમારી જવાબદારી છે...! પોલીસ અને સૈન્યની આવી મૃત્યુટોળીઓ માટે જનતાની હમદર્દી અને તરફદારી હતી.

ત્યાંની લોકસભાના સ્પીકર અમીર મહમૂદે કહ્યું: ‘ઈન્ડોનેશિયાની જનતાની સુરક્ષા માટે જો સેંકડો ક્રિમિનલોને મારી નાખવામાં આવે તો કોઈ વાંધો નથી.’ અને રાષ્ટ્રીય ઈન્ટેલિજન્સના અધ્યક્ષ યોગ સુગામાએ ઉમેર્યું: ‘મહત્ત્વની વાત એ છે કે લોકો રાત્રે નિર્ભયતાથી ફરી શકે છે અને સુરક્ષા-સલામતી પાછાં આવ્યાં છે.’

ઈન્ડોનેશિયાની શિક્ષિત પ્રજા સરકારની પક્ષધર બની ગઈ. મોટરો અને દુકાનો પર સ્ટિકરો અને બેનરો આવી ગયાં: "સ્વાગતમ્ રહસ્યમય બંદૂકધારીઓ! બેરીટા બુઆના નામના પત્રમાં હેડલાઈન મૂકી: ‘ખતમ કરી નાખો!’ એક વિદેશી કૂટનીતિજ્ઞે કહ્યું: ‘અહીંનો કાયદો એટલો ધીમો અને ભ્રષ્ટ છે કે લોકો આ ખૂનોને માફ કરી દે છે.’

લોકોનો પૂરો ટેકો હતો. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ આદમ માલિકે કહ્યું: ‘આ રહસ્યમય ખૂનો સાથે હું સંમત નથી. આપણી પાસે ન્યાયાલયો છે. જરૂર હોય તો ગુનેગારોને સવારે પકડો, બપોરે ફાંસીનો હુકમ કરો અને સાંજે ફાંસી આપી દો. તો એનું મૃત્યુ કાયદેસર થશે. અત્યારે જે થઈ રહ્યું છે એ કાયદાની બહાર થઈ રહ્યું છે.’

એક પરિણામ એ આવ્યું કે ગુનાનો ગ્રાફ તદ્દન નીચે બેસી ગયો!

હમણાં અમેરિકામાં એક વિચિત્ર કેસ થયો. એક છોકરીને રેઈપ કરીને સખ્ત મારવા માટે ત્રણ બળાત્કાર કરનાર જવાનોને જજ વિક્ટર પાયલે સજા સંભળાવી: ત્રીસ વર્ષની જેલ! અને જો આ ત્રણે ગુનેગારો એમનાં શિશ્નો  કપાવી નાખવાની હા પાડે તો એમની ત્રીસ વર્ષની જેલ માફ! અમેરિકામાં આંતરયુદ્ધ અથવા સિવિલ વૉર થઈ એ પહેલાં કોઈ પણ કાળો ગુલામ ગોરી સ્ત્રી પર બળાત્કાર કરવાના જુર્મમાં પકડાતો તો એની ઈંદ્રિય કાપી નાખવામાં આવતી. આ સજાએ અમેરિકામાં ઘણાને ચમકાવી મૂક્યા છે!

તેર બાળકોમાં ત્રીજો જન્મેલો હેનરી બ્રિસ્બન કાળો નિગ્રો મુસ્લિમ છે. એણે છોકરીને પકડીને નગ્ન કરી. પછી? એની યોનિમાં બંદૂક નાખીને બંદૂકનો ઘોડો દબાવી દીધો! અસહ્ય યાતનામાં તરફડતી છોકરીને એણે જોયા કરી! પછી થોડી મિનિટો બાદ એને ગોળીએ મારીને ખતમ કરી. જજે એને ૧૦૦૦થી ૩૦૦૦ વર્ષની જેલ કરી! એક જ વર્ષમાં જેલમાં સૂપ હલાવવાના લાકડાના ચમચાની ધાર કાઢીને એણે એક કેદીનું ખૂન કર્યું. એ કેસ વખતે વકીલે કહ્યું: ફાંસીના ન્યાય માટે આ જીવતોજાગતો કેસ છે! આવા માણસોનું શું કરીશું?

અમેરિકામાં ઈલેક્ટ્રિક ખુરશીમાં બેસાડે છે. જલ્લાદ ચાર વખત શરીરમાંથી ઈલેક્ટ્રિક કરંટ પસાર કરાવે છે. આ વિદ્યુત ૨૦૦૦ વૉલ્ટ શક્તિની હોય છે. આંચકા સાથે બંધાયેલું શરીર ફાટતું હોય એમ ઊછળે છે. આંખોના ડોળા બહાર આવી જાય છે, પછી ફાટે છે, પછી મગજ શેકાઈ જાય છે...

હિંદુસ્તાનમાં પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓ જો ગુનેગારોને પતાવી નાખે તો? કદાચ ત્યાંની પ્રજાની જેમ અહીંની પ્રજા પણ ખુશ થાય! પણ આપણે અતિકાયદાબાજી, અતિલોકશાહી, અતિસ્વાતંત્રના પુરસ્કર્તા છીએ. પણ નવી પેઢીના પોલીસ અફસરો પણ આવી ગયા છે, જે જાનના જોખમે ક્રિમિનલને પકડે છે અને જુએ છે કે એ ક્રિમિનલ જામીન પર છૂટી જાય છે, સજા થયા વિના છૂટી જાય છે, ફરીથી એ જ જૂનું કામ કરવા માંડે છે અને એ પોલીસ અફસરને ખતરામાં મૂકી શકે છે! ભારતમાં ‘એન્કાઉન્ટર’ કે ઝપાઝપી કે અથડામણમાં મરનારા ગુંડા ડાકુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કદાચ આપણા દેશમાં પણ ઈન્ડોનેશિયાની જેમ રહસ્યમય બંદૂકધારીઓને સ્વાગતમ્ કહેવાના દિવસો આવી રહ્યા છે?

સો ગુનેગારો ભલે છટકી જાય પણ એક નિર્દોષ ફાંસીને માંચડે ન ચઢવો જોઈએ. એંગ્લો સેક્શન ન્યાયસિદ્ધાંત આજના હિંદુસ્તાનમાં કેટલે અંશે ઉચિત છે?

કદાચ ૧૯૮૪માં સો ગુનેગારો એક આખી સરકાર કે આખો સમાજ કે એક આખું અર્થતંત્ર હલાવી શકે છે... અને એક નિર્દોષની જિંદગી એટલી કીમતી રહી નથી!

Sunday, May 1, 2016

હા, હું ગુજરાત છું. -જય વસાવડા

જય વસાવડા લિખિત આટલી સરસ અંજલિ ગુજરાતને ભાગ્યે જ કોઈએ આપી છે
પુનરાવર્તન કરવું ગમે તેવી આ ગુર્જર સ્તુતિ ફરી ફરીને share કરવાનું ગમે તેવી છે
આ ગુજરાત છે....... (

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.
જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.
ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.
શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત.
ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત...........

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું,
અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર ઘોળતું હું નરસિંહનુંપ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત !!!!!!!!!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ!
મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.........

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે,અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે........

વ્હાલા, હું ગુજરાત છું.
હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાન સંગાથે પાણી લઇ દાદા મેકરણ ઘુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.....


મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે.
પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે.
મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચેઅડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.


હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજમહેતાના ખાદીના ઝભ્ભાના સળમાંય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે.એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!

મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે,અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાંચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું... અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા,
રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે.સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલીઝમક છું. રવિશંકર રાવળ અને
કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માનાચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું,અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે.
હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.....

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિ ટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોંચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અનેમારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

હું ગુજરાત છું!


સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી.(Non-Resident Gujarati) છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું, પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાઉં છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું...........


મિયાં ફૂસકીની ટોપી અને ગલબા શિયાળની જામફળની ટોપલી યે મારી જ હતી. બકોર પટેલના હાથ પર પડતી વાઘજીભાઈની હું તાળી છું. મેં અનુભવી છે પીળા રૂમાલની ગાંઠની ભીંસ, સેના બારનિશની ચુસ્ત છાતીએ સંપુટ આપનારી મારી હથેળીના સળ ઉઠેલા છે. નૌતમલાલની ચાંદીની મૂઠવાળી લાકડીની ઠક ઠક મને હજુ સંભળાય છે. છ અક્ષરના નામમાંથી ઉઠેલો ત્રણ અક્ષરના નામનો સોનલવરણો પોકાર મારા કાળજે ત્રોફાય છે. મોબાઈલની કોલર ટયુનમાં નયનને બંધ રાખીને ગઝલ સંભળાય ત્યાં હું રણકું છું. પન્નાભાભી જાય છે, પણ આભડછેટ જતી નથી એ વિચારે હું ઝબકું છું. ઉપેન્દ્ર ત્રિવેદી-રમેશ મહેતાનો લહેકો પણ હું છું અને કાંતિ મડિયા- સિઘ્ધાર્થ રાદેરિયાનો રંગીલો ચટકો પણ હું છું. હું તોફાની ટપુડો છું, હું તુલસી વિરાણી છું, મારે ત્યાં કંકુ ખરે ને સૂરજ ઉગે છે,અને મારી આંખે કંકુના સૂરજ આથમે છે........
હા, હું ગુજરાત છું.

મારો બર્થ ડે છે, છતાં ય મને કેમ કોઈ ગંદકીથી દૂર નિર્મળ રાખતા નથી? કેમ મારા આખા ય શરીરની નસેનસમાં પડી ગયેલા ખાડા પુરાતા નથી? હજુ ય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો? આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે? ચકલીને ય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે? કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે? ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિ ગર્વ જ સાંભળીમારે માથું દુખાડવું પડશે? ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ? ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?

રિમેમ્બર, હું એડજસ્ટેબલ છું, ફ્લેક્સીબલ છું અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું. વેપાર મારી આવડત છે, નબળાઈ નથી. જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે. મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે. અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે... ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે. અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું! જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે, હું નર્મદા તીરે વિસ્તરેલો કબીરવડ છું.
હું બોસ છું.

બાપુ, હું ગુજરાત છું.

ધર્મ ભાવના - મહેન્દ્ર પુનાતર

અહિંસા, સંયમ અને તપ, ધર્મ ઉત્કૃષ્ટ મંગલ

જીવન અને ધર્મ જુદા નથી. એક સિક્કાની બે બાજુ છે. જીવન નહીં સમજાય તો ધર્મ સમજાશે નહીં. રાગ-દ્વેષ, ક્રોધ - અહંકાર, લોભ-લાલસા અને ઘૃણા-પૂર્વગ્રહ હોય તો એ સાચો ધર્મ નથી. બહારના દેખાવ કરતાં ભીતરનું પરિવર્તન અને જ્ઞાન કરતાં આચરણ વધુ મહત્ત્વનું છે


જિન દર્શન - મહેન્દ્ર પુનાતર


બાર ભાવનાઓ જમીનમાં પડેલા બીજ જેવી છે. તેની યોગ્ય માવજત થાય તો વટવૃક્ષ બનતા વાર લાગે નહીં. બીજને જેમ સારું પાણી, ખાતર અને સૂરજનો જોઈએ તેટલો તાપ મળે તો અંકુર ફૂટી નીકળે છે અને ધીરે ધીરે તેનો વિકાસ થાય છે. આત્મિક વિકાસ માટે પણ આ બાર ભાવનાનાં બીજો મનમાં ધરબાયેલા હોવા જોઈએ અને ચિંતન-મનન દ્વારા તેની યોગ્ય સંભાળ લેવાય તો તે ભાવનાઓ ફળ્યા વગર રહેતી નથી. આ બાર ભાવનાઓ જીવન પરિવર્તનની છે. જીવનને શુદ્ધ બનાવીને આગળ વધવાનો આ રાજમાર્ગ છે.

અનિત્ય ભાવનામાં આપણે જોયું કે જગતની પ્રત્યેક વસ્તુ એક ન એક દિન નષ્ટ થવાની છે. અહીં કશું કાયમી નથી. અશરણ ભાવનામાં જાણ્યું કે અહીં કોઈનું શરણ કામ આવતું નથી. આપણી પાસે ગમે તેટલી ધન-દોલત હોય, સત્તા અને શક્તિ હોય પણ અંત સમયે આમાંની કોઈ વસ્તુ આપણું રક્ષણ કરી શકતી નથી કે બચાવી શકતી નથી. સંસાર ભાવનામાં ખ્યાલ કર્યો કે સંસારમાં રાગ-દ્વેષ છે, ઈર્ષા છે, અદેખાઈ છે અને જીવન જીવવા માટે અનેક આપાધાપી કરવી પડે છે. આને કારણે કર્મોના જાળાઓ બંધાય છે. એકત્વ ભાવનામાં બોધ થયો કે આપણે એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ, કશું સાથે આવવાનું નથી. અન્યત્વ ભાવનામાં આપણે જોયું કે આપણું પોતાનું જેને માનીએ છીએ તે પણ આપણું પોતાનું નથી. અશુચિ ભાવનામાં એ બાબત પર પ્રકાશ પડ્યો કે દરેક વસ્તુ વહેલી-મોડી ર્જીણ થવાની છે. અશુદ્ધ થવાની છે. વસ્તુને ગમે તેટલી સાચવી રાખો પણ સમયની ધારામાં તે ઘસાતી જશે અને છેવટે નાશ પામશે. રૂપ અને સૌંદર્યનું પણ આવું જ છે. જુવાની પણ ટકવાની નથી. વૃદ્ધાવસ્થા આવશે. શરીર ર્જીણ થશે. કાયા બેવડ વળી જશે અને છેવટે તેનું અસ્તિત્વ રહેશે નહીં. જે વસ્તુ આજે સુંદર દેખાય છે તે કાલે ગમશે નહીં. આસ્ત્રવ ભાવનામાં જાણ્યું કે મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિથી કર્મો બંધાય છે. સંવર ભાવનામાં જોયું કે ઈન્દ્રિયોને વશ કર્યા વગર કર્મોને રોકી શકાય નહીં. નિર્જરા ભાવનામાં એ વસ્તુની સમજ પડી કે કર્મો આત્માની સાથે લાગેલા છે તેને દૂર કરવા માટે શરીરથી ઉપર ઉઠવાનું છે અને મનને અંકુશમાં રાખવાનું છે. અને આ માટે તપશ્ર્ચર્યા જરૂરી છે. લોક ભાવનામાં જોયું કે સકળ વિશ્ર્વ અને બ્રહ્માંડનાં રહસ્યોને સમજવાનું જરૂરી છે. તેનાથી આપણી હસ્તી અને હેસિયતનો ખ્યાલ આવે છે. આ ચિંતન માણસને આત્મસ્વરૂપનું દર્શન કરાવે છે. આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ અને આપણું કર્તવ્ય શું છે તેનું આમાંથી જ્ઞાન મળે છે. કુદરત અને પરમાત્માના તત્ત્વોને સમજવાનો આ રાહ છે. બોધિદુર્લભ ભાવનામાં મનુષ્યજન્મની સાર્થકતાની વાત જાણી. જીવનમાં જે કાંઈ પ્રાપ્ત થયું છે તે પરમાત્માની કૃપા છે તેનો અહેસાસ થયો. હવે આપણે છેલ્લી ધર્મ ભાવના અંગે વિચાર કરીશું.

કોઈ પણ માણસ પોતાના જીવનને સાત્ત્વિક અને આત્મિક રીતે સમૃદ્ધ ન કરે ત્યાં સુધી ધર્મને પામી શકે નહીં. માણસ સરળતાથી, સહજતાથી જીવે અને કોઈને અંતરાયરૂપ ન બને તો ઘણા દોષોમાંથી બચી જાય. હકીકતમાં જીવન એવી રીતે જીવવું જોઈએ જે ખુદ ધર્મ બની જાય. જીવન એ ધર્મનું પ્રથમ સોપાન છે. માણસ ગમે તેટલો ધાર્મિક હોય, પરંતુ જીવન જો કલુષિત હોય, રાગદ્વેષથી ભરેલું હોય, ક્રોધ - અહંકાર હોય, લોભ-લાલસા, ઘૃણા અને પૂર્વગ્રહ હોય તો એ ખરો ધર્મ નથી. કેટલાક માણસો મંદિરમાં, દેરાસરમાં કે ઉપાશ્રયમાં જેટલા નિર્દોષ અને ભાવમય દેખાય છે એટલા ઘરમાં હોતા નથી. મંદિરનો ધર્મ ઘર કે દુકાન સુધી પહોંચતો નથી. આપણે દેરાસરમાં ભગવાનના દરબારમાં હોઈએ છીએ એટલા પૂરતા જ ધાર્મિક હોઈએ છીએ. બાકીના સમયમાં ધર્મ રહેતો નથી. મંદિર કે દેરાસરના પગથિયાં ઊતરતા ઘર સુધી પહોંચીએ ત્યાં તો ધર્મ ઓસરી જાય છે. જીવનની દરેક પ્રવૃત્તિમાં ધર્મ રહેવો જોઈએ. ધર્મના સિદ્ધાંતોનું અનુશરણ થવું જોઈએ.

હાથમાં માળા અને મન બીજે ભટકતું હોય તો તેનો અર્થ શો છે? ધર્મ તરફ પ્રયાણ કરતા પહેલા જીવનને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. બાર ભાવનાનું ચિંતન એટલા માટે છે કે માણસ જીવનને સમજી શકે અને સુધારી શકે. માણસ મોટે ભાગે જીવનને સમજી શકતો નથી એટલે ધર્મને સમજવાનું મુશ્કેલ બને છે. જીવનને જેવું બનાવીએ તેવું બને છે. તેને જેવો આકાર આપીએ તેવો ઘાટ ઘડાય છે. પ્રેમ, દયા અને કરુણા એ જીવનના સ્ત્રોતો છે, તે જીવનને પારદર્શક બનાવે છે.

જૈન ધર્મમાં અહિંસા, સંયમ અને તપનું અનેરું મહત્ત્વ છે. અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે અને તપ તેનું તેજ છે. જૈન ધર્મમાં અહિંસાનો સૂક્ષ્મ સ્વરૂપે વિચાર કરવામાં આવ્યો છે. જગતના તમામ જીવો પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાની ભાવનાનો તેમાં ખ્યાલ કરાયો છે. જૈન ધર્મમાંથી અહિંસાને બાદ કરો તો કશું બચે નહીં. ભગવાન મહાવીરે કહ્યું છે કે ‘સર્વ જીવો પ્રત્યે આત્મભાવ રાખો. જેવું તમે તમારા માટે ઈચ્છો છો એવું બીજા માટે પણ ઈચ્છો.’ પ્રાણીમાત્ર સુખ ઈચ્છે છે. આ સુખનો ભાવ સ્વભાવગત છે. પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિ જીવનના તત્ત્વો છે. તેનો સંયમપૂર્વક ઉપયોગ થવો જોઈએ. ‘ધમ્મસ મૂલં દયા’ દયા ધર્મનું મૂળ છે. અને ‘જીવ વહો અપ્પ વહો’ જીવવધ એ જાતનો વધ છે. હિંસાથી દૂર રહેવાનો આમાં બોધ છે. હિંસાથી બંધાતાં કર્મોનું દુ:ખ અપાર છે. દુનિયામાં દુ:ખ, અશાંતિ અને અજંપો છે. દુ:ખ, વ્યથા, પીડા અને યાતના વધતી જાય છે. સાચા અર્થમાં કોઈ સુખી નથી. આ બધાનું કારણ શું છે? મહાવીર કહે છે આ બધાં દુ:ખોનું મૂળ હિંસા છે. હિંસાના કારણે જગત પીડિત છે. દુનિયાનાં દુ:ખોને રોકવા હશે તો હિંસાને રોકવી પડશે. કોઈને મારી નાખવાથી જ માત્ર હિંસા થતી નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ અને અહંકાર એ પણ હિંસા છે. મહાવીરે આ સૂક્ષ્મ હિંસા પર વિશેષ ભાર મૂક્યો છે. બહાર આપણને જે હિંસા દેખાય છે તે આ બધી સૂક્ષ્મ હિંસાઓનો આખરી વિસ્ફોટ છે. મહાવીર પ્રભુએ કહ્યું છે જાગૃતિથી ચાલો, બેસો, ઊંઘો, ખાવ, પીઓ, બોલો જેથી પાપકર્મો બંધાય નહીં. આમા સંયમની વાત છે. પ્રેમ, દયા, કરુણા અને અનુકંપા વગર દીક્ષા, ભિક્ષા, શિક્ષા, દાન, શીલ, તપ અને ધ્યાનનો કોઈ અર્થ નથી.

ભગવાન મહાવીરે કહ્યું છે કે ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે. ધર્મ એટલે અહિંસા, સંયમ અને તપ. આવો ધર્મ જે આચરે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે. તપશ્ર્ચર્યા દેહશુદ્ધિ અને આત્મશુદ્ધિ માટે છે. તેનો મુખ્ય હેતુ આત્મકલ્યાણ છે. તેમાં ત્યાગની છૂટવાની ભાવના હોવી જોઈએ. માન, માયા, લોભ, ક્રોધ, આસક્તિ અને વાસનાનો સંપૂર્ણ ક્ષય થવો જોઈએ. તપ અને ત્યાગનો મૂળ ઉદ્દેશ રાગ અને દ્વેષ પર વિજય મેળવવાનો છે.

ધર્મમાં દેખાવના બદલે આચરણ મહત્ત્વનું છે. આચરણની સાથે અંતરાત્માને બદલવાની જરૂર છે. આપણે શું કરીએ છીએ તેના કરતાં કેવા છીએ તે વધુ મહત્ત્વનું છે. આપણો અંદરનો આધાર જો પોલો હોય તો બહારનું આચરણ માત્ર દંભ અને ડોળ છે. દંભ વહેલો કે મોડો પ્રગટ થયા વગર રહેતો નથી. માણસનું અંદરનું અસ્તિત્વ ઠીક હશે તો બહાર તેવું ઉદ્ભવશે, પરંતુ અંદર મોહ, લોભ અને લાલસા હશે તો બહાર તેનું પ્રતિબિંબ પડ્યા વગર રહેશે નહીં. અંદર જે પડેલું છે તેને બહાર આવતા વાર લાગતી નથી.

ધર્મ એ જીવનનું ધારક બળ છે, પરંતુ ચારિત્ર એ પ્રાણ છે. ચારિત્રને, આચારને કોઈ કાળે ગૌણ ગણી શકાય નહીં. તેનું કાળજીપૂર્વક જતન થવું જોઈએ. આચાર વિનાના વિચારો ગમે તેટલા સમૃદ્ધ હોય તો પણ તેનાથી કોઈ અર્થ સરતો નથી. કોઈ પણ બાબત હોય આપણું જ્ઞાન સિમીત છે. ધર્મને જાણવાનું - સમજવાનું સરળ છે, પણ જીવનમાં ઉતારવાનું અતિ મુશ્કેલ. આપણે કેટલું બધું વાંચીએ છીએ, સાંભળીએ છે, સારું પણ લાગે છે, બીજાને શિખામણ પણ આપીએ છીએ પણ આપણા ખુદના જીવનમાં તે ઊતરતું નથી. માણસ ગમે તેટલો મોટો, સમર્થ અને શક્તિશાળી હોય પણ તેનામાં ચારિત્ર ન હોય તો તેની કોઈ કિંમત નથી. એવું જ્ઞાનની બાબતમાં છે. આજે માહિતી તો જોઈએ તેટલી મળે છે પણ જ્ઞાન મળતું નથી. જ્ઞાન એટલે સાચી સમજ અને આચરણ. ચારિત્ર અને વિવેક સાધનાના સ્થંભો છે. ધર્મનું સાચું અનુશરણ માણસને નિર્ભય બનાવે છે.

અહંકાર એ માણસનો સૌથી મોટો શત્રુ છે. ધન, પદ અને પ્રતિષ્ઠા સાથે અહંકાર આવતો જાય છે. માણસ જેમ ઊંચે ચડતો જાય તેમ તેને વધારે સંભાળવાનું હોય છે. ટોચ પર ગયા પછી સભાનતા ન હોય તો ગબડી પડતા વાર લાગતી નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર શત્રુઓ છે. ક્રોધ આવે છે ત્યારે સારા-નરસાનું ભાન રહેતું નથી. ક્રોધ ગાંડપણ છે, તેમાં ન કરવાનું કરી બેસાય છે. મહાવીર પ્રભુએ કહ્યું છે ‘કોહો પીઈ પણાસેઈ, માણો વિણયનાસણો ત્માયા મિતાણી નાસેઈ, લોહો સવ્વ વિણાસણો’ ક્રોધ પ્રીતિને નષ્ટ કરે છે. માન વિનયને નષ્ટ કરે છે, માયા મૈત્રીને નષ્ટ કરે છે અને લોભ બધાને નષ્ટ કરી નાખે છે.

ભગવાન મહાવીરે સાચા અર્થમાં મનુષ્ય બનવાનો અને પ્રેમપૂર્ણ જીવવાનો માર્ગ બતાવ્યો છે. સમય અને ક્ષેત્ર બે મહત્ત્વનાં તત્ત્વો છે. અભય ધર્મનો મૂળભૂત આધાર છે. સમગ્ર સંસાર સંયોગ છે. અનંત આત્માઓ છે અને આત્મા પરમાત્મા બનવાની ક્ષમતા ધરાવે છે. જે સમય અને સંસારથી પર છે તેનું નામ સામાયિક છે. વિતરાગનો અર્થ છે ન રાગ, ન વૈરાગ. આ બંનેથી પર થવું એટલે મુક્તિ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષનો માર્ગ છે. જ્યાં કોઈ જાતનું બંધન નથી. ન સુખનું, ન દુ:ખનું, ન દેહનું, ન મનનું. આ પરમ અવસ્થા છે. ધર્મ એ જીવનનું મંગલ છે, મુક્તિનો માર્ગ છે.

(આ સાથે બાર ભાવનાઓ પૂર્ણ)